આકાશ દીપ : ભલભલા બેટર્સની આંખોને આંજી નાંખનારો ભારતીય ફાસ્ટ બોલર
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- આકાશ દીપે અંગત જિંદગીના સંઘર્ષ છતાં ક્રિકેટનો સાથ ન છોડયો ને તેના એકલ પુરુષાર્થનું ફળ આજે આખા ભારતીય ક્રિકેટને ચાખવા મળી રહ્યું છે
જિં દગી ભલે ને ગમે તેટલા ઝંઝાવાત અને તોફાનોથી ઘેરાયેલી હોય પણ જો અડગપણે એકાદ સદગુણની આંગળીને દ્રઢતાથી ઝાલી રાખવામાં આવે તો અકલ્પનીય સફળતા સુધીનો રસ્તો તો આપોઆપ મળી જ જાય છે. જે પ્રકારે ખિસ્સામાંં રાખેલું નાનકડું ઓળખપત્ર કે પછી મનમાં જડી રાખેલો પાંચ કે સાત આંકડાનો પાસવર્ડ, પળવારમાં એવી દુનિયાના દરવાજા ખોલી શકેે છે, જે અન્યો માટે અત્યંત દુષ્કર હોય છે. પ્રયત્નો કરનારને માટેે રસ્તો દેખાડનારની કમી હોતી નથી અને પ્રયત્નોની નિષ્ઠા પર જ સફળતાની ઊંચાઈ ટકેલી હોય છે.
અંગત જિંદગીના અનેક ઝંઝાવાતોનો સામનો કરવાની સાથે સાથે ક્રિકેટની જોડેનો અતૂૂટ નાતો રાખનારો ફાસ્ટ બોલર આકાશ દીપ આજે ભારતીય ક્રિકેટના નવા સિતારા તરીકે ઉભરી આવ્યો છે. ૨૮ વર્ષના ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ સામેની બર્મિંગહામના એજબસ્ટોન ટેસ્ટમાં બીજી ઈનિંગમાં છ અને ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટ ઝડપવાની સાથે ભારતને વિદેશની ભૂમિ પર સૌથી મોટી જીત અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ સાથે તેણે ભારતીય ટેસ્ટ ઈતિહાસના યાદગાર વિજયની સાથે પોતાનું નામ કાયમ માટે સોનેરી અક્ષરોમાં અંકિત કરાવી દીધું છે.
દોઢ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આકાશ દીપે આઠ ટેસ્ટમાં ૨૫ વિકેટ ઝડપી છે, પણ પ્રતિભા અને પ્રદાનની રીતે તેની મહત્તા અને અસર આંકડાઓ કરતાં ક્યાંય વિશેષ છે. ધુરંધરોની હાજરી છતાં ભારતીય ક્રિકેટ છેેલ્લા લગભગ એક વર્ષથી ટેસ્ટના ફોર્મેટમાં સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ઈંગ્લેન્ડ જેવા મુશ્કેલ પ્રવાસમાં અને તે પણ જે મેદાન પર અગાઉ ક્યારેય જીત મળી નથી, તેના પર મેળવેલી સીમાચિહ્નરુપ સફળતા કોઈ નાની-સૂની વાત નથી. વળી, જે પીચ પર વિકેટ ઝડપવા માટે ખુદ યજમાન ટીમના બોલરો જ સંઘર્ષ કરતા હોય તેવી પીચ પર ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપવી એ આકાશ દીપની સિદ્ધિને અલગ ઊંચાઈએ પહોંચાડે છે.
બિહારના સાસારામમાં આવેલા દહેરી ગામમાં જન્મેલા આકાશ દીપને યુવા વયે જ જિંદગીને અત્યંત આકરી કસોટીમાંથી પસાર થવું પડયું, પણ મુશ્કેલીઓ વચ્ચેે તેના માટે ક્રિકેટનું મેદાન રાહત સમાન બની રહેતું અને તે તેનો તમામ ઉભરો આ મેદાન પર જોશભેર વ્યક્ત કરી દેતો અને તેના એ જ જુસ્સાએ આ જે તેને દેશના ટોચના બોલર્સમાં સ્થાન અપાવી દીધું છે. એજબસ્ટોનની જીત બાદ કેપ્ટન ગીલે તેને બિરદાવતા કહ્યું કે, આકાશ દીપ બોલિંગમાં તેનો જીવ રેડી દે છે.
આકાશ દીપના પિતા રામજી સિંઘ બિહારની સરકારી શાળામાં શિક્ષક હતા અને માતા લડ્ડુદેવી ઘર પરિવારની જવાબદારી સંભાળતા. પરંપરાગત વિચારસરણી ધરાવતા પિતાને આકાશ દીપની અભ્યાસ સિવાયની ઈત્તર પ્રવૃત્તિનો વિશેષ રસ પરેશાન કરતો. તેઓ ઈચ્છતા કે આકાશ દીપ ભણી-ગણીને મોટો અધિકારી બને. જોકે આકાશ દીપનું મન ક્રિકેટમાં લાગ્યું હતુ. તેને બેટિંગ કરવી પસંદ હતી. પિતાની જાણ બહાર તે ક્રિકેટ રમતો. ઘણી વખત જ્યારે પિતા ક્રિકેટ રમતાં પુત્ર પર ગુસ્સે થતાં ત્યારે માતા લડ્ડુદેવી તેની આગળ ઢાલ બનીને ઉભા રહેતા. ભારતના સામાન્ય બાળકોની જેમ રબરના બોલથી ક્રિકેટ રમીને આકાશ દીપ મોટો થયો.
કિશોરાવસ્થામાં જ આકાશ દીપ માટે ક્રિકેટ જ સર્વસ્વ હતુ અને તેના માટે અભ્યાસ ગૌણ હતો, આ કારણે તેની પડોશીઓ પણ તેમના બાળકોને આકાશ દીપથી દૂર રાખતા, જેથી તેમને આકાશ દીપનો રંગ ન લાગી જાય! આકાશ દીપ ૧૬ વર્ષનો હતો અને તેની આંખોમાં ક્રિકેટર બનવાનું સ્વપ્ન હતુ, જોકે તે સમયે બિહાર ક્રિકેટ એસોસિએશન સસ્પેન્ડ હતુ. તેને ક્રિકેટર તરીકે આગળ વધવા માટે નજીક આવેલા બંગાળ મોકલવાનો નિર્ણય લેવાયો. આમ, તે બંગાળના દુર્ગાપુરમાં તેના એક કાકાના ઘરે આવીને રહેવા લાગ્યો.
ટોપ ઓર્ડરના બેટ્સમેન તરીકે બંગાળની લીગની યુનાઈટેડ કલબમાં જોડાયેલા આકાશ દીપને ટેનિસ બોલ મેચ રમવાના દિવસના ૬૦૦ રૂપિયા મળતા અને મહિને તે ૨૦ હજાર જેટલું કમાઈ લેતો. આ કલબ તરફથી રમતાં આકાશ દીપની એક કોચે સલાહ આપી કે, તું ફાસ્ટ બોલિંગ પર હાથ અજમાવ. તારી ઊંચાઈ સારી એવી છે, જે ફાસ્ટર તરીકે તને મદદરુપ સાબિત થશે. બંગાળના એક અનામી કોચની સલાહે ભારતને એક મેચ વિનર ફાસ્ટ બોલર આપ્યો.
ટેનિસ બોલથી ક્રિકેટ શરુ કરનારા બિહારના ક્રિકેટરની કારકિર્દીને બંગાળમાં આગવી ઓળખ મળવાની શરુઆત થઈ હતી, ત્યાં જ પેરાલિસીસનો શિકાર બનેલા તેના પિતા રામજી સિંઘ અને મોટાભાઈનું વર્ષ ૨૦૧૫માં છ મહિનાના ગાળામાં અવસાન થઈ ગયું. આ કારણે બધુ છોડીને આકાશ દીપ પાછો બિહાર આવ્યો અને પરિવારની જવાબદારી ઉઠાવી રહેલી માતાને મદદ કરવા લાગ્યો. ક્રિકેટ તરફના જબરજસ્ત ખેંચાણ છતાં માતા અને બહેનોની જવાબદારીને પ્રાથમિકતા આપતાં તેને સંઘર્ષ કર્યો.ત્રણ વર્ષના સંઘર્ષ બાદ આખરે પરિસ્થિતિ થોડી થાળે પડી એટલે ફરી ક્રિકેટના મેદાનમાં પ્રવેશવાના ઈરાદા સાથે ૨૦૧૭માં બંગાળ પાછો ફર્યો.
બંગાળમાં ફરી ટેનિસ ક્રિકેટ રમવાનું શરું કર્યું અને તેની કલબ બંગાળની સેકન્ડ ડિવિઝન લીગમાં રમી રહી ત્યારે તે ક્રિકેટ એસોસિએશન બંગાળના ડાયરેક્ટર જોયદીપ મુખર્જી પહોંચ્યા. મેચમાં બોલર બદલાયો ને વિકેટકિપર વિકેટથી ૧૦ યાર્ડ દૂર હતો, તેણે છેક ૩૫ યાર્ડ દૂર જઈને પોઝિશન લીધી. આ બદલાવની નોંધ તેમણે લીધી અને આકાશ દીપનું પ્રદર્શન જોયા પછી તેમમે અંડર-૨૩ ટીમની ટ્રાયલ્સ માટે તેને બોલાવ્યો અને તત્કાલીન જુનિયર કોચ અને બંગાળના પૂર્વ કોચ સૌરાસીસ લાહિરીને તેની ભલામણ કરી. આ સમયે પહેલીવાર તેેણે ઈન્ડોર્સ પ્રેક્ટિસ જોઈ. તેની પસંદગી તો થઈ પણ શરુઆતમાં જ પીઠની ઈજાએ તેની કારકિર્દીને બેકફૂટ પર ધકેલી. જોકે, લાહિરીના ભરોસાના કારણે સીએબીમાં સામેલ સૌરવ ગાંગુલી અને જગમોહન દાલમિયાના પુત્ર અવિશેષે આકાશ દીપના રિહેબની વ્યવસ્થા કરી.
આ દરમિયાન બંગાળની ટીમના તે સમયના દિગ્ગજ મનોજ તિવારીએ એસોસિએશનના વિઝન ૨૦૨૦ અંતર્ગત કામ કરી રહેેલા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રાનાદેબ બોઝ સમક્ષ આકાશ દીપની ઝડપી બોલિંગના વખાણ કર્યા. આ દરમિયાન આકાશ દીપ પીઠની ઈજાની સમસ્યામાંથી બહાર આવી ગયો હતો અને રનદીપે તેને પદ્ધતિસરનું કોચિંગ આપવાનું શરુ કર્યું. લાંબા ઈંતજાર બાદ આખરે ૨૦૧૯માં ૨૨ વર્ષની વયે તેણે બંગાળ તરફથી અંડર-૨૩માં તેમજ સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું અને બીજી જ મેચમાં ગુજરાત સામે પાંચ વિકેટ ઝડપી. તેણે ૨૦૧૯-૨૦ની સિઝનમાં કુલ ૩૫ વિકેટ ઝડપતાં બંગાળને રણજીની ફાઈનલ સુધી પહોંચાડયું.
ઘરઆંગણાના ક્રિકેટમાં પ્રવેશ બાદ તેની આર્થિક હાલતમાં ઘણો સુધારો થયો અને રાષ્ટ્રીય સ્તરે તેની એક ઓળખ પણ ઉભી થઈ. ઘરઆંગણાના ક્રિકેટના નોંધપાત્ર દેખાવ બાદ તેણે ૨૦૨૧માં બેંગાલુરુની ટીમે આઇપીએલનો કોન્ટ્રાક્ટ પણ આપ્યો. તેની કારકિર્દીમાં ૨૦૨૩નું વર્ષ નિર્ણાયક સાબિત થયું, જેમાં તેણે રણજીમાં ૪૧ વિકેટ ઝડપતાં ટીમને ફાઈનલ સુધી પહોંચાડી, પણ આખરે તેમને હારનો સામનો કરવો પડયો. જોકે આ દેખાવને સહારે તેને ઈન્ડિયા-એ ટીમમાં તક મળી અને તેણે સાઉથ આફ્રિકા અને ઈંગ્લિશ લાયન્સ સામે અસરકારક સફળતા મેળવી. આ દરમિયાન તેને એશિયા કપ માટેની ટીમમાં અને સાઉથ આફ્રિકા પ્રવાસની વન ડે ટીમમાં સ્થાન મળ્યું, પણ મેદાન પર ઉતરવાથી તે વંચિત રહી ગયો.
લાંબા ઈંતજાર અને સંઘર્ષ બાદ આખરે તેનો ધીરજભર્યો ઈંતજાર ૨૦૨૪માં ફળ્યો અને ફેબુ્રઆરીમાં ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં તત્કાલીન કોચ રાહુલ દ્રવિડના હસ્તે તેને ટેસ્ટ કેપ મળી. તેને ઈંગ્લેન્ડ બાદ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ મેેચ રમવાની તક મળી. જોકે તેણે ખરો પ્રભાવ ઓસ્ટ્રેેલિયા પ્રવાસમાં બ્રિસબેન અને મેલબોર્ન ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ ઝડપીને પાડયો હતો. આ પછી ઈંગ્લેન્ડ પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ બાદ બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ અંતર્ગત આરામ અપાયો અને તેના સ્થાન સમાવાયેલા આકાશ દીપે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ઈનિંગમાં છ અને મેચમાં ૧૦ વિકેટ ઝડપી બતાવી.
આ સફળતા બાદ તેણે બહેન અંખડ જ્યોતિના કેન્સર સામેના સંઘર્ષનો ખુલાસો કર્યો, ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોએ જ નહીં, પણ ધુરંધરોએ તેની હિમંત અને મક્કમતાને સલામ કરી. અંગત જિંદગીના સંઘર્ષને કારણે આકાશ દીપમાં તનાવને તાબે નહી થવાની આગવી કુશળતા છે, જે આગામી સમયમાં ભારતીય ક્રિકેટને સિદ્ધિના નવા શિખરે પહોંચાડવામાં નિર્ણાયક સાબિત થશે.