Get The App

વલ્લભભાઈનો નડિયાદ સાથેનો નાતો છૂટયો

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈનો નડિયાદ સાથેનો નાતો છૂટયો 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- વકીલ થયા પછી વલ્લભભાઈએ ગોધરામાં વકીલાત શરૂ કરી હતી, ત્યારબાદ બોરસદ અને પછી અમદાવાદની કોર્ટમાં સફળ વકીલ બન્યા હતા, પરંતુ નડિયાદ પાછું ફરવાનું બન્યું ન હતું

ઈ. સ. ૧૮૯૭થી ૧૯૦૦ના એ વર્ષો, જ્યારે વલ્લભભાઈએ નડિયાદમાં શાળામિત્ર કાશીભાઈ શામળભાઈના ઘરે રહીને ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા માટેની તૈયારીઓ કરીને વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ સમય વલ્લભભાઈ માટે કપરાં ચઢાણનો હતો. મિત્ર કાશીભાઈ તો સાવ શાંત અને સાત્વિક પ્રકૃતિના હતા, પરંતુ વલ્લભભાઈના મનમાં મહત્વકાંક્ષાઓ અને ઘરસંસારની જવાબદારીઓએ ઘેરો ઘાલ્યો હતો. આગળ જતાં કાશીભાઈ યોગમાર્ગના આધ્યાત્મિક ક્ષેત્રે સક્રિય થયા હતા, પરંતુ વલ્લભભાઈ તો ગોધરા, બોરસદ અને અમદાવાદની કોર્ટ ગજવતાં વ્યસ્ત અને સફળ વકીલની સિદ્ધિને વર્યા હતા.

આ પ્લીડરની પરીક્ષા પાસ કરી ત્યારે વલ્લભભાઈ પચ્ચીસ વર્ષના હતા. કરમસદ છોડયા પછી પહેલાં પેટલાદ અને પછી નડિયાદના અભ્યાસકાળે વલ્લભભાઈ જરીભરતની ટોપી, આખી બાંયનું ખમીસ અને અડધું પાટલૂન પહેરતાં હતા. પરંતુ વકીલ થયા પછી તેમણે ધોતિયું અને ખમીસ, તેની ઉપર કાળો કોટ અને માથે પાટીદારી પાઘડી પહેરવી શરૂ કરી હતી.

શાળામિત્ર કાશીભાઈએ નડિયાદમાં અને વલ્લભભાઈએ ગોધરામાં વકીલાતનો આરંભ એકસાથે, જુદા-જુદા શહેરે કર્યો હતો. પરંતુ જીવનસંજોગોએ એવો વળાંક લીધો કે કાશીભાઈ આધ્યાત્મમાર્ગના આકર્ષણને કારણે અને વલ્લભભાઈ ગાંધીમાર્ગના શરણને કારણે વકીલાતની કારકીર્દિમાં ઝાઝા વર્ષો આપી શક્યા નહીં.

હરિદ્વારના પ્રજ્ઞાચક્ષુ ગુરુ ગંગેશ્વરાનંદજીના સત્સંગે કરીને કાશીભાઈ બહુ ઝડપથી યોગમાર્ગના પ્રવાસી બન્યા. વકીલાતના વ્યવસાયની સાચાખોટાં કરવાની કે પછી અસીલ તરફથી મળતાં જુઠ્ઠાણાંઓથી તેમનું મન ખાટું થઈ ગયું હતું. આથી તેઓ સ્થાનિક સંતરામ ધર્મના યોગીરાજશ્રી સંતરામ મહારાજના ધર્મ-યોગ તરફ પણ વળ્યાં. એમ કહેવાય છે કે આ કાશીભાઈએ નડિયાદના વિઠ્ઠલકન્યા વિદ્યાલય રોડ ઉપર આવેલા 'અનિલ' બંગલાના ભોંયરામાં ઘણો સમય સાધના કરી હતી. પરંતુ આ માર્ગે વળ્યા પછી તેમનો મિત્ર વલ્લભભાઈ સાથે ઝાઝો સંબંધ-સંપર્ક રહ્યો હોય, તેવા કોઈ સગડ મળતાં નથી. કાળચક્રની આ તે કેવી બલિહારી કે એકસાથે, એક ઘરની મેડી ઉપર રહીને જેની સાથે અભ્યાસ કર્યો હોય, વકીલાતનો વ્યવસાય પણ એકસાથે જ શરૂ કર્યો હોય, તે જણ સાથે વલ્લભભાઈને જીવનભર કદી સંપર્ક-સંબંધથી જોડાવાનું બન્યું ન હતું.

પણ, વલ્લભભાઈ તો પહેલેથી જ સ્વતંત્ર પ્રકૃતિના હતા. જે સમયે તેમના આ મિત્ર કાશીભાઈએ નડિયાદમાં વકીલાતની શરૂઆત કરી હતી, ત્યારે વલ્લભભાઈને પણ નડિયાદના અનેક જાણીતાં વકીલોએ પોતાની સાથે વકીલાતની પ્રેક્ટિસમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. એક સરકારી વકીલે તો વલ્લભભાઈની પ્લીડરની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલાં જ પોતાના આસીસ્ટન્ટ તરીકે કામ શરૂ કરાવવાની ઑફર કરી હતી. પણ વલ્લભભાઈ જેમ જાતે ભણેલાં, તેમ વકીલાત પણ જાતે જ કરવા ઈચ્છતા હતા. આ વ્યવસાય પોતાની રીતે, સ્વતંત્ર રીતે વિક્સાવવાનું મનોબળ તેમણે કેળવી લીધું હતું.

આથી કરીને નડિયાદથી ઈશાન ખૂણે ૬૬ માઈલ દૂર આવેલા પંચમહાલ જિલ્લાના ગોધરા ગામે તેમણે વકીલાત શરૂ કરવાનો નિર્ણય કર્યો. આ પાછળ એક કારણ એ પણ હતું કે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈએ ઈ.સ.૧૮૯૫માં વકીલ થયા પછી ગોધરામાં પ્રેક્ટિસ શરૂ કરી હતી, અને તેઓ પાંચેક વર્ષ પછી, વલ્લભભાઈ પ્લીડર બન્યાં એ જ વર્ષે ગોધરા છોડીને બોરસદ કોર્ટમાં વકીલાત માટે તબદીલ થયા હતા. આથી ગોધરામાં હવે વિઠ્ઠલભાઈ રહ્યાં ન હોવાથી પૂરતી સ્વતંત્રતા મળે અને ઉલટમાં વિઠ્ઠલભાઈની ઓળખાણ પિછાણોનો લાભ પણ મળે, એવા બેવડા વિચારે વલ્લભભાઈએ ગોધરાની કોર્ટમાં પોતાની વ્યવસાયિક કારકિર્દીના શ્રીગણેશનો નિશ્ચય દૃઢ રીતે અમલમાં મૂક્યો.

આ રીતે ઈ.સ.૧૯૦૦થી વલ્લભભાઈનો નડિયાદના મોસાળ, નિશાળ અને શાળા-મિત્રો સાથેનો જીવંત સંપર્ક છૂટયો. પેલા ઘર-મિત્ર કાશીભાઈ નડિયાદ કોર્ટમાં લાગી ચૂક્યા અને વલ્લભભાઈએ કેટલાંક મિત્રો પાસેથી ઉછીના નાણાં મેળવીને ગોધરામાં વકીલાતના વ્યવસાય માટે અને પત્ની સાથે ઘરસંસારના શ્રીગણેશ કરવા માટે ગોધરા ભણી પગલાં ઉપાડયાં હતા.

Tags :