Get The App

મહર્ષિ અરવિંદ પાસેથી યોગ પ્રક્રિયાનું જ્ઞાન મેળવી યોગી દિલીપકુમાર રૉયે દૈવી અનુભૂતિ પ્રાપ્ત કરી હતી

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
મહર્ષિ અરવિંદ પાસેથી યોગ પ્રક્રિયાનું જ્ઞાન મેળવી યોગી દિલીપકુમાર રૉયે દૈવી અનુભૂતિ પ્રાપ્ત કરી હતી 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- મહર્ષિ અરવિંદના નિર્વાણ પછી ભારત સરકારે દિલીપકુમારને અને ઇન્દિરાદેવીને ભારતની આધ્યાત્મિક ચેતનાના પ્રસાર માટે વિશ્વના પ્રવાસે મોકલ્યા હતા

દિ લીપકુમાર રૉય ભારતના વિખ્યાત સંગીતકાર, ગાયક, લેખક, કવિ અને યોગી હતા. ૧૯૬૫માં સંગીત નાટક અકાદમી, ભારતની રાષ્ટ્રીય સંગીત, નૃત્ય અને નાટક અકાદમીએ એમને આજીવન ઉપલબ્ધિ માટે એમનું સર્વોચ્ચ સન્માન સંગીત નાટક એકેડેમી ફેલોશિપ આપ્યું હતું. બંગાળી કવિ, નાટકકાર અને સંગીતકાર દ્વિજેન્દ્રલાલ રૉય તેમના પિતા હતા. દિલીપકુમારને બાળપણથી સંસ્કૃત, અંગ્રેજી રસાયણવિજ્ઞાન અને ગણિતમાં અભિરૂચિ હતી. કોલકાતાની પ્રેસીડેન્સી કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં તે સુભાષચંદ્ર બોઝની નજીક આવ્યા. ગણિતમાં પ્રથમ શ્રેણીય સન્માનની સાથે તે ૧૯૧૯માં ટ્રિપોસ (ફાઈનલ ઓનર્સ પરીક્ષા) માટે તે કેમ્બ્રિજ ગયા.

યુરોપની આ ૩ વર્ષની યાત્રા પૂર્વે જ એમની કિશોરાવસ્થામાં તે સંગીતના મર્મજ્ઞા  ભાતખંડેનાં વ્યક્તિગત પ્રભાવમાં આવી ગયા હતા. ૧૯૨૦માં તેમણે પાશ્ચાત્ય સંગીતની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી. ઇન્ટરનેશનલ પીસ એન્ડ ફ્રીડમ સોસાયટીના માધ્યમથી રૉયને આમંત્રિત કરીને રોમા રોલૉએ એમના માટે લુગાનોમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પર એક સેમિનારની વ્યવસ્થા કરી અને તેમના વ્યાખ્યાનોની ફ્રેન્ચમાં અનુવાદ કરાવી તે પ્રકાશિત કરાવ્યો. આ તબક્કે દિલીપકુમાર રૉયની મુલાકાત બટ્રાર્ન્ડ રસેલ, હરમન હેસ અને જોજેસ ડુહામેલ જેવી મહાન વ્યક્તિઓ સાથે થઈ. રોમા રોલાઁ (Romain Rolland) એ એમની ડાયરી ઇન્ડે (Inde) માં દિલીપકુમાર રૉયનો વારંવાર ઉલ્લેખ કર્યો છે અને એક અદ્ભુત પ્રતિભાસંપન્ન ગાયક તરીકે તેમની ભરપૂર પ્રશંસા કરી છે.

ભારત પાછા આવ્યા બાદ દિલીપકુમાર ભાતખંડે સાથે જોડાઈ ગયા. તે પછી તેમણે અબ્દુલ કરીમ, ફૈયાઝ ખાઁ, ચંદન ચૌબે, ગૌરીશંકર મિશ્ર, સુરેન્દ્રનાથ મજૂમદાર અને હાફિઝ અલી ખાઁ જેવા સંગીતકારો પાસેથી પણ પ્રશિક્ષણ લીધું. રવીન્દ્રનાથ ટાગોર પણ એમનાથી પ્રભાવિત થયા હતા અને એમને એક પત્ર લખ્યો હતો જેમાં કહ્યું હતું - મને તમારા પ્રત્યે સાચો સ્નેહ છે. મારું હૃદય તમારી શુદ્ધ સત્યવાદિતા અને સ્પષ્ટવાદિતાથી આકર્ષિત થયેલું છે. મહાત્મા ગાંધીજીએ એમના ભજનો સાંભળવા બહુ ગમતા હતા. અને તે કહેતા હતા - દિલીપકુમાર જેવો મધુર કંઠ જગતમાં ભાગ્યે જ કોઈને મળ્યો હશે. પોતાના ગુરૂ દિલીપકુમાર રૉય વિશે સુબ્બુલક્ષ્મીએ લખ્યું છે - દિલીપકુમાર ગાય છે ત્યારે એવું લાગે છે કે આ વ્યક્તિગત આત્માનો પ્રવાહ છે જે બ્રહ્માંડીય આત્મા દ્વારા આલિંગન કરવાની લાલસા રાખતો હોય એવું પ્રતીત થાય છે. ૧૯૩૦ના દશકના અંતમાં સુબ્બુલક્ષ્મી અને દિલીપકુમાર રૉયે એક સાથે બે ગીત ગાયા હતા - વંદે માતરમ્ અને ધનો ધન્ય પુષ્પે બોરા.

યુરોપની એમની બીજી મુસાફરી બાદ ૧૯૨૮માં દિલીપકુમાર મહાન યોગી મહર્ષિ અરવિંદના પોંડિચેરી આશ્રમમાં લાંબો સમય રહ્યા હતા. તે દરમિયાન તેમણે મહર્ષિ અરવિંદને ૨૦૦૦થી પણ વધુ પત્રો લખ્યા હતા અને મહર્ષિ અરવિંદે તેમાંથી લગભગ ૧૦૦૦ જેટલા પત્રોના જવાબ પણ આપ્યા હતા. આ પત્રો યોગસાધકોને યોગને લગતું ઊંડું જ્ઞાન પ્રદાન કરે તેવા છે. અરવિંદ આશ્રમમાં મહાત્મા દિલીપકુમારને શક્તિ અવતરણનો સાક્ષાત્કાર પણ થયો હતો. મહર્ષિ અરવિંદે તેમને કહ્યું હતું, 'ભક્તિ અને કર્મ તારી પ્રકૃતિની પ્રબળ શક્તિ છે. એને કાવ્ય અને સંગીતમાં ઉતારી દે એટલે તને જરૂર આત્મ સાક્ષાત્કાર અને ઇશ્વરની અનુભૂતિ થશે.' મહાત્મા દિલીપકુમાર થોડો સમય મહર્ષિ રમણના સાન્નિધ્યમાં પણ રહ્યા હતા ત્યાં તેમને પરમ શાંતિનો અનુભવ થયો હતો. મહર્ષિ અરવિંદ અને પૂ. માતાજીને તે પોતાના ગુરૂ માનતા હતા.

મહર્ષિ અરવિંદે માર્ગદર્શન આપ્યું હતું તે પ્રમાણે કવિ, સંગીતકાર દિલીપકુમારે યોગ સાધના શરૂ કરી દીધી હતી. તેમાં ભક્તિ અને સંગીતનો પણ સમાવેશ થયેલો હતો. તેમને વારંવાર દિવ્ય અનુભૂતિ થવા લાગી હતી. પૂ. માતાજીએ તેમના મસ્તક પર હાથ મૂકી આશિષ આપ્યા ત્યારે જ તેમને અલૌકિક આનંદની અનુભૂતિ થઈ ગઈ હતી. યોગી કૃષ્ણપ્રેમ (કેમ્બ્રિજના પદવીધારી રોનાલ્ડ નિક્સન) સાથે તેમનો નિકટનો સંબંધ હતો. યોગી કૃષ્ણપ્રેમ ને ભગવાનના દર્શન થયા હતા એ બાબતનો વિચાર કરતાં તે એક દિવસ ગ્લાનિ અનુભવી રહ્યા હતા કે મને ભગવાનના દર્શન ક્યારે થશે ? તેમણે પરમ ઉત્કટ ભક્તિભાવે પ્રાર્થના કરી અને એમને ભગવાનના ચરણારવિંદના દર્શન થયા. એ દિવ્ય અનુભૂતિનું વર્ણન એમણે એક કાવ્યમાં રજૂ કર્યું છે તેમાં તે લખે છે - 'હે પ્રભુ, મને તારા ગુલાબી ચરણના દર્શન થઈ રહ્યા છે. તારી વિશ્વ વિમોહિની વેણુનો મધુર નાદ મને સંભળાઈ રહ્યો છે.'

એકવાર દિલીપકુમાર હિમાલય પાસે અલમોડા નજીક આવેલા શ્રીકૃષ્ણ પ્રેમના ઘેર એમને મળવા ગયા ત્યાં તેમણે એમના ભક્તિભાવની પરાકાષ્ઠામાં એક સુંદર ભજન ગાયું. ભજન પુરું થયા બાદ શ્રીકૃષ્ણપ્રેમ અને એમના ગુરુ યશોદા મા તેમની પાસે દોડી આવ્યા અને કહેવા લાગ્યા - 'તમે કૃષ્ણના દર્શન કર્યા ? તમારી બાજુમાં ઊભા રહીને પ્રસન્નવદને તે તમારા ભજન સાંભળી રહ્યા હતા. તે તમારા તરફ પ્રેમભરી દ્રષ્ટિએ જોઈ પણ રહ્યા હતા.' મહાત્મા દિલીપકુમારના આનંદનો પાર ન રહ્યો. મારા ભજન ભગવાન શ્રીકૃષ્ણે પ્રત્યક્ષ આવીને સાંભળ્યા એ જાણી એ ધન્યતા અનુભવી રહ્યા.

મહર્ષિ અરવિંદની આજ્ઞાથી તેમણે ઇન્દિરા દેવીને તેમની માનસ-પુત્રી અને શિષ્યા બનાવી. મહર્ષિ અરવિંદના નિર્વાણ પછી ભારત સરકારે દિલીપકુમારને અને ઇન્દિરાદેવીને ભારતની આધ્યાત્મિક ચેતનાના પ્રસાર માટે વિશ્વના પ્રવાસે મોકલ્યા હતા. મહર્ષિ અરવિંદની કૃપાથી તેમની કુંડલિની જાગૃત થઈ ગઈ હતી અને તે ષડ્ચક્રોનું ભેદન કરી સહસ્રાર ચક્રમાં પહોંચી બ્રહ્મરંધ્રમાંથી સ્ત્રવતા અમૃત રસનો આસ્વાદ પર બ્રહ્મનો સાક્ષાત્કાર પણ કરાવનાર બની ગઈ હતી.

એક દિવસ તે ધ્યાન-યોગની સ્થિતિમાં પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે પરમ આનંદ અને શાંતિનું અવતરણ થયું હતું. તે સહસ્રાર ચક્રમાંથી નીચે ઊતરી બીજા બધા ચક્રોમાંથી પસાર થઈ છેક નીચે મૂલાધાર ચક્ર સુધી પહોંચી ગયું હતું. આ અલૌકિક શાંતિ અને આનંદની મસ્તી ઘણા લાંબા સમય સુધી ટકી રહી હતી. ઇન્દિરાદેવીમાં પણ અનેક યોગસિદ્ધિઓ વિકસી હતી. મહાત્મા દિલીપકુમાર ભક્તિગીત-ભજન ગાય ત્યારે ભાવ સમાધિની સ્થિતિમાં તે ઊતરી જતાં. તેમને બાલકૃષ્ણ, યશોદા મૈયા અને રાધારાણીના પ્રત્યક્ષ દર્શન થઈ જતાં હતા. તેમણે અનેકવાર ભગવાન શ્રીકૃષ્ણની વેણુ સાંભળી હતી. ૨૨-૧-૧૮૯૭ના રોજ જન્મેલા મહાત્મા દિલીપકુમાર રૉય ૬-૧-૧૯૮૦ના રોજ પુણેના હરિકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીહરિનું નામ ગાતા ગાતાં ગોલોક સિધાવી ગયા હતા.