Get The App

સલો કરવો એટલે? .

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
સલો કરવો એટલે?                                          . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- સલો/સલ્લો એટલે પાક લણાઈ ગયા પછી ખેતરમાં નજરે ન ચઢેલાં બાકી રહી ગયેલા ધાનના અંશોને એકઠા કરવા તે. સંસ્કૃતમાં 'शिल ' ઉપરથી એ શબ્દ આવ્યો હશે?

સ લો/સલ્લો એટલે પાક લણાઈ ગયા પછી ખેતરમાં નજરે ન ચઢેલાં બાકી રહી ગયેલા ધાનના અંશોને એકઠા કરવા તે. સંસ્કૃતમાં 'शिल ' ઉપરથી એ શબ્દ આવ્યો હશે ? ગામડામાં બોલી પ્રયોગ રૂપે 'હલો કરવો' એવું કહેવાય છે. મોટા ખેતરમાં 'હલો કરવા' મજૂરો બોલાવતાં હોય છે એ મજૂરો જેટલું ધન ભેગું કરી આપે તેનો અડધો ભાગ તેમનો, અડધો ભાગ ખેડૂતનો. કેટલાક દિલદાર ખેડૂતો સલો કરીને જે મળે તે લઇ જવાની છૂટ પણ આપતા હોય છે. મગફળીનો પાક ભોંયમાં થાય એટલે કલ્લા ઉપાડી લીધા પછી પણ માટી નીચે મગફળી રહી ગઈ હોય, એ છુપાઈ ગયેલી મગફળીઓ ધીરે ધીરે વીણતાં જાઓ, સુંડલા ભરાય. ગામનાં જરૂરિયાતવાળાં બાળકો સલો કરીને પોતાના નિશાળની ચોપડીઓ, નોટોનું ખર્ચ કાઢતાં હોય છે. સલો કરી ભેગા કરેલા પૈસામાંથી પતંગ ઉડાડતાં હોય છે. ગરીબ-ગરીબને ટેકો કરતાં હોય છે. સલો કરનારાની આંખમાં પ્રાપ્તિનો જબરજસ્ત પરિતોષ હોય છે.

મગ, ગુવાર, મઠની સિંગ, બાજરીનાં ડૂંડાં કે ઘઉંની ઉમ્બી, જુવારનાં કણસલાં ખેતરમાંથી ઉપાડી લીધા પછી પણ ખેતરમાં વેરાયેલા પડયા રહે, જે ખેડૂતની નજરે ના ચઢે, એને વીણવાં તે સુલો પારેવા આવીને ચાંચમાં ભરતાં હોય છે ત્યારે પણ એક વિશિષ્ટ પ્રકારનો એ સલો કરતાં હોય છે. જમણવારોમાં પતરાળાંને ઊંચકી ઊંચકી બહાર ઉકરડે નંખાતાં હોય છે ત્યારે એ પતરાળાંને ચાટતાં ગરીબ બાળકો, પશુઓ અને પક્ષીઓ તેમાંથી કંઇકને કંઇક મેળવી રાજી થતાં હોય છે - એ પ્રવૃત્તિમાં પણ 'સલો' દેખાય છે. ખેડૂતના ખેતરમાં પાકેલું ધન કંઇ બધું ખેડૂતને ત્યાં જતું નથી. 'ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય પછી વધે તે ખેતરના માલિક પાસે જાય'... ઢોર-મોર-ચોરનો પણ હક છે - ખેતરમાં પાક પકવે છે કુદરત... કુદરતનો ખજાનો કોઈ એકનો કઇ રીતે હોઈ શકે ? કેટકેટલાં પંખી-પારવાં ખેતરના મોલ ઉપર નભે છે ! કેટકેટલાં અબોલ જીવો બળદ-ગાય-ભેંસ-ભુંડ-બકરાં-ઊંટ પણ ખેતરના આશરે હોય છે... સીધી રીતે માંગવાની શરમ આવે, સંકોચ થાય તો ચોર પણ અડધી રાતે અથવા ખેડૂતની નજર ચૂકવી એના પેટજોગુ લઇ જાય છે - ત્યારે તેમાંના કોઈ ઉપર ખેડૂત ફરિયાદ નોંધાવતો નથી, એ પણ જાણે છે કે ઇયળ, મચ્છરો, સાપ, અળસિયાં, કાતરા, ચિયા, તીડ જેવાં જીવો પોતાના ખેતરને આશરે છે. ખેતર એ મૂક દાતા છે ખળું તૈયાર થાય અને પૂમડી જોઇને જે લોકવર્ણ ખળાની કોરમોર આવીને બેસી જાય છે - તે કંઇ ખેડૂતના લેણિયાતો નથી, પણ ખેડૂત રાજીખુશીથી મંદિર, મહાદેવના મહારાજને, લુહારને, કુંભારને હજામને, અને અભ્યાગતને સુંડલે સુંડલે જે દાણા આપે છે તે પણ ખેતરનો સલો છે. અલબત્ત એને ભેગી કરવાની મહેનત ખેડૂતની છે.

કાગડા, ચકલી, કબૂતર, કાબર કે સમડી ને ખેતરમાં ચાંચ મારી ચૂગતાં જોયાં છે. એની ચાંચમાં દાણા જ નહિ, ખેતરનાં જીવજંતુ જે માટીમાં જન્મે છે તેને ખાય છે. એ પણ એક પ્રકારનો સલો છે. શેઢા પરથી ઘાસ કાપી લીધા પછી પણ ઢોર શેઢો ચરે તે પણ સલો જ છે. સલો કરનારને ખેતરે ક્યારેય કોઈવાર નિરાશ કર્યા જ નથી. સલો થઇ ગયા પછી પણ સલો કરનારને કંઇકને કંઇક ખેતર આપે જ છે. તાત્વિક અર્થ એ છે કે કુદરત કોઇને નિરાશ કરતી નથી અને બીજો અર્થ એ પણ છે મહેનત કરનારને કંઇ ને કંઇ કુદરત આપે જ છે.

સલો કરનારાના કંઇ કોઠાર ભરાતા નથી કે તેઓ સમૃદ્ધિથી છલકાઈ જતા નથી પરંતુ એમના ચહેરા ઉપર ખેતર નામના દાતા પાસેથી પ્રસન્નતાની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સલો કરનાર કોઈ મજૂરને, કોઈ ગરીબ વ્યક્તિને, કોઈ બાળકને તે એકત્ર કરવાનો જે આનંદ થાય છે એ અનન્ય છે ! આ સલો કરવાની ઘટનાને વ્યાપક રીતે સમજીએ તો આપણી સ્મૃતિમાં સચવાઈ રહેલી કોઈ વ્યક્તિની નિષ્ઠા, પ્રામાણિકતા એની ઊંચાઈ, પરમાર્થભાવના વગેરે પ્રસંગ આવે યાદ કરીએ ત્યારે સલો કરવાની જ પ્રવૃત્તિ કરીએ છીએ જાણે !! સલો માત્ર ખેતરમાં જ થાય છે તેવું નથી. ખજાનો ખાલી થયા પછી પણ જે કંઇ મળે તે સલો છે. રામાયણ - મહાભારત લખાઈ ગયાં છે, રામ કૃષ્ણના અવતારો થઇ ગયા છે. તેમ છતાં માનવી એના રોજિંદા જીવનમાં એ મહાનગ્રંથો અને પરમપ્રભુના ચરિત્રના અંશો ને યાદ રાખે છે. ઉપયોગમાં પણ લેતો હોય છે. એ સદ્વિચારોનો સલો એના નૂતન જીવનના ખેતરમાં નવાં બીજ બની જતો હોય છે. જ્યાં જ્યાં મહાન કલ્યાણકારી કાર્યો થતાં હોય, ત્યાં કોઈપણ પ્રકારની ટિકા ટિપ્પણમાં પડયા વગર એ સદ્પ્રવૃત્તિનો સલો કરતા રહેવું જોઇએ.