Get The App

વાર્તા વિશ્વ : વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ...

- ડેડ વૂમન્સ સીક્રેટ

- મૂળ સર્જક - દ. મોપાસા ; રજૂઆત - પરેશ વ્યાસ

Updated: Aug 14th, 2020

GS TEAM


Google News
Google News

- દીકરાએ એ પત્ર સંપુટ ફંફોસીને બીજો એક પત્ર બહાર કાઢયો અને વાંચવાની શરૂઆત કરી: 'હું તારા આલિંગન વિના, તારા પ્રેમ, તારા વહાલ વિના હવે જીવી શકું એમ નથી...'

- દરેક વસ્તુ ખોટી છે. દરેક વસ્તુ શક્ય છે. દરેક વસ્તુ શંકાસ્પદ છે- દ. મોપાસા

વાર્તા વિશ્વ : વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ... 1 - image

ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

(ઉત્તરાર્ધ) 

(વહી ગયેલી વાર્તા : એક સ્ત્રી મૃત્યુ પામી છે. રાતનો સમય છે. એક ઓરડામાં એના બંને સંતાનો માતાનાં મૃતદેહ પાસે બેસી માને યાદ કરીને આંસુ સારી રહ્યા છે. એક દીકરો છે જે ન્યાયાધીશ છે અને જે ન્યાય તોળવામાં જરાય બાંધછોડ કરતાં નથી. બીજી દીકરી છે, જેને પુરુષ જાતથી નફરત છે અને એ મોટી થઈને સાધ્વી બની હોય છે. માએ નાનપણથી જ બંને સંતાનોમાં શિસ્ત અને સંસ્કારનું સુપરે સીંચન કર્યું હતું. પિતા વિષે બંને સંતાનો ખાસ જાણતા નથી, સિવાય એ કે એમનાં પિતાએ માતાને ખૂબ દુ:ખ આપ્યું હતું. સૌ માને છે કે એ સ્ત્રીનું જીવન પવિત્ર હતું અને એટલે જ એ મૃત્યુ પામી ત્યારે એના ચહેરાનાં હાવભાવ શાંત અને સ્વસ્થ હતા. દ. મોપાસા લખે છે કે -એક અસીમ શાંતિ, એક દિવ્ય ઉદાસી, એક નીરવ નિર્મળતા એ મૃત સ્ત્રીની આસપાસ વીંટળાયેલી હતી.- હવે આગળ...)

થો ડો લાંબો સમય પસાર થયો. બંને ઊભા થયા. પોતાની મૃત માતાને નીરખીને જોતાં રહ્યાં. અને તેમની યાદો, એ પુરાણી યાદો, એ ગઇકાલ જે ખૂબ જ વહાલભરી હતી અને... એમની આ આજ હતી, જે એમને પરેશાન કરી રહી હતી. અને તેઓનાં મનમાં આવી ચઢી માને લગતી એ તમામ નાની નાની વિસરાયેલી વિગતો, એ અંગત અને એ જાણીતી વાતો. મૃત વ્યક્તિ સાથે જોડાયેલી વાતો આજે ફરી સજીવન થઈને પાછી ફરી રહી હતી. એમની મા હવે એમની સાથે વાત કરી શકે એમ તો નહોતી અને ત્યારે.. એમનાં શબ્દો, એમનું સ્મિત, એમનાં સંજોગો, એમનાં અવાજનો એ ઉતાર ચઢાવ, જાણે કે એ સઘળું ફરી સજીવન થઈ રહ્યું હતું. તેઓએ ફરી એકવાર મા તરફ નજર કરી. માનો ચહેરો શાંત અને ખુશ દેખાતો હતો. તેઓ યાદ કરી રહ્યા હતા માએ કહેલી વાતો, મા કહેતી ત્યારે એનાં ઉપર નીચે થતાં હાથ એમને યાદ આવ્યા, જાણે કે પસાર થતાં સમયને મા ઠપકારી રહી હોય, એ એવું ત્યારે કરતી જ્યારે એ કોઈ અગત્યની વાત એ ભારપૂર્વક કહેવા માંગતી હોય.  

આ અગાઉ ક્યારેય નહીં કર્યો હોય એટલો પ્રેમ તેઓ બંને આજે એમની માને કરી રહ્યા હતા. પોતાના વિષાદની ઊંડાઈને એમણે તાગી અને ત્યારે એમને સમજાયું કે મા વિના હવે તેઓ કેટલાં એકલાં ને અટૂલાં થઈ જવાના છે.

એમનો આધાર, એમની માર્ગદર્શક રહી હતી એમની મા. એમની જિંદગીનો એ સૌથી શ્રેષ્ઠ દાયકો હતો, જે અત્યારે નજર સામેથી વિલુપ્ત થઈ રહ્યો હતો. અત્યાર સુધી એમને એમની જિંદગી સાથે કોઈએ જોડીને રાખ્યા હોય તો એ એમની મા હતી, એમની મમ્મા. મા એમનાં પૂર્વજો સાથે જોડતી એક માત્ર કડી હતી. એની ખોટ હવે તેઓને આજીવન સાલવાની હતી. તેઓ હવે એકદમ એકાકી થઈ ગયા હતા, એકલા પડી ગયા હતા. તેઓ હવે પાછું ફરીને કોઈને જોઈ શકે એમ નહોતા.

સાધ્વી બહેને એના ન્યાયાધીશ ભાઈને કહ્યું: 'તને યાદ છે, મમ્મા એના જૂનાં પત્રોને કાયમ વાંચતી રહેતી હતી, એ બધા પત્રો ટેબલનાં ખાનામાં જ છે. ચાલ, આપણે એક પછી એક એમને વાંચતાં જઈએ, માની બાજુમાં રહીને આજની રાત આપણે એમની જ જિંદગીને એક વાર જીવી લઈએ! આ એવું હશે કે આપણે રસ્તો ઓળંગીએ ભૂતકાળમાં પ્રવેશ કરીએ, માનાં પત્રો દ્વારા એમની મા, આપણાં દાદાદાદી, નાનાનાનીનો પરિચય કરીએ, જેઓને આપણે ખાસ ઓળખતા નથી પણ એમનાં પત્રો અહીં છે અને એ પત્રો વિષે મા ઘણી વાર વાત કરતી હતી, તને યાદ છે?'

ટેબલનાં ખાનામાંથી તેઓએ પીળાં કાગળનાં દસ નાના પેકેટ્સ બહાર કાઢયા. બધા પત્રો ખૂબ કાળજીપૂર્વક બાંધેલા હતા અને એક બીજાની બાજુમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખ્યા હતા. યાદોનાં એ અવશેષને તેઓએ પથારીમાં ફેંક્યા અને પછી એમાંથી એક સંપુટ પસંદ કર્યો, જેની ઉપર શબ્દ લખ્યો હતો: 'ફાધર'. 

એ બધા જૂનવાણી પત્રો, કૌટુંબિક કબાટનાં ખાનામાંથી મળી આવ્યા એ પત્રો, જેમાંથી કોઈ બીજી જ સદીની સુવાસ આવતી હોય એ પત્રો. પહેલો પત્ર શરૂ થતો હતો: 'માય ડીયર', બીજો 'માય બ્યુટીફુલ લિટલ ગર્લ', અન્ય પત્રોમાં સંબોધન હતું 'માય ડીયર ચાઇલ્ડ' અથવા 'માય ડીયર ડોટર'. અને એકાએક સાધ્વી બની ગયેલી એની દીકરીએ પત્રોને મોટે અવાજે વાંચવાનું શરૂ કર્યું. મૃત માનો આખો ઇતિહાસ, એની નાજુક સ્મૃતિઓ. પથારી ઉપર કોણી ટેકવીને મા પાસે બેઠેલો ન્યાયાધીશ દીકરો માનાં મૃતદેહ તરફ અનિમેષ નજરે જોતો રહ્યો અને પત્રોનું પઠન સાંભળતો રહ્યો. એને લાગ્યું કે સ્થિર થઈ ગયેલું માનું મૃત શરીર ખુશ દેખાઈ રહ્યું છે. 

સિસ્ટર યુલૈલી પોતાની જાતને અટકાવીને અચાનક કહ્યું:

'આ પત્રો માની કબર સાથે જ દફનાવવા જોઈએ. માનું કફન બનવું જોઈએ આ પત્રો કે જેમાં વીંટીને માનાં પાથવ શરીરનું દફન કરીએ.'એણે પછી એક બીજો પત્ર સંપુટ ઊઠાવ્યો, જેની ઉપર કશું જ લખ્યું નહોતું. એણે એમાનથી એક પત્ર લઈ મક્કમ અવાજે વાંચવાની શરૂઆત કરી. 'મારી પરમ વહાલી, હું તને બેફામ પ્રેમ કરું છું. પીડાની આ પરાકાષ્ઠા છે કે ગઈકાલથી તારી યાદ મને સતત ઘેરી રહી છે, સતાવી રહી છે. તારા હોઠ મારા હોઠને સાથે, તારી આંખો મારી આંખો સાથે અને તારી છાતીને હું મારી છાતી સાથે ચસોચસ ચીપાયેલા અનુભવી રહ્યો છું. હું તને ચાહું છુ, ચાહું છું! તેં મને પાગલ કરી દીધો છે. મારા હાથો ફેલાવી, મોં ફાડીને શ્વાસ લેવા માટે હું કોશિશ  કરી રહ્યો છું, એક બેકાબૂ ઈચ્છા, એક તીવ્ર અભિલાષા છે કે હું ફરીથી તને મારા બાહોપાશમાં જકડી લઉં. મારું આખું શરીર અને મારો આત્મા તારા મિલન માટે પોકારી રહ્યો છે, ફરી તને પામવાની બેહદ ઉત્કંઠા છે મને. તારા ચુંબનોનો રસાસ્વાદ મેં હજી મારા મોંની અંદર અકબંધ સાચવીને રાખ્યો છે...'

પથારી પર મૃત મા પાસે ઝુકીને બેઠેલાં ન્યાયાધીશ સીધા થયા. સાધ્વી બનેલી દીકરીએ આગળ વાંચવાનું અટકાવ્યું. ભાઈએ બહેનનાં હાથમાંથી પત્ર ખેંચી લીધો અને નીચે કોની સહી છે, એ જોવાની કોશિશ કરી. કોઇની સહી નહોતી. માત્ર એટલાં જ શબ્દો લખ્યા હતા, 'એ માણસ, જે તને બેફામ ચાહે છે,' પછી નામ હતું, 'હેન્રી.' જ્યારે એમનાં પિતાનું નામ તો રીને હતું. એનો અર્થ એ કે આ પત્ર એમનાં પિતા દ્વારા લખાયો નહોતો. દીકરાએ એ પત્ર સંપુટ ફંફોસીને બીજો એક પત્ર બહાર કાઢયો અને વાંચવાની શરૂઆત કરી: 'હું તારા આલિંગન વિના, તારા પ્રેમ, તારા વહાલ વિના હવે જીવી શકું એમ નથી...' એ ઊભો થયો. કરડાકી ભરી નજરે ટીકી ટીકીને એ મૃત સ્ત્રી તરફ જોતો રહ્યો. સાધ્વી દીકરી પણ સ્થિર મૂતની જેમ ઊભી હતી. થર થર કાંપતા આંસુઓ એની આંખોનાં ખૂણાં ભીંજવી રહ્યા હતા. એ એનાં ભાઈને જોઈ રહી, એ કાંઇ બોલે એની રાહ જોઈ રહી. ન્યાયાધીશ ભાઈ રૂમમાં હળવેથી ડગ માંડીને બારી તરફ ગયો અને બારી બહાર કાળી અફાટ રાતને નીરખતો ઊભો રહ્યો.  

જ્યારે એ પાછો વાળ્યો ત્યારે સિસ્ટર યુલૈલી હજી પથારી પાસે જ ઊભી હતી, એનું માથું ઝૂકેલું હતું અને એની આંખોમાંથી આંસુ હવે સૂકાઈ ગયા હતા.

એ આગળ વધ્યો, ઝડપથી એ પત્રો એણે હાથમાં લીધા અને ટેબલનાં ખાનામાં ઘા કરીને નાંખી દીધા. પછી એણે માતાનો મૃતદેહ હતો એ પલંગ ઉપર પડદો પાડી દીધો.

પ્રભાતે સૂર્યપ્રકાશમાં ટેબલ પર બળતી મીણબત્તીનો પ્રકાશ ધૂંધળો દેખાવા માંડયો અને ત્યારે પુત્ર આરામખુરશીમાંથી ઊભો થયો. એક વાર પણ એણે મા તરફ જોયું નહીં. એ ન્યાયાધીશ હતો. દીકરા અને દીકરીનો એમની મા સાથેનો સંબંધ તોડવાની સજા ફરમાવતા એ ધીમેથી બોલ્યો: 'ચાલ બહેન, આપણે હવે ચાલ્યા જઈએ.' (સમાપ્ત)

(નોંધ: 'ગુજરાત સમાચાર'નાં સુજ્ઞા વાંચકોને વાર્તાનો અંત ફોડ ફાડીને સમજાવવાનો ન જ હોય. પણ કેટલીક શક્યતાઓ ઉપર ધ્યાન દોરવું છે. માતાને કામુક અને ઉત્કટ પ્રેમપત્રો લખનાર પુરુષ 'હેન્રી' છે જ્યારે એમનાં પિતાનું નામ તો 'રીને' છે. એટલે આ તો વ્યભિચાર થયો. એ રહસ્ય જાણ્યા પછી સંતાનોને માતા પ્રત્યે નફરત થઈ આવે છે.પણ એવું ન હોય કે માતાનો એમનાં પ્રેમી સાથેનો સંબંધ લગ્ન પૂર્વેનો હોય?... અને તો ય એક સ્ત્રી માટે લગ્ન પહેલાં કે લગ્ન પછી અન્ય પુરુષ સાથેનાં દૈહિક સંબંધ છિનાળું જ ગણાય? એક અન્ય શક્યતા એવી કે 'હેન્રી' અને 'રીને' બંને  નામ એમનાં પિતાનાં જ ન હોઈ શકે? પુરુષનાં બે કે તેથી વધારે નામ પણ તો હોઈ શકે.  દા.ત. આ વાર્તાનાં મહાન લેખક દ. મોપાસા. એમનું આખું નામ હેન્રી-રીને-આલ્બર્ટ- ગાય-દ-મોપાસા. અને એમ હોય તો આ પત્રનો લખનાર એની માતાનો પતિ ઉર્ફે એમનો પિતા જ ન હોઈ શકે?!! લાગે છે કે ન્યાયાધીશ પુત્રએ પુરાવાની પૂરતી ચકાસણી કર્યા વિના જ માતાને સજા કરી દીધી.)

સર્જકનો પરિચય

દ. મોપાસા 

જન્મ : ૫ ઓગસ્ટ ૧૮૫૦

મૃત્યુ :   ૬ જુલાઈ, ૧૮૯૩  

ઓગસ્ટ મહિનો આવે એટલે દ. મોપાસા અને એની વાર્તા યાદ આવે જ. આજથી ૧૭૦ વર્ષ પહેલાં જન્મેલા ઘણાં જ લોકપ્રિય લેખક અને વિશ્વની ટૂંકી વાર્તાઓનાં દિગ્ગજ લેખકો પૈકીનાં એક, દ. મોપાસાનું આખું નામ હતું હેન્રી-રીને-આલ્બર્ટ- ગાય-દ-મોપાસા. મૂળ ફ્રેંચ ઉચ્ચાર 'ગી દ મોપ્પાસો'. 

દ. મોપાસાની વાર્તાઓ, એની શબ્દ મર્યાદા, સક્ષમ કથની અને સહજ નિષ્કર્ષ માટે જાણીતી છે. એમણે ત્રણસો ટૂંકી વાર્તાઓ, છ નવલકથાઓ, ત્રણ પ્રવાસ વર્ણનો અને એક કવિતાનું માતબર સાહિત્ય સર્જન કર્યુ હતું. વિખ્યાત લેખક લિયો ટોલ્સટોયે 'ધ વર્કસ ઓફ દ. મોપાસા' નિબંધ લખીને મોપાસાની સાહિત્ય પ્રતિભાનું સન્માન કર્યુ હતું.

જર્મન ફિલોસોફર નિત્સેએ એમને આ સદીનાં સૌથી નાજુક અને જિજ્ઞાાસુ માનોજ્ઞાાની તરીકે નવાજ્યા હતા. મોપાસાની અંગત જિંદગી રંગીન હતી. યુવાનીમાં અનેક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધોને કારણે તેઓ ગુપ્ત રોગ સીફીલીસનાં શિકાર બન્યા હતા અને એમની સર્જનશીલતા પર રોગનું ગ્રહણ લાગ્યું હતું. તેંતાલિસ વર્ષની વયે એમનું અવસાન થયું. એમની કબર પરનું લખાણ એમણે પહેલેથી જાતે જ લખી રાખ્યું હતુંથ 'મેં દરેક વસ્તુને ચાહી છે. કોઈમાંથી પણ મેં ખોટી રીતે આનંદ મેળવ્યો નથી.'

Tags :