Get The App

અબોલ પ્રાણીનો અવાજ

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
અબોલ પ્રાણીનો અવાજ 1 - image


- આજકાલ-પ્રીતિ શાહ

- ગૌરી માને છે કે અબોલ પ્રાણીઓને આપણી જેમ જ જીવવાનો અધિકાર છે. તેમને માત્ર બચાવવા કે સંભાળ લેવાનું કામ કરવાનું નથી, પરંતુ તેમને સન્માન અપાવવાનું કામ કરવાનું છે

ના નપણથી જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કરુણા વહાવનાર ગૌરી મૌલેખી આજે અબોલ પ્રાણીઓનો જીવંત અવાજ બની રહી છે. યુનિવર્સિટી ઑફ લખનઉમાં અભ્યાસ કરનાર ગૌરીએ ૧૯૯૫માં પીપલ ફૉર એનિમલ્સ સંસ્થા સાથે એક સ્વયંસેવક તરીકે કામગીરી શરૂ કરી. પ્રાણીઓના આશ્રયસ્થાન માટે ફંડ એકત્રિત કર્યું અને તેમને માટે રહેવાની વ્યવસ્થા કરી. કૂતરાઓને સાચવવા માટે દત્તક યોજના બનાવી. એનિમલ એમ્બુલન્સ સર્વિસમાં સહયોગ આપ્યો. ૨૦૦૪થી ૨૦૦૮ દરમિયાન નોઈડામાં ચાલતી સોસાયટી ફોર પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ સાથે જોડાઈ. દહેરાદૂનમાં રાહત એન.જી.ઓ. સાથે કામ કર્યું અને ઉત્તરાખંડમાં પીપલ ફૉર એનિમલની શાખા સ્થાપી. કેદારનાથમાં ૨૦૧૩માં બનેલી દુર્ઘટના સમયે આશરે છ હજાર જેટલાં પ્રાણીઓનું સ્થળાંતર કરાવ્યું હતું. ગૌરીને આ ક્ષેત્રે કામ કરવા પ્રેરનાર એણે પાળેલ પ્રાણી જ છે. નેવુંના દાયકામાં એણે પાળેલાં પ્રાણીને યોગ્ય સારવાર ન મળતાં અવસાન થયું અને એ વેદનાએ પ્રાણીકલ્યાણને એના જીવનનું લક્ષ્ય બનાવ્યું.

પશુમેળા સમયે એણે જોયું કે દેશની બજારમાંથી તેમને ગેરકાયદેસર રીતે ખરીદીને સીમા પર મોકલવામાં આવી રહ્યા છે, તેથી ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટમાં રીટ કરી અને પશુઓની ગેરકાયદેસર ખરીદી પર પ્રતિબંધ મૂકવા માગણી કરી. પરિણામે ૨૦૧૭માં કાયદો બન્યો કે પ્રાણીઓની ખરીદી ખેતી અને કાયદેસરનાં કામો માટે જ કરી શકાય. દેશમાં યાત્રા વખતે પ્રાણીઓના ઉપયોગ ઉપર એની દ્રષ્ટિ ત્યારે ગઈ કે જ્યારે દહેરાદૂનમાં એક ઘોડો વધુ પડતા થાકને કારણે ફસડાઈ પડયો, ત્યારે તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાને બદલે તેના માલિકે તેના નાક આગળ કાગળ સળગાવીને મૂક્યો, જેથી તે ભયભીત થઈને ઊભો થઈ જાય. આપણે ત્યાં ચારધામ અને વૈષ્ણોદેવીની યાત્રા સમયે આશરે ચાળીસથી પચાસ હજાર ઘોડા, ખચ્ચર અને ગધેડાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમની યોગ્ય સંભાળ લેવામાં આવતી નથી.

યોગ્ય ખોરાક-પાણીના અભાવે અને થાકને કારણે થતાં મૃત્યુ સૌથી ખરાબ અને ક્રૂર મૃત્યુ છે. આ બધું જોઈને માત્ર વાત કરીને બેસી રહેવાને બદલે અબોલ પ્રાણીઓ માટે શું થઈ શકે તે વિશે ગૌરીએ વિચાર્યું. વિરોધ કે આંદોલન કરવાને બદલે તેણે ઉત્તરાખંડ હાઈકોર્ટનું ધ્યાન ખેંચ્યું અને કહ્યું કે પ્રાણીઓની યોગ્ય સંભાળ લેવાવી જોઈએ. તેણે ઘાયલ, કામ કરવા અસમર્થ, વિકલાંગ અને છૂટા મૂકી દેવાયેલા પ્રાણીઓ માટે ઉત્તરાખંડમાં એક સેંકચ્યુરી બનાવી છે.

તેમણે વિચાર્યું કે પ્રાણીઓને બચાવવા અને જાળવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવી પડશે, કારણ કે દર વર્ષે ચાર ધામ યાત્રા સમયે હજારો પ્રાણીઓનાં મૃત્યુ થાય છે. તેણે સરકાર સાથે મળીને પોલીસ અધિકારી, સત્તાધીશો અને પશુ ચિકિત્સકોને તાલીમ આપી. એક ટીમ પ્રાણીઓને તપાસે અને જો તે તંદુરસ્ત હોય તો તેનું રજીસ્ટ્રેશન કરાવે. તંદુરસ્ત પ્રાણીઓને જ યાત્રાધામમાં યાત્રાળુઓને લઈ જવાની પરવાનગી આપવી તેવો પ્રયત્ન કર્યો. દહેરાદૂનના મુખ્ય વેટરનરી ઑફિસર ડૉ. સતીશ જોશી છેલ્લાં વીસ વર્ષથી ગૌરી સાથે કામ કરે છે અને આ કાર્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ગૌરી કહે છે કે આ કામ ઘણું વિશાળ છે. દહેરાદૂનમાં જે ઘોડાઓ ફસડાઈ પડયા હતા, તે આજે તેમની પાસે છે અને તંદુરસ્ત છે, પરંતુ આવી ક્રૂરતા તો અનેક જગ્યાએ આચરવામાં આવે છે. તેઓ ગાય-ભેંસ માટે પણ કાર્યરત છે. એક સાંકડી જગ્યામાં તેમને બાંધીને રાખવામાં આવે છે. જ્યાં તેઓ ખોરાક લે છે, મળ-મૂત્ર કરે છે, વાછરડાને જન્મ આપે છે, ત્યાં જ બેસે છે. આપણે આવી રીતે જીવી શકીએ? તેમનું માનવું છે કે તેમને મોકળાશ આપવી જોઈએ અને જ્યારે તેને પાણી પીવું હોય ત્યારે તે પી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ.

આને કારણે તેમને અહિંસા ફેલોશિપનો વિચાર આવ્યો અને તેનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો, જેથી નવી પેઢી આ ક્ષેત્રમાં આવે અને ઉત્સાહભેર કામ કરે. આ ફેલોશિપ પ્રોગ્રામ અંતર્ગત માત્ર કાયદાકીય સમજ નહીં, પરંતુ સરકાર અને ઉદ્યોગો સાથે કમ્યુનિકેશન કરવું અને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવે છે. આનલાઇન શિક્ષણ ઉપરાંત વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે. પોતાના સ્થાનિક ક્ષેત્રમાં આવેલ ડેરી, સુવ્વર, કૂતરા, બિલ્લી વગેરેથી શરૂઆત કરવામાં આવે છે. અહિંસા ફેલોશિપ દ્વારા આશરે સાઠ વ્યક્તિ પ્રાણીરક્ષણનું કામ કરે છે. ગૌરી મૌલેખી અને તેમની ટીમે આશરે પચાસ લાખ પ્રાણીઓ પર કોઈ ને કોઈ રીતે પ્રભાવ પડયો છે, પાંચ હજાર સરકારી અધિકારીઓ સુધી વાત પહોંચાડી છે અને પચાસ હજાર સ્વયંસેવકોને તાલીમ આપી છે. ગૌરી માને છે કે અબોલ પ્રાણીઓને આપણી જેમ જ જીવવાનો અધિકાર છે. તેમને માત્ર બચાવવા કે સંભાળ લેવાનું કામ કરવાનું નથી, પરંતુ તેમને સન્માન અપાવવાનું કામ કરવાનું છે.

નિષ્ફળતા સામે નમ્યા નહીં

 ડેરી-ફ્રી મલેટ આઇસક્રીમ અનેક નિષ્ફળતામાંથી ધીરજ અને મક્કમતા સાથે શીખીને સફળતા હાંસલ કરવાની અનોખી યાત્રા છે

ક ર્ણાટકના શિમોગામાં ઉછરેલા અને શિક્ષણ પામેલા ગૌતમ રાયકરને સતત કંઈક નવું કરવાની ઝંખના રહેતી. તેમના કુટુંબનો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો વ્યવસાય હતો. ગૌતમ વાયકરે એન્જિનીયરિંગની ડિગ્રી તો મેળવી, પણ તેમનું વલણ હંમેશાં આંત્રપ્રિન્યોર બનવા તરફ રહેતું. તેઓ બઁગાલુરુ આવ્યા અને ૨૦૧૮માં તેમણે નાનકડી દુકાનમાં મિલેટ બ્રેડ, બિસ્કીટ અને કુકીઝ વેચવાનું શરૂ કર્યું. તેઓ વિચારતા કે મિલેટનું પોષણમૂલ્ય તો ઘણું છે, પરંતુ આપણા રોજિંદા ખોરાકમાંથી એ ગાયબ થઈ ગયું છે. એવું શું બનાવવું જોઈએ કે જે લોકોને આકર્ષે અને તેઓ પ્રેમથી ખાય. મનમાં વિચાર ઝબક્યો કે આઇસક્રીમ!

લોકડાઉન સમયે તેમણે વીગન મિલેટ્સ આઇસક્રીમની એક જાહેરખબર વાંચી અને તેમાં તેમને રસ પડયો. કારણ કે તેઓ મિલેટ્સ બ્રેડ, બિસ્કીટ અને કુકીઝ તો બનાવી રહ્યા હતા, પરંતુ ડેરી-ફ્રી બાજરાના આઇસક્રીમ વિશે પહેલાં ક્યારેય સાંભળ્યું નહોતું કે વિચાર્યું નહોતું. ગૌતમ રાયકરે ડેરી-ફ્રી મિલેટ્સ આઇસક્રીમ પર સંશોધન કરવાનું શરૂ કર્યું. આ આઇસક્રીમમાં ખાંડ ઓછી વપરાય અને પ્રિઝર્વેટીવ ન વાપરવું પડે એ માટેના સંશોધનો ૨૦૨૧માં શરૂ કર્યાં. સૌથી પહેલી મુશ્કેલી એ આવી કે ડેરી આઇસક્રીમમાં જે ચીકાશ આવે કે ક્રીમી બનાવટ આવે તે ડેરી-ફ્રી આઇસક્રીમમાં કેવી રીતે લાવવી? મિલેટ્સ તો જાડું ધાન્ય છે, તેમાં ચોખા કે ઘઉં જેવી ચીકાશ હોતી નથી. તેમાં ગ્લુટન નથી હોતું. ફાઈબર, આલ્કલાઇન, પ્રોટીન અને એન્ટીઑક્સીડન્ટ જેવા તત્ત્વો ધરાવતાં આ મિલેટ્સમાંથી આઇસક્રીમ કેવી રીતે બનાવવો તેની મૂંઝવણ હતી. તેમણે જુવાર, કાંગ, બાજરી અને રાગીમાંથી આઇસક્રીમ બનાવવાનું શરૂ કર્યું.

ઘણી મહેનત કરી છતાં આઇસક્રીમ જેવો સ્વાદ આવતો નહોતો. એટલે તે ગાયોને ખવડાવી દેતા. મિલેટ્સમાંથી આઇસક્રીમ બનતો નહીં અને જે બનતું તે ખાવા જેવું હતું નહીં. છેવટે ગાયોએ પણ તે ખાવાનું બંધ કરી દીધું, અન્ય દૂધમાંથી બનતા આઇસક્રીમ કરતાં મિલેટ મિલ્કના આઇસક્રીમમાં અત્યંત સૂક્ષ્મ રજકણો આવતી તે સૌથી મુશ્કેલ કામ હતું. જો તેને ફિલ્ટર કરવામાં આવે તો તેનાં પોષકતત્ત્વો જળવાઈ ન રહે. અહીં તેમના એન્જિનીયરિંગનું જ્ઞાન ઉપયોગમાં આવ્યું. તેમણે સ્મૂધ થાય અને પોષકતત્ત્વો જળવાય રહે તે માટે, મિલેટ્સ મિલ્ક ફિલ્ટર થાય તેવું ખાસ મશીન બનાવ્યું. તેમણે સ્થાનિક ખેડૂતો પાસેથી તેમજ ખેડૂતોના સંગઠન પાસેથી મિલેટ્સ મેળવ્યા. આ અનાજને સૌથી પહેલાં પાણીથી સાફ કરી તેને સૂકવ્યું અને તેમાંથી ધૂળ કાઢી તેને ફિલ્ટર મશીનમાં નાખવામાં આવે છે.

મિલેટ્સ મિલ્ક મેળવ્યા બાદ તેમાં પ્રમાણસર ખાંડ નાખવામાં આવે છે. આઇસક્રીમ કયા ફ્રૂટનો બનાવવાનો છે તેના આધારે ખાંડનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે પાંચથી બાર ટકા ખાંડ નાખવામાં આવે છે. આઇસક્રીમમાં તેઓ આર્ટીફિશયલ ફ્લેવરનો ઉપયોગ કરતા નથી. તાજાં ફ્રૂટ, ફ્રૂટ પલ્પ કે નટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફળ સિવાયના મિશ્રણને સૌપ્રથમ મોટી ટેંકમાં નાખીને ગરમ કરીને ઉકાળવામાં આવે છે. ઉચ્ચ તાપમાનને કારણે તેના નાના કણો તૂટીને દૂધમાં એકરૂપ થઈ જાય છે. આ મિશ્રણને આશરે આઠ કલાક રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં ફ્રૂટ કે ફ્રૂટ પલ્પ નાખીને ફ્રીજરમાં મૂકવામાં આવે છે. બે વર્ષની સતત અને સખત મહેનતને અંતે ૨૦૨૩માં તેમણે લીકી ફૂડ્ઝની સ્થાપના કરી અને તે અંતર્ગત મિલેટ આઇસક્રીમનું વેચાણ શરૂ કર્યું. આજે તેઓ બાર પ્રકારના આઇસક્રીમ બનાવે છે. સાથે સાથે મિલેટ કાફી, સ્મૂધી, શેક, બિસ્કીટ, કુકીઝ, સેન્ડવીચ અને પાસ્તા પણ વેચે છે.

આજે બઁગાલુરુમાં લીકી ફૂડ્સના એવા અનેક ગ્રાહકો છે જે નિયમિત રીતે મિલેટ આઇસક્રીમ ખાય છે. તેમના કાયમી ગ્રાહકોમાં એક ડૉક્ટર છે. તેઓ કહે છે કે આ આઇસક્રીમ ડેરી-ફ્રી, ઓછી ખાંડ અને તાજાં ફળોમાંથી બનેલો હોવાથી ખાતી વખતે કોઈ ચિંતા કે અપરાધભાવ રહેતો નથી અને તેને ખાતી વખતે ખૂબ આનંદ આવે છે. આજે ગૌતમ રાયકરની ફેક્ટરીમાં આઠ કર્મચારી કામ કરે છે. તેમને ફૂડ સેફ્ટી અન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાનું (એફએસએસએઆઈ) લાયસન્સ પણ મળી ગયું છે. આજે દક્ષિણ બંગાલુરુના યેલાચેનહલ્લી વિસ્તારમાં અઢી હજાર સ્કવર ફૂટમાં તેમની આઇસક્રીમ ફેક્ટરી આવેલી છે. અત્યારે રોજના પાંત્રીસ હજાર લિટર આઇસક્રીમ બનાવે છે અને પચાસ હજાર લીટર આઇસક્રીમ બનાવવાની ક્ષમતા છે. ઉનાળામાં રોજના પિસ્તાળીસ હજાર લીટરનો આઇસક્રીમ બનાવે છે. પચાસ એમએલ કપના ત્રીસ રૂપિયા, સો એમ.એલ. પેકના નેવું રૂપિયા અને ચાર લીટરનું ટબ તેરસો રૂપિયાની કિંમતે વેચે છે. મહિને બે લાખ રૂપિયાની આવક ધરાવનાર ગૌતમ રાયકરને મિલેટને ફરી લોકો સુધી પહોંચાડવાનો આનંદ છે. બાકી તો ડેરી-ફ્રી મલેટ આઇસક્રીમ અનેક નિષ્ફળતામાંથી ધીરજ અને મક્કમતા સાથે શીખીને સફળતા હાંસલ કરવાની અનોખી યાત્રા છે.

Tags :