તારો જવાબ આવ્યો જ નહોતો .
- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'તારા દિલ્હી આવવાના સમાચારો જોતી હતી. ગઈકાલે તું ફાઈનલી આવી ગયો એટલે આજે સવારની ફ્લાઈટમાં હું પણ આવી ગઈ. તારો જવાબ આપવા માટે.'
નિ ર્લિપ્ત દેસાઈ કદાચ નામ સરળ લાગે, દેખાવ સરળ લાગે પણ વ્યક્તિત્વ જરાય નથી. નિર્લિપ્ત દેસાઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક એવા તજજ્ઞા જેને દુનિયા આખી જાણે છે. ક્વોન્ટમ ફિઝિક્સમાં અદ્વિતીય રિસર્ચ કરનાર અને ડબલ પીએચડી કરનારો એક ગુજરાતી છોકરો જે ૩૫ વર્ષની વયે વિશ્વભરમાં ચર્ચામાં હતો. નિર્લિપ્ત પોતાનું બીજું પીએચડી ક્વોન્ટમ ફિઝિક્સ એન્ડ ઈન્ડિયન સ્પિરિચ્યુઆલિટી વિશે પૂરું કરીને ખૂબ જ મોટા પાયે નામના મેળવી ચૂક્યો હતો.
દેશની રાજધાની દિલ્હી ખાતે નિર્લિપ્તને આવકારવા અને તેના સન્માનમાં ગુજરાતી સમાજ અને ભારત સરકાર દ્વારા ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નિર્લિપ્ત લગભગ છેલ્લાં પંદર વર્ષથી તો અમેરિકા જ રહેતો હતો. તેમાંય છેલ્લા સાત-આઠ વર્ષમાં તેણે જે કામ કર્યું હતું તેના કારણે અમેરિકા જ નહીં વિશ્વભરમાં તેની પ્રશંસા થવા લાગી હતી. તેણે ફિઝિક્સ અને ધર્મને સાંકળીને જે માહિતી પ્રગટ કરી હતી તે અદ્વિતીય હતી.
નિર્લિપ્ત દિલ્હી આવ્યો અને વિજ્ઞાનભવનમાં તેના સન્માનમાં ભવ્ય કાર્યક્રમ થયો. તેણે પોતાના રિસર્ચ વિશે, પોતાના કામ વિશે, પોતાના ભાવી આયોજનો વિશે અને બીજી ઘણી વાતો કરી. આ દરમિયાન એક પત્રકારે તેને અંગત જીવન વિશે સવાલ કર્યો.
'નિર્લિપ્ત સર, તમે આજે પણ ધરમપુર જાઓ છો. તમારી ત્યાં કોઈ યાદગીરી છે. તમારા માતા-પિતા અને અન્ય લોકો કે મિત્રો સાથે કોઈ સંપર્ક છે.'
ધરમપુર શબ્દ સાંભળતા જ નિર્લિપ્ત જાણે કે ભાવશૂન્ય થઈ ગયો. તે માત્ર અનિમેષ નજરે પેલા પત્રકારને જોઈ રહ્યો. તેની પાસે જવાબ કદાચ હતો જ નહીં અને તે આપવા પણ માગતો નહોતો.
'સોરી ફ્રેન્ડ.. નો ક્વેશ્ન રિલેટેલ ટુ માય ફેમિલી ઓર પાસ્ટ ઓર ઈવન માય મેરેજ ઓર એનિથિંગ એલ્સ. બીજી કોઈ વાત કરવી હોય તો ચોક્કસ પૂછો.' - નિર્લિપ્તે જવાબ ટાળી દીધો.
કાર્યક્રમ પૂરો થયો, બધાને મળી લીધું અને નિર્લિપ્ત પોતાની હોટેલ ઉપર પહોંચ્યો. 'ધરમપુરમાં તમારી કોઈ યાદગીરી છે.' આ વાક્ય મનમાં ચકરાતું હતું અને નિર્લિપ્તની જિંદગી એકાએક લગભગ બે દાયકા ફ્લેશબેકમાં જતી રહી હતી.
અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરવા દરમિયાન તેની મુલાકાત કોઈની સાથે થઈ હતી. તે મુલાકાત આજે પણ એવી જ અકબંધ રહી છે.
નિર્લિપ્ત પોતાની કોલેજનો દિવસ પૂરો કરીને બસમાં બેઠો અને અંકુર ચાર રસ્તા પાસે આવેલી નિલમબાગ સોસાયટીમાં બંગલા નંબર ૧૧માં પહોંચ્યો. નિર્લિપ્તે દરવાજે ટકોરા માર્યા અને એક સુંદર યુવતીએ દરવાજો ખોલ્યો. નિર્લિપ્ત ત્યાં દરવાજે જ સ્થિર થઈ ગયો. બંનેની આંખો એકબીજામાં પરોવાઈ ગઈ અને બંને એકબીજાને જોઈ રહ્યા.
'આવી ગયો દીકરા.. નિર્લિપ્ત... અંદર તો આવ.' - ધર્મિષ્ઠાબેને અંદર બેઠા બેઠા બુમ મારી. તેમના અવાજથી દરવાજે ઊભેલા બંનેની તંદ્રા તુટી.
'હા.. હા મમ્મી...' - નિર્લિપ્ત સહેજ ખચકાઈને બોલ્યો અને અંદર પ્રવેશ્યો. પેલી યુવતી પણ દરવાજો પકડીને સાઈડમાં ઊભી રહી.
'વ્યાપ્તી જો આ મારો નિલિયો... હું કહેતી હતીને તને... નિલિયા આ વ્યાપ્તી છે. આપણા જોરાવર કાકાની દીકરી. તારા પપ્પાની મિત્રની એકની એક દીકરી.' - ધર્મિષ્ઠાબેને સેટી ઉપરથી ઊભા થતા કહ્યું.
નિર્લિપ્ત તેમની નજીક જઈને તેમને પગે લાગ્યો. સામેની તરફ બીજી કોઈ સ્ત્રી બેઠી હતી તેને પણ પગે લાગ્યો અને મમ્મીની બાજુમાં જ ગોઠવાઈ ગયો. નિર્લિપ્ત હજી પણ વ્યાપ્તિને જ ત્રાંસી નજરે જોઈ રહ્યો હતો. વ્યાપ્તિ દરવાજો બંધ કરીને રસોડામાં ગઈ અને પાણીનો ગ્લાસ લઈને આવી. નિર્લિપ્તે પાણી પીધું અને બધા ઔપચારિક પરિચય અને વાતોએ વળગ્યા ત્યાં જ નિલપ્તના પપ્પા અને જોરાવરભાઈ આવ્યા. નિર્લિપ્ત ઊભો થઈને બંનેને પગે લાગ્યો.
'નિર્લિપ્ત આ જોરાવર કાકા, તને કદાચ યાદ નહીં હોય પણ ધરમપુરમાં આપણા ડેલામાં છેલ્લું મકાન જોરુકાકાનું હતું. તું અને પેલો સંકેત અને આ વ્યાપ્તિ ત્રણેય સાથે રમતા હતા. એમના ઘરના આંગણામાં મોટો હિંચકો હતો. જોરાવર કાકા પછી બિઝનેસ કરવા મુંબઈ જતા રહ્યા હતા અને હવે અમદાવાદમાં સ્થાયી થયા છે. ખાસ તો વ્યાપ્તિને અહીંયા ભણવા મૂકી છે એટલે અમદાવાદ આવ્યા બાકી તો ધરમપુર જ આવવું છે એમને.' - નિલપ્તના પપ્પાએ તેમનો પરિચય આપ્યો અને વર્તમાન સ્થિતિ પણ કહી દીધી.
નિર્લિપ્ત ત્યાં રાત રોકાયો, બધાએ સાથે ભોજન કર્યું અને બીજા દિવસે સવારે નિર્લિપ્ત કોલેજ જવા નીકળી ગયો. તેના મમ્મી-પપ્પા અમદાવાદ જે કામ કરવા આવ્યા હતા તેના માટે નીકળી ગયા અને સાંજે ફરી મળવાની વાત કરી.
સાંજે જ્યારે નિર્લિપ્ત કોલેજથી ત્યાં આવ્યો અને દરવાજો ખખડાવ્યો તો વ્યાપ્તિએ જ ખોલ્યો. ઘરમાં કોઈ જ નહોતું. વ્યાપ્તિ થોડી વધારે શરમાઈ ગઈ અને નિર્લિપ્ત પણ સહેજ ખંચાયો. તેમ છતાં અંદર જઈને સેટી ઉપર ગોઠવાયો. વ્યાપ્તિ રસોડામાં જઈને તેના માટે પાણી લઈને આવી. તેણે પાણી પીધું અને ગ્લાસ હાથમાં રાખીને બોલ્યો,
'વ્યાપ્તિ એક વાત કહું, ખોટું ન લગાડતી પણ તને ગઈકાલે જોઈ ત્યારથી મારા મનમાં તારી તસવીર છપાઈ ગઈ છે. મને એમ થાય છે કે, હું સાંજે આવું તું આ રીતે પાણી લઈને આવે તેવું આજીવન થવું જોઈએ.' - નિર્લિપ્ત બોલ્યો અને વ્યાપ્તિ શરમાઈને રસોડામાં જતી રહી. નિર્લિપ્તે પણ વધુ પ્રયાસ ન કર્યો.
બે-ત્રણ દિવસ તેના મમ્મી પપ્પા રોકાયા હતા એટલે બધા શનિ-રવિમાં સાથે અમદાવાદ ફરવા નીકળ્યા. ફરવા દરમિયાન નિર્લિપ્તે ફરી એક વખત વ્યાપ્તિને પ્રપોઝ કર્યું. તેણે કહ્યું કાલે જવાબ આપીશ. રવિવારે સાંજે જવાબ આપવા માટે તેણે તક શોધી કાઢી. રવિવાર બજારમાં ફરવા દરમિયાન નિર્લિપ્ત તેને એક ખૂણામાં લઈ ગયો. એક દુકાન પાસે ઊભા રહીને પૂછયું.
'તમારો સાથ મને ગમે છે. કદાચ નિયતિને આ સાથ પસંદ નહીં આવે. મારો પરિવાર ટિપિકલ છે અને નાતજાતમાં માને છે. અમારી નાતની કોઈ છોકરી બીજી નાતમાં જતી નથી અને બીજી નાતની કોઈ છોકરી અમારે ત્યાં આવતી નથી. મને લાગે છે કે આપણે આ લાગણીઓને અહીંયા જ સાબરમતીમાં વહાવી દેવી જોઈએ.' - વ્યાપ્તિએ કહ્યું.
'વ્યાપ્તિ તું એક વખત પ્રયાસ કરજે હું તારી રાહ જોઈશ. તારો જવાબ આવશે પછી જ લગ્નનું નક્કી કરીશ.' - નિર્લિપ્તે પણ કહ્યું.
ત્યાંથી બંને છૂટા પડયા. તેમની તકદીરમાં પછી ક્યારેય મળવાનું લેખાયું જ નહોતું. એક વખત નિર્લિપ્તે અમેરિકા જતા પહેલાં વ્યાપ્તિને મળવાનો પ્રયાસ કર્યો પણ શક્ય બન્યું નહીં. તે નિરાશ થઈને અમેરિકા જતો રહ્યો અને પોતાની જાતને અભ્યાસ અને કારકિર્દીમાં પરોવી દીધી કે કશું ભાન જ ન રહ્યું. આજે ધરમપુર નામ કાને પડતાં બધો જ ઊભરો એકાએક બહાર આવી ગયો. આ વિચારોમાં તેની આંખ મિચાઈ ગઈ. વહેલી સવારે રૂમમાં ફોનની રિંગ વાગી ત્યાં આંખ ખુલી.
'સર કોઈ મેડમ આપસે મિલને આયી હૈ... બોલ રહી હૈ બહોત અર્જન્ટ હૈ. ઈતની સુબહ કૈસે ભેજું. આપ બોલો તો નીચે બીઠાતા હું.' - રિસેપ્શન ઉપરથી એટેન્ડન્ટે કહ્યું.
'કૌન હૈ... ક્યા નામ હૈ..' - નિર્લિપ્તે પૂછયું. પેલાએ સામે સવાલ કર્યો અને જવાબ આવ્યો, 'વ્યાપ્તિ.' નિર્લિપ્તે તરત જ તેને ઉપર મોકલવાનો આદેશ આપ્યો.
નિર્લિપ્ત સહેજ ફ્રેશ થઈને રૂમના દરવાજે આવીને ઊભો રહ્યો અને વ્યાપ્તિ એલિવેટરમાંથી બહાર આવી કે તેને જોઈ જ રહ્યો. વ્યાપ્તિ આવીને દરવાજા પાસે ઊભી રહી. નિર્લિપ્ત બસ તેની સામે જોઈ રહ્યો.
'અંદર નહીં બોલાવે. આમ ક્યાં સુધી જોયા કરીશ.' - વ્યાપ્તિ બોલી અને નિર્લિપ્ત સહેજ ઝંખવાણો થયો. અરે હા, અંદર આવ.
'બહુ સમય લગાડયો તે. ક્યાં ખોવાઈ ગઈ હતી.' - નિર્લિપ્તે કહ્યું.
'તારા ગયા પછી મેં મારી જાતને તૈયાર કરી કે, પપ્પાને વાત કરું, એક દિવસ હિંમત કરી પણ તેમણે ઘસીને ના પાડી દીધી. મારું ભણતર બંધ કરાવી દીધું અને અમે ધરમપુર પાછા આવી ગયા. ત્યાં ખબર પડી કે તારા મોટાભાઈને ત્યાં તારા મમ્મી-પપ્પા જતા રહ્યા છે. તું અમેરિકા જતો રહ્યો છે. તમને લોકોને શોધવાનો પ્રયાસ કર્યો પણ શક્ય ન બન્યું. પપ્પાએ મારી ઓફર ઠુકરાવી તો મેં પણ તેમની લગ્ન કરવાની ઓફર ઠુકરાવી દીધી. એક દાયકો આખો પસાર થઈ ગયો. ત્રણ વર્ષ પહેલાં તેઓ મૃત્યુ પામ્યા ત્યારે જતા જતા કહેતા ગયા કે તારે જે કરવું હોય તે કરજે. તારો કોઈ કોન્ટેક્ટ નહોતો. હું શું કરતી.'
'તારા દિલ્હી આવવાના સમાચારો જોતી હતી. ગઈકાલે તું ફાઈનલી આવી ગયો એટલે આજે સવારની ફ્લાઈટમાં હું પણ આવી ગઈ. તારો જવાબ આપવા માટે.' - વ્યાપ્તિએ કહ્યું.
'મારે હવે જવાબ જોઈતો નથી. હવે બહુ મોડું થઈ ગયું છે.' - નિર્લિપ્તે કહ્યું. વ્યાપ્તિ તરત જ ઊભી થઈને જવા લાગી ત્યાં નિર્લિપ્તે તેનો હાથ પકડી લીધો.
'ખરેખર મોડું થઈ ગયું હોત તો. તારો જવાબ આવ્યો નહોતો પણ મારી જીદ હતી કે હું લગ્ન તો તારી સાથે જ કરીશ. બસ એટલે રાહ જોતો હતો.' - નિર્લિપ્તે કહ્યું.
'હું જવાબ આપવા રાહ જોતી હતી.'