Get The App

ગ્રીન મમી : સમયની સીલબંધ પેટીમાં છુપાયેલું રહસ્ય

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
ગ્રીન મમી : સમયની સીલબંધ પેટીમાં છુપાયેલું રહસ્ય 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

મૃ ત્યુ પછી માનવ શરીરમાં કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આકાર લે છે? કુદરત મૃત માનવ શરીરને સાચવવાની કોશિશ કરે છે? કે નષ્ટ કરવાની કોશિશ કરે છે? આ સવાલો સદીઓથી માનવજાતને આકર્ષે છે. જીવન અને મૃત્યુ વચ્ચેની સીમારેખા હંમેશા રહસ્યમય રહી છે. મૃત્યુ પછીના શરીરની જાળવણી એ માનવ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રાચીન કાળમાં ઇજિપ્તમાં રજવાડી ખાનદાન સાથે સંકળાયેલ લોકોના મૃતદેહને ખાસ પ્રક્રિયા કરીને 'મમી' સ્વરૂપે સાચવી રાખવામાં આવતા હતા. આજથી ૪૦૦ વર્ષ પહેલાં આવી જ એક ઘટના બની હતી. 

૧૯૮૭માં ઇટાલીના બોલોગ્ના શહેરમાં એક પ્રાચીન વિલાની ભોંયરામાં બાંધકામ કામદારોએ એક અદ્ભૂત શોધ કરી. જેણે વિજ્ઞાનીઓને લગભગ ચાર દાયકા સુધી આશ્ચર્યચકિત કરી દીધા હતા. તાંબાની શબપેટીમાં સીલબંધ હાલતમાં, ૧૨થી ૧૪ વર્ષના એક કિશોરના અવશેષો મળ્યા હતા. અહીં જે વાત ખરેખર અસાધારણ હતી, તે એ છે કે ''કિશોરનું આખું શરીર - ચામડીથી હાડકાં સુધી- લીલા રંગમાં રંગાયેલું હતું!'' આ વિશ્વની પ્રથમ અને એકમાત્ર લગભગ સંપૂર્ણ ''લીલાં મમી''હતી. ૩૮ વર્ષ સુધી આ રહસ્ય વણઉકેલાયું રહ્યું હતું. આ મમીનો હવે ''જર્નલ ઓફ કલ્ચરલ હેરિટેજ''માં પ્રકાશિત થયેલા સંશોધનથી રહસ્ય ઉકેલાયુ છે. વિજ્ઞાન જગત તેને ''ગ્રીન મમી'' તરીકે ઓળખે છે.

ભોંયતળિયે  છુપાયેલો ''લીલા''ખજાનો

મનુષ્યોએ હજારો વર્ષોથી મૃત્યુ પછી શરીરને સાચવવાની કોશિશ કરી છે. આ પ્રયાસો માત્ર વૈજ્ઞાનિક જિજ્ઞાસાથી નહીં, પરંતુ ધાર્મિક માન્યતાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસથી પ્રેરિત હતા. ઇજિપ્તનાં પ્રસિદ્ધ મમીઓ વિશે, આપણે બધા જાણીએ છીએ. જ્યાં કુદરતી રસાયણો અને જટિલ વિધિઓ વડે શરીરને હજારો વર્ષ સુધી સાચવ્યું હતું. પ્રાચીન ઇજિપ્તવાસીઓ માનતા હતા કે ''આત્મા શરીરમાં પાછો આવે છે, તેથી શરીરને અકબંધ રાખવું જરૂરી હતું.'' તેઓ નેટ્રોન  વડે શરીરને સૂકવતા, આંતરિક અવયવો કાઢી નાખતા, વિવિધ તેલો અને રેઝિન વડે શરીરને સાચવતા. પરંતુ ઇજિપ્ત એકમાત્ર સંસ્કૃતિ નથી, જેણે મમીકરણનો અભ્યાસ કર્યો હતો. દક્ષિણ અમેરિકાની ચિનચોરો સંસ્કૃતિએ ઇજિપ્ત કરતાં પણ ૨૦૦૦ વર્ષ પહેલાં મમીકરણ શરૂ કર્યું હતું. પેરુના ઇંકા સંસ્કૃતિએ પોતાની અનોખી પદ્ધતિઓ વિકસાવી હતી.  મૃત્યુ પછી શરીરને સાચવવાની જિજ્ઞાસા વૈશ્વિક અને કાલાતીત છે. કુદરત પોતે પણ વિચિત્ર રીતે શરીરને સાચવી શકે છે. ઠંડા વાતાવરણમાં બરફમાં સાચવાયેલા શરીર - જેમ કે આલ્પ્સ પર્વતમાં મળેલો ૫૩૦૦ વર્ષ જૂનો ''ઓત્ઝી'' નામનો આઇસમેન, સૂકા રણમાં કુદરતી રીતે મમી બનેલા શરીર એ કુદરતી મમીકરણના ઉદાહરણો છે. પીટ બોગ્સમાં એસિડિક પાણી અને ઓછો ઓક્સિજન હોય છે, ત્યાં માનવ શરીર હજારો વર્ષ સુધી સચવાય છે. આ બધા કિસ્સાઓમાં, માનવ શરીરના મમિફિકેશન પાછળ પર્યાવરણીય પરિબળો - તાપમાન, ભેજ, ઓક્સિજનની ઉપલબ્ધતા, અને રાસાયણિક પરિસ્થિતિઓ - નિર્ણાયક ભૂમિકા ભજવે છે.  ઉત્તર ઇટાલીમાં બોલોગ્ના જેવા સમૃદ્ધ શહેરોમાં, શ્રીમંત પરિવારો વિસ્તૃત અને ભવ્ય દફનવિધિઓ કરતા હતા. એ સમયે તાંબાની પેટીએ અત્યંત મોંઘો વિકલ્પ હતો. આજે  તેની કિંમત લગભગ ૨ કરોડ રૂપિયા જેટલી થાય! ડાબા પગ સિવાય, બાળકનું આખું શરીર - ત્વચા, માંસપેશીઓ, અને હાડપિંજર - એકદમ લીલા રંગમાં રંગાયેલું હતું. આ રંગ કોઈ સામાન્ય ડાઘ કે સપાટી પરનાં  રંગનાં પેચ નહોતો, બલ્કે એપિડર્મિસથી લઈને અસ્થિમજ્જા સુધી સર્વત્ર પ્રસરેલો સુંદર લીલો રંગ હતો.

''ગ્રીન મમી''નું રહસ્યોદ્ધાટન: 

સામાન્ય દફનવિધિ કેવી રીતે એક અસાધારણ વૈજ્ઞાનિક પ્રયોગમાં ફેરવાઈ ગઈ? જ્યારે છોકરાને તાંબાની પેટીમાં દફનાવવામાં આવ્યો ત્યારે, બે મહત્વની અને સમાંતર પ્રક્રિયાઓ શરૂ થઈ. પ્રથમ, તાંબું જંતુનાશક છે: તાંબાના આયનો સુક્ષ્મજીવોના કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. તેમના એન્ઝાઇમ્સને નિષ્ક્રિય કરી દે છે. એટલે કે તાંબાએ બેક્ટેરિયા, ફંગસ અને અન્ય સુક્ષ્મજીવોને ખતમ કરી નાખ્યા હતાં. સામાન્ય રીતે મૃત્યુ પછી બેક્ટેરિયા, શરીરને ઝડપથી વિઘટન કરી નાખે છે: માત્ર થોડા જ અઠવાડિયામાં નરમ પેશીઓ ગાયબ થઈ જાય છે. પરંતુ તાંબાની પેટીએ શરીરનું વિઘટન અટકાવ્યું. શરીરને ધીમે ધીમે સાચવ્યું. 

બીજી પ્રક્રિયા જરાં વધુ રસપ્રદ અને જટિલ હતી. જેમ કે કોઈ ફળ સડે ત્યારે રસ નીકળે છે તેમ, શરીર સડવા લાગ્યું ત્યારે તેમાંથી એસિડિક  પ્રવાહીઓ બહાર  નીકળવા લાગ્યા હતા. આ પ્રક્રિયામાં ખાસ કરીને તાંબાના સંયોજનો ''મેલાકાઇટ'' (Cu2CO3(OH)2) અને ''સ્યુડોમેલાકાઇટ'' (Cu5(PO4)2(OH)4) નામના સંયોજનો બન્યા હતાં. આ બંને સંયોજનો કુદરતી રીતે લીલા રંગના હોય છે. જે મોટા ભાગે તાંબાની ખાણોમાં અને જૂની તાંબાની વસ્તુઓ પર જોવા મળે છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે ''જેમ ચાની થેલીમાંથી રંગ ધીમે ધીમે પાણીમાં ફેલાય છે, તેમ તાંબાના આયનો શરીરમાં ફેલાય છે.''

અહીં એક અદ્ભૂત અને અભૂતપૂર્વ ઘટના બની : તાંબાના આયનોએ હાડકાંમાંના કેલ્શિયમને બદલવાનું શરૂ કર્યું! આ પ્રક્રિયાને ''આયોનિક સબસ્ટિટયુશન'' અથવા ''આયન વિનિમય'' કહે છે. મતલબકે એક તત્વની જગ્યાએ બીજું તત્વ ગોઠવાય છે. હાડકાં મુખ્યત્વે કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલાં હોય છે. તાંબા આયનો (Cu²+) ધીરે ધીરે કેલ્શિયમ આયનો (Ca²+) ની જગ્યા લેતા ગયા. આમ  તાંબા આયનોએ આખા શરીરને લીલા રંગથી રંગી દીધું હતું. આ પ્રક્રિયામાં એક અદ્ભૂત વાત એ હતી કે ''હાડકાં મજબૂત પણ રહ્યાં, અને લીલા પણ બની ગયાં!'' આ એક સુંદર વૈજ્ઞાનિક ઉદાહરણ છે કે ''કેવી રીતે રસાયણશાસ્ત્ર માત્ર વિનાશ જ નહીં, પરંતુ સર્જન અને રૂપાંતર પણ કરી શકે છે.''

પંચમહાભૂત : પ્રાચીન તત્વજ્ઞાન અને આધુનિક શોધનો  સંગમ

પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનમાં ''પંચમહાભૂત''- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશની વાત કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવે છે કે ''પાંચ તત્વો સતત પરિવર્તનશીલ છે, એકબીજા સાથે પ્રતિક્રિયા કરે છે.'' આ મમીનો કિસ્સો પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનને જ દર્શાવે છે. પૃથ્વી તત્વ (તાંબા ધાતુ અને માનવ શરીર), જળ તત્વ (શરીરમાંથી નીકળતા પ્રવાહીઓ), અગ્નિ તત્વ (રાસાયણિક ઊર્જા અને પ્રતિક્રિયાઓ), વાયુ તત્વ (ઓક્સિજનની ગેરહાજરી), અને આકાશ તત્વ (સમય અને અવકાશ), બધાએ મળીને એક આશ્ચર્યજનક વૈજ્ઞાનિક ઘટનાને જન્મ આપ્યો હતો. પરંતુ આ સંશોધનનું ભવિષ્ય શું છે? અને તે વિજ્ઞાન અને સમાજ માટે શું અર્થ ધરાવે છે? આ શોધ પુરાતત્વવિજ્ઞાન અને સંરક્ષણ વિજ્ઞાન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પરંપરાગત રીતે વૈજ્ઞાનિકો ધાતુઓને બે રીતે જોતા હતા : કાં તો તે નુકસાન કરે છે (કાટ લાગે છે, ડાઘ પડે છે, અવશેષોને બગાડે છે) અથવા મદદ કરે છે (જંતુઓને રોકે છે, બેક્ટેરિયા મારે છે). પરંતુ આ કિસ્સો બંને રીતનાં રાસાયણિક પરિણામોની સંયુક્ત અસર દર્શાવે છે. જેમાં તાંબાએ પહેલા રક્ષક તરીકે કામ કર્યું અને જંતુઓ અટકાવ્યા, પછી બીજી પ્રક્રિયા દ્વારા સક્રિય રૂપાંતરક તરીકે કામ કર્યું અને શરીરને રાસાયણિક રીતે બદલીને સાચવવાની પ્રક્રિયા કરી હતી. તાંબાની આ દ્વિ-ભૂમિકા એક નવી સમજણ આપે છે. આ અનોખી શોધનો અભ્યાસ કરવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની એક અદ્વિતીય ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં જિનેટિક્સ, એન્થ્રોપોલોજી, રેડિયોલોજી, ગણિત, ભૌતિકશાસ્ત્ર, કોમ્પ્યુટર સાયન્સ અને સંરક્ષણ વિજ્ઞાનના નિષ્ણાતો સામેલ હતા. આ બહુ-શાખાકીય ટીમ એ આધુનિક વિજ્ઞાનની એક શ્રે પદ્ધતિ છે. જ્યારે વિવિધ ક્ષેત્રોના જ્ઞાન સાથે મળે છે, ત્યારે જ જટિલ રહસ્યો ઉકેલાય છે.  આ સંશોધનનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ રોમ ટોર વેર્ગાટાની સંરક્ષણ વૈજ્ઞાનિક ડો. અન્નામારિયા અલાબિસોએ કર્યું હતું. 

દુર્ઘટના વરદાન બની ગઈ 

જેમ જેમ એસિડ એકઠું થતું ગયું, તેમ તેમ પેટીનું તળિયું રાસાયણિક હુમલાથી નબળું પડયું, આખરે તૂટી ગયું. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે પેટીના તળિયે સૌથી વધુ કાટ અને નબળાઈ હતી.  એ ભાગ ખવાઈ જતા, પગ નીચે પડી ગયા. જ્યારે બાકીનું શરીર સુરક્ષિત રહ્યું. પેટીનું તળિયું તૂટી જવાથી પ્રવાહીઓ બહાર વહી ગયા. સામાન્ય રીતે આ વાત નુકસાનકારક હોત, પરંતુ અહીં તે વરદાન બની ગઈ! પ્રવાહીઓ વહી ગયા પછી, પેટી ઠંડી, સૂકી અને ઓક્સિજનવિહીન થઈ ગઈ.  વિલાનું ભોંયતળિયું ઠંડું હતું, પેટી અંદરથી સીલબંધ હતી, અને ઓક્સિજન મર્યાદિત હતો - આ ત્રણ પરિબળોએ મળીને એક પ્રાકૃતિક સંરક્ષણ ચેમ્બર બનાવ્યું. આમ મૃતદેહને દીર્ઘકાલીન મમી સ્વરૂપે સાચવવા માટે આદર્શ સ્થિતિનું નિર્માણ આપોઆપ થઈ ગયું હતું. આ સમગ્ર પ્રક્રિયા આપણને યાદ અપાવે છે કે ''પ્રકૃતિ એક મહાન રસાયણશાસ્ત્રી છે. હજી સુધી કોઈ માનવી પ્રયોગશાળામાં આવું પરિણામ મેળવી શક્યો નથી. આ એક પ્રકૃતિએ કરેલો સ્વાભાવિક  રાસાયણિક પ્રયોગ હતો. જે સદીઓ સુધી ચાલ્યો, અને તેના પરિણામો અદ્ભૂત આપ્યાં છે.''

આ સંશોધન ભવિષ્યમાં આર્કિયોલોજિસ્ટ્સને અને મ્યુઝિયમ ક્યુરેટર્સને મદદ કરશે. દફનવિધિની પદ્ધતિઓ, સામાજિક પ્રથાઓ, અને રાસાયણશાસ્ત્રીય પ્રક્રિયાઓ વિશે આપણે વધુ શીખી શકીએ છીએ. દરેક તાંબાની વસ્તુ એક વાર્તા કહે છે - સદીઓથી ચાલતી રાસાયણિક પ્રતિક્રિયાઓની વાર્તા. હવે વૈજ્ઞાનિકો આવા ફેરફારોને ''નુકસાન'' તરીકે નહીં, પરંતુ ''મૂલ્યવાન માહિતી'' તરીકે જોશે. શું ભવિષ્યમાં આપણે જાણી જોઈને ધાતુઓનો ઉપયોગ, માનવ અવશેષોને સાચવવા માટે કરી શકીએ ખરાં? શું અન્ય ધાતુઓ - જેમ કે ચાંદી, સોનું, અથવા લોખંડ - પણ આવી જ રીતે શરીરને રૂપાંતરિત કરી શકે? અને શું આ પદ્ધતિનો ઉપયોગ આધુનિક સંરક્ષણ વિજ્ઞાનમાં અને મ્યુઝિયમોમાં થઈ શકે? જ્યારે આપણે જૂની તાંબાની મૂર્તિઓ કે પ્રાચીન મંદિરોના ઘંટ પર લીલો કાટ જોઈએ છીએ, ત્યારે શું આપણે તેને નવી દ્રષ્ટિએ જોઈ શકીએ - કે તે માત્ર કાટ નથી, પરંતુ સમયની સાથે રસાયણશાસ્ત્રની અદ્ભુત ''લીલા'' છે?