Get The App

જાણીએ તપશ્ચર્યાથી થતાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભને!

- શરીરને કોઇ પણ નવી પરિસ્થિતિને અનુકૂળ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે અને એ ત્રણ દિવસ દરમિયાન નવીન પરિસ્થિતિનો એ સામનો -પ્રતિકાર કરવા સજ્જ બની જાય છે

- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
જાણીએ તપશ્ચર્યાથી થતાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભને! 1 - image


તપની પાછળ કેટકેટલા વૈજ્ઞાાનિક રહસ્યો રહેલાં છે. આ તપ દ્વારા માનવીના આરોગ્યથી માંડીને અધ્યાત્મ સુધીની તમામ બાબતોના પરિવર્તન સાધી શકાય છે. એવા તપના રહસ્ય વિશે આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી મહારાજે કરેલું ચિંતન જોઇએ.

આયુર્વેદની દ્રષ્ટિએ સર્વ રોગોનું મૂળ શરીરમાં ઉત્પન્ન થયેલા વાત, પિત્ત અને કફની વિષમતા જ છે અને સામાન્ય જીવન વ્યવહારમાં રસનેન્દ્રિયના ચટાકાના કારણે કફ અને પિત્તજનક પદાર્થોનુ જ વધુ પડતું સેવન કરવામાં આવે છે. તેથી શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જાય છે અને તંદુરસ્તી જોખમાય છે. આથી શક્ય હોય તો મહિનામાં ચાર પાંચ આયંબિલ અવશ્ય કરવા જોઇએ.

શાસ્ત્રકાર ભગવંતોએ પણ વર્ષમાં બે, ચૈત્ર માસમાં અને આસો માસમાં આયંબિલની નવ દિવસની શાશ્વતી ઓળીની આરાધના બતાવી છે. તેનું રહસ્ય પણ આ જ છે. વળી ચૈત્ર મહિનો અને આસો મહિનો એ બે ઋતુઓના સંધિકાળ છે; અને એ સંધિકાળ દરમિયાન લગભગ મોટા ભાગની વ્યક્તિઓના આરોગ્યમાં ફેરફાર થાય છે. આ સમય દરમિયાન જો આહાર-પાણીમાં પથ્યાપથ્યનો વિવેક રાખવામાં ન આવે તો ક્યારેક બહુ લાંબા સમયની બીમારીનો ભોગ બનવું પડે છે. અને આયુર્વેદે કહ્યું છે કે,

वैद्यानां शारदी माता, पिता तु कुसुमाकर।

(વૈદ્યકાજ માટે શરદઋતુ માતા સમાન છે, અને વસંત ઋતુ પિતા સમાન છે) કારણ કે આ બે ઋતુઓ દરમિયાન જ લોકોનું આરોગ્ય બગડે છે; અને ડૉકટરો, વૈદ્યોને સારી એવી કમાણી થાય છે. આથી શક્ય હોય તો નવપદની ચૈત્રી અને આસો માસની બંને ઓળી કરવી જોઇએ.

ઉપવાસ જૈન ધર્મનું આગવું વિશિષ્ટ તપ છે. આ તપના મુખ્ય બે પ્રકાર છ: (૧) તિવિહાર ઉપવાસ (૨) ચઉવિહાર ઉપવાસ. જૈન પરંપરા પ્રમાણે - ઉપવાસની શરૂઆત આગલા દિવસની સાંજથી થાય છે અને સમાપ્તિ બીજા દિવસની સવારે થાય છે. મતલબ કે પૂરા ૩૬ કલાકનો આ ઉપવાસ હોય છે. જૈન પરંપરામાં ઉપવાસમાં અન્ય પરંપરાના ઉપાસકની માફક ચા, દૂધ, કોફી, ફ્રુટ, માવાની મીઠાઇ કે અન્ય ફરાળ લેવામાં આવતું નથી કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવતા પ્રતીક ઉપવાસની માફક સવારના આઠથી રાત્રીના આઠ સુધી માત્ર બાર કલાકના જ ઉપવાસ હોતા નથી. આવા પ્રતીક ઉપવાસો સવારના પેટ ભરીને નાસ્તો (મિીચંકચજા) કરીને શરૂ થાય છે અને સાંજે એની સમાપ્તિ બાદ પાકું ભોજન લેવામાં આવે છે. જ્યારે જૈન પરંપરાના તિવિહાર ઉપવાસમાં દિવસે માત્ર સવારના ૧૦ થી સાંજના ૬ સુધી ફક્ત ઉકાળેલું પાણી જ લેવામાં આવે છે. જ્યારે ચઉવિહાર ઉપવાસમાં તો આગળના દિવસની સાંજથી માંડીને બીજા દિવસની સવાર સુધી પૂરા ૩૬ કલાક સુધી આહારનો ત્યાગ હોય છે જ, પણ એની સાથે સાથે પાણીનું એક ટીપું પણ લેવામાં આવતું નથી અર્થાત્ પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે.

જીવન માટે આવશ્યક મુખ્ય વસ્તુ ત્રણ છે: આહાર, પાણી અને હવા. શરીરને ટકાવવા માટે નિયમિત રીતે યોગ્ય પ્રમાણમાં પથ્ય આહાર લેવો જરૂરી છે. જો આહાર ઓછો લેવામાં આવે અથવા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે તો શરીર ક્ષીણ થતું જાય છે અને લાંબા કાળે અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે શરીર અસમર્થ બને છે. આહારને પચાવવા માટે પાણી અત્યંત જરૂરી છે. શરીરમાં ૭૫ થી ૩૦ ટકા પાણી હોય છે. શરીરમાં ડાયેરિયા કે વોમિટ દ્વારા પાણી ઓછું થઇ જાય તો ઝડપથી લોહીનું દબાણ ઘટવા માંડે છે અને શરીર અસ્વસ્થ બને છે. તેથી શરીરનું શુષ્કીકરણ (ડીહાઇડ્રેશન) થતું રોકવા માટે ગ્લુકોઝ વગેરેનું પાણી આપવું પડે છે. એટલે પાણી પણ જીવન ટકાવવા માટે અગત્યની વસ્તુ છે. અને ચયાપચય (મેટાબોલિઝમ)ની ક્રિયા માટે ઓક્સિજન અતિ આવશ્યક છે. ઓક્સિજન દ્વારા શરીરમાં ચરબી અને સાકરના દહન દ્વારા આપણને જરૂરી, શક્તિ કેલરી મળી રહે છે. એ ઓક્સિજન શ્વાસોચ્છવાસ દ્વારા હવામાંથી જ લેવામાં આવે છે.

હવામાં લગભગ ૨૦%ઓક્સિજન- પ્રાણવાયુ હોય છે. એટલે હવા વિના મનુષ્ય કે કોઇ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ સુદ્ધાં થોડી મિનિટો પણ જીવી શકતા નથી. જ્યારે પાણી વિના થોડા કલાકો રહી શકાય છે. અને આહાર વિના થોડા દિવસો રહી શકાય છે. આમ વિજ્ઞાાનની દ્રષ્ટિએ આહાર વિનાના ફક્ત પાણીના આધારે ઘણા દિવસના ઉપવાસ થઇ શકે છે. જ્યારે આહાર અને પાણી વિનાના સંપૂર્ણ નકોરડા ઉપવાસ ફક્ત થોડા દિવસ ચાર કે પાંચ દિવસ થઇ શકે છે તેથી વધુ નહીં.

ઉપવાસ એ જેમ આત્મિક શુદ્ધિનું અને આત્મનિયંત્રણ સાધન છે, તેમ દેહશુદ્ધિ અને દૈહિક આંતરિક ક્રિયાઓને નિયંત્રિત - નિયમિત કરવાનું પણ સાધન છે. ઉપવાસ કરવાથી શરીરના આંતરિક ઘન કચરાનો નિકાલ થાય છે. શરીરના વધેલ પિત્ત, કફ કે વાયુનું ઉપશમન અથવા તો ઉત્સર્જન થાય છે. અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસના બીજા અથવા ત્રીજા દિવસે કેટલાકને પિત્તની વોમિટ થાય છે. વસ્તુત: તે વોમિટ દ્વારા શરીરનું વધારાનું પિત્ત બહાર નીકળી જતાં શારીરિક શાંતિ અનુભવાય છે. ઉપવાસ દરમિયાન માત્ર ઉકાળેલું પાણી પીવાથી પેટમાં રહેલ વધારાના મળનો નિકાલ થાય છે અને કૃમિ વગેરેને ખોરાક નહિ મળવાથી સ્વયમેવ બહાર નીકળી જાય છે, તથા કફ હોય તો તે પણ દૂર થઇ જાય છે. આમ વધારાનું પિત્ત અને વધારાનો કફ દૂર થતાં, વાત, પિત્ત અને કફ ત્રણેનું શમન થાય છે, માટે પંદર દિવસમાં અથવા મહિનામાં ઓછામાં ઓછો એક ઉપવાસ કરવો જોઇએ અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ પાક્ષિક પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસનું વિધાન કરેલ છે.

સામાન્ય રીતે શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જે સાધુ કે સાધ્વી નિરંતર અઠ્ઠમ કે તેથી વધુ તપશ્ચર્યા કરતા હોય તેવા સત્વશાળી સંયમી મહાત્માઓનું શરીર દેવાધિષ્ઠિત થઇ જાય છે. અર્થાત્ તપ વગેરેમાં દૈવી સહાય મળે છે, પરંતુ સામાન્ય ગૃહસ્થ વગેરે પણ જ્યારે અઠ્ઠાઇ, અગિયાર ઉપવાસ, ૧૫ ઉપવાસ, માસક્ષમણ (૩૦ ઉપવાસ) કે ૪૫ ઉપવાસ જેવી મહાન દીર્ઘકાલિન તપશ્ચર્યા કરે છે ત્યારે મોટે ભાગે શારીરિક રીતે ક્ષીણ અને અશક્ત થઇ જાય છે છતાં મનોબળ અને આત્મબળના આધારે તેઓ લાંબાકાળ સુધી આહાર વિના ચલાવી શકે છે. કેટલાક લોકો ૧૬-૧૬ દિવસના ચઉવિહાર એટલે કે પાણી વગરના પણ ઉપવાસ કરી શકે છે. અર્થાત્ ૧૬-૧૬ દિવસ સુધી આહાર-પાણી બંનેનો સંપૂર્ણત્યાગ કરે છે.

શરીરવિજ્ઞાાન તથા આરોગ્ય વિજ્ઞાાનના સામાન્ય જ્ઞાાનવાળા લોકોને આમાં ખૂબ આશ્ચર્ય જણાય છે, પરંતુ આ વિશે વધુ વિચાર કરતાં લાગે છે કે આપણા શરીરને કોઇ પણ નવી પરિસ્થિતિને અનુકૂળ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે અને એ ત્રણ દિવસ દરમિયાન નવીન પરિસ્થિતિનો એ સામનો -પ્રતિકાર કરવા સજ્જ બની જાય છે. એ ત્રણ દિવસ દરમિયાન શારીરિક અને માનસિક વ્યવસ્થાતંત્ર અસ્તવ્યસ્ત થઇ જાય છે. પરંતુ એ પ્રતિકારને જ્યારે બહારથી કોઇ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નથી, ત્યારે શરીર નવીન પરિસ્થિતિને અનુકૂળ થઇ જાય છે.

આ સિદ્ધાંત પ્રમાણે આપણું શરીર સામાન્ય દિવસોમાં, દિવસ દરમિયાન લીધેલ આહાર અને પાણીમાંથી પોતાને આવશ્યક ગરમી કે શક્તિ મેળવી લે છે, પરંતુ શરીરમાં રહેલી ચરબી અને ગ્લુકોઝ વગેરેનો તે ઉપયોગ કરતું નથી. કારણ કે આપણું શરીર એ પ્રમાણે જ ટેવાયેલું હોય છે. આથી જ્યારે આપણે ઉપવાસ કે આયંબિલ વગેરે તપશ્ચર્યા કરીએ છીએ, ત્યારે આપણું શરીર રોજિંદાક્રમ પ્રમાણે બહારથી લેવાયેલ આહાર પાણીમાંથી શક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ તે તો સદંતર બંધ હોવાથી શરીર અશક્તિ, ભૂખ, વગેરે સ્વરૂપે નવીન પરિસ્થિતિનો પ્રતિકાર કરે છે. આના જવાબમાં આપણું મનોબળ મજબૂત ન હોય તો આપણે પારણું કરી લઇએ છીએ: અને જો આપણે પારણું ન કરીએ અને ઉપવાસ વગેરે તપશ્ચર્યા ચાલુ જ રાખીએ તો આપણું શરીર બહારથી ગર્મી અને 

શક્તિ મેળવવાને બદલે શરીરમાં રહેલા ચરબી અને ગ્લુકોઝ વગેરેમાંથી પોતાને આવશ્યક ગરમી અને શક્તિ મેળવતું થઇ જાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે. જેઓ ભારતમાંથી અમેરિકા અથવા અમેરિકામાંથી ભારતમાં આવે છે તેઓના શરીરની જૈવિક ઘડિયાળ (breakfast)ને નવા પ્રદેશને અનુકૂળ થતાં લગભગ ત્રણ દિવસ લાગે છે, જેને મેડિકલ પરિભાષામાં 'જેટલોગ' કહે છે.

એ ત્રણ દિવસ દરમિયાન તેઓએ પહેલાંના સમય પ્રમાણે દિવસે ઉંઘ આવે અને રાત્રે જાગે, દિવસે ભૂખ ના લાગે પણ રાત્રે ભૂખ લાગે છે. મગજ પણ થોડો વખત અપસેટ-વ્યવસ્થિત રહે છે. તેથી વિદેશમાં જતાં એલચી- રાજદૂતોને પોતે જે દેશમાં ગયા પછી ત્રણ દિવસ સુધી કોઇ નવા નીતિવિષયક નિર્ણયો કે અગત્યની મંત્રણા નહિ કરવાનો આદેશ હોય છે, માટે લાંબી તપશ્ચર્યા દરમિયાન પ્રથમ ત્રણ દિવસ પછી ભૂખ લાગે કે અશક્તિ વગેરે નહિ લાગવાનું કારણ આ જ છે. ત્રણ દિવસ દરમિયાન શરીર પોતે પોતાને આવશ્યક ગરમી અને શક્તિ મેળવવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી લે છે.

ટૂંકમાં, જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણાં, એકાસણાં, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્ય વિજ્ઞાાન (મેડિકલ સાયન્સ) અને શરીર વિજ્ઞાાન (Biological clock) ની દ્રષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથે સાતે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ફાયદા થાય છે, જે નજર અંદાજ કરવા ન જોઇએ. છેવટે ધર્મ કે ધાર્મિક કદાચ એલર્જી હોય તો, વિજ્ઞાાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઇએ.

Tags :