એક રહસ્યમય સપનું! જેની ભેદી ભૂતાવળમાંથી જગતની પહેલી સાયન્સ ફિક્શન નોવેલનો એ યુવતીએ પિંડ ઘડયો!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ફ્રેન્કેન્સ્ટાઇનની સર્જક મેરી શેલીની લવ સ્ટોરીનો અંજામ કેવો આવ્યો? એની વાર્તા પાછળ એ સમયના વિજ્ઞાનના કયા પ્રયોગો કારણભૂત હતા?
(ગયા રવિવારના સ્પેક્ટ્રોમીટર (7 ડિસેમ્બર)માં 1787માં જન્મેલી બિન્દાસ મેરીના લવ અફેરને હોરર સ્ટોરી લખવાની ચેલેન્જ વાંચી હશે, હવે આગળ ભાગ બીજો મેરી શેલીના શબ્દોમાં...)
'એ અસહ્ય ઉનાળામાં સતત વરસાદને કારણે અમે દિવસો સુધી ઘરમાં બંધ રહેતા. જર્મન અને ફ્રેન્ચમાંથી અનુવાદિત ભૂતની વાર્તાઓના કેટલાક ગ્રંથો અમારા હાથમાં આવ્યા. તેમાં અસ્થિર પ્રેમીની વાર્તા હતી, જેણે જ્યારે તેની દુલ્હનને આલિંગન આપવાનું વિચાર્યું, ત્યારે પોતાને અગાઉ એણે વાયદા આપી છેતરીને છોડેલી એવી સ્ત્રીના પ્રેતના હાથોમાં જોયો! તેમાં એવા વંશના પાપી સ્થાપકની ગાથા હતી, જેનું ભૂત તેનું વિશાળ પડછાયાવાળું હેમ્લેટના વર્ણનની જેમ, સંપૂર્ણ બખ્તરમાં સજ્જ હતું. મધરાતે ચંદ્રના અનિયમિત કિરણો દ્વારા, અંધકારમય રસ્તા પર ધીમે ધીમે આગળ વધતું જોવા મળતું. એનો આકાર સ્વસ્થ ઊંઘમાં સૂતેલા ખીલેલા પોતાના વંશના યુવાનોના પલંગ તરફ આગળ વધ્યો. જ્યારે તેણે નીચે ઝૂકીને છોકરાઓના કપાળ પર મોતનું ચુંબન કર્યું, એ યુવકોના દેહે દાંડી પરથી તૂટી ગયેલા ફૂલોની જેમ કરમાઈ જવાનું શરૂ કર્યુંં, ત્યારે એ ભૂત પિતૃના શ્રાપિત ચહેરા પર શાશ્વત દુ:ખ હતું.
મેં એક વાર્તા વિશે વિચારવાનું શરુ કર્યું. એક એવી વાર્તા જે આપણા સ્વભાવના રહસ્યમય ભયને સંબોધે, અને રોમાંચક ભયાનકતા જગાડે... એક એવી વાર્તા જે વાચકને આસપાસ જોતા ડરવા મજબૂર કરે, લોહીને થીજવી દે, અને હૃદયના ધબકારાને ઝડપી બનાવે! પણ એમ વિચારવાથી વાર્તા લખાતી નથી. 'શું તમને કોઈ વાર્તા સૂઝી?' મને દરરોજ સવારે પૂછવામાં આવતું, અને દરરોજ સવારે મારે અપમાનજનક નકારમાં જવાબ આપવો પડતો. દરેક વસ્તુની શરૂઆત હોવી જોઈએ : અને તે શરૂઆત અગાઉની કોઈ વસ્તુ સાથે જોડાયેલી હોવી જોઈએ. પણ કોની જોડે એનો મારી પાસે જવાબ શૂન્યમાં હતો.
મેં સાંભળેલું કે ભારતના હિન્દુઓની દંતકથાઓમાં પૃથ્વીને ટકાવતો એક હાથી છે. પરંતુ તે હાથી કાચબા પર ઊભો છે. શોધ શૂન્યમાંથી સર્જન કરવામાં નહીં, પરંતુ કેઓસ યાને અંધાધૂંધીમાંથી સર્જન કરવામાં રહેલી છે. સર્જકને આધાર માટે કોઈ સામગ્રી જોઈએ જેમાંથી કોઈ ઘેરો આકાર બનાવી શકાય. ઇનોવેશન કે આવિષ્કારની તમામ બાબતોના મૂળ કલ્પના હોય કે વિજ્ઞાન કોઈ વિષયની અમાપ ક્ષમતાઓમાંથી વિચાર પકડીને એને ઘડવાની શક્તિમાં રહેલા છે.
લોર્ડ બાયરન અને મારા પતિ શેલી વચ્ચે ઘણી લાંબી વાતચીતો થતી, જેની હું મૌન શ્રોતા હતી. વિવિધ દાર્શનિક સિદ્ધાંતોની ચર્ચા થતી. જીવન શું છે ને ક્યાંથી પ્રાણ આવે છે? તેઓ ડાર્વિન (ઉત્ક્રાંતિવાળા ચાર્લ્સ ડાર્વિનના દાદા એરામસ જે મેરીના પિતાને ત્યાં આવતા)ના પ્રયોગો વિશે વાત કરતા હતા. જેમણે કાચના પાંજરામાં એક અળસિયા જેવા જીવડાંનો એક ટુકડો સાચવ્યો, જેના પર ગેલ્વેનિઝ્મ જેવા વિદ્યુતના આંચકાથી એને હલનચલન કરાવવાના પ્રયાસ થયેલા. ગેલ્વેનિઝમનું આકર્ષણ મને પહેલેથી હતું.
ઇટાલિયન ડોક્ટર અને જીવવિજ્ઞાની લુઈજી ગાલ્વાનીને એનિમલ ઇલેક્ટ્રિસિટીના પ્રયોગોમાં એના સાથીદાર અને જેમના નામ પરથી બેટરીનો એકમ વોલ્ટ આવ્યો એ સંશોધક એલેઝાન્દ્રો વોલ્ટાને લીધે રસ પડેલો. એમણે વીજળીના આંચકાથી મૃત દેડકાના અંગો હલાવ્યા ત્યારે એને મડદાંમાં પ્રાણનો સંચાર માની જોનારા ચકિત થઇ ગયેલા! ૧૭૯૮માં ગાલ્વાનીના મૃત્યુ પછી, તેમના ભત્રીજા જિયોવાની અલ્ડીનીએ એ પ્રયોગોને નવી હલચલ આપી. તેમણે લંડનમાં ફાંસી અપાયેલા ગુનેગાર જ્યોર્જ ફોસ્ટરના મૃતદેહ પર જાહેરમાં એક પ્રદર્શન કર્યું. સ્થાનિક અખબાર, 'ધ ન્યુગેટ કેલેન્ડર'એ જે બન્યું તેનું વર્ણન કર્યું : 'ચહેરા પર પ્રક્રિયાના પહેલા જ પ્રયોગ વખતે, મૃતક ગુનેગારના જડબા ધૂ્રજવા લાગ્યા, અને આસપાસના સ્નાયુઓ ભયાનક રીતે વળી ગયા, અને એક આંખ ખરેખર ખુલી ગઈ. પ્રક્રિયાના પછીના ભાગમાં જમણો હાથ ઊંચો થયો અને મુઠ્ઠી વળી ગઈ, અને પગ તથા જાંઘમાં હલનચલન શરૂ થયું.' પછી આવા જ પ્રયાગો મરેલા કૂતરા પર ગેલ્વાનિઝ્મના થયા. શું વીજળી જીવનની ઉષ્મા લઇ આવતી ઉર્જા હતી?
આ વાતચીત પર રાત પસાર થઈ ગઈ, અને મોડેથી જ્યારે મેં મારું માથું ઓશીકા પર મૂક્યું, ત્યારે હું ઊંઘી નહોતી, કે હું વિચારતી હતી એમ પણ કહી શકાય નહીં. કદાચ મારી અચેતન મનની કલ્પનાએ મારો કબજો લીધો અને મને માર્ગદર્શન આપ્યું. જાણે મેં જાગતી આંખે સપનું જોયું! મેં જોયું-બંધ આંખોથી, પરંતુ તીવ્ર માનસિક દ્રષ્ટિથી-મેં ભેદી કળાના નિસ્તેજ વિદ્યાર્થીને, તેણે એકસાથે મૂકેલી ચીજોની બાજુમાં ઘૂંટણિયે પડેલો જોયો. મેં એક માણસના ભયાનક પ્રેત જેવા આકારને લંબાયેલો જોયો, અને પછી, કોઈ જીવનના સંકેતો બતાવતા શક્તિશાળી યંત્રના કામ કરવા પર એ ઓળો હલનચલન કરતો હતો. એ દ્રશ્ય ભયાનક હોવું જોઈએ, કારણ કે વિશ્વના સર્જનહારની જબરદસ્ત પદ્ધતિની મજાક ઉડાવવાનો કે એની સાથે છેડછાડ કોઈપણ માનવીય પ્રયાસનો પ્રભાવ અત્યંત ભયાનક હશે. તેની સફળતા પણ એના સર્જકને ડરાવશે; તે ભયભીત થઈને તેની ઘૃણાસ્પદ શોધથી દૂર ભાગી જશે. (આજે એઆઇ સાથે એવું નથી થતું?) તે આશા રાખશે કે, જો આ શોધને એકલી છોડી દેવાથી હજુ અધૂરી ચેતના ફરી નિર્જીવ થઇ જશે. એ ખૌફ્નાક શબના ક્ષણિક અસ્તિત્વને ઓલવી નાખશે જેને તેણે એક સમયે નવા જીવનના પારણા તરીકે જોયું હતું. એ ખતરો ટળ્યો એમ માનીને તે ઊંઘે છે : પરંતુ તે તેની આંખો ખોલે છે : જુઓ તે ભયાનક વસ્તુ તેના પલંગ પાસે ઊભી છે, તેના પડદા ખોલી રહી છે, અને તેને પીળી પાણીદાર અને તેજ તર્કની ધારવાળી આંખોથી જોઈ રહી છે.
આવા જાગૃત સ્વપ્નના ભયથી મેં આંખો ઉઘાડી. એ ડરામણા દ્રશ્યનો વિચાર મારા મનમાં એટલો ઘર કરી ગયો હતો કે મારામાંથી એક ધુ્રજારી પસાર થઈ ગઈ! અને મેં મારી કલ્પનાની ઘૃણાસ્પદ છબીને આસપાસની વાસ્તવિકતાઓમાં ફેરવી. હું તેમને હજી પણ જોઉં છું; તે જ ઓરડો, ઘેરી દેખાતી લાકડાની ફરસ, જેમાંથી ચંદ્રપ્રકાશ સંઘર્ષ કરીને આવી રહ્યો છે એવો બંધ દરવાજો, બહાર દેખાતા કાચ જેવું તળાવ અને સફેદ ઊંચા આલ્પ્સના પર્વતો. હું મારા એ ભયંકર ભૂતથી એટલી સરળતાથી છૂટકારો મેળવી શકી નહીં, એની બેચેની હજી પણ મને સતાવતી હતી. ઓહ, જો હું ફક્ત એક એવી વાર્તા બનાવી શકું જે મારા વાચકને ડરાવે જેમ હું પોતે તે રાત્રે ડરી હતી!
પ્રકાશ જેટલો ઝડપી અને તેટલો જ ઉત્સાહજનક વિચાર મારા મનમાં આવ્યો : 'મને તે મળી ગઈ મારી સ્ટોરી!' મારે ફક્ત તે ભૂતનું વર્ણન કરવાની જરૂર છે જેણે મારા મધ્યરાત્રિના ઓશિકાને સતાવ્યું હતું.' બીજા દિવસે મેં જાહેરાત કરી કે મને એક વાર્તા સૂઝી છે. મેં તે દિવસની શરૂઆત આ શબ્દોથી કરી, 'તે નવેમ્બરની એક નિરાશાજનક રાત હતી,'
શરૂઆતમાં મેં ફક્ત એક ટૂંકી વાર્તાના થોડા પૃષ્ઠો વિશે જ વિચાર્યું હતું, પરંતુ શેલીએ મને આ વિચારને વધુ લંબાવવા વિનંતી કરી. નિશ્ચિતપણે, મેં મારા પતિ પાસેથી એક પણ ઘટનાનું સૂચન, કે ભાગ્યે જ કોઈ લાગણીનું સૂચન પણ મેળવ્યું નહોતું, છતાં, તેમના ઉત્સાહ વિના, આ કથાનક સ્વરૂપમાં દુનિયા સમક્ષ રજૂ થયું તે સ્વરૂપ ક્યારેય લીધું ન હોત.
અને હવે, ફરી એકવાર, હું મારી આ ભયાનક સંતાન (ફ્રેન્કેન્સ્ટાઇન પુસ્તક)ને આગળ વધવા અને સમૃદ્ધ થવા માટે આદેશ આપું છું. મને તેના પ્રત્યે સ્નેહ છે, કારણ કે તે અમારા પ્રેમના સુખદ દિવસોનું સંતાન હતું, જ્યારે અમારા માટે મૃત્યુ અને દુ:ખ ફક્ત શબ્દો હતા, જે સાચે હૃદયમાં કોઈ પડઘો પાડતા નહોતા. તેના વિવિધ પૃષ્ઠો ઘણી બધી મુલાકાતો, ઘણી બધી સફરો અને ઘણી બધી વાતચીતો વિશે બોલે છે, જ્યારે હું એકલી નહોતી, અને મારો એક જીવનસાથી એવો હતો જેને હું હવે આ દુનિયામાં ક્યારેય જોઈ શકીશ નહીં.
જે ઘટના પર આ કાલ્પનિક વાર્તા આધારિત છે, જર્મનીના વિજ્ઞાનીઓ અસંભવિત નથી તેવું માનવામાં આવ્યું છે. પણ હું આવી કલ્પનાને સહેજે ગંભીર માન્યતા આપતી નથી. જે ઘટના પર મારી વાર્તાનો રસ આધાર રાખે છે તે માત્ર ભૂતો કે જાદૂની વાર્તાથી મુક્ત છે. તે જે પરિસ્થિતિઓ વિકસાવે છે, એમાં વિજ્ઞાનની રુચિ અને નવીનતાની વાત છે. ભલે તે હકીકત તરીકે અશક્ય હોય, તે માણસના પ્રયાગો માટે પ્રયાસોના જોશને દર્શાવવા માટે કલ્પનાનો એક દ્રષ્ટિકોણ પૂરો પાડે છે.
આ રીતે, મેં માનવ સ્વભાવના મૂળભૂત સિદ્ધાંતોની સત્યતા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે, ગ્રીસની કરૂણાંતિકા કવિતા હોમરનું ઇલિયાડ, શેક્સપિયરનું ધ ટેમ્પેસ્ટ અને મિડસમર નાઇટ્સ ડ્રીમ, અને ખાસ કરીને જોન મિલ્ટનનું સ્વર્ગમાંથી પતન પામતા ઈશ્વરના પુત્ર શેતાનનું પેરેડાઇઝ લોસ્ટ, આ નિયમનું પાલન કરે છે. કુદરતની રચનામાં, ઈશ્વરના ધારાધોરણમાં જે માનવ ફેરફાર કરવા જશે એના પરિણામો વ્યાપક હશે, પ્રભાવી હશે પણ બહુ સુખદ નહિ હોય. આ નમ્ર નવલકથાકાર તેના શ્રમમાંથી મનોરંજન આપવા કે મેળવવા માંગે છે. નૈતિક ઉપદેશ આપવાનો કોઈ ગર્વ નથી અહીં. પેલી શરતમાંથી આ (ફ્રેેન્કેન્સ્ટાઇન) વાર્તા એકમાત્ર એવી છે જે પૂર્ણ થઈ છે'
***
પણ એ વિલામાં વાર્તા લખવાનું શરુ કર્યા બાદ મેરીની જીવનકહાણીનું શું થયું?
સપ્ટેમ્બર ૧૮૧૬માં, મેરી, પર્સી અને ક્લેરે લંડનના સામાજિક વર્તુળોમાંથી કૌભાંડથી બચવા અને ક્લેરની ગર્ભાવસ્થા છુપાવવા માટે
જ્યાં આજે મેરી શેલીના નામનું મ્યુઝિયમ છે એ રોમનોએ સ્થાપેલા બ્રિટનના ટુરિસ્ટ સ્પોટ એવા બાથ ગામમાં સ્થળાંતર કર્યું. મેરી બાથ એબીની સામે ૫ એબી ચર્ચયાર્ડમાં રહેતી હતી, દરમિયાન ક્લેરે ૧૨ ન્યૂ બોન્ડ સ્ટ્રીટ પર રૂમ લીધો.
પોતાને વ્યસ્ત રાખવા માટે, મેરીએ બાથની લિટરરી એન્ડ ફિલોસોફિકલ સોસાયટી રૂમ્સમાં પ્રાયોગિક વિજ્ઞાન અને અન્ય વિષયો પરના વ્યાખ્યાનોમાં હાજરી આપી. તેની ડાયરીઓ દર્શાવે છે કે તે દરિયાઈ મુસાફરીના સાહિત્ય અને સર હમ્ફ્રી ડેવીના રસાયણશાસ્ત્ર પરના કામનું સંશોધન કરી રહી હતી. 'વિદ્યુત દીવો'ના શોધક હમ્ફ્રી ડેવી વીજળી બાબતે એના પિતા સાથે વાતો કરતા એ પણ એણે બચપણમાં રૂબરૂ સાંભળી ત્યારનો ઇલેક્ટ્રિસિટીમાં એને રસ પડેલો. એણે ગાલ્વાનીના મદદનીશ ડૉ. ચાર્લ્સ વિલ્કિન્સનને પણ સાંભળ્યા. એ કહેતા કે ભવિષ્યમાં વીજળીથી નિર્જીવ પદાર્થને ફરી જીવંત થઈ શકે છે. બાથમાં વિતાવેલા પાંચ મહિનામાં, ઓગણીસ વર્ષની મેરીએ તેની નવલકથા પર કામ કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેણીએ બાથ છોડયું, ત્યાં સુધીમાં 'ફ્રેન્કેન્સ્ટાઇન'નો મોટો ભાગ લખાઈ ગયો હતો.
બાથમાં જીવન મુશ્કેલ હતું. આર્થિક દેવા સાથે સંઘર્ષ કરી રહેલો પર્સી લાંબા સમય સુધી દૂર રહેતો, આશા રાખતો કે તેના નવા કાયમી ઘર માટે ધન મેળવી શકાય. મેરીને સાવકી બહેન કલેર સાથે ભળતું નહિ. એમાં મેરીનું માનસિક સ્વાસ્થ્ય ગગડી ગયું અને પર્સીની વારંવારની ગેરહાજરી તેને સહન કરવી મુશ્કેલ લાગી. એમાં માત્ર બે મહિનાની અંદર મેરીની જન્મદાતા માતાની અગાઉના સંબંધની દીકરી એવી સાવકી બહેન, ફેની ઇમ્લે, અને પર્સીની પ્રથમ પત્ની હેરિયેટ વેસ્ટબુ્રક, બંનેએ આત્મહત્યા કરી લીધી! - ફેનીએ લાઉડેનમનો ઓવરડોઝ લઈને અને હેરિયેટે ડૂબીને.
મેરી જેની સૌતન હતી એ હેરિયેટ પર્સી શેલીએ તેની બહેન એલિઝાને છેલ્લો પત્ર લખેલો એમાં એણે પર્સીને વિનંતી કરેલી કે તેના બાળકોને માસી એલિઝાની સંભાળમાં મૂકવામાં આવે. પણ પર્સી એ અવગણીને અદાલતે ચડયો. પછીના વર્ષે માર્ચમાં, ચેન્સરી કોર્ટે ચુકાદો આપ્યો કે પર્સી નૈતિક રીતે કસ્ટડી લેવા માટે અયોગ્ય છે અને બાળકોને એક પાદરીના પરિવાર સાથે મૂક્યા.
હેરિયેટના મૃત્યુના ત્રણ અઠવાડિયા પછી, મેરી અને પર્સીએ લંડનમાં લગ્ન કર્યા હતા. મેરીના પિતા વિલિયમ અને સાવકી માતા હાજર હતા. પછીના મહિને, ક્લેરે એક બાળકીને જન્મ આપ્યો, જેનું નામ એલેગ્રા રાખવામાં આવ્યું. ગર્ભાવસ્થા દરમિયાન, ક્લેરે બાયરનને પત્ર લખીને, તેની અને બાળકની સંભાળ રાખવા વિનંતી કરી હતી. છેલબટાઉ બાયરને ઉપેક્ષા રાખી માત્ર એટલું પૂછયું કે 'શું આ બાળક મારું છે?'
૧૮૧૭માં પર્સીએ માર્લો-ઓન-થેમ્સમાં એલ્બિયન હાઉસ લીઝ પર ખરીદ્યું. મેરી, પર્સી અને તેમનો પુત્ર વિલિયમ, ક્લેર અને તેની પુત્રી એલેગ્રા સાથે ત્યાં રહેવા ગયા. ૧૪મી મેના રોજ, મેરીએ ફ્રેન્કેસ્ટાઇન પૂર્ણ કર્યું. એલ્બિયન હાઉસમાં, તેણીએ તેના ત્રીજા બાળકને પણ જન્મ આપ્યો, એક પુત્રી જેનું નામ તેણે ક્લેરના નામ પરથી ક્લેરા રાખ્યું. ૧લી જાન્યુઆરી ૧૮૧૮ના રોજ, ફ્રેન્કેસ્ટાઇન, ઓર ધ મોર્ડન પ્રોમિથિયસ એક નાના લંડન પબ્લિશિંગ હાઉસ દ્વારા અનામી રીતે પ્રકાશિત કરવામાં આવ્યું.
પર્સીના વધતા દેવાંથી બચવાના પ્રયાસરૂપે બધા ઈગ્લેન્ડ છોડીને ઇટાલી ગયા. તેમનો સમય લેખન અને જોવાલાયક સ્થળોની મુલાકાતમાં વીતાવ્યો. આ પ્રવાસની વ્યવસ્થા એ આશામાં પણ કરવામાં આવી હતી કે વેનિસમાં રહેતા બાયરનને ક્લેર સાથેની તેની પુત્રી એલેગ્રા માટે મનાવી શકાય. બાયરને એલેગ્રાને ઉછેરવા માટે સંમતિ આપી, ક્લેરનો તેની કે બાળક સાથે કોઈ સંબંધ ન રહે તે શરતે.
પણ સુખ લાંબુ ના ટક્યું. સપ્ટેમ્બર ૧૮૧૮માં પર્સી અને મેરીની એક વર્ષની પુત્રી ક્લેરાનું મૃત્યુ થયું, જેનાથી મેરી ભારે હતાશામાં ડૂબી ગઈ. માત્ર થોડા મહિના પછી જૂન ૧૮૧૯માં, જ્યારે શેલીઝ રોમમાં હતા, ત્યારે તેમનો ત્રણ વર્ષનો પુત્ર વિલિયમ બીમાર પડયો. થોડા દિવસો પછી તેનું મૃત્યુ થયું અને પોતાની કૂખે જન્મેલા ત્રણે બાળકોને ગુમાવી ચૂકેલી મેરી ફરી એકવાર ડીપ ડિપ્રેશનમાં પડી.
પછી શેલી અને ક્લેર ઇટાલીના પીસામાં સ્થાયી થયા. મેરી ઘણીવાર શારીરિક રીતે બીમાર રહેતી. પર્સી એ સમયે અન્ય મહિલાઓમાં રસ લેવા લાગેલો. પણ નવેમ્બર ૧૮૧૯માં મેરીએ તેના ચોથા બાળક, પર્સી ફ્લોરેન્સને જન્મ આપ્યો. એ મેરીનું એકમાત્ર સંતાન હતું જે પુખ્ત વય સુધી પહોંચ્યું. આ સમયગાળામાં બાયરને કલેરથી થયેલી નાનકડી તેમની પુત્રી એલેગ્રાને કોન્વેન્ટમાં મોકલી દીધી. પાંચ વર્ષની એલેગ્રાનંર ત્યાં ટાઇફસથી મૃત્યુ થયું! મેરી ૧૮૨૩માં ઇંગ્લેન્ડ પાછી ફરી, જ્યારે ક્લેર રશિયામાં ગવર્નેસ તરીકે કામ કરવા માટે ગઈ.
મેરીને પર્સીના પિતા, સર ટિમોથી શેલી તરફથી થોડો ટેકો મળવાની આશા હતી. તેના બદલે, તેમણે તો આક્રમક રીતે તેમના પૌત્ર, પર્સી ફ્લોરેન્સની કસ્ટડી મેળવવાનો પ્રયાસ કર્યો. એક જબરદસ્ત કાનૂની લડાઈ પછી આખરે મેરીને દર વર્ષે ૨૦૦ પાઉન્ડનું ભથ્થું મળવાનું શરૂ થયું. કમાવાના દબાણમાં ૧૮૨૩માં મેરીએ 'વાલ્પરગા' નામની ઐતિહાસિક નવલકથા પ્રકાશિત કરી, ના એને પોતાને એ ખાસ લાગેલી ના વાચકોને લાગી.
ઇટાલીમાં, પર્સીને સેઇલિંગનો શોખ જાગ્યો, પણ એને તરતાં નહોતું આવડતું. એણે એરિયલ નામની એક બોટ ડિઝાઇન કરી. બાયરનના ભાવિ જહાજ સામે ટક્કર લેવા એને બહુ ઝડપી બનાવેલી. ૮મી જુલાઈ ૧૮૨૨ના રોજ, લિવોર્નોમાં બાયરનના ઘરેથી એરિયલમાં પાછા ફરતી વખતે, પર્સી, તેનો મિત્ર એડવર્ડ વિલિયમ્સ અને નૌકા સંભાળતો નોકર તોફાનમાં ડૂબી ગયા! પર્સી ત્યારે ૨૯ વર્ષનો હતો. એ સમાચારનો પત્ર આવતા મેરી સ્તબ્ધ થઇ ગઈ.
તોફાનના દસ દિવસ પછી, પર્સીનો મૃતદેહ દરિયાકિનારે જડયો. તેના જેકેટના ખિસ્સામાં કીટ્સની કવિતાના વોલ્યુમ પરથી તેના શાર્કના જડબામાં ખવાયેલા મૃતદેહની ઓળખ થઈ. માત્ર ચોવીસ વર્ષની મેરી હવે માતા, ત્રણ સંતાનો ને પ્રેમી પતિને ગુમાવીને વિધવા પણ બની ગઈ.
કથિત રીતે, શેલીના હૃદયે બળવાનો ઇનકાર કર્યો અને તેને જ્વાળાઓમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું ( ડોકટરો માને છે કે તે અગાઉના ક્ષય રોગના કારણે કેલ્સિફાઇડ થઈ ગયું હશે). પછીના વર્ષે, મેરીએ પર્સીની મરણોત્તર કવિતાઓ પ્રકાશિત કરી.
મેરી શેલીની બીજી નવલકથા,'માટિલ્ડા', જે ૧૯૫૯ સુધી અપ્રકાશિત રહી, તે એક યુવાન સ્ત્રીના જીવનને અનુસરે છે જેના પિતા તેના પ્રેમમાં પડે છે અને પોતાને રોકવા માટે આત્મહત્યા કરે છે. આ હસ્તપ્રતને મેરીના પિતા વિલિયમ દ્વારા 'ઘૃણાસ્પદ' કહેવાયેલી એટલે એણે છપાવી નહોતી. હા, મેરીની નવલકથા ધ લાસ્ટ મેન (૧૮૨૬) સારી વેંચાઈ. વિશ્વની પ્રથમ પોસ્ટ-એપોકેલિપ્ટિક (પ્રલય પછીની) નવલકથા ગણાતી ધ લાસ્ટ મેન ભવિષ્યવાણીની જેમ ૨૧મી સદીના રોગચાળાની વાર્તા કહે છે જે સમગ્ર પૃથ્વી પર ફેલાય છે. મેરીએ વધુ ત્રણ નવલકથાઓ પ્રકાશિત કરી : ધ ફોર્ચ્યુન્સ ઓફ પકન વારબેક (૧૮૩૦), લોડોર (૧૮૩૫) અને ફૉકનર (૧૮૩૭). વિવેચકોએ બધી વખોડી કાઢેલી.
પણ એક એવી નીકળી કે જેની માત્ર ૫૦૦ નકલ એ પણ લેખિકાના નામ વગર છપાઈ હતી એમાંનો ત્રણ ભાગનો એક સેટ એક બચ્યો એનું સપ્ટેમ્બર ૨૦૨૧માં ક્રિસ્ટી નીલામઘરમાં ઓકશન થયું ત્યારે ૧૧,૭૦,૦૦૦ ડોલરમાં વેંચાયો, જે એક મહિલા દ્વારા લખાયેલા પુસ્તકની વેલ્યુ આજે વર્લ્ડરેકોર્ડ છે! એવો શું જાદૂ હતો એ ફ્રેન્કેન્સ્ટાઇનમાં? ને કેવી રીતે એણે સાયન્સ ફિક્શનના પાયા નાખ્યા? ને મેરીના જીવનમાં આખરે શું થયું? જીવતેજીવ સુખ મળ્યું એને? એવું એની પાસે શું હતું જેને લીધે એ મશહૂર જ નહિ અમર બની ગઈ? જે આપણે આજે સાવ ખોઈ નાખ્યું છે સમાજ અને શિક્ષણમાં?
આવતા રવિવારે આ ટ્રાયોલોજીનો અંતિમ ભાગ ચૂકતા નહિ!
ફાસ્ટ ફોરવર્ડ
'કોઈ માણસ કશુંક ખરાબ જાણી જોઇને પસંદ નથી કરતો. એ સુખ સમજીને પોતાને માટે સારું શોધવા જતા અજાણતા ખરાબ પસંદ કરી લે છે.' (મેરી શેલી)

