પપ્પા, તમારે વિષપાન કરતા શંકર બનવું હોય તો બનો, પણ મને સદુપદેશનું ઝેર પીવડાવવાનો પ્રયત્ન ન કરશો !!
- ''ઉપમિતા, તેં બગીચામાં જોયું હશે કે ગુલાબ અને મોગરાનાં મઘમઘતાં ફૂલો પણ હોય છે અને ધતૂરાનાં સુગંધ વગરનાં ફૂલો પણ. પરંતુ માળી ધતૂરાનાં ફૂલોને પણ જાળવે છે''
- કેમ છે, દોસ્ત- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
વિ શ્વકના પપ્પા રાઘવેન્દ્ર સ્વભાવે શાન્ત, પરોપકારી, કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક. એક સરકારી નોકર તરીકે પોતાના હસ્તકની કોઈ પણ ચીજ-વસ્તુનો ઘર માટે ક્યારેય ઉપયોગ ન કરે ! કોઈ વાર સરકારી ગાડીમાં ઘેર આવ્યા હોય તો બીજે દિવસે કિલોમીટર પ્રમાણે હિસાબ કરી તેનું ભાડું ચૂકવી દે. એમના દીકરા વિશ્વકનો સ્વભાવ ઘમંડી, ઉદ્ધત, બેજવાબદાર અને અપ્રમાણિક. મમ્મી કોઈ પણ વસ્તુની ખરીદીનું તેને કામ સોંપે તો તેમાંથી 'કમીશન' કાપી લેવાનું ક્યારેય ન ચૂકે ! ટેલિફોનનું બીલ ભરવાના કે વીમાનું પ્રીમિયમ ચૂકવવા માટે આપવામાં આવેલા પૈસા પણ એ વાપરી કાઢે.
એકનો એક દીકરો હોવાને કારણે વિશ્વકની મમ્મી ઉપમિતા તેની બધી જ 'દાદાગીરી' ચલાવી લે એટલું જ નહીં તેના ગોટાળાથી પતિ રાઘવેન્દ્રને વાકેફ પણ ન રાખે. આનું પરિણામ એ આવ્યું કે વિશ્વક પોતાના પપ્પાને 'ભોટ' માનવા લાગ્યો, એટલું જ નહીં આજની દુનિયામાં જીવવા માટે તદ્દન 'ગેરલાયક' ચિતરવા માંડયો. રાઘવેન્દ્ર એને કરુણા, માનવતા કે નેકીની વાત કરે ત્યારે તે ઉશ્કેરાઈ જતો અને કહેતો : ''પપ્પા, તમારે વિષપાન કરતા શંકર બનવું હોય તો બનો, પણ મને સદુપદેશનું 'ઝેર' પીવડાવવાનો પ્રયત્ન ન કરશો. તમે જ કહો, ક્યા યુગમાં સજ્જન, શાણા અને નીતિવાન લોકો જીત્યા છે ? એવા લોકોએ તો કમોતે જ મરવું પડયું છે ! લોકો થોડાક સમય માટે મગરનાં આંસુ સારી શ્રધ્ધાંજલિઓ આપે છે અને પછી એમનાં પૂતળાંની પણ દુર્દશા કરે છે. લોકો તમારા અવસાન પછી વાહવાહી કરશે, પણ એનાથી તમારા હાથમાં શું આવશે ? જિંદગીમાં માણવા માટે મળેલી રમ્ય તકોનો લાભ લેતાં જેને નથી આવડતું એને દુનિયા મહામૂર્ખ સમજે છે. કૃપા કરી તમારા નિષ્ફળ ગએલા સિદ્ધાંતો મારા પર ન અજમાવશો. મારે મન જીવન નથી પુણ્ય કે નથી પાપ, મારે મન જીવન એટલે કશી જ ઉત્તમતાની ભાંજગડમાં પડયા સિવાય મસ્તીથી ભોગવી લેવાની અણમોલ તક છે.''
વિશ્વકના આવાં આક્રમક અને સિદ્ધાંત વિહોણાં વિધાનો સાંભળી રાઘવેન્દ્રે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું પણ વિશ્વકને તેની લેશમાત્ર ચિંતા નહોતી, મમ્મી તેને માટે 'સંકટ વિમોચક' હતી.
ખાન-પાન અને ભોગવિલાસ પાછળ વિશ્વક બેફામ ખર્ચ કરતો જ રહ્યો અને પતિ રાઘવેન્દ્રથી વિશ્વકના ગુના ઉપમિતા છાવરતી જ રહી. વિશ્વક પોતાના પપ્પા સરકારી અધિકારી છે, પોતે ધાર્યું કામ પાર પડાવી શકશે, એવા સુંવાળાં પ્રલોભનો દ્વારા બધે જ ઠેકાણે પેમેન્ટ બાકી રખાવતો, પણ રાઘવેન્દ્ર તો કોઈનું ગેરકાનૂની કામ ક્યારેય કરી આપતા નહીં. પરિણામે નાસીપાસ થએલાં લોકોએ વિશ્વકની મમ્મી ઉપમિતા પર ધોંસ વધારી દીધી હતી. પૈસાની ઉઘરાણી કરનારને ઉપમિતા પતિ રાઘવેન્દ્ર નોકરી પર હોય ત્યારે જ મળવા આવવાનું જણાવતી.
બેંકના લોકરમાંથી દાગીના લાવી તેને વેચીને પૈસા ચૂકવી દેતી. એ મામલો દબાઈ જતો. મમ્મીનો હુંફાળો સહયોગ મળતાં વિશ્વક જુગારની લતે પણ ચઢી ગયો હતો. અને વારંવાર હારવાને કારણે દેવાદાર બની ગયો હતો. દેવામાં મમ્મીના બધા જ દાગીના વેચાઈ ગયા હતા. અંતે પોતાના નામનું એપાર્ટમેન્ટ ગીરો મૂકીને ઉપમિતાએ દેવું ચૂકવી દીધું હતું.
ઉપમિતા માનસિક આઘાતથી ધીરે-ધીરે કમજોર બની રહી હતી. એ સાચી વાત પતિને કહી પણ નહોતી શકતી અને મનોમન સહી પણ શકતી નહોતી.
એવામાં મિ. રાઘવેન્દ્ર લિફટને બદલે સીડીનો ઉપયોગ કરતાં લપસી પડયા અને ગબડતા-ગબડતા ભોંય પટકાયા. હાથે-પગે અને મસ્તકે ભયાનક ઈજાઓ થઈ અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ઉપમિતાને ખબર આપવામાં આવી. એમણે વિશ્વકને જલ્દી ઘેર આવવાની સૂચના આપી પણ વિશ્વકે નફ્ફટાઈપૂર્વક કહ્યું : ''મારી પાસે પપ્પાની દવા કરાવવાના પૈસા તો છે નહીં. હું હોસ્પિટલના એકાઉન્ટન્ટને શું જવાબ આપવાનો હતો ? અને પપ્પા તો ભગવાનમાં માને જ છે ને ! ભગવાન પોતાના ભક્તોને અણીને સમયે મદદ કરતો હોય છે. એટલે આપણે રાહ જોઈએ કે તેમની ઈમાનદારી તેમને કેટલી મદદ કરે છે. બાકી તો પપ્પાની સારવારના ખર્ચની જવાબદારી મમ્મી, તારી છે'' - કહી વિશ્વકે ફોન મૂકી દીધો હતો.
મિ. રાઘવેન્દ્ર એક અદકેરા ઈન્સાન હોવાને કારણે તેમનું મિત્ર સર્કલ બહોળું હતું. ઉપમિતાએ રાઘવેન્દ્રના એક-બે મિત્રોને વાત કરી અને તેઓ દોડી આવ્યા. સારવારના ખર્ચની જવાબદારીમાંથી ઉપમિતાને મુક્ત કરી દીધાં... પરિણામે મિ. રાઘવેન્દ્ર બચી ગયા અને સ્વસ્થ થતાં દસ દિવસ બાદ તેમને ઘેર જવાની રજા આપી.
પોતે ઘેર જશે તો પપ્પાની જવાબદારી પોતાને માથે આવશે, એમ સમજી વિશ્વક દસ દિવસ સુધી પોતાના મિત્રને ઘેર જ રહ્યો.
એ પછી ત્રણ-ચાર દિવસે એ પોતાને ઘેર પાછો ફર્યો, ત્યારે મમ્મી ઉપમિતાએ ઘરનું બારણું જ ન ખોલ્યું... વારંવાર કોલબેલનું બટન દબાવવાનું ચાલુ રાખ્યું, ત્યારે અત્યંત રોષાવેશમાં ઉપમિતા બહાર આવી. એણે વિશ્વકને પૂછ્યું : ''તું કોણ છે ? શા માટે અહીં આવ્યો છે ?''
વિશ્વકને આશ્ચર્ય થયું એણે કહ્યું : ''મમ્મી, કેમ આવી આડી વાત કરે છે ? હું વિશ્વક, તારો લાડકો પુત્ર ?''
'ખબરદાર જો મારે માટે મમ્મી શબ્દ વાપર્યો છે તો. મારું ઘર એક ભગવાનના માણસનું ઘર છે. સંતાનને વધુ પડતાં લાડ લડાવવાથી એ દુર્યોધન બને છે, એ વાત હું ભૂલી ગઈ. એક ઈમાનદાર પતિની વફાદાર પત્ની તરીકે ફરજ બજાવવાને બદલે મેં પતિને છેતર્યા અને તારા જેવા સાપને દૂધ પીવડાવતી રહી. ચાલ્યો જા, ફરીથી આ ઘરમાં પગ મૂકવાની કોશિશ ન કરીશ.' - ઉપમિતાએ વિશ્વકના ગાલ પર ધડાધડ બે તમાચા ચોડી દેતાં કહ્યું :
''અરે ઉપમિતા, કોણ વિશ્વક આવ્યો છે ? એને ઘરમાં તો આવવા દે. એ આપણું સંતાન છે. એના પ્રત્યેની ફરજમાંથી આપણે પલાયનવાદી ન બની શકીએ. આખી સૃષ્ટિમાં કેટકેટલાં માણસો ભગવાનને ન ગમે તે રીતે દુષ્ટતાપૂર્ણ જીવન જીવે છે છતાં ભગવાન તેમના ગુના માફ કરી દે છે !'' મારી માંદગીમાં એણે તને સાથ ન આપ્યો, એટલા ખાતર એ 'પરાયો' બની જતો નથી ! ઉપમિતા, માતાપિતાનો ધર્મ તો કેવળ મહોબ્બત છે, નફરત નહીં. નફરતથી વિશ્વક સુધરી જવાનો નથી ! એને ઘરમાં આવવા દે. ભૂખ્યો - તરસ્યો હોય તો એને ભોજન કરાવ. પછી આરામથી એની સાથે વાતો કરીશું... આંગણામાં અદાલત ન ચલાવાય. - મિ. રાઘવેન્દ્રે કહ્યું...
'પણ તમે જાણો છો કે એણે તમારા નામનો અને મારી ભલમનસાઈનો ઉપયોગ કરી આપણી કમાણી વેડફી નાખી છે. મેં અંધ માતૃત્વ ધારણ કરી તેના દોષ ન જોયા અને આપની જાણ બહાર પૈસેટકે આપને બરબાદ કરી નાખ્યા. આપની ખરી અપરાધિની હું છું. પણ હવે ફરીથી એવી ભૂલનું પુનરાવર્તન કરવા માગતી નથી ! આજથી વિશ્વક મારો દીકરો નહીં અને હું તેની માતા નહીં.'
'પણ હું પિતાધર્મથી ચલિત થવા માગતો નથી. હકીકતમાં વિશ્વકના બેફામ ખર્ચા, જુગારની લત, સરકારી કામો કરાવી આપવાનાં જૂઠ્ઠાં વચનો દ્વારા ગરજાળુ લોકો સાથેની છેતરપીંડી, એ બધાની મને ખબર છે. તમે વિશ્વકને દેવામાંથી બચાવવા તમારા નામના એપાર્ટમેન્ટને ગીરો મૂક્યો અને બેંકના લોકરમાંથી દાગીના કાઢી વેચી દીધા એ બધાની મને ખબર છે ! પણ હું એને આડે માર્ગે જતાં રોકી શક્યો નહીં અને બીજી તરફ પત્ની તરીકે તારા તરફ અપાર પ્રેમ હોવાને કારણે તને પણ નારાજ કરવા માગતો ન હતો. તું મનોમન અકથ્ય પીડા ભોગવી રહી છે, એની પણ મને ખબર હતી. તારી એ અસ્વસ્થતાની અસર મારા મન પર પડી હતી. આંતરિક વેદનાને કારણે જ મેં શારીરિક સંતુલન ગુમાવી દીધું હતું અને ભોંય પટકાયો હતો. પણ એ બધી પીડાઓને વાગોળીને શું કરીશું ? વિશ્વકને કારણે આપણે જેવી મનોવેદના ભોગવીએ છીએ તેવી મનોવેદના અનેક મા-બાપો ભોગવતાં હોય છે. પણ બધાં જ માબાપો સંતાનોને ધૂત્કારે અને નફરત કરે તો તો સંસાર ઝેર જેવો બની જાય.
ઉપમિતા, તેં બગીચામાં જોયું હશે કે તેમાં ગુલાબ અને મોગરાનાં મઘમઘતાં ફૂલો પણ હોય છે અને ધતૂરાનાં સુગંધ વગરનાં ફૂલો પણ. પરંતુ માળીએ ધતૂરાનાં ફૂલોને પણ જાળવ્યાં છે, જાકારો નથી આપ્યો' - મિ. રાઘવેન્દ્ર પોતાની વાત પૂરી કરે એ પહેલાં વિશ્વક દોડીને પપ્પા રાઘવેન્દ્ર પાસે પહોંચી ગયો હતો. એમના પગમાં પડી માફી માગતા કહ્યું હતું : ''પપ્પા, એક સંત પુરૂષના ઘરમાં ઉછર્યો હોવા છતાં હું શેતાન બન્યો, એ બદલ મને માફ કરો. આજથી જ મારામાં એક નવા વિશ્વકનો જન્મ થઈ રહ્યો છે. પપ્પા, મને આશીર્વાદ આપો કે હું તમે ઈચ્છો એવો ઈમાનદાર પુત્ર બની શકું. મમ્મી તો વાત્સલ્યનું ઝરણું છે. એણે મને માર્યો તેમ એ જ મને ઠારવાની છે.''
રાઘવેન્દ્રે વિશ્વકની પીઠ થાબઠી અને નોકર પાસે ભોજનની થાળી મંગાવી તેને પ્રેમથી જમાડયો. જમ્યા પછી વિશ્વક જમીન પર જ પપ્પા પાસે ઉંઘી ગયો. મમ્મી ઉપમિતાનો ગુસ્સો પણ શમી ગયો હતો.
બીજે દિવસે વિશ્વક પપ્પાની રજા લઈ બહાર ગયો હતો. પપ્પાના નામનો ઉપયોગ કરી એણે નોકરી માટે મોટી કંપનીઓનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું... વિશ્વક 'દૂઝણી ગાય' છે એમ માની તરત જ એક મોટી કંપનીએ તેને ચીફ મેનેજરનો હોદ્દો ઓફર કરી નિમણૂકપત્ર આપ્યો હતો.
વિશ્વકના આનંદનો પાર નહોતો. વિશ્વક સુધરી ગયાની ઉપમિતાને પ્રતીતિ થઈ હતી. ઉપમિતાને વિશ્વકે કહ્યું : ''મમ્મી, પપ્પાના આશીર્વાદથી મને તગડા પગાર અને ગાડીની સુવિધાવાળી નોકરી મળી છે. ચાલ, તને હું આજે મંદિરે લઈ જાઉં... હું પણ મારા દુષ્કૃત્યો માટે ભગવાનની માફી માગીશ.''
દેવદર્શન કરીને ઉપમિતા અને વિશ્વક પાછાં ફર્યાં, ત્યારે ઘરમાં બે અજાણ્યા માણસો બેઠેલા જણાયા હતા.
વિશ્વકને જોઈ તે પૈકી એકે કહ્યું હતું : ''વિશ્વક સર, અમે તમારી જ રાહ જોતા હતા.''
''એવું તે શું અરજન્ટ કામ હતું કે તમારે અત્યારે મારે ઘેર દોડી આવવું પડયું ?'' - વિશ્વકે પૂછ્યું...
''સર, આપ તો જાણો છો કે આપણી કંપની આયાત-નિકાસના બિઝનેસમાં મોટું નામ ધરાવે છે. કંપનીએ અનેક જવાબદારીઓ અદા કરવાની હોય છે. એટલે એવા મહત્ત્વનાં કામો પાર પાડવા માટે અનેક લોકો પાળવા પડે છે !''
'એટલે હું 'ખપનો માણસ' છું એટલા માટે મને 'ચીફ મેનેજર'નું પદ આપી પોતાનો કરી લેવાનું કંપનીએ નાટક કર્યું છે એમ જ ને ?' - વિશ્વકે સહેજ રોષ સાથે કહ્યું...
'સર, દેખીતી વાત છે કે એક હાથે તાલી ન પડે. તમે કંપનીને સહકાર આપો અને કંપની તમને સહકાર આપે.' - કંપનીના પ્રતિનિધિએ કહ્યું...
'એટલે મારે શો સહકાર આપવાનો છે ? જરા માંડીને વાત કરો' - વિશ્વકે કહ્યું...
''આ કાગળો પર આપના પિતાશ્રીની સહી કરાવી આપવાની છે. આ 'નો ઓબ્જેકશન' પત્ર વગર કંપનીનું નવું કામ આગળ ધપી શકે તેમ નથી !' સર, આપ તો જાણો છો કે આ કળિયુગમાં કોઈ કોઈને મફતનો લાભ આપવા તૈયાર હોતું નથી ! આપને ચીફ મેનેજરનું પદ અને ગાડીની સુવિધા આપીને કંપની પોતાના કામો તમારી મારફત પતાવવા માગે છે.'
'વેરી ગૂડ' - લાવો 'નો ઓબ્જેકશન' માટેના કાગળો - કહી વિશ્વકે કંપનીના પ્રતિનિધિ પાસેથી કાગળો માગ્યા.
વિશ્વકના પપ્પા રાઘવેન્દ્ર બધી જ વાતો શાન્તિથી સાંભળી રહ્યા હતા.
વિશ્વકે કંપનીના પ્રતિનિધિ પાસેથી પપ્પાની સહી કરાવવા માટેના કાગળો લીધા અને એ કાગળોના એક જ ઝાટકે બે કકડા કરી ફાટેલા કાગળોના ટુકડા કંપનીના પ્રતિનિધિના હાથમાં મૂકતા કહ્યું : 'લો, આ કચરો, તમારી કંપનીના ચેરમેનને આપતાં કહેજો કે વિશ્વક એક તપસ્વી પુરૂષનો પુત્ર છે, કોઈ હાલતૂ-ફાલતૂ માણસનો નહીં. હવે તેને કોઈ ખરીદી નહીં શકે અને પ્રલોભનોની જાળમાં ફસાવી પણ નહીં શકે. એડવાન્સ લાંચ તરીકે મને આપવામાં આવેલી ગાડી ડ્રાઈવર સાથે બહાર પડેલી છે એ પણ લેતા જજો. નોકરીમાંથી મારા રાજીનામાનો પત્ર હું અત્યારે જ લખી આપું છું કહી વિશ્વકે નોકરીમાંથી રાજીનામું આપતો પત્ર કંપનીના પ્રતિનિધિને સોંપ્યો હતો.'
અને પપ્પા રાઘવેન્દ્રને ભેટીને કહ્યું હતું : ''પપ્પા, એક ભૂલો પડેલો માણસ સાંજે ઘેર પાછો ફર્યો છે. એની ભૂલો માફ કરશો ?'' - ઉપમિતા પણ સન્માર્ગે વળેલા પુત્રનાં ઓવારણાં લેવા દોડી ગઈ હતી.