- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- આખી ફિલ્મમાં માત્ર મુમતાઝનું ગ્લેમર છે એવું નથી. ફિલ્મના સેટ પણ એટલા જ ભવ્ય અને શાનદાર છે. આમ જોવા જાવ તો 80 ટકા ફિલ્મ એક મહેલમાં જ છે
એ વખતે જ્યારે 'રૂપ તેરા મસ્તાના' થિયેટરોમાં ચાલતી હતી ત્યારે શહેરમાં જોરદાર ઉત્તેજના હતી કે 'બોસ, એ પિક્ચરના એક ગાયનમાં મુમતાઝ સત્તર ડ્રેસ બદલે છે !'
'સત્તર ડ્રેસ'વાળું એ ગાયન હતું : 'દિલ કી બાતેં, દિલ હી જાને....' જોકે એ જમાનામાં યુ-ટયુબ કે 'ઓટીટી' હતાં નહીં એટલે ગાયન અલગથી જોવા મળતું નહોતું. કેમકે ગાયનમાં તો મુમતાઝ ચાર જ ડ્રેસ બદલે છે ! (જિતેન્દ્રના બીજા ચાર ગણો તો ટોટલ આઠ જ થાય.)
છતાં બોસ, એ વખતે કોઈએ પિક્ચર છૂટયા પછી ફરિયાદ કરી નહોતી કે 'બાકીના તેર ડ્રેસના પૈસા પાછા આપો !' (કોઈ કન્ઝયુમર પ્રોટેકશનવાળાએ પણ લાંચ નહોતી માગી.) આનું કારણ શું ?
કારણ કે બોસ, મુમતાઝનું રૂપ 'કન્ઝયુમ' કરનારો પ્રેક્ષક માત્ર પોણા બે કે સવા બે રૂપિયાની ટિકીટમાં પુરેપુરો તર-બ-તર થઈને બહાર નીકળતો હતો ! હકીકતમાં જોવા જાવ તો મુમતાઝ આ ફિલ્મમાં જેવી લાગે છે એટલી ખુબસુરત બીજી કોઈ ફિલ્મમાં આજ સુધી લાગી નથી. ('અપરાધ'માં પણ નહીં, ભલે ફિરોઝખાને મુમતાઝને ચડ્ડી જેવડું સ્કર્ટ પહેરાવ્યું હોય !)
***
રહી વાત પેલા સત્તર ડ્રેસની, તો મુમતાઝના આશિકો લખી લો, આખી ફિલ્મમાં મુમતાઝે એકથી એક ચઢિયાતા હોય એવા કુલ ૩૩ ડ્રેસ પહેર્યા છે. (એમાં શરૂઆતમાં જે સિમ્પલ સાડી પહેરી છે એ તો ગણતા જ નથી, જોકે એમાંય 'મુમુ' કેટલી મસ્ત લાગે છે ?)
***
એ જમાનામાં 'મુમુ' યાને કે મુમતાઝના આશિકો ગલીએ ગલીએથી મળી આવતા હતા. એમાંનો એક કોલેજમાં મારી સાથે ભણતો હતો. એણે 'રૂપ તેરા મસ્તાના' કેટલી વાર જોઈ તેનો હિસાબ રાખવાનો જ છોડી દીધેલો !
મુમતાઝના એ આશિકનું મુમતાઝની દરેક ફિલ્મના હિસાબે 'કેળાં રેટિંગ' રહેતું હતું ! તમે પૂછશો કે મન્નુભાઈ, આ 'કેળાં રેટિંગ' વળી શું છે ? તો દોસ્તો, જે રીતે અમુક રિવ્યુકારો 'એક મિર્ચી, બે મિર્ચી...' વગેરે આપીને જે તે ફિલ્મમાં કેટલાં 'મરચાં લાગવાનાં' છે એવી વોર્નિંગ આપવાને બદલે 'જેટલી મિર્ચી વધારે એટલી ફિલ્મ સારી' એવું ગણાવતા હોય છે, એ જ રીતે, અમારો આ મિત્ર જે તે ફિલ્મમાં મુમતાઝ કેટલી ખુબસુરત, ગ્લેમરસ, મારકણી કે જાલિમ લાગે છે એ હિસાબે એ ફિલ્મ જોઈ આવ્યા પછી, રીતસર, એટલાં કેળાં ખરીદીને ખાઈ જતો હતો !
'રૂપ તેરા મસ્તાના' જોયા પછી તો તે દર વખતે છ-છ કેળાં દબાવી જતો હતો, બોલો ! (હવે કેળાં ખાધા પછી તે શું કરતો હતો તે કદી જાણવા મળ્યું નહીં !)
***
મુમતાઝને આટલી ગ્લેમરસ બતાડતા આટલા મસ્ત મસ્ત ડ્રેસ કંઈ કે.બી. ડ્રેસવાલાને ત્યાંથી ભાડે તો નહીં જ લાવ્યા હોય ને ? એ વખતે ફિલ્મની શરૂઆતમાં મોટા મોટા અક્ષરોમાં જે 'નંબરિયા' પડતાં એમાં તે વખતે તો આપણું ધ્યાન જ ક્યાંથી હોય ? પરંતુ હમણાં ફરીથી ફિલ્મ જોઈ ત્યારે દેખાયું એ નામ...'ભાનું ! આ 'ભાનુ કોણ ? તો મારા સાહેબો, એ જ ભાનુ, અથૈયા જેને 'ગાંધી' ફિલ્મના કોસ્ચ્યુમ્સ માટે ઓસ્કાર મળ્યો હતો !
પણ ઊભા રહો, અહીં ભાનુબેન માટે તો ખાસ અલગ ક્રેડિટ છે : 'કોસ્ચ્યુમ્સ ફોર મુમતાઝ' એ ઉપરાંત પણ મુમતાઝના રૂપને વધારે 'મસ્તાના' બનાવનારી બીજી બે મહિલાઓની ક્રેડિટ છે, 'હેરસ્ટાઈલ્સ ફોર મુમતાઝ...ગીતા-ફલોરી'
અને હેરસ્ટાઈલો તો કેવી કેવી છે ભૈશાબ ! બિચારી હેમા માલિનીનું કપાળ મોટું હતું એટલે આખી કરિયર દરમિયાન કપાળ પર વાળની નકલી લટોની જે 'ક્લિપ' લગાડવી પડતી હતી એવી 'ક્લિપો'ની તો અહીં પોણો ડઝન વેરાયટી છે ! આ ઉપરાંત માટલાં જેવી સાઈઝના અંબોડા ઉપરથી લટકતી, વિવિધ વળાંકો અને સાઇઝો ધરાવતી, મોટી મોટી લટો તો ખરી જ ! (લાગે છે કે એક એક હેરસ્ટાઇલ રેડી થાય ત્યાં લગીમાં કમ સે કમ ડઝન પિનો ખોસવી પડતી હશે અંબોડામાં !)
***
તમને થતું હશે કે યાર, આ મન્નુભાઈ તો મુમતાઝની આજુબાજુ જ ગરબા રમી રહ્યા છે ! પણ અમારા પેલા 'કેળાં રેટિંગ'વાળા મિત્રના શબ્દોમાં કહું તો મુમતાઝના આખા ગ્લેમરનું સિક્રેટ શું છે, ખબર છે ? 'સત્યમ્ શિવમ્ સુંદરમ્'માં ઝિનત અમાને જે આખી ફિલ્મમાં રીતસર ઉઘાડ કરીને દેખાડયું હતું. જેના કારણે ચીતરી ચડી જતી હતી, એ જ ચીજ મુમતાઝે આ ફિલ્મમાં માત્ર ત્રણ વાર દેખાડી છે ! એ પણ માંડ બબ્બે સેકન્ડ માટે ! કેમકે એની ઉપર કાં તો વાળની લટ આવી જાય છે. અથવા મુમતાઝનો હાથ આડો આવે છે ! યાઆઆર ફક્ત એટલું જોવા માટે ફરીથી ટિકીટ લેવી જ પડે ને !
***
ખેર, આખી ફિલ્મમાં માત્ર મુમતાઝનું ગ્લેમર છે એવું નથી. ફિલ્મના સેટ પણ એટલા જ ભવ્ય અને શાનદાર છે. આમ જોવા જાવ તો ૮૦ ટકા ફિલ્મ એક મહેલમાં જ છે. પરંતુ માત્ર એક-બે સેટમાં પતાવી દીધું નથી ! લગભગ દરેક દ્રશ્યે સેટિંગ્સ બદલાય છે ( અને બીજી ફિલ્મો જેવું પૂંઠા પર ચીતરામણ જેવી વેઠ તો જરાય નથી. તેની ક્રેડિટ આપવી જોઈએ આર્ટ ડિરેક્ટર 'વી.જાધવે રાવને !'
એ જ રીતે માત્ર મુમતાઝ નહીં, આખેઆખી ફિલ્મને ગ્લેમરસ લુક આપનાર સિનેમેટોગ્રાફર 'વી.દુર્ગાપ્રસાદ તો ખરા જ. પરંતુ તે ઉપરાંત અહીં એક અલગ ક્રેડિટ આપી છે. કલર કન્સલ્ટન્ટ' લોરેન્સે રોડ્રીક્સ ! ( આ કલર કન્સલ્ટન્સી ફિલ્મના પ્રોસેસિંગ બાબતે હોય છે)
***
બસ, નવાઈ તથા અફસોસ એક જ વાતે થાય છે કે આખી ફિલ્મને ડિરેક્ટ કરનાર જે 'ખાલીદ અખીર નામની વ્યક્તિ છે, એ આ ફિલ્મ પછી ક્યાંય દેખાઈ કે જણાઈ જ નહીં !
= દિલ કી બાતેં..'ગાયનના શૂટિંગ વખતે મુમતાઝના આકર્ષક ડ્રેસિસ જોઈને જિતેન્દ્રએ જીદ કરી હતી કે મને પણ સારાં કપડાં જોઈએ !'
= બડે બેવફા હૈં યે.. ગાયનમાં માત્ર થોડા શોટ્સ પુરતી અરૂણા ઇરાની દેખાય છે, જે મહેલની સ્ટાફ-મેમ્બર બતાવાઈ છે. પરંતુ એ સિવાય આખી ફિલ્મમાં તે ગાયબ છે !
= 'રૂપ તેરા મસ્તાના'નાં ટાઈટલ્સ વખતે એક ઇંગ્લીશ ગાયન વાગી રહ્યું છે. જેમાં અવાજ બિલકુલ ઉષા ઉત્થુપ ( એ સમયે ઉષા ઐચર) જેવો છે. પરંતુ ક્રેડિટમાં ક્યાંય ઉલ્લેખ નથી.
= સુપરહિટ ગાયનો, ભવ્ય સેટ્સ તથા જાણીતા સ્ટાર્સ હોવા છતાં 'રૂપ તેરા મસ્તાના' ફલોપ હતી! જોકે બે ત્રણ વરસ પછી ફરી રીલીઝ થઈ ત્યારે સારી ચાલી હતી.
= છતાં એક સરવે મુજબ મુમતાઝના આશિકો રૂપ તેરા મસ્તાનાને મુમતાઝની 'મોસ્ટ બ્યુટિફૂલ' ફિલ્મ ગણાવે છે !


