- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'મને એક વાત સમજાઈ ગઈ હતી કે ટકી રહેવા માટે તમારામાં પેશન હોવું જોઈએ, અને મનમાં હંમેશા શ્રદ્ધા રહેવી જોઈએ કે મેરા ટાઈમ આયેગા. તમારે ખુદને કહેતા રહેવું પડે કે તક મળતાં જ હું લોકોને મારી પ્રતિભાનો પરચો આપી દઈશ અને ત્યાં સુધી હું સતત શીખતો રહીશ...'
ફિ લ્મલાઇનમાં કહેવાય છે કે કોઈ પણ ડિરેક્ટરની બીજી ફિલ્મ ખાસ્સી નિર્ણાયક હોય છે. પહેલી ફિલ્મની સફળતા ફ્લુક હોય, એટલે કે ફિલ્મ અઠ્ઠેગઠ્ઠે - અકળ કારણોસર ચાલી ગઈ હોય તેમ બને... પરંતુ ડિરેક્ટરની અસલી તાકાત એની બીજી ફિલ્મમાં મપાઈ જતી હોય છે. આ માપદંડ અનુસાર, 'ધુરંધર' જેવી અફલાતૂન ફિલ્મ આપનાર આદિત્ય ધર જો આજકાલ ઝાલ્યા ઝલાતા ન હોય તો તે સમજી અને સ્વીકારી શકાય તેવું છે! આદિત્ય ધર 'ધુરંધર'ના માત્ર ડિરેક્ટર નથી, તેઓ આ ફિલ્મના લેખક અને સહનિર્માતા પણ છે.
આદિત્યની પહેલી હિટ ફિલ્મ એટલે 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' (૨૦૧૯). આ ફિલ્મે જ વિકી કૌશલને બોલિવુડના મેઇનસ્ટ્રીમ કમર્શિયલ હીરોની ઝળહળતી પંગતમાં હકથી બેસાડયો હતો. હવે 'ધુરંધર'ને કારણે રણવીર સિંહના કરીઅરની હાલકડોલક થઈ રહેલી નૈયા સ્થિર થઈ શકી છે અને એ પાછો રાજાપાઠમાં આવી ગયો છે. જાસૂસી-થ્રિલર 'ધુરંધર' જોઈને ઓડિયન્સને એટલી મજા પડી ગઈ છે કે તેમણે અત્યારથી એની સિક્વલની રાહ જોવાનું શરૂ કરી દીધું છે.
'ધુરંધર'ને કંઈ પહેલેથી જ બે ભાગમાં બનાવવાનું પ્લાનિંગ નહોતું. ફિલ્મ એક જ ભાગમાં બનવાની હતી. સ્ક્રિપ્ટ એ જ રીતે લખાઈ હતી, પણ શૂટિંગ દરમિયાન ખાસ્સું ઇમ્પ્રોવાઇઝેશન થતું ગયું. કાગળ પર લખાયેલાં નહોતાં તેવાં દ્રશ્યો-સંવાદો પણ આદિત્ય ધર પોતાના કન્વિક્શનના આધારે શૂટ કરતા ગયા. ફિલ્મ (કે નાટક કે ટીવી શો) બનાવતી વખતે ડિરેક્ટરને સેટ પર પણ નવા-નવા આઇડિયા આવતા હોય છે. આ એક સહજ બાબત છે. આદિત્ય માનતા રહ્યા કે અત્યારે મનમાં જે સ્ફૂરણા થઈ છે તે પ્રમાણે શૂટ કરી લઈએ, બાકીનું બધું એડિટિંગ વખતે જોઈ લઈશું.
શૂટિંગ પૂરૃં થયું. પોસ્ટ-પ્રોડક્શનની ગતિવિધિઓ શરૂ થઈ. આદિત્ય ધરે સઘળું ફૂટેજ જોયું. એમને સમજાયું કે તમામ સિક્વન્સને કાપીકૂપીને, મારીમચડીને ત્રણ કલાકની ફિલ્મમાં ફિટ કરવાની કોશિશ કરીશું તો મજા મરી જશે. લગભગ બે જ મહિના પહેલાં, ઓક્ટોબરના પહેલા વીકમાં આદિત્ય ધર અને પ્રોડક્શન કંપની જિયો સ્ટુડિયોઝે નિર્ણય લીધો: ના, ફિલ્મને આડેધડ કાપવી નથી. ફિલ્મનો વિષય જ એવો છે કે બધું વિગતવાર બતાવવું પડે. તો ચાલો, આખી ફિલ્મને વ્યવસ્થિત રીતે બે ભાગમાં વહેંચી દઈએ. મજાની વાત એ હતી કે બન્ને ભાગને સ્વતંત્રપણે નાટયાત્મક ઉઘાડ, મધ્ય ભાગ અને ક્લાઇમેક્સ એ લયમાં વિભાજિત કરી શકાય તેેમ હતા. એમ જ થયું. ગયા અઠવાડિયે 'ધુરંધર'નો પહેલો ભાગ રિલીઝ થયો, ૧૯ માર્ચે 'ધુરંધર-પાર્ટ ટુ' રિલીઝ થશે. આમ, 'ધુરંધર'નું સ્વરૂપ એડિટિંગ ટેબલ પર નક્કી થયું. દરેક ફિલ્મ બે વખત બને છે - એક વાર સેટ પર અને બીજી વાર એડિટિંગ ટેબલ પર, એવું અમસ્તા જ નથી કહેવાતું!
'ધુરંધર'ની સફળતાએ આદિત્ય ધરને બોલિવુડના હોટશોટ ફિલ્મમેકર બનાવી દીધા છે. 'ધુરંધર'માં ભલે ખૂબ બધા એક્ટર્સ હોય, પણ ફિલ્મનો અસલી હીરો તો આદિત્ય ધર જ છે. એમની ખુદની કહાણી પણ જાણવા જેવી છે...
***
૪૨ વર્ષીય આદિત્ય ધર કાશ્મીરી પંડિત પરિવારનું ફરજંદ. દિલ્હીમાં એમનો જન્મ અને ઉછેર. કોલેજકાળમાં એમણે દિલ્હી મ્યુઝિક થિયેટર (ડીએમટી) નામનું ગુ્રપ જોઈન કર્યું હતું. અભિનય અને ડિરેક્શનની એ-બી-સી-ડી આદિત્યને રંગભૂમિએ જ શીખવી. ફિલ્મલાઇનમાં કામ કરવા ૨૦૦૬માં મુંબઈમાં પગ મૂક્યો તે વખતે એમની ઉંમર હતી ૨૩ વર્ષ.
'મેં કરીઅરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી,' આદિત્ય ધર એક મુલાકાતમાં કહે છે, 'રંગભૂમિ કરતો હતો ત્યારથી મને એક્ટરો શું કરે છે તેના કરતાં ડિરેક્ટર શું કરે છે તે સમજવામાં
બહુ રસ પડતો. મુંબઈ આવ્યા પછી હું રોજ સવારે જુદાં જુદાં પ્રોડક્શન હાઉસની ઓફિસે કામ માગવા પહોંચી જતો. એ વર્ષોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર્સનો બહુ ભાવ પૂછાતો નહીં. બહુ ઓછાં પ્રોડક્શન હાઉસ હશે જ્યાં મને કોઈએ મને પાણીનું પણ પૂછ્યું હોય! ક્યાંય કામ મળતું નહોતું. ના-ના સાંભળીને હું થાકી ગયો હતો.'
એક વાર આદિત્ય સાંતાક્રુઝ વિસ્તારમાં જીએસ એન્ટરટેઇનમેન્ટ નામના બેનરની ઓફિસે ગયા. ત્યાં તો કામ ન મળ્યું, પણ નજીકમાં વિધુ વિનોદ ચોપડાની ઓફિસ દેખાઈ ગઈ. તેઓ અંદર ગયા. મિથુન ગંગોપાધ્યાય નામના આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે એમનો ભેટો કરાવવામાં આવ્યો. જોગાનુજોગે બન્યું એવું કે અહીં કામ કરતો એક જુવાનિયો બરાબર એ જ વખતે પોતાનો સરસામાન પેક કરીને રવાના થઈ રહ્યો હતો. એને કોઈ ફિલ્મ સ્કૂલમાં એડમિશન મળી ગયેલું.
'એની જગ્યા ખાલી પડેલી જગ્યામાં મિથુનદાએ મને ફિટ કરી દીધો!' આદિત્ય કહે છે, 'એ જ દિવસથી હું કામે ચડી ગયો. આજની તારીખે પણ મિથુનદા મુંબઈમાં મારા બેસ્ટ ફ્રેન્ડ છે.'
વિધુ વિનોદ ચોપડા સાથે કામ કર્યા બાદ એમણે રોહન સિપ્પી, વિશાલ ભારદ્વાજ અને પ્રિયદર્શન જેવા ડિરેક્ટરોને આસિસ્ટ કર્યા. આસિસ્ટન્ટ ડિરેક્ટરોનો પગાર બહુ બહુ તો કેટલો હોવાનો? વળી, મુંબઈ જેવા શહેરમાં રહેવા માટે ફદિયાં પણ વધારે જોઈએ. આદિત્યે પોતાના કામનું વર્તુળ વિસ્તાર્યું. એણે 'કાબુલ એક્સપ્રેસ' (૨૦૦૯) માટે ગીતો લખ્યાં, 'આક્રોશ' (૨૦૧૦) માટે ડાયલોગ્ઝ લખ્યા. આદિત્ય કહે છે, 'મને એક વાત સમજાઈ ગઈ હતી કે ટકી રહેવા માટે તમારામાં પેશન હોવું જોઈએ, અને મનમાં હંમેશા શ્રદ્ધા રહેવી જોઈએ કે મેરા ટાઈમ આયેગા. તમારે ખુદને કહેતા રહેવું પડે કે તક મળતાં જ હું લોકોને મારી પ્રતિભાનો પરચો આપી દઈશ અને ત્યાં સુધી હું સતત શીખતો રહીશ...'
આદિત્યે પોતાની રીતે ફિલ્મની પટકથાઓ લખવાનું શરૂ કર્યું. એ જુદા જુદા પ્રોડયુસરોને મળતા અને કહેતા કે જુઓ, મારી પાસે આટલી સ્ક્રિપ્ટ્સ તૈયાર છે, તમે મને ડિરેક્ટર તરીકે બ્રેક આપો. ૨૦૦૯માં એક નિર્માતા તૈયાર થઈ ગયો, પણ ફિલ્મ બની નહીં. વિશાલ ભારદ્વાજે પણ એમને ડિરેક્ટર તરીકે તક આપવાની તૈયારી બતાવી, પરંતુ તે પ્રોજેક્ટ પણ આગળ ન વધી શક્યો. આખરે કરણ જોહરના ધર્મા પ્રોડક્શને આદિત્યને 'રાત બાકી' નામની રોમેન્ટિક ફિલ્મનું ડિરેક્શન સોંપ્યું. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન અને આપણી કેટરિના કૈફ ફિલ્મનાં હીરો-હિરોઇન હતાં. તૈયારીઓ શરૂ થઈ ગઈ. શૂટિંગ શરૂ થવાની અણી પર હતું ને ત્યાં, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ, આતંકવાદીઓએ કાશ્મીરના ઉરી શહેરમાં ઇન્ડિયન આર્મી બ્રિગેડના હેડક્વાર્ટર્સ પર હુમલો કર્યો. આપણા ૧૯ જવાનો શહીદ થઈ ગયા. ભારતમાં કામ કરી રહેલા પાકિસ્તાની કલાકારોને ઘરભેગા કરી દેવામાં આવ્યા એટલે ફવાદ ખાનનું પત્તું કપાઈ ગયું. ફવાદની જગ્યાએ રાતોરાત ક્યા એક્ટરને લેવો એની પળોજણ ચાલતી હતી ત્યાં, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ, ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી. ફવાદનું રિપ્લેસમેન્ટ મળે એમ નહોતું એટલે આખરે 'રાત બાકી' ફિલ્મ જ પડતી મૂકવામાં આવી. ખરેખર તો કોઈ પણ ઊભરતા ડિરેક્ટરનું દિલ તોડી નાખે એવી આ વાત છે, પણ આદિત્ય જેનું નામ. ડિપ્રેશનમાં સરકી જવાને બદલે એમના મનમાં ભળતો જ સવાલ કૂદાકૂદ કરતો હતો: આ સર્જિકલ સ્ટ્રાઇક એટલે એક્ઝેટલી શું? એમાં શું થાય?
'...ને બસ, આ રીતે મારા મનમાં 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' ફિલ્મનું બીજ રોપાયું!' આદિત્ય કહે છે, 'લોકો મને બુંદિયાળ સમજવા લાગ્યા હતા, મારી દયા ખાતા હતા કે જુઓને, બિચારાને પ્રોડયુસરો તો મળે છે, પણ એની એકેય ફિલ્મ ફ્લોર પર જતી નથી! પણ હું નાહિંમત ન થયો. ઊલટાનું હું અંદરથી હું વધારે મક્કમ બનતો જતો હતો કે ગમે તે થાય, હું પાછાં પગલાં તો નહીં જ ભરું. કહે છેને કે કમનસીબી કે નિષ્ફળતાને સફળતાની સીડી બનાવવી જોઈએ. 'રાત બાકી'ના કિસ્સામાં એવું જ થયું. જો આ ફિલ્મ બની હોત તો 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' કદી બની ન હોત!'
'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' જોઈને દેશ ઝૂમી ઉઠયો હતો. ૪૪ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ ૩૪૨ કરોડનો તોતિંગ બિઝનેસ કર્યો. આદિત્ય અને વિકી કૌશલ સહિત આ ફિલ્મને ચાર-ચાર નેશનલ અવોર્ડ મળ્યા. ફિલ્મનો 'હાઉ'ઝ ધ જોશ?' 'હાઇ, સર!' - આ ડાયલોગ તો આજે પણ પોપ્યુલર છે. છ વર્ષ પછી આદિત્ય 'ધુરંધર' લઈને આવ્યા અને આ ફિલ્મ પણ સફળતાની કૂચકદમ કરી રહી છે. આ બન્નેની વચ્ચે આદિત્યે 'આર્ટિકલ ૩૭૦' (૨૦૨૪) અને 'બારામુલ્લા' (૨૦૨૫) ફિલ્મો લખી અને પ્રોડયુસ કરી. બન્ને કમાલની ફિલ્મો છે. આદિત્યની રાષ્ટ્રવાદના રંગે રંગાયેલી ફિલ્મોગ્રાફી જોઈને ડાબેરીઓ આકળવિકળ થઈ જાય ને એમના પર 'બીજેપી સરકાર માટે પ્રોપેગેન્ડા સમાન ફિલ્મો બનાવતા મેકર'નું બિરુદ ચિપકાવવાની કોશિશ કરે તે સમજી શકાય તેવું છે! પણ આદિત્યને આવા આક્ષેપોની કશી પરવા નથી.
આદિત્ય ધર એક્ટ્રેસ યમી ગૌતમને પરણ્યા છે. ગયા વર્ષે એમને ત્યાં દીકરાનો જન્મ થયો, જેનું એમણે નામ પાડયું, વેદવિદ. વેદવિદનાં પગલાં પતિ-પત્ની બન્ને માટે ખૂબ શુકનવંતા સાબિત થયાં છે એ તો નક્કી.
શો-સ્ટોપર
બોલિવુડના કલાકારો એટલા બધા ઇન્સિક્યોર છે કે તેઓ એકબીજાનાં કામને વખાણી શકતા નથી. આ ઇન્ડસ્ટ્રીમાં સાચુકલી પ્રશંસા ભાગ્યે જ થાય છે.
- મનોજ બાજપેયી


