સાત પૈસા .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
ઝિ ગનન્ડ મોરિત્ઝ (૧૮૭૯-૧૯૪૨) હંગેરીના જાણીતા નવલકથાકાર. પિતા વેઠિયા પરિવારના, માતાનું કુટુંબ ખાનદાન પણ ગરીબ. સુરેશ જોષીએ તેમની વાર્તા 'સાત પૈસા'નો અનુવાદ કર્યો છે
વાર્તા : આ વાર્તા બાળકના મુખે કહેવાઈ છે. તેનો સંક્ષેપ જોઈએ: 'ગરીબો પણ હસી શકે છે. ભાંગીતૂટી ઝૂંપડીમાં માત્ર રડવુંકૂટવું સંભળાય એવું નથી. અમારા ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે.. મારી મા તે દિવસ જેટલું કદીય હસી નથી. સાત પૈસા શોધતાં અમે સાંજ પાડી દીધી હતી. કપડાં સીવીને મા થોડા પૈસા બચાવતી અને સીવવાના ખાનામાં સંઘરતી. માએ ખાનામાં સોય, બટન, કાતર વગેરેમાં હાથથી ફંફોસતાં કહ્યું કે 'અરે, એ તો સંતાઈ ગયા લાગે છે!' ત્યારે હું અવાક્ બની ગયો. 'કોણ સંતાઈ ગયા લાગે છે?' 'પૈસા સ્તો' મા હસીને બોલી ઊઠી. ભોંય પર બેસી પડીને માએ ખાનું ઊંધું વાળી દીધું, કેમ જાણે પૈસાને પાંખ આવવાની હોય, ને એ તક મળતાં ઊડી નહિ જવાના હોય! ખાનું ઠાલવી નાખવા મેં હાથ લંબાવ્યો. 'અરે, અરે!' મા બૂમ પાડી ઊઠી. 'જરા સાવધાન. જ્યાં સુધી એ અંદર છે, ત્યાં સુધી જ એ આપણો છે. આજે થોડાં કપડાં ધોવાનાં છે. સાબુની એક ગોટી માટે ઓછામાં ઓછા સાત પૈસા જોઈશે. ત્રણ તો મેં શોધી રાખ્યા છે. બીજા ચાર જોઈએ. આ નાના ઘરમાં જ ક્યાંક એ છે. એ ગુસ્સે થઈ જશે તો ઘર છોડીને એવા જતા રહેશે કે ફરી કદી આવશે જ નહિ. પૈસાની જાત ભારે અભિમાની હોય છે.' આમ બોલતાં અમે કેટલું હસ્યાં એ તો ભગવાન જ જાણે છે. 'પૈસામામા, પૈસામામા, બહાર આવો ને!' આમ કહીને મેં પૈસાનું ઘર સાવ ઉલટાવી નાખ્યું. ખાનાની અંદર બીજી હજાર જટાજંજાળ હતી, પણ પૈસો એકેય નહોતો.
'અમે ઊઠીને રસોડામાં ગયાં. વાસણ ગોઠવવાના કબાટના ઘણા ખરા કાચ તો ક્યારનાય ફૂટી ચૂક્યા હતા. પણ ત્યાંથી એક પૈસો મળી આવ્યો, જેને તફડાવવા હું ત્રણ દિવસથી વેતરણમાં હતો. 'હવે જો ત્રણ પૈસા મળી જાય તો સાંજ પછી કપડાં ધોવાનું પતી જાય.' માએ કહ્યું. એક એક ખાનાને ઉદ્દેશીને માએ ભાષણ આપવાનું શરૂ કર્યું. 'કેમ અલ્યા બદમાશ, ભિખારી, તારી પાસેય એક્કેય પૈસો નથી, ખરું ને? ને આની પાસેય શાનું હોય? એ તો આપણી દુર્દશાનો ચોકીદાર છે. ઊભો રહે!' મા એકાએક બોલી, 'તારા બાપુના ખિસ્સામાંથી જરૂર કાંઈક તો મળશે જ.' ભીંત પર ખીલો ઠોકીને અમે કપડાં ટિંગાડતાં. કેવી નવાઈની વાત! પહેલા ખિસ્સામાંથી જ એક પૈસો નીકળ્યો. 'હવે આપણી પાસે કેટલા થાય તે ખબર છે? હવે તો આપણાથી ગણી પણ નહિ શકાય. એક-બે-ત્રણ-ચાર-પાંચ! પાંચ મળ્યા તો બેનું તો શું ગજું?' બાકીનાં ગજવાંમાંથી કાંઈ ન મળ્યું. શ્રમ અને ઉત્તેજનાને કારણે માના ગાલ લાલ લાલ થઈ ઊઠયા. સવારે બાપુનું ખમીસ તૈયાર જોઈશે. હજી સુધી ધોવાયું નથી. કૂવાના પાણીએ ધોવાથી તેલના ડાઘા નીકળે નહિ. એકાએક કપાળમાં હાથ ઠોકીને મા બોલી, 'કેવી મૂરખી છું હું! મારાં ખિસ્સાં જ મેં જોયાં નહિ.' માના ખિસ્સામાંથી એક પૈસો જડયો.
અમારા હાથમાં એ છ પૈસા હતા. એનું હોવું ન હોવું સરખું જ હતું. પોતાની આ દુર્દશા જોઈને મન મૂકી હસવા સિવાય શું કરી શકાય? એવામાં એક ભિખારી આવી ચડયો. 'માફ કર ભાઈ,' માએ કહ્યું, 'આખી બપોર ને સાંજ અમારી એક પૈસો શોધવામાં જ ગઈ. એ નહિ મળે તો એક ગોટી સાબુના પૈસા ભેગા થશે નહિ.' ભિખારીએ અમને એક પૈસો આપી દીધો. 'પૈસો આપવાથી હવે મારું શું લુંટાઈ જવાનું હતું? મારે તો હવે ઘોર પૂરવાને થોડી માટીની જ જરૂર છે.'
'હવે કપડાં ધોવાય શી રીતે? અંધારું થઈ ગયું છે. દીવામાં તેલ સુદ્ધાં નથી.' હસતાં હસતાં માનો શ્વાસ રુંધાઈ જાય છે. મેં જઈને માને પકડી લીધી. કશુંક ગરમ એકાએક છલકાઈને મારા હાથ પર પડયું. એ લોહી હતું, માનું પોતાનું પવિત્ર લોહી. ગરીબોમાંય માના જેટલું હસી જાણનારા બહુ થોડા, એવી મારી માનું લોહી.'
વાર્તા વિશે : ભીંત પરથી પ્લાસ્ટરના પોપડા ઊખડી જાય અને ઈંટો દેખાવા માંડે તેમ આ કથાનકમાં ગરીબી ડોકાતી રહે છે:- મા મહેણું મારે છે કે પૈસાની જાત અભિમાની હોય છે, મા ખાનાને 'બદમાશ ભિખારી' કહી સંબોધે છે, વાસણોના કબાટના બધા કાચ તૂટેલા છે, મા અને બાપના ખિસ્સામાંથી કેવળ એક પૈસો નીકળે છે, ભીંતે ખીંટી ન હોવાથી ખીલો ઠોકી ચલાવવું પડે છે, ઘરમાં ટેબલ નથી, દીવામાં તેલ પૂરવાની ત્રેવડ નથી. આવા વિષમ સંજોગોમાં મા વારંવાર હસી શકે છે, ખાનાને અવળું પાડી અંદર પૈસા છે, ઊડી જશે, એવું કલ્પી શકે છે, 'પૈસામામા, બહાર આવો ને' જેવી રમતો રમાડી શકે છે, પાંચ પૈસાને 'ગણી ન શકાય તેટલા બધા' કહી શકે છે. જ્યારે પરિસ્થિતિ અસહ્ય બને, ત્યારે 'કોપિંગ મિકેનિઝમ' તરીકે માણસ હાસ્યને શરણે જાય. આને ટ્રેજિક-કોમેડી કહે છે. ચાર્લી ચેપ્લિનના 'ગોલ્ડ રશ' ચલચિત્રમાં ભૂખે મરવાનો વખત આવ્યો ત્યારે ચાર્લીએ પોતાના જૂતાને બાફ્યા, છરીથી બે ટુકડા કર્યા, સ્પગેટી ખાતો હોય તેમ જૂતાની દોરી સ્વાદપૂર્વક ખાધી, ચિકનનું હાડકું ચૂસતો હોય તેમ જૂતાના ખીલા ચૂસ્યા. આમ જુઓ તો સ્થૂળ હાસ્ય અને આમ જુઓ તો શારી નાખે તેવી કરુણ સ્થિતિ!
સુરેશ જોષીએ યોગ્ય નોંધ્યું છે કે આ વાર્તાના લેખકે ગરીબીને વટાવી ખાધી નથી. પૈસો જાણે પરીકથાનું પાત્ર હોય તેમ એની સાથે ક્રીડા કરી છે, આપણામાં વિસ્મય જાગે છે જે અંતે ઘેરા કરુણમાં પરિણમે છે.
વાર્તાને અંતે બે અણધારી ઘટના બની. ભિખારી દાન લેવાને બદલે આપી ગયો (પરમ નિસ્સહાયતાનો અનુભવ), અને સાત પૈસા એકઠા થયા ત્યારે ખમીસ ધોવાની વેળા વીતી ગઈ. માને રક્તનો ગળફો નીકળ્યો તેની સાથે જ વાર્તાના આરંભના વાક્યે નવો અર્થ ધારણ કર્યો, 'ગરીબો પણ હસી શકે છે.'