- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'અરે, બસ બેટા. મને જરા તું ડૉક્ટર થયો એનો આનંદ તો લેવા દે. તારાં લગ્ન થયા, આવા સુંદર અને મહત્વના સમાચારને મન ભરીને માણી તો લેવા દે બેટા...
સ્વ યંના દાદીમા પ્રાર્થના દેવી બોલવાનું પૂરું કરે એ પહેલાં જ વિવેકકુમાર તાડૂકી ઊઠતાં : 'બસ, બંધ કરો તમારા લાગણીવેડા. સ્વયંને લાડ કરીને તમે જ બગાડી રહ્યા છો. સ્વયં હજુ ઘણો નાનો છે. આપણી બન્નેની ઉંમર થઇ. આપણે ક્યાં સુધી એની સંભાળ રાખી શકવાનાં છીએ ? એને પોતાને તૈયાર થવા દો. જમાનાના ટપલા ખાઈને મોટો થવા દો. ખેર, તમને કહેવાનો કશો અર્થ નથી. મને મારી રીતે સ્વયંને ઉછેરવા દો.'
દાદાજી વિવેકકુમારે નક્કી કર્યું હતું કે સ્વયં સમજણો થવા માંડે કે તરત જ તેના લાડ-પ્યાર અને મનમોજીપણા પર સખત નિયંત્રણો શરૂ કરી દેવાં.
બીજી બાજુ સ્વયંને માતપિતાની ખોટ ન સાલે એટલા માટે દાદીમા પ્રાર્થનાદેવી એની ખૂબ જ કાળજી રાખતાં હતા. સ્વયં જ તેમનું સર્વસ્વ બની ગયો હતો. સ્વયંની દૈનિક ક્રિયાઓ શરૂ થતી ત્યારથી માંડીને સ્વયં શાળાએથી પાછો આવે ત્યાં સુધી એના દાદીમા પ્રાર્થનાદેવી એની કાળજી રાખવા ખડે પગે રહેતા.
દાદાજી વિવેકકુમાર સરકારી અધિકારી હતા. રાત્રે નવેક વાગે ઓફિસરો સાથેની મુલાકાત ચર્ચા વિચારણા પતાવીને બેડરૂમમાં પ્રવેશે કે તરત જ સ્વયં દાદાજી કહીને વિવેકકુમારને ભેટવા તલપાપડ બની જાય. પણ વિવેકકુમારનું મન એના ઉત્સાહ પર પાણી ફેરવી દેતુ. સ્વયં જ્યારથી સમજણો થયો ત્યારથી એકપણ દિવસ દાદાજી વિવેકકુમારે તેને લાડથી ખોળામાં બેસાડયો નથી.
સ્વયંના દાદીમા પ્રાર્થનાદેવી પણ ક્યારેક કહેતા : 'શું ઑફિસ, ફાઈલો અને તમારા કર્મચારીઓ જ તમારી જિંદગી છે ? થોડું સ્વયં વિશે પણ વિચારો, તો સારું. આપણા દીકરા અને વહુના અવસાન બાદ આપણા પૌત્ર સ્વયંનું આપણા સિવાય દુનિયામાં બીજું છે પણ કોણ ?'
દાદીમાના લાડ-પ્યારથી ટેવાયેલા સ્વયંને દાદાજીની બીક લાગતી હતી. શાળાનો અભ્યાસ પતાવીને સ્વયંએ કોલેજમાં પ્રવેશ કર્યો એટલે તરત જ વિવેકકુમારે સ્વયંના પોકેટમની પર કાપ મૂકી, સ્વતંત્રતા નિયંત્રણનાં પગલાં એકાએક ભરવા માંડયા, ત્યારે સ્વયં ડઘાઈ ગયો હતો. સ્વયંને વરસાદમાં ભીંજાવું ગમે, વહેતાં ઝરણાં સાથે વાતો કરવાનું મન થાય, પિકનિક પર જવાનું મન થાય, પરંતુ દાદાજીની મંજૂરી વગર કશું જ શક્ય નહોતું. સ્વયંએ દાદીમાને પટાવીને દાદાજીથી છાનુમાનુ સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. એક દિવસ ટયૂશન માટે નક્કી કરેલા મ્યુઝિક ટીચર, એની પીઠ થાબડતાં કહેતા હતા કે 'બેટા, તું આપણા દેશનો મહાન ગાયક બનીશ.' એવામાં જ ઓફિસેથી વહેલા ઘરે આવેલાં દાદાજી વિવેકકુમાર વીફરેલા વાઘની જેમ તાડૂક્યાં હતાં. તેમની ગર્જના સાંભળીને મ્યુઝિક ટીચર રફુચક્કર થઇ ગયા હતા. બસ, એ પછી સ્વયંએ કદી સંગીતનો વિચાર કર્યો જ નહોતો.
દાદાજી વિવેકકુમારે સ્વયંને સાયન્સમાં પ્રવેશ અપાવીને ડૉક્ટર બનવાનું ફરમાન આપી દીધું હતું અને તેનું કડક ધ્યાન રાખવાનું કામ દાદીમાને સોંપવામાં આવ્યું હતું. સ્વયંને લાગતું હતું કે દાદાજીના હૃદયમાંથી વાસ્તલ્યનું ઝરણું સુકાઈ ગયું છે.
સ્વયંને વહેલાં ઘેર જવું ગમતું નહોતું એટલે કોલેજથી દૂર કોઈ વૃક્ષ હેઠળ એ એકલો અટૂલો બેસી રહેતો. સ્વયંની એકાંતપ્રિયતા તેની સહાધ્યાયિની શ્રીજા માટે આકર્ષણનું કારણ બની અને શ્રીજાએ સ્વયં સાથે દોસ્તી શરૂ કરી.
શ્રીજા સ્વભાવે મનમોજી અને આધુનિક વિચારોવાળી હતી.વડીલો અને વડીલશાહીની ભયંકર વિરોધિની એટલે સ્વયં પ્રત્યે તેના દાદાજીની સખતાઇની વાતો સાંભળી તેનું મન વિવેકકુમાર સામે બંડ પોકારવા બેચેન બન્યું હતું. એણે ધીરે ધીરે સ્વયંના મનને ઉશ્કેરવા માંડયું. શ્રીજાની ઉશ્કેરણીએ સ્વયંના મનમાં વિદ્રોહનો વંટોળ જન્માવ્યો. આજ સુધી કદાપિ દાદાજી સામે એણે શબ્દેય ઉચ્ચાર્યો નહોતો.
સ્વયંએ પહેલીવાર કહ્યું : 'દાદાજી, તમારે મારા પ્રત્યે આવું જ ત્રાસદાયક વર્તન રાખવું હોય તો હવે હું હરગિજ સાંખી લઈશ નહીં.' પરંતુ વિવેકકુમારે સ્વયંની વાતને ગંભીર રીતે લીધી નહીં. એમનું તો એક જ લક્ષ્ય હતું - સ્વયં ડૉક્ટર બની જાય, પછી એને જે કરવું હોય તે કરે. પણ જો આ વાત તેઓ નરમાશથી કે પ્રેમથી સ્વયંને કરી દે તો સ્વયં વળી પાછો ભણવા પ્રત્યે ઉદાસીન બની જાય.
અંતે દાદાજીના કાયદા-કાનૂનથી બચવા માટે સ્વયંએ જુદા રહેવા જવાની વાત કરી ત્યારે દાદાજીએ જુદા થવાની સંમતિ આપી દીધી, પણ પોતાના વર્તનમાં પરિવર્તન ન કર્યું.
વિવેકકુમાર એક બાહોશ સરકારી અધિકારી હતાં. એમની ચતુર નજર પારખી ગઈ. સ્વયંના વર્તનમાં એકાએક પરિવર્તન આવવાનું કારણ તેમણે તપાસ કરી એટલે જાણવા મળ્યું કે સ્વયંમાં એકાએક જાગેલી સ્વતંત્રતા તથા અધિકારની ભૂખ પાછળ તેની જ સાથે અભ્યાસ કરતી શ્રીજાનો હાથ છે.
સ્વયં જુદો રહેવા ગયો એટલે તેના દાદીમા ખૂબ જ દુ:ખી થઈ ગયા ત્યારે દાદાજીએ તેમને સમજાવતાં કહ્યું હતું : 'હું જાણું છે કે સ્વયં ઘર છોડીને ગયો તેનું તમને ખૂબ જ દુ:ખ થયું હશે, પણ હું તો ખૂબ જ ખુશ છું. મારે તેનું આ જ સ્વરૂપ જોવું હતું. મારે તો તેની સાથે અભ્યાસ કરતી તેની દોસ્ત શ્રીજાનો આભાર માનવો જોઇએ કે તેણે સ્વયંમાં સ્વત્વની ભાવના જગાવી. જીવનમાં આવનારી મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર સ્વયંએ ગૃહત્યાગ કર્યો, એમાં જ એની ખુમારીના દર્શન થાય છે.'
આજે હું નિશ્ચિત થઇ ગયો છું. કાલે આપણે હોઈએ કે નહીં પણ સ્વયંને આજના જમાનામાં જીવવા લાયક બનાવવા માટે શ્રીજીનો સાથ મળ્યો છે. સ્વયં ઇચ્છે તો શ્રીજી સાથે લગ્ન કરવાની તેને છૂટ છે. તેના જીવનને વ્યવસ્થિત બનાવવા માટે જ આજ સુધી હું કડકાઈ આચરતો આવ્યો છું. છાતી પર પથ્થર મૂકીને મેં સ્વયં સાથે સખતાઈ દાખવી છે. દાદા-દાદીના આશરે સ્વયં બાપડો-બિચારો, મા-બાપ વગરનો વગેરે શબ્દો સાંભળીને મોટો થાય એવું હું હરગિજ ઇચ્છતો નહોતો. મારા અંતરની વાત મેં આજે પ્રાર્થના તમને કરી, પણ સ્વયંને આ બધું જણાવવાની જરૂર નથી. સમજ્યા તમે, મારા ભોળા ધર્મપત્ની અને સ્વયંના લાડકા દાદીમા?
પતિની વાત સાંભળી દાદીમા ભાવવિભોર થઇ ગયા. તેમણે કહ્યું : 'સ્વયંના દાદાજી, મને માફફ કરજો. તમારા રૂક્ષ વર્તનના કારણે મેં કેટલીય વાર મનોમન તમારા પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો હશે. હું તો તમને પથ્થર દિલ માનવા લાગી હતી. તમારામાં વાત્સલ્યનો છાંટોય નથી એમ માનતી હતી. તમે માત્ર એક સરકારી ઓફિસરર છો અને તે પણ એક કડક ઓફિસર. બસ, મેં તો આશા જ છોડી દીધી હતી. કે તમે ક્યારેય સ્વયંમાં રસ લેશો. મને માફ કરી દો, સ્વયંના દાદાજી. તમને સમજવામાં મેં ભૂલ કરી. મને જો આવી બધી ખબર હોત તો હું પણ સ્વયં પ્રત્યે થોડી કડક થઇ શકી હોત. ક્યારેક ટકોર, નિષ્ફળ જતી હોય છે અને ટકટક મેદાન મારી જતી હોય છે. વડીલોએ વિવેક રાખીને સંતાન-ઘડતર માટે યથાયોગ્ય ઉપાય કરવો જોઇએ.'
વિવેકકુમાર હસી પડયાં હતાં : 'મને ખબર છે તમે બહુ પોચા છો. એ કામ તમારું નહીં. એટલે તો મેં સ્વયંના ઉછેરનું કામ તમને સોંપી દીધું. સ્વયં દાદીમાની મમતાથી વંચિત ન રહે અને મારી ધાકથી અંકુશમાં રહે એવો તખ્તો મેં ગોઠવી દીધો હતો. અને હા, તમારે એક કામ કરવાનું છે, સ્વયં સેટલ થઇ જાય એટલે શ્રીજા સાથે સાદાઈથી લગ્ન કરાવી એને આપણા ઘરમાં પાછો લઇ આવવાનો છે.'
સ્વયંના દાદીમા ખુશ થઇ ગયા તેમણે કહ્યું : 'વિવેકજી, હું તૈયાર છું તમારી આજ્ઞાનું પાલન કરવા માટે. તમે ભલે સ્વયંથી અળગા રહો પણ આપણે બંદા તો પૌત્ર અને પૌત્રવધૂનું સુખ માણવા ઉત્સુક છીએ.'
અને દાદીમા તાનમાં આવી ગયા હતા. સ્વયંના જતા રહેવાનો ગમ ભૂલીને તેઓ સ્વયં અભ્યાસ પૂર્ણ કરીને ડૉક્ટર બની જાય તેની કાગડોળે રાહ જોવા લાગ્યા હતા.
સ્વયં જુદો રહેવા ગયો હતો, પરંતુ તેનું મન તો દાદીમાને જરાપણ ભૂલવા તૈયાર નહોતું. સ્વયં ડૉક્ટર બની ગયો ત્યારે આવી શુભ સમાચાર આપવા તેણે દાદીમાને ફોન કર્યો. 'દાદીમા, તમે તો મને ભૂલી ગયા. પણ હું તમને ભૂલ્યો નથી. તમારો સ્વયં એક ડૉક્ટર બની ગયો છે. આ સમાચાર હું તમારા સિવાય કોને આપું ? મારા માટે ખુશ થાય એવી એક વ્યક્તિ માત્ર તમે જ છો.દાદીમા, બીજા એક સમાચાર આપવાના છે. તમને પૂછ્યા વગર કે કહ્યા વગર મેં શ્રીજા સાથે લગ્ન કરી લીધાં છે. તમારી સેવા કરવાની ઇચ્છા છે. તમે અમારી સાથે આવીને રહો. મારે તમને 'હિટલર દાદાજી'ના જુલ્મમાંથી મુક્ત કરાવવા છે.'
'અરે, બસ બેટા. મને જરા તું ડૉક્ટર થયો એનો આનંદ તો લેવા દે. તારાં લગ્ન થયા, આવા સુંદર અને મહત્વના સમાચારને મન ભરીને માણી તો લેવા દે બેટા. અને રહી વાત તારી સાથે રહેવાની તો આવી જા ઘેર પાછો. આપણે ત્રણેય, તું શ્રીજા અને હું સાથે રહીશું તારા હિટલર દાદાજી ક્યાં આપણને નડવના છે ? મારી વાત માની જા બેટા, ઘરે પાછો આવી જા. તને મારા સમ.'
સ્વયંએ વિચાર કરીને જવાબ આપવાનું દાદીમાને વચન આપી ફોન પૂરો કર્યો. શ્રીજાએ આ વાત જાણી ત્યારે એ મનોમન ખુશ થઈ. આમેય શ્રીજાને ચેલેન્જવાળું કામ કરવાનું બહુ જ પસંદ હતું. શ્રીજાએ મનોમન નક્કી કરી લીધું - સ્વયંના હિટલર દાદાજીને સીધા કરવાનું.
શ્રીજાએ દાદીમાની સેવા કરવા ખાતર તેમની સાથે રહેવા માટે મનાવી લીધો અને બન્ને દાદાજીના બંગલે રહેવા આવી ગયા. ઘરમાં આવતાની સાથે જ સ્વયંએ કહ્યું હતું : 'શ્રીજા, આ ઘરમાં તારે એક વ્યક્તિથી ખાસ ચેતતા રહેવાનું છે અને તે છે મારાં દાદાજી. સરકારી અધિકારી છે, બાદશાહી ઠાઠ છે, આ ઘરની દીવાલો પણ એમની ધાકથી ધૂ્રજે છે. આ ઘર પર એમનો અધિકાર છે. માતાપિતાની છત્રછાયા ગુમાવનાર હું નાનો બાળ હતો ત્યારે પણ એમને મારા માટે જરા પણ દયા કે પ્રેમ આવતો નહોતો. આમ તો એમનું દિલ પથ્થર છે. તું કદાચ એમને મસકો મારવાની કોશિશ કરીશ તો પણ તારી સેવાની નોંધ લેશે જ એમ કહેવું જોખમ ભરેલું છે.'
અને ત્યારથી શ્રીજા સાવધ બની ગઇ હતી. એણે કોઈપણ રીતે દાદાજીનું દિલ જીતવાનો નિર્ધાર કરી લીધો હતો. સવારે વહેલા ઉઠીને દાદાજી માટે પેપર સાથે ચા-નાસ્તો તેમના રૂમમાં હાજર કરી દેતી. તેમના રૂમને દરરોજ તાજાં ફૂલોથી સજાવતી. દાદાજી બધું મૂંગે મોઢે જોયા કરતાં, પણ કયારેય શ્રીજાને હેતતી બોલાવીને બે સારાં વાક્યો કહ્યાં નહોતાં. શ્રીજાને બહાર જવું હોય તો દાદાજીની પરમિશન માંગતા ગભરાતી હતી, પણ જ્યારે દાદાજીએ સ્વયંનો પગાર તેમને આપી દેવાનો હુક્મ બહાર પાડયો ત્યારે તો હદ થઇ ગઈ. સ્વયં અને શ્રીજા બન્ને હતપ્રભ થઇ ગયાં.
દાદીમા સ્વયં કે શ્રીજાનું ઉપરાણું લેતા ત્યારે દાદાજી તેમને પણ ધમકાવી નાખતાં. સ્વયં અને શ્રીજા આર્થિક રીતે પણ લાચાર થઇ ગયાં. જરૂરથી વધારે ખર્ચ કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી હતી. શ્રીજાએ નારી સેવાસદનને એક હજાર રૂપિયાનો ફાળો આપ્યો, ત્યારે દાદાજી વિવેકકુમાર દાદીમા સાથે ખૂબ જ લડયાં હતાં.
આ બધા પ્રસંગો પરથી સ્વયં અને શ્રીજાએ તારવ્યું હતું કે દાદાજી ક્રોધી છે, કંજૂસ છે, તેમને કોઈનાય પ્રત્યે મમતા નથી. દાદીમા સાથે રહેવા આવ્યાં એ ભૂલ છે એવું સ્વયંને લાગવા માંડયું.
એક દિવસ બહારથી આવીને શ્રીજા સીધી પોતાના રૂમમાં ગઈ. એને ખૂબ જ બેચેની જણાતી હતી. તેને એકાએક તાવ પણ વધી ગયો હતો. અને તાવમાં તે લવરી કરવા માંડી હતી. સ્વયં એ તેને હોસ્પિટલમાં ખસેડી, ત્યારે દાદાજી ઘરે નહોતાં. દાદાજીને જણાવવાની જરૂર નથી એવું મનોમન નક્કી કરી સ્વયં શ્રીજાને હોસ્પિટલ લઇ ગયો હતો. મોટી હોસ્પિટલનો ખર્ચ સ્વયંની તાકાત બહારનો હતો અને દાદાજી તો ખૂબ જ કંજૂસ છે. તેઓ એકપણ પૈસો ખર્ચે તેવા છે નહીં. કદાચ દાદીમા એમની બચતમાંથી મદદ કરે એમ વિચારી સ્વયં દાદીમાને બંગલે મળવા ગયો.
સ્વયં ઘેર પહોંચ્યો ત્યારે દાદાજીનો રડવાનો અવાજ આવ્યો. રડતાં રડતાં કોઇની સાથે વાત કરી રહ્યાં હતાં : 'ડૉક્ટર, મારું બેન્ક બેલેન્સ બધું ખર્ચાઈ જાય, મારો બંગલો વેચાઈ જાય પણ મારી દીકરી શ્રીજાને બચાવી લો. મારી ફૂલ જેવી શ્રીજા હજુ હમણાં જ પરણીને આવી છે. હું બેઠો છું તો મારો સ્વયં લાચાર કેવી રીતે હોઈ શકે ?' સ્વયં આળસુ, ફરંદો, ખર્ચાળ ન બને અને સારો અભ્યાસ કરીને જિંદગીમાં કંઇક બને એટલે મેં કડકાઈ રાખી હતી. અને તેને ખરા સમયે શ્રીજા મળી ગઈ. બાળકો નથી સમજતાં કે વડીલોની કઠોરતા પાછળ સ્નેહની સરવાણી અને કરુણા જ વહેતી હોય છે. મારો પૈસો સ્વયં અને શ્રીજાના વિલાસો પોષવા માટે નથી, પણ શ્રીજાના સ્વાસ્થ્ય માટે હું કંઇપણ કરવા તૈયાર છું.
અને સ્વયં જે દાદાજીને હિટલર માનતો હતો તે તેમના અસલી રૂપને વંદન કરી તેમનાં ચરણોમાં બેસી પશ્ચાતાપનાં આંસુ સારવા લાગ્યો. તેને લાગ્યું કે માનવનું મન અકળ છે, તેને કળવા માટે દ્વેષયુક્ત વિવાદ નહીં, સ્નેહસભર સંવાદ જ ખપ લાગે.


