Get The App

તમે એકલાં છો એમ ના સમજશો, મેડમ ! કામ હોય તો અડધી રાતે ય મને મિસકોલ મારજો, આવીને ઊભો રહીશ !!

- મારું રૂપ, મારી જોબનવંતી કાયા, મારાં પુષ્ટ અંગો ને મારો ગુલાબી ચહેરો જોઇને બોસના કાળજામાં છુપાઇને બેઠેલો કામનો કાળોતરો બહાર આવી જતો !

- મારી સાથે હોટેલમાં લંચ લેવા આવશો, મેડમજી ? ના ન પાડશો.. તમને મારા સમ છે !

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News

ઝાકળઝંઝા- પરાજિત પટેલ

તમે એકલાં છો એમ ના સમજશો, મેડમ ! કામ હોય તો અડધી રાતે ય મને મિસકોલ મારજો, આવીને ઊભો રહીશ !! 1 - image

મરદોના મેલા ઈશારા મારાથી સહન નથી થતા, હું શું કરું ? એમની ગંદી કામુક નજરો મારા કાળજામાં શૂળો ભોંકી દે છે, હું શું કરું ? એમના મુખે ઉચ્ચારાતા ગંદા શબ્દો મારા હૈયાને તારતાર કરી નાખે છે, હું શું કરું ? અને આવું થાય છે ત્યારે મારો હથોડા જેવો હાથ સળવળે છે... ને આવા મેલા મનવાળા મરદનો એકાદ દાંત તૂટી પડે છે, ને એ ભાગવા માંડે છે ! મારો હાથ એના ગાલ પર લાલ - ગુલાબી રંગોળી પૂરી દે છે, ને મરદ જેવો મરદ કુત્તાની જેમ પૂંછડી દબાવીને ભાગી જાય છે !

હવે તમે જ કહો, હું રૂપાળી છું એમાં મારો વાંક ખરો ? મારું તસતસતું જોબન સાગરનાં મોજાંની જેમ ઊછાળા મારે, એમાં મારો વાંક ખરો ? મારી ગોરી ગુલાબી કાયા જોઇને અપ્સરા ય આંસુ પાડવા લાગી જાય, એમાં મારો વાંક ખરો ? અને હું ક્યારેક મારી નજીક આવવા માગતા કામદેવના કોઇ કુત્તાને થપ્પડ મારી દઉં તો આવાં નામ પાડવાનાં ? કોઇ મને 'થપ્પડબહેન' કહે છે તો કોઇ મને 'તમાચાકુમારી' કહે છે ! કોઇ વળી કહેશે : 'ભાગો લ્યા ભાગો, ઝાપટવાળો ઝંઝાવાત આવી રહ્યો છે !' લો કરો વાત, હું ઝાપટવાળો ઝંઝાવાત છું ?

જમાનો તો જુઓ ! ઘરમાં જુવાન જોધ ઘરવાળી બેઠી હોય તો ય મારી સામે જોઇને આંખો મીંચકારશે ! કોઇ મરદ વળી એવું ય કહે 'મેડમ, તમે ચિંતા ન કરતાં. તમે એકલાં નથી ! કામ પડે તો અડધી રાતે ય મિસકોલ મારજો, આવીને ન ઊભો રહું તો મને બે બાપનો જાણજો !' અલ્યા મેલા ભગત, અડધી રાતે મારે તારું શું કામ છે ? અડધી રાતે મારે એવું તે કયું અરજન્ટ કામ આવી પડયું હોય, કે તને તેડું મોકલું ? લુચ્ચા, તારા શબ્દોમાં તારી મેલી મુરાદ ગંધાય છે..! પણ નહિ જાણતો હોય મને ? આ કોઇ રેંજીપેંજી ઓરત નથી, આ તો 'થપ્પડ વાળી મેડમ' છે થપ્પડો ખાવાની તૈયારી હોય તો આવજે. બાકી અડધી રાતે  તને શું કામ બોલાવું ?

થપ્પડવાળી ઓરત !

તમાચા મેડમ !

મુક્કા માર માનુની !

તમને એક વાત કરું ? મોટા ભાગના મરદો એક સરખા જ હોય ! કેવા ? કહું ? એમના કાળજામાં હડકાયો કુત્તો પેસી ગયો હોય છે ! આવકાર તો એવો આપશે કે આપણું મન ખુશખુશાલ થઇ જાય : 'એ... આવો, આવો, બહેન !' 'આરામથી બેસો, બહેન !' અહીં કોઇ પારકું નથી સમજ્યાં ? આ ઓફિસને તમારી જ સમજો !  મને ય પરાયો ન ગણતાં ! તકલીફ ન વેઠશો, જે હોય તે સંકોચ વગર કહી દેજો ! તમારી મૂંઝવણ ચપટીમાં દૂર કરી દઇશ !' પછી થોડીવારે કહેશે : 'મેડમ, મારી સાથે હોટેલમાં લંચ લેવા આવશો ? મજા આવશે. હોટેલ 'જડબેસલાક' બહુ ટેસ્ટી વાનગીઓ બનાવે છે, એનો સ્વાદ દાઢમાં રહી જશે, દાઢમાં !' પછી એના હાથ ટેબલ પરના મારા હાથ નજીક લાવશે, ને કહેશે : 'ના ન કહેશો, મારા સમ !'

બોલ્યા, લંચ લેવા આવશો ?

ના ન પાડશો !

મારા સમ !

'મારે નથી પાળવા તારા સમ ! કાલે મરતો હોય તો આજે મર.. મારે નથી આવવું તારી સાથે લંચ લેવા ! આ ઓફિસમાં બીજી કોઇ નથી ? પેલી શ્યામ રંગી શ્યામાને કેમ કહેતો નથી ? મોટા મોટા દાંતવાળી ટાઈપીસ્ટ જયકૃષ્ણાને કેમ કહેતો નથી ?'

ઓફિસનો બોસ હોય, પાડોશી હોય કે દૂરનો સગો હોય કે પછી સખીનો ઘરવાળો હોય.. મોટા ભાગે તો મરદો હોય જ કામદેવની લાત ખાધેલા કુત્તા જેવા ! રૂપાળી ઓરતને જુએ કે લાળ પાડવા માંડે ! જોબનવંતી સ્ત્રીને જુએ કે પૂંછડી પટપટાવવા માંડે ! રૂપવંતી મસ્ત યુવતીને જુએ કે રાતીચોળ જીભ હોઠ પર ફેરવવા લાગી જાય ! લાલ લૂગડું ભાળીને આખલાની જેમ બે પગે થઇ જાય !

ભક્તરામ અમારી સામે જ રહેતા હતા. મસ્ત બંગલો હતો ! બંગલો નહિ, એને તો મહેલ કહેવો પડે એવો ! બંગલાની બહાર ત્રણ ચાર મોંઘીદાટ ગાડીઓ તો પડી જ હોય ! ભક્તરામ મોટા માણસ હતા ! એમના બંગલે નેતાઓ પણ આવતા, કલાકારો પણ આવતા ! ફિલ્મના એકટરો પણ આવતા !

એક મોટી કંપનીના માલિક હતા તેઓ : 'તરંગવતી હેલ્થકેર લિમિટેડ !' તમામ સ્ટેટમાં આ કંપનીની શાખાઓ હતી ! મને થતું : 'આ કંપનીનું નામ તરંગ વતી કેમ રાખવામાં આવ્યું હશે ?' ક્યારેક ભક્તરામ બંગલાની બહાર પણ નજરે પડતા : સાવ, સીમ્પલ પર્સનાલીટી ! ખાદીનો લેંઘો, ને ઝભ્ભો ! આંખો પર હોય ચશ્માં ! મને થાય કે એક અરબોપતિ શેઠિયો આટલો બધો સાદો હોય ખરો ? બંગલામાં બધા જ હતા. નોકર-ચાકરો અને રસોઇયા મહારાજ ! પણ મને જાણવા મળ્યું કે બંગલામાં એમનાં પત્ની ન હતાં ! ક્યાં ગયાં હશે ? જવાબ મળી ગયો : 'ઉપર !'

ઉપર એટલે ઉપર.

સ્વર્ગના દ્વારે.

જગત્પતિ ત્રિલોકીનાથ વિષ્ણુની સેવામાં !

એ ન હતાં !

તસવીર બનીને દિવાલ પર લટકતાં હતાં !

મારે નોકરીની જરૂર હતી. જૂની નોકરી છુટી ગઇ હતી. બોસની બદમાશીને કારણે ! બોસ મને વારંવાર એની કેબીનમાં બોલાવતો ! મારું રૂપ, મારી જોબનવંતી કાયા, મારાં પુષ્ટ અંગો ને મારો ગુલાબી ચહેરો જોઇને બોસના કાળજામાં છુપાઇને બેઠેલો કામનો કાળોતરો બહાર આવી જતો ! ને એક દિવસે એના એકાદ અડપલા પર મેં એને થપ્પડ મારી દીધી હતી ! થપ્પડ ગૂંજી ઊઠી હતી !! - પછી તો ચોવીસ કલાકમાં મને ફરજ મુક્ત કરી દેવામાં આવી !

- ને હું બેકાર બની ગઇ. તમને કહી દઉં : મેં લગ્ન તો જરૂર કર્યાં હતાં, પણ માત્ર દોઢ વર્ષમાં જ હું વિધવા બની હતી ! ઘર હતું, પણ આવક નહોતી ! રહેવાની જગ્યા હતી, પણ નાણાંનો પ્રવાહ વહેતો નહોતો ! ઓટલો હતો પણ રોટલો નહોતો !

નોકરીમાંથી મુક્ત થયા પછી મને એક દિવસે વિચાર આવ્યો : 

'હું પાડોશી ભક્તરામ શેઠને વાત કરું તો ? પાડોશી છું એટલે મારી વાત જરૂર સાંભળશે !' પાછો બીજો વિચાર પણ આવ્યો : 'આ ભક્તરામ શેઠ પણ પેલા બોસ જેવા હશે તો ? મરદ એટલે મરદ. મરદની જાત કોને કહી ? સંધાય મરદ સરખા ! એમાંય આ તો બૈરા વગરના શેઠ !' છતાં ય મન કાઠું કરીને હું તેમની ઓફિસે ગઇ. પટાવાળા સાથે ચિઠ્ઠી મોકલી. પટાવાળો તરત જ પાછો આવ્યો : 'કંચનબહેન, તમને શેઠ બોલાવે છે, જાઓ.'

અંદર પ્રવેશતાં જ મને અદકેરો આવકાર મળ્યો : 'આવો, આવો, મારાં પાડોશી, કંચનબહેન ! બેસો.'

હું શેઠની સામેની ચેરમાં બેઠી.

'શું લેશો, ચા કે કોફી ?'

'કંઇ નહિ !'

'અરે, એવું તે હોતું હશે ? તમે મારાં પાડોશી છો. પાડોશી ધર્મ તો બજાવવો પડે ને ? ચાલો હું તમારા માટે આઇસ્ક્રીમ મંગાવું છું..' ને તેમણે  પટાવાળાને બે આઇસ્ક્રીમ લાવવા કહ્યું.

હું જોઇ રહી.

શેઠને.

એમના શબ્દોને વાગોળી રહી.

પાડોશી ધર્મ !

એમની ઓફિસને હું જોઇ રહી : વાહ, ખૂબ વૈભવી ઓફિસ છે ! રૂપિયો છલકાય છે, રૂપિયો દેખાય છે, રૂપિયો ઊછાળા મારે છે !!

આઇસ્ક્રીમ ખાઇ લીધા પછી એમણે પૂછ્યું : 'બોલો, મારે લાયક કોઇ કામ સેવા ?'

'નોકરી !'

'એટલે ?'

'મને નોકરી આપો, શેઠ !'

'આપી.'

'એટલે ?'

'તમે બહાર નીકળશો એટલે અમારો મેનેજર તમને એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપી દેશે.'

'શાની નોકરી છે ?'

'એડવાઇઝરી કમિટિનાં તમે સભ્ય બની જાવ છો, દર મહીને તમને સીત્તેર હજારનો પગાર મળશે, હવે તો ખુશ ને ?'

'ખુશ છું, શેઠ !'

'ધેન યૂ કેન ગો. મેનેજર પાસેથી ઓર્ડર લેતાં જજો.'

'ભલે..'

ને શેઠનો આભાર માની હું બહાર નીકળી. મને મેનેજરે ઓર્ડર પણ પકડાવી દીધો : 'સીસ્ટર, આવતી કાલથી  હાજર થઇ જજો.'

'ભલે.'

- હું રાજી રાજી થઇ ગઇ. ક્યાં અગાઉની કંપનીમાં વીસ હજારનો પગાર, ને ક્યાં આ તરંગવતી હેલ્થ કેરમાં સીત્તેર હજારનો પગાર ? ઓ મારા ત્રિલોકીનાથ વિષ્ણુ, તેં તો મારા પર તારી કૃપાનો વરસાદ વરસાવી દીધો. પણ'-

આ 'પણ' પછીની કલ્પના થઇ શકતી નથી ! 'પણ' પછી ગમે તે થઇ શકે છે ! નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે, અને નોકરીમાંથી છુટ્ટી પણ મળી શકે છે : એ પણ કાયમ માટે ! આ 'પણ' શબ્દ હેપીનેસના મહેલમાં પણ લઇ જઇ શકે છે, અને જોબલેસ પણ બનાવી શકે છે !

પણ..

પણ ?

'પણ'નો મને અનુભવ છે !

'પણ'  એટલે આમંત્રણ !

'પણ'  એટલે કામુક નજર.

'પણ'  એટલે  સાથે લંચ લેવાનો આગ્રહ.

- 'પણ'  એટલે  કામના કાળોતરાના દંશ !

- 'પણ'  એટલે  વાસનાના વીંછીના ડંખ !

- 'પણ'  એટલે ?  જાવ, કાલથી ન આવતાં !

- 'પણ'  એટલે ? 'કંપનીને તમારી સેવાની જરૂર નથી !'

શું થશે ?

બીજે દિવસે હું મને ગમતી યલો કલરની સાડી પહેરી, પરફ્યુમ છાંટી બહાર નીકળી. મેં જોયું તો : મારા ઘરની બહાર જ કંપનીની ગાડી ઊભી હતી. ડ્રાઇવરે કહ્યું : 'બહેન, ગાડીમાં આવી જાવ.. શેઠના ઓર્ડર પ્રમાણે દરરોજ તમને લેવા તથા મૂકવા માટે કંપનીની કાર આવશે, રાઇટ ?'

હું કારમાં ગોઠવાઇ ગઇ.

કંપનીની ઓફિસે પહોંચી.. ઉપર ગઇ : પણ આ શું ? આખી ઓફિસને ફૂલોથી શણગારવામાં આવી હતી. વાહ, શું છે આ બધું ?

જનરલ મેનેજર અને ઓફિસરોએ મને ગુલ દસ્તો આપ્યો. ને મને શેઠની કેબીનમાં લઇ ગયા. મારી સામે જ, દિવાલ પર કોઇ યૌવનાની તસવીર હતી, હું જોતી હતી ત્યાં જ ભક્તરામ શેઠ બોલી ઊઠયા : 'શું જુએ છે, દીકરી ? તારો જ ફોટો તું જુએ છે ?'

'દીકરી ?'

'હા, દીકરી.. આ તસવીર છે મારી સ્વર્ગસ્થ દીકરી તરંગવતીની. કંપનીનું નામ પણ એનાં નામ સાથે જોડવામાં આવ્યું છે. હવે જો તસવીર ! તારો ચહેરો બિલકુલ મારી દીકરી જેવો જ છે ! તને જોતાં જ મને લાગ્યું હતું કે : મારી મરેલી દીકરી જીવતી થઇને પાછી આવી છે ? બેટી, આજથી તું માત્ર સલાહકાર કમિટિની સભ્ય જ નથી, આ કંપનીની પણ તું સર્વેસર્વા છે. આવ, બેટી, આવ ! લોહી દદડતા કાળજાવાળા બાપને ભેટ !'

ને હું એમને ભેટી પડી !

એ જુદા જ મર્દ હતા !

એ બાપ હતા !

એમને બેટી મળી ગઇ !

અને મને 'બાપ' મળી ગયા !!

Tags :