ભારતના અવકાશ કાર્યક્રમમાં ખાનગી દેશી કંપનીઓની મહત્વની હિસ્સેદારી

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- સ્પેસ સેક્ટરના પ્રાઈવેટાઈઝેશનને લીધે ભારત આયાતી માલ પરનો મદાર ઘટાડી શકશે. તેમજ વિશ્વસ્તરે ભારતને 'ગ્લોબલ સ્પેસ પાવર' તરીકેની ઓળખ પણ અપાવશે.
- ખાનગી કંપનીઓને સંવેદનશીલ ટેકનોલોજી ટ્રાન્સફર કરાતા દેશ હિત જોખમાય તેવો ડર રહે છે. સેટેલાઇટ ડાટાનું રક્ષણ કરવા કડક સાયબર સિક્યુરીટી પોલિસી હોવી પણ આવશ્યક છે
ત મે કોઇ દિવસ અવકાશમાં ભ્રમણ કરનાર 'શકુંતલા' વિશે સાંભળ્યું છે? થોડા વરસ પૂર્વે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે તેમના નવા શેપર્ડ રોકેટમાં સવારી કરી અવકાશમાં ૧૦ મિનિટની સફર કરી ત્યારે આખું વિશ્વ સ્તબ્ધ બની ગયું હતું. એવી જ રીતે બ્રિટિશ સાહસિક ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રાન્સન પણ બાહ્ય અવકાશમાં 'આંટો' મારી આવ્યા ત્યારે તેમના આ સાહસને મિડિયામાં બહોળી પ્રસિદ્ધિ મળી હતી.
પરંતુ 'શકુંતલા'ની વાતને ભાગ્યે જ અખબારોમાં સારી હેડલાઇન્સ તરીકે સ્થાન મળ્યું. શકુંતલા એક એવો ઉપગ્રહ છે જે બેંગ્લોર ખાતેના એક સ્ટાર્ટઅપ પિક્સેલેએ જાત મહેનતે બનાવીને સ્પેસ એક્સના રોકેટ મારફતે લોંચ કર્યો હતો. આ ઉપગ્રહ હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ ટેક્નોલોજી થકી જમીન પર કે ભીતર ગેસ પાઇપલાઇનમાં ગળતર થયું હોય તો તે શોધી કાઢે છે. માટીની ગુણવત્તા, અને ખેતીવાડીમાં થતાં નુકસાનનો અંદાજ મેળવી શકે છે.
તાજેતરના વર્ષોમાં અવકાશ ક્ષેત્રે ભારતની ખાનગી કંપનીઓનું ખેડાણ વધી ગયું છે. કેન્દ્ર સરકારે અનુકૂળ વાતાવરણ તૈયાર કરતા વધુ ને વધુ ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ દ્વારા લોંચ વ્હીકલ્સ, સેટેલાઈટ, ભૂમિગત સેવા આપી શકે તેવું માળખું તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યાં છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (હલ) ઉપરાંત ગોદરેજ એરોસ્પેસ, લાર્સન એન્ડ ટોબ્રો જેવી કંપનીઓ તો સીધી ઇસરો સાથે જોડાઈને અવકાશ કાર્યક્રમ માટે આવશ્યક મહત્ત્વની યંત્ર-સામગ્રી બનાવી રહી છે. આ સિવાય અગ્નિકુલ કોસ્મોસ અને સ્કાયરૂટ એરોસ્પેસ જેવી પેઢી નાના ઉપગ્રહો, મધ્યમ કદના રોકેટ અને પુન:વાપરી શકાય તેવા લોંચ વ્હીકલ્સ તૈયાર કરી રહી છે. એટલું જ નહીં, કેટલીક ખાનગી પેઢીના સાહસિકો સેટેલાઈટને આનુસાંગિક ટેકનોલોજી તથા સ્પેસ ડેબરીઝ મેનેજમેન્ટ (અવકાશી કાટમાળનો નિકાલ)ની દિશામાં મહત્ત્વનો ફાળો આપી રહ્યાં છે.
ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના સ્કાયરૂટ એરોસ્પેસના ઈન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું એ સાથે જ ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં નવું ચેપ્ટર શરૂ થઈ ગયું છે. આ પ્રસંગે સ્કાયરૂટ કંપનીએ વિક્રમ- વન રોકેટને લોકો સમક્ષ ખુલ્લું મુક્યું હતું. એક ખાનગી કંપનીએ બનાવેલું આ પ્રાઈવેટ લોન્ચ વેહિકલ છે. જેનું નામ વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ- વન રાખવામાં આવ્યું છે.
આમ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પોતાનું કૌશલ્ય દાખવવાની તક મળતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. વિશ્વના બીજા દેશોની સાથે કદમ મિલાવવા ભારત હવે સદ્ધર બની રહ્યું છે.
જો કે આ બધું પામવામાં ભારત સરકારે ૨૦૨૦ની સાલમાં લીધેલાં કેટલાંક પગલાં ફળદાયી નીવડયાં છે. પાંચ વર્ષ પૂર્વે સરકારે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઈન-સ્પેસ)ની સ્થાપના કરી હતી-જેનો મુખ્ય ધ્યેય ખાનગી કંપનીઓને અવકાશ સંશોધન ક્ષેત્રે આવકારવાનો, તેમને ટેકનીકલ સહાય પૂરી પાડવાનો છે. આ સિવાય ઇસરોના માર્ગદર્શન હેઠળ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ)ની સ્થાપના થયા પછી અમુક પ્રકારના લાયસન્સ, પરવાનગી મેળવવામાં તેમને તકલીફ પડતી હતી પરંતુ આ સંસ્થાના માધ્યમથી બધા કામ સરળ થઈ ગયા. લોંચ વ્હીકલ (રોકેટ) બનાવવાના હોય કે મોટા ઉપગ્રહ બનાવીને તરતા મૂકવાના હોય એવા જટિલ કામોમાં પણ ન્યુ સ્પેસ ઇન્ડિયા કંપનીની સહાયતા મળવા લાગી. ટેકનોલોજી ટ્રાન્સફર બાબતમાં પણ ઘણા બધા સરકારી અવરોધો હઠી ગયા. મહત્ત્વની વાત તો એ છે કે સરકારી સ્તરે વિવિધ એજન્સીઓ થકી પ્રાઈવેટ કંપનીઓ માટે વિદેશી મૂડી રોકાણ મેળવવું પણ સહેલું થઈ પડયું. તેમ જ વિદેશી કંપનીઓ સાથે સહયોગ સાંધવામાં સરકારી મદદ મળવા લાગી.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાયન્ટ ગણાતી કંપની ઇન્ફોસીસએ પણ સાનુકૂળ પરિસ્થિતિનો લાભ લેવા ઉપગ્રહો બનાવવા તેમજ લોંચ કરવાની દિશામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો નિર્ધાર જાહેર કર્યો છે. આમ આજ લગી ભારતનો અવકાશ કાર્યક્રમ માત્ર ઈસરો આધારિત હતો. પરંતુ હવે નવી નીતિઓને કારણે
મોટેપાયે ખાનગી કંપનીઓ તથા સ્ટાર્ટઅપ્સ ઝંપલાવી રહ્યા છે. એવો અંદાજ મૂકાય છે કે ભારતનો સ્પેસ પ્રોગ્રામનો વિકાસ આવતા પાંચ વર્ષમાં ૫૦ અબજ ડોલરને આંબી જશે. આમ સ્પેસ સેક્ટરના પ્રાઈવેટાઈઝેશનને લીધે ભારત આયાતી માલ પરનો મદાર ઘટાડી શકશે. તેમજ વિશ્વસ્તરે ભારતને 'ગ્લોબલ સ્પેસ પાવર' તરીકેની ઓળખ પણ અપાવશે. આગળ જતાં ખાનગી કંપનીઓ ચંદ્ર, મંગળ અને શુક્ર સુધીના આપણા મિશનો પાર પાડવામાં પણ મહત્ત્વનો રોલ અદા કરશે.
પ્રાઈવેટ કંપનીઓને સ્પેસ પ્રોગ્રામમાં જોડાવાનું ઈજન આપવા પાછળનો એક ઉદ્દેશ એ છે કે આયાતી માલ પરની નિર્ભરતા ઘટાડી શકાય. ૨૦૨૨- ૨૩ના આંકડાને ધ્યાનમાં લઈએ તો આ વર્ષે ભારતે સ્પેસ ટેકનોલોજીને લગતી જે સામગ્રી, સેવાની વિદેશોમાં નિકાસ કરી તેનાં કરતાં ૧૨ ગણી વધુ રકમની આયાત કરી. જેમાં મુખ્યત્ત્વે મજબૂત કાર્બન ફાયબર, અવકાશમાં પણ સચોટ કામગીરી આપે તેવાં સોલાર સેલ્સ તથા બીજી વિજાણુ સામગ્રીનો સમાવેશ થાય છે.
ખાનગી કંપનીઓને પ્રોત્સાહન મળતાં હવે દેશમાં જ સ્પેસ ગ્રેડ મટિરિયલ, યંત્ર- સામગ્રી, બનાવવાનો ઉદ્યોગ વિકસીત થઈ રહ્યો છે. ખાનગીકરણનો એક લાભ એ થાય છે કે ઈસરો આંતરગ્રહીય મિશન (મંગળ, શુક્ર વગેરે) પર તથા અવકાશ સંશોધન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. વળી રાષ્ટ્રની સુરક્ષા માટેના અમુક પ્રોજેક્ટની જવાબદારી પણ ઈસરોના માથે જ છે.
અમેરિકા, રશિયા અને ચીન પણ તેમના વિવિધ સ્પેસ મિશનમાં ખાનગી કંપનીઓનો સહયોગ લે છે. જેમાં સ્પેસ એક્સ, બ્લ્યુ ઓરિજિન, એરિયન સ્પેસ જેવા પ્રાઈવેટ પ્લેયરના નામ આપી શકાય.
ભારતમાં અવકાશ ક્ષેત્રે ખાનગી કંપનીઓનું પદાર્પણ બહુ મોડે મોડે થઈ રહ્યું છે. હવે આ કંપનીઓએ પોતાનો વિકાસ એ રીતે કેળવવો જોઈએ જેથી અબજો ડોલરના કારોબારમાં ભારતને પણ મલાઈ ખાવા મળે. વર્તમાન સમયમાં ગ્લોબલ સ્પેસ ઈકોનોમી ૪૫૦ અબજ ડોલરથી પણ વધુ છે.
ભારત માનવ સંશાધન બાબતમાં સમૃધ્ધ છે. દેશમાં દર વર્ષે ૧૫ લાખ એન્જિનિયર્સ તૈયાર થાય છે. વિદેશની ઘણી સ્પેસ એજન્સી અને બીજી ઈજનેરી પેઢીઓમાં ભારતના એન્જિનિયરો, વિજ્ઞાનીઓ મોટી સંખ્યામાં કામ કરે છે. આગળ જતાં તેમની ટેલેન્ટનો પણ ઉપયોગ થઈ શકશે. હાલમાં ભારતમાં ૩૦૦થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ કામ કરી રહ્યાં છે. જે મુખ્યત્વે લોંચ વ્હીકલ્સ વિકસાવવાનું, સેટેલાઈટ સેવા માટેની માળખાકિય જોગવાઈ ઊભારવાનું તથા અન્ય સ્પેસ એપ્લિકેશન્સ તૈયાર કરી રહ્યાં છે.
હૈદરાબાદની સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીની સ્થાપનાને હજુ માત્ર સાત વર્ષ (૨૦૧૮) થયાં છે. પવન ચંદના અને ભરત ઢાકા નામના બે આઈ.આઈ.ટી. ગ્રેજ્યુએટએ આ કંપનીની સ્થાપના કરી છે. બેઉં કંપની પ્રમોટરો અગાઉ ઈસરોમાં ડિઝાઈન, ડેવલપમેન્ટ વિભાગમાં કામ કરી ચૂક્યા છે.
તેમણે સહિયારા પ્રયાસથી બનાવેલું વિક્રમ રોકેટ પ્રથમ પ્રાઈવેટ લોન્ચ વેહિકલ છે જે વિવિધ સેટેલાઈટસને પૃથ્વીની નિર્ધારિત ભ્રમણકક્ષામાં તરતા મૂકી શકશે. આ રોકેટની એક ઓર ખાસિયત એ છે કે એકવાર ફાયર થયાં પછી ફરીથી રિ સ્ટાર્ટ થઈ શકે છે. જેને કારણે એક જ વખતમાં આ રોકેટ વિવિધ ઉપગ્રહોને અલગ-અલગ ભ્રમણકક્ષામાં લોંચ કરી શકે છે.
ખાનગી કંપનીઓની ભાગીદારી બાબત ભારતી એરટેલના સુનીલ મિત્તલની વાત પણ સમજવા જેવી છે. તેઓ કહે છે કે આપણા દેશમાં ઇજનેરી કૌશલ ધરાવતા યુવાનોની મોટી ફોજ છે. દેશના અનેક સ્ટાર્ટઅપ્સ પોત-પોતાની રીતે ઝડપથી સ્પેસ ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. ભારતી એરટેલ કંપનીએ બ્રિટિશ સરકાર સાથે સમજૂતી કરી ત્યાંની વનવેબ સાથે હાથ મિલાવ્યા છે. અને હવે અવકાશમાંથી સીધાં ઇન્ટરનેટના સિગ્નલ બીમ કરી શકાય તેવી ગોઠવણ કરી રહી છે. બીજી તરફ અદાણી ગુ્રપ એ એલ.એન્ડ ટી સાથે મળીને નવી પેઢીના અતિ શક્તિશાળી પોલાર સેટેલાઇટ લોંચ વેહિકલ બનાવવા હામ ભીડી છે.
ગયા ફેબુ્રઆરીમાં જ ખ્યાતનામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ લકઝેમ્બર્ગ સ્થિત એસ.ઇ.એસ. કંપની સાથે સહકાર કરાર કરીને ભારતમાં સેટેલાઇટ સર્વિસ શરૂ કરવાની ઘોષણા કરી હતી તો તાતા જૂથ દ્વારા કેનેડાની ટેલિસેટ પાસેથી 'લાઇટસ્પીડ' સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ મેળવવાની તૈયારી કરી લીધી છે.
વર્તમાન સમયમાં અવકાશ કાર્યક્રમને લગતું ગ્લોબલ માર્કેટ ૪૫૦ અબજ ડોલરથી વધુ છે. જેફ બેઝોસની કંપની બ્લ્યુ ઓરિજિન, એલન મસ્કની સ્પેસ-એક્સ તથા ચીનના વિવિધ સ્ટાર્ટઅપ્સ સમૂહ આં ગંજાવર બજારમાંથી મોટી મલાઇ ખાટી જવાની વેતરણમાં છે. ઇસરોએ અંતરિક્ષ નામની અલગ કંપની સ્થાપી વિશ્વવ્યાપી આ સ્પર્ધામાં ઝંપલાવ્યું છે. પરંતુ ઇસરોએ પાછળ રહી જવું ન હોય તો મોટી છલાંગ મારવી જરૂરી છે. ખાનગી કંપનીઓના સહયોગથી આ નેમ પાર પાડી શકાય. હાલમાં ગ્લોબલ સ્પેસ ટેકનોલોજી માર્કેટમાં ભારતનો હિસ્સો ફક્ત બે ટકા (૭ અબજ ડોલર) છે. હવે પ્રાઇવેટ કંપનીઓ માટે સરકારે મેદાન મોકળું કરતા આ પરિસ્થિતિ ઝડપથી બદલાશે એવું લાગે છે. ભવિષ્યમાં સ્પેસ સાયન્સના નિષ્ણાતોની સંખ્યા વધે એ આશયથી અટલ ટિન્કરીંગ લેબની પણ સ્થાપના થઇ ચૂકી છે. જેના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને અવનવી સ્પેસ ટેકનોલોજીથી અવગત કરાશે. તેમને તાલીમ અપાશે.
જોકે ખાનગી કંપનીઓ માટે સરકારે લાલ જાજમ બિછાવી હોવા છતાં તેમને માટે પણ કેટલાંક પડકારો અને મર્યાદા તો છે જ.
જેમ કે પ્રાઇવેટ સેકટર સ્પેસ પ્રોગ્રામમાં કઇ રીતે જોડાઇ શકે, શું અને કેટલું પ્રદાન કરી શકે તે બાબતના કોઇ ચોક્કસ કાયદા (સ્પેસ લૉ) નથી. વળી ખાનગી કંપનીઓ માટેના સરકારી રૅગ્યુલેશન અને સરકારી અમલદારશાહીની અડચણો હજુ જોઇએ તેટલી ઓછી થઇ નથી.
વળી ખાનગી કંપનીઓને સંવેદનશીલ ટેકનોલોજી ટ્રાન્સફર કરાતા દેશ હિત જોખમાય તેવો ડર પણ રહે છે. સેટેલાઇટ ડાટાનું રક્ષણ કરવા કડક સાયબર સિક્યુરીટી પોલિસી હોવી પણ આવશ્યક છે. ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીને લગતા ચોક્કસ કાનૂનના અભાવે ખાનગી કંપનીઓ રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે વધુ યોગદાન આપતા ખચકાય છે. અવકાશ ક્ષેત્રે કોઇપણ પ્રોજેક્ટ હાથ ધરો એ માટે મોટા મૂડી રોકાણની જરૂર પડે છે. આ દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા ચોક્કસ ધારાધોરણ નક્કી કરવાની જરૂર છે.
સૌથી મોટી વાત તો એ છે કે ખાનગી કંપનીઓએ લોંચ ફેસિલીટી, લેબોરેટરીઝ તથા ગ્રાઉન્ડ સ્ટેશનના ઉપયોગ માટે ઇસરો પર નિર્ભર રહેવું પડે. કારણ કે આ બધી સુવિધા ઉભી કરવામાં ખાનગી કંપનીઓને બહુ લાંબો સમય લાગે. આ સમસ્યાને એક જ ઇલાજ છે કે ખાનગી પેઢીઓ, સ્ટાર્ટઅપ માટે પ્રાઇવેટ લોંચ પેડ વિકસાવવા તેમજ અલાયદા ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરવા.
ઘણાં લોકોને એવો પ્રશ્ન થાય કે ઈસરો એકલે હાથે ઘણાં બધા સ્પેસ મિશન સફળતાપૂર્વક પાર પાડી ચૂકી છે તો ખાનગી કંપનીઓની ઘૂસપેઠ શા માટે સ્વીકારી લેવી? આ પ્રશ્નનો જવાબ આપતાં કેન્દ્ર સરકારના જ એક સલાહકારે જણાવ્યું હતું કે ભારતનો અવકાશ કાર્યક્રમ બહું જ ઝડપથી આગળ વધી રહ્યો છે. સેટેલાઈટ બેઝ્ડ સેવાનો વ્યાપ પણ ઈસરોની ક્ષમતા કરતાં ખૂબ વધી ગયો છે. ઉપગ્રહીય સંદેશવ્યવહાર, રિમોટ સેન્સિંગ અને ભૂમિગત ઇન્ટેલિજન્સ જેવી કામગીરી માટે ખાનગી કંપનીઓનો સહયોગ અત્યંત આવશ્યક બનતો જાય છે. તેથી ખાનગી કંપનીઓના સહયોગમાં ઇસરો પોતાનો કાર્ય વિસ્તાર વધારી શકે એમ છે.
આમ હવે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે એમ કહી શકાય કે ભારતની ખાનગી કંપનીઓ અવકાશ ક્ષેત્રે વિશ્વમાં અલગ ઓળખ ઊભી કરી રહી છે. તેમજ સ્પેસ સ્ટ્રેટેજિક એસેટ તરીકે એની જગ્યા બનાવી રહી છે.

