Get The App

શારીરિક કે માનસિક આઘાતને કારણે થયેલા તનાવ અને તેના ઉપાયો

- વૈજ્ઞાાનિકોએ કરેલા પ્રયોગો અનુસાર પી.ટી.એસ.ડી. એક પ્રકારની માનસિક પરિસ્થિતિ છે જેને માનવીના મનમાં આવતા વિચારો અને લાગણીઓ સાથે ખુબ જ ગાઢ સંબંધ છે

- ફિટનેસ- મુકુંદ મહેતા

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
શારીરિક કે માનસિક આઘાતને કારણે થયેલા તનાવ અને તેના ઉપાયો 1 - image


(ગતાંકથી ચાલું)

૨. માનસિક લક્ષણો : ચોવીસે કલાક એની એજ વાત, કે બનાવ યાદ આવ્યા કરવાથી રોજના વ્યવહારમાં તેને સખત ડર લાગે. કોઈ પણ વાતમાં ધ્યાન રહે નહીં. એકાગ્રતા જતી રહે. રોજની દિનચર્યા પણ બરોબર કરી ના શકે. 

૩. ઊંઘ : પી.ટી.એસ.ડી.ને કારણે વ્યક્તિ પૂરી ઊંઘ લઇ ના શકે કારણ તેને એમ એજ વિચારો આવે છે. ઊંઘે ત્યારે તેને બીક લાગે તેવા સ્વપ્ના આવે ઊંઘ ના આવે એટલે ઊંઘની ગોળીઓ લેવા માડે પણ તેની પણ તેને અસર કરતી નથી. આ બધાને કારણે તેની તન્દુરસ્તી ઉપર અસર થાય દિવસે પણ ઘરમાં પોતાનું કોઈપણ કામ બરોબર કરી ના શકે. આગળ જણાવેલો કોઈપણ ભયાનક બનાવ પોતાની જાત સાથે બન્યો હોય તે કોઈપણ પ્રકારે વાત ભૂલી ના શકવાથી ખાવા પીવામાં ધ્યાન ના રહે. પૂરતું ખાઈ ના શકે, ભૂખ્યા રહે એટલે મોટે ભાગે વજન ઓછું થાય કોઈવાર બનાવ ભૂલી જવા માટે જે ફાવે તે વધારે ખાવા માડે એટલે વજન વધી જાય.

'પોસ્ટટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર' (પી.એસ.ટી.ડી.)ના કોંપ્લિકેશન

૧. સતત ચિંતા રહે ૨. ડિપ્રેશન આવે ૨. આ તકલીફમાંથી છૂટવા દારૂ, સિગારેટ પીવાનું અને કેફી દ્રવ્યો લેવાનું શરૂ કરે. ૩. ખાવા પીવાના ઠેકાણા ના હોય જેની અસર શરીર પર પડે. ૪. આપઘાત કરવાના વિચારો આવે અને કોઈવાર આપઘાત પણ કરે.

'પોસ્ટટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર' (પી.એસ.ટી.ડી.)ની સારવાર કેવી રીતે થાય

૧. આ દર્દનો ઉપાય માનસ ચિકિત્સક (સાયકીયાટ્રીસ્ટ) કરે જે દર્દી પાસેથી વિગત જાણીને તેના લક્ષણો પ્રમાણે દવાનો ઉપચાર કરે. ૨. કોઈવાર સાયકોલોજિસ્ટ આવા દરદીઓનો કાઉન્સેલિંગ એટલે તેની સાથે વાતો કરે (સિટિંગ) એ તે રીતે ઇલાજ કરે. આવી સારવાર ઘણા વર્ષો સુધી ચાલે. ૩. કોઈ કિસ્સામાં હિપ્નોટિસ્ટની સલાહ લઇને તેની સારવાર કરવી પડે. સાચી સારવાર તો દર્દી ધારે તો પોતે કરી શકે.

'પોસ્ટટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર' (પી.એસ.ટી.ડી.)ના થાય માટે શું કરશો : દેશપરદેશમાં સંશોધકો અને વૈજ્ઞાાનિકોએ કરેલા પ્રયોગો અનુસાર પી.ટી.એસ.ડી. એક પ્રકારની માનસિક પરિસ્થિતી છે જેને માનવીના મનમાં આવતા વિચારો અને લાગણીઓને ખુબ જ ગાઢો સંબંધ છે. જો માનવી મનમાં આવતા વિચારો અને લાગણીઓ ઉપર કાબૂ રાખી શકે તો આ રોગ થતો અટકાવી શકાય. 

શરીરને કેવી રીતે મજબૂત કરશો ?

૧. કસરત કરવી પડશે

તમારી ગમે તેટલી ઉંમર હોય અને કદાચ જિન્દગીમાં આળસને કારણે અથવા સમયને અભાવે તમે અત્યાર સુધી કોઈપણ જાતનો શ્રમ કે કસરત ના કરી હોય તો. શરૂઆતમાં ઘરમાં દાદરનો કઠેડો પકડી દાદરનું પહેલું એક જ પગથિયું ચડઉતર કરવાની કસરતથી શરૂ કરો, આ ક્રિયા ધીરે ધીરે રોજ વધારતા જઇને ૪૦ મિનિટ કરો. આમ કરવું ના ફાવે તો ઘરમાં કે ઘરની અગાસીમાં ધીરે ધીરે ચાલવાની શરૂઆત કરી ધીરે ધીરે વધારી રોજ ૪૦ મિનિટ ચાલો. 

'સેવન અપ એકસરસાઇઝ' એટલે શું ?

સવારે સાત વાગે ઉઠીને પથારીમાં કરવાની કસરત એટલે 'સેવન અપ એકસરસાઇઝ' : સેવન અપ એકસરસાઇઝની દરેક કસરત બે વખત કરશો. બે કસરત વચ્ચે ૨૦થી ૨૫ વખત ઊંડા શ્વાસ લેવાની ક્રિયા (પ્રાણાયામ) અવશ્ય કરશો.

૧. આળોટવાની ક્રિયા

સવારે પલંગ કે ખાટલામા જ સૂતા સૂતા ડાબીબાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી  ડાબી બાજુ એમ આળોટવાની ક્રિયા કરો.

૨. બેઠા થઇ સૂઈ જવાની ક્રિયા

સૂતા હો તે સ્થિતિમાંથી (જરૂર લાગે તો બંને હાથનો ટેકો લઇને) બેઠા થાઓ અને પછી સૂઈ જાઓ.

૩. પથારીમાં લાંબા પગ કરીને બેસો. પછી બેઠા હો તે સ્થિતિમાં બંને હાથ ઊંચા કરો. ઊંચા કરેલા હાથ નીચે લાવી કમરેથી વળી બંને હાથની આંગળીઓને પગની આંગળીઓને અડાડો.

૪. પથારીમાં સૂતા સૂતા કમરથી બંને પગ કાટખૂણે ઊંચા કરો અને પછી પાછા નીચે મૂકી દો.

૫. પથારીમાંથી બેઠા થઇ બંને પગ ખાટલાથી નીચે જમીન પર મૂકી ઊભા થાઓ અને પાછા બેસી જાઓ.

૬. પથારીમાંથી ઊભા થઇ દિવાલથી થોડા દૂર ઊભા રહી બંને હાથ દીવાલ ઉપર ટેકવો. પછી દિવાલને ધક્કો મારતા હો તે રીતેબન્ને હાથ કોણીએથી વાળો. પછી કોણીએથી હાથ સીધા કરીને મૂળ સ્થિતિમાં આવો.

૭. બન્ને હાથ ફેલાવીને ઊભા રહીને કમરેથી ગોળ ફરો તે વખતે બન્ને હાથ પણ ગોળ ફેરવો.

૨. રોજના ખોરાકનું આયોજન કરીને યોગ્ય ખોરાક લો : પુરુષો અને સ્ત્રીઓ માટે રોજના ખોરાકની કુલ જરૂરિયાત અનુક્રમે ૨૦૦૦ અને ૧૮૦૦ કેલરી છે, તમારા ખોરાકમાં ૫૦થી ૬૦ ગ્રામ પ્રોટીન, ૨૦૦થી ૨૫૦ ગ્રામ જેટલા કાર્બોહાયડ્રેટ્સજે અનાજ, દૂધ, કઠોળ, વગેરેમાંથી મળે તે લેશો. ચરબીવાળા પદાર્થો ઓછા લેશો. વિટામિન એ મિનરલ્સ મળે માટે લીલા શાકભાજી, તાજા ફળો, સુકોમેવો અને તેલીબિયા લેવાના છે. તે ઉપરાંત ચોખ્ખું પાણી અને બીજા પ્રવાહીનું પ્રમાણ બે લિટર જેટલું લેવાનું છે. ખાંડનું પ્રમાણ આખા દિવસમાં પાંચ ચમચી (૨૫ ગ્રામ) અને મીઠાનું પ્રમાણ ફક્ત અર્ધી ચમચી (૨.૫ ગ્રામ્સ) રાખશો.

મનને કેવી રીતે મજબૂત કરશો ?

વૈજ્ઞાાનિકોએ મનને મજબૂત કરવાના ઉત્તમ ત્રણ રસ્તા બતાવ્યા છે. ૧. થોડું મુશ્કેલ છે પણ ભૂતકાળને વારે વારે યાદ કરશો નહીં પણ કોઈ પણ રીતે પ્રયત્ન કરીને તમારા જીવનમાં જે કઇ બની ગયું છે તે તમારા ઇષ્ટદેવની કૃપાથી બન્યું છે એમ ચોક્કસપણે માનો એજ રીતે. ૨. ભવિષ્યકાળની ચિંતા બિલકુલ ના કરશો. કારણ ભવિષ્યમાં શું થવાનું છે તે કોઇને ખબર નથી માટે એનો વિચાર કરવાનું તદ્દન છોડી દો. ૩. તમારા વર્તમાનને હર્યોભર્યો અને ફૂલગુલાબી બનાવી દો. આનું કારણ પણ છે મનમાં વિચાર આવવાની ક્રિયા તમે સમજણા થયા ત્યારથી તમારું અવસાન થાય ત્યાં સુધી તમે જાગતા હો કે ઊંઘી ગયા હો ત્યારે સતત ચાલતી હોય છે. તમારો ઉછેર કેવી રીતે અથવા કેવા સંજોગોમાં થયો છે તે પ્રમાણે તમારા વિચારોનું સામ્રાજ્ય તમારા મનનો કબજો લઇ લે છે. તમારો ઉછેર સરસ રીતે થયો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ વિપરીત સંજોગોમાં થયો હોય ત્યારે ખરી મુશ્કેલી આવે છે. શરીર અને મન એક બીજાના પૂરક છે.

ખાસ યાદ રાખશો કે શરીર મજબૂત કરવાનું તમારું કામ છે જે આગળ બનાવેલા ઉપાયોથી કરી શકશો માટે સૌ પ્રથમ શરીરને મજબૂત બનાવો એ થશે તો મન એની મેળે મજબૂત રહેશે અને મન મજબૂત હશે તો શરીર પણ એની મેળે મજબૂત રહેશે.આ વાત કાયમ યાદ રાખશો કે, 'પોસ્ટટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર' (પી.એસ.ટી.ડી.)નો ઉપાય તમારી પાસે જ છે 'શરીર ને મજબૂત રાખો અને મનને પ્રસન્ન રાખો'

Tags :