સંશોધન પૂર્ણ કરવામાં મદદગાર બનતાં સ્વપ્નો
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ભૃણ અવસ્થામાં માતાના ગર્ભમાં રહેલા બાળકના શારીરિક તંતુઓની કાર્યપદ્ધતિ કેવી હોય છે? તે માનતા હતા કે આ ઉત્તેજના સ્નાયુઓમાં થનારા રાસાયણિક પરિવર્તનોને આભારી છે
સ્વ પ્ન માનવ મસ્તિષ્ક નિદ્રા સમયે ઉદ્દભવતી એક અદ્દભુત પ્રક્રિયા છે. સ્વપ્ન અવસ્થામાં માનવીનું મન વૈશ્વિક ચેતના સાથે જોડાઈ જાય છે તેથી તે અજ્ઞાત રહસ્યોને જાણી લે છે. સ્વપ્નાવસ્થામાં અતીન્દ્રિય જ્ઞાન પણ થઈ જાય છે. તે સમસ્યાનું નિરાકરણ કરવામાં ઉપયોગી બને છે. સ્વપ્નોએ અનેક શોધ અને સંશોધનોને પૂર્ણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા કાર્લ ગુસ્તાવ જુંગ એમના મેમરીઝ ડ્રીમ્સ રિફલેક્શન્સમાં કહે છે - ચેતન મનને જ્ઞાન પ્રાપ્તિના જેટલા સાધન મળ્યા છે તેનાથી કંઈક વધારે અને શક્તિશાળી સાધન અવચેતન મનને મળેલા છે. ચેતન મન દ્રશ્ય-શ્રાવ્ય તથા બીજી ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવે છે પણ અવચેતન મન પાસે તો જ્ઞાન પ્રાપ્તિના અસંખ્ય સાધનો છે. તે અંતરિક્ષમાં પ્રવાહિત થતા રહેતાં સંકેત-કંપનોને પકડી લે છે. જેમાં અનેૈકવિધ જાણકારીઓ સમાહિત હોય છે. જ્યારે ચેતન મન શાંત અને નિષ્કિય બની જાય છે ત્યારે અચેતન મન સક્રિય બને છે. તે વખતે તેમાં અતીન્દ્રિય જ્ઞાન આપતાં સ્વપ્નો ઉત્પન્ન થાય છે.
તેરમી, ચૌદમી સદીના ઈટાલિયન કવિ, ગદ્ય લેખક, સાહિત્યિક સિદ્ધાંતકાર, નૈતિક દાર્શનિક અને રાજનીતિક વિચારક દાંતે અલિગિરી (Dante Alighieri) એમના મહાકાવ્ય ડિવાઈન કોમેડી (Divine Comedy) તરીકે ઓળખવામાં આવતું હતું. ઈટાલિયન સાહિત્યમાં એક સીમાચિહ્ન રૂપ અને મધ્યયુગીન યુરોપિયન સાહિત્યના મહાન કાર્યોમાંનું એક દાન્તેનું ડિવાઈન કોમેડી માનવ જાતના ક્ષણિક અને શાશ્વત ભાગ્યનું એક ક્રિશ્ચિયન વિઝન છે. જગતને આ મહાકાવ્ય સાંગોપાંગ, પૂર્વ, અખંડિત રૂપે પ્રાપ્ત થયું તેમાં સ્વપ્નનો જ ફાળો છે.
લગભગ ૫૬ વર્ષની ઉંમરે રેવેના, પોપ સ્ટેટસ ખાતે ૧૪ સપ્ટેમ્બર મિશનથી પાછા ફરતી વખતે કવાર્ટન મેલેરિયાનો ભોગ બનવાથી તે મરણ પામ્યા ત્યારે તેમના મહાકાવ્યનો અંતિમ ભાગ પેરેડાઈસો (Paradiso) કોઈને ક્યાંય મળતો નહોતો. દાંતેની પત્ની જેમ્મા ડોનાટી, એમના સંતાનો અને મિત્રો વગેરેએ ભાગની કવિતાની હસ્તપ્રત શોધવા બહુ પ્રયત્નો કર્યા પણ તે ના મળી. છેલ્લે એવું માની લેવામાં આવ્યું કે તે ભાગ લખતાં પહેલાં જ એમનું મરણ થઈ ગયું હશે. દાંતેના બે પુત્રો જેકોપો (Jacopo) અને પ્રિએટ્રો (Pietro) પણ કવિઓ હતા એટલે ઘણા લોકોએ એમને આગ્રહ કર્યો તમે જ એ છેલ્લો અધૂરો ભાગ પૂરો કરી દો. પણ એ બન્નેની કાવ્ય શૈલી એમના પિતા કરતાં અલગ પ્રકારની હતી એટલે એમણે એ વાત સ્વીકારી નહીં. કવિતાનું સ્વરૂપ અને શૈલી બદલાઈ જાય તો વાચકોનો રસભંગ થઈ જાય એટલું જ નહીં, એમના પિતા એમાં શું રજુ કરવા માંગતા હતા, એનો કેવી રીતે અંત લાવવા માગતા હતા તે તો માત્ર તે જ જાણતા હતા એટલે છેલ્લે વિષય વસ્તુની ખોટી રીતે સમાપ્તિ થઈ જાય તો તેમના આખા મહાકાવ્યને અન્યાય થઈ જાય. આ સંજોગોમાં જેકોપો અને પિએટ્રો હવે શું કરવું એની મુંઝવણ અનુભવી રહ્યા હતા.
આ ગાળા દરમિયાન એક દિવસ જેકોપોને સ્વપ્ન આવ્યું. એમાં એણે જોયું કે એના પિતાએ રચેલ ડિવાઈન કોમેડીના છેલ્લા ભાગના ૧૩ સર્ગના કાગળો કોઈ મકાનના ગોખલામાં પડેલા છે. સ્વપ્નમાં તેને તે મકાન, ગોખલો અને હસ્તપ્રતના કાગળો એકદમ સ્પષ્ટ દેખાયા. સ્વપ્ન પૂરું થયા બાદ જાગૃત અવસ્થામાં પણ તેને તે બધું યાદ રહ્યું હતું. તેને ખ્યાલ આવી ગયો કે સ્વપ્નમાં દેખાયેલું મકાન એના પિતાના પરમ મિત્ર પિયેરો ગિઆર્ડિનો (piero Giardino) નું જ છે જ્યાં તેના પિતા મરણ પામ્યા તે પૂર્વે ઘણીવાર રહેતા હતા. જેકોપોએ પિએટ્રોને સ્વપ્નની વાત કરી. બન્નેએ સ્વપ્ન નિર્દેશ પ્રમાણે એમના ઘેર તપાસ કરવા જવાનું નક્કી કર્યું. તે બન્ને સવારે પિયેરો ગિઆર્ડિનોના ઘેર જવા નીકળી ગયા. એમને મળી સ્વપ્નની વાત કરી અને તેમના ઘરમાં એ કાગળો શોધવાનું શરૂ કર્યું. વિશાળ મકાનના એ ભાગમાં જ્યાં તેમના પિતા લખતા હતા તે જગ્યાએ પિયેરો તેમને લઈ ગયા. તે જગ્યા તો જેકોપોએ સ્વપ્નમાં જોઈ હતી તે જ હતી. પણ ત્યાં કોઈ ગોખલો હતો જ નહીં કેવળ દીવાલ હતી. તેના પર એક જગ્યાએ જુની થઈ ગયેલી ચટાઈ લટકતી હતી. એનું મન કહેતું હતું કે તેણે સ્વપ્નમાં જોઈ હતી તે આ જ જગ્યા છે અને પેલો ગોખલો પણ આટલામાં જ છે. એટલે તેણે પેલી ચટાઈ હટાવીને જોયું તો તેની પાછળ ખરેખર એક મોટો ગોખલો હતો. ત્યાં થોડી ઘૂળ પણ બાઝેલી હતી. એ ગોખલામાં દાન્તેએ પેરેડાઈસોના ૧૩ સર્ગના પોતાના હાથે લખેલા કાગળો થપ્પીબંધ મૂકેલા હતા. તે પ્રાપ્ત થતાં બધાના આનંદનો પાર ન રહ્યો. આમ, દાન્તેનું ડિવાઈન કોમેડી મહાકાવ્ય સાંગોપાંગ પૂર્ણ રૂપે પ્રકાશિત થઈ શકયું. જેની શોધ થતી હતી તે કવિતાના હસ્તલિખિત કાગળો સ્વપ્નના આધારે મળી આવ્યા હતા. જો સ્વપ્નનો નિર્દેશ માન્યો ન હોત તો આટલું મહાન મહાકાવ્ય અધૂરું જ રહેત. એનો સર્વાધિક મહત્ત્વનો અંતિમ ભાગ દુનિયા કદી જાણી ન શકત.
અમેરિકન શરીર વિજ્ઞાની ડૉ.ઓટો લોવી (Otto Loewi) સિત્તેર વર્ષ જેટલો લાંબો સમય એ જાણવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા કે ભૃણ અવસ્થામાં માતાના ગર્ભમાં રહેલા બાળકના શારીરિક તંતુઓની કાર્યપદ્ધતિ કેવી હોય છે ? તે માનતા હતા કે આ ઉત્તેજના સ્નાયુઓમાં થનારા રાસાયણિક પરિવર્તનોને આભારી છે. જો કે તેનું પરીક્ષણ કરવાનો તેમની પાસે કોઈ ઉપાય નહોતો. તેમની આ અવધારણા પ્રયોગોથી પ્રમાણિત થઈ શકતી નહોતી. પણ એમને આવેલા સ્વપ્નોથી આ શક્ય બની ગયું. ૧૯૨૦માં મે મહિનામાં ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ તેમણે એક સ્વપ્ન જોયું જે તેમના પ્રયોગો સાથે સંબંધિત હતું. તેમણે એ સ્વપ્નની યાદ રહેલી વિગતો લખી લીધી. બીજે દિવસે પણ તેમને ફરી પ્રયોગને લગતું જ સ્વપ્ન આવ્યું. તેમાં પાછલા દિવસના સ્વપ્નની યાદ ન રહેલી બાબતો ફરી પ્રગટ થઈ. તે બરાબર યાદ રાખી તેમણે તે રીતે તાત્કાલિક પ્રયોગ કરવાનો શરૂ કર્યો. એ પ્રયોગ એક દેડકાના ભુ્રણ પર કરવામાં આવ્યો. એમાં એ સફળ થયા. એ પ્રયોગે ચિકિત્સા જગતમાં એક નવો અધ્યાય શરૂ કર્યો જેણે હ્ય્દયના રોગીઓના ઉપચારની પણ એક નવી દિશા ખોલી કાઢી. કેમિકલ ટ્રાન્સમિશન ઓફ નર્વ ઈમ્પલ્સિસ ક્ષેત્રે ઓટો લોવીએ સર હેનરી હેલેટ સાથે શરૂ કરેલું સંશોધન કાર્ય પૂરું થઈ ગયું. એમને એન્ડોજિનસ ન્યૂરોટ્રાન્સમીટર તરીકે એસિટાઈલકોલાઈન (Acetylcholine) ની ભૂમિકા સિદ્ધ કરવા બદલ ૧૯૩૬નંર નોબલ પ્રાઈઝ ઈન ફિઝિયોલોજી ઓર મેડિસિન પ્રાપ્ત થયું હતું. આ સમયે ઓટો લોવીએ એમને મળેલી સિદ્ધિનું શ્રેય સ્વપ્નને જ આપ્યું હતું. ખરેખર જગતની અનેક શોધો, એના સંશોધનો પૂર્ણ થવામાં સ્વપ્નોનો બહુ મુલ્ય ફાળો છે.