રિપોર્ટ .
- ચંડીદાન ગઢવી
'તું જો ને ! પિસ્તાળીસ વરસે પણ આ ઠઠારા છોડતી નથી !' નરેન્દ્ર અરીસામાં દ્રષ્ટિ ફેંકતાં ટાઈ બાંધી મરકી રહ્યો
મે ડમ, પાછળ કેમ ? નરેન્દ્ર સ્ટીયરીંગ સીટ પર ગોઠવાયો. 'કેટલા વર્ષથી ગાડી ચલાવો છો ?' સુલેખાના સ્વરમાં સખ્તાઈ હતી. 'શેઠ તો હંમેશાં પાછળ જ બેસે ને !'
'એય શેઠવાળી... આગળ આવે છે કે પછી... !' નરેન્દ્ર ડોક ફેરવી તેની પર ઝળુંબ્યો.
'ના બાબા... ના, આવું છું.' પત્ની ખડખડાટ હસતી રહી. 'તું તો વાવાઝોડું છે.'
'હવામાન ખાતામાં છો એટલે આગોતરી જાણ થઈ ગઈને !' નરેન્દ્ર સેફટી બેલ્ટ બાંધી સુલેખા તરફ અનિમેષ નજરે નિહાળી રહ્યો. 'તુમ ઈતના જો મુસ્કરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો ?' તેના અવાજમાં આછા દર્દનો પડઘો ઝિલાતો હતો.
'અચ્છા, તો જનાબ શાયરીના મૂડમાં છે...' સુલેખા મસ્તીભરી નજર ફેંકી રહી. નરેન્દ્રની હથેળી પકડી આમતેમ ફેરવી, ચહેરા પર ગોગલ્સ ચઢાવી ટહુકી. 'રેખાઓંકા ખેલ હૈ મુકદ્દર, રેખાઓંસે માત ખા રહે હો. બાલક !' મોં પર કૃતક ગાંભીર્ય ધારણ કરી રહી.
'સાચી વાત છે સુલુ !' બંને ગંભીર બની ચૂપ થઈ ગયા.
'બાને સ્હેજ પણ ખ્યાલ કે અણસાર સુદ્ધાં ન આવવો જોઈએ' સુલેખાએ ચુપકિદી તોડતાં સાવધાનીનો સૂર ઉચ્ચાર્યો.
'સંતાન સુખ તો બધાંનાં નસીબમાં નથી હોતું પણ...' થોડીવાર મૌનમાં બંને ડૂબી ગયા.
ભારેખમ વાતાવરણને ભેદવા નરેન્દ્ર, સુલેખા તરફ ફરી હળવાશભર્યા સ્વરમાં સ્મિત કરી રહ્યો. 'કોલેજ-કાળમાં એક અંગ્રેજ સાહિત્યકારનું ક્વોટેશન આજે પણ યાદ છે.' તે હસી રહ્યો. 'મેરેજ ઈઝ અ બુક. ઈટ્સ ફર્સ્ટ ચેપ્ટર ઈઝ પોએમ. સેકન્ડ ઈઝ પ્રોઝ એન્ડ થર્ડ ઈઝ...' તે ખડખડાટ હસી પડયો... ગ્રામર. સુલેખા પણ મુક્ત મને હસતી રહી... પરંતુ યાજ્ઞિાક સાહેબે તો આપણા ફર્સ્ટ ચેપ્ટરનો ઉપસંહાર જલદી લખી નાંખ્યો. અને સીધા 'પ્રોઝ'માં ! પ્રસ્તાવના હજી માંડ પૂરી... !
'હા યાર !' નરેન્દ્ર સ્ટીયરીંગ તરફ વળ્યો. ગાડી સ્ટાર્ટ કરી.
'ડોક્ટર સાહેબ વર્ષોથી... પિતાજીના વખતથી આપણા ફેમીલી ડોક્ટર રહ્યા છે. એટલે એમના નિદાન અંગે કોઈ સંદેહ રહેતો જ નથી. એમણે આપણી વચ્ચે જે લક્ષ્મણ રેખા દોરી આપી તે અંગે સભાન રહેવાનું.' નરેન્દ્ર ડોકું ધુણાવી રહ્યો. ફરી નીરવતા ઘેરી વળી.
કારમાંથી ઉતરતાં વિષાદને હડસેલી, ચહેરાને સ્મિતથી મઠારી, દંપતી બંગલાના પ્રવેશદ્વાર પર ઉભેલાં બાના ચરણસ્પર્શ કરી અંદર પ્રવેશ્યું.
'... બંને ખુશ છે... ડોક્ટરે સારા સમાચાર આપ્યા હશે... હવે પારણું બંધાશે... આ કરોડોની મિલકતનો વારસદાર...' બાના ચહેરા પર આનંદ છવાઈ ગયો.
જમવાનું જેમતેમ પતાવી બંને બેડરૂમમાં ગયા. નિ:શબ્દ બની ભીંતે લટકતી બાળ-કૃષ્ણની, માખણ ખાતી તસવીર શૂન્યમનસ્ક બની નિહાળી રહ્યાં. 'નરૂ, બેડરૂમ અલગ કરવો પડશે.' સુલેખા બારી બહાર ભૂરા આકાશને ઉદાસ નજરે તાકી રહી.
'હા સુલુ... પણ બા...' નરેન્દ્ર મુંઝવણ અનુભવી રહ્યો. 'એ તો બધું કરીશું. આપણે આપણી સાથે સતત લડતાં રહેવું પડશે.' સુલેખા મક્કમતાથી ઊભી થઈ પોતાની ચીજવસ્તુઓ એકઠી કરવા લાગી.
'સુલુ !' નરેન્દ્ર ગંભીર બની સુલેખાના હાથને પોતાના હાથમાં લઈ પસવારવા લાગ્યો. 'બેસ, મારે તને કંઈક કહેવું છે.'
'નરૂ !' સુલેખા તેની આંખોના ભાવ વાંચી રહી. 'તું જે કહેવા માગે છે તે મને દેખાય છે.' નરેન્દ્રની વધુ નજીક સરકી. 'લગ્નનો હેતુ માત્ર સંતાન પ્રાપ્તિ અને દૈહિક ક્રિયાકલા પોજ નથી. આખરે તમામ પ્રવૃત્તિ અને કર્મોનો અલ્ટીમેટ 'ગોલ' તો આનંદ પ્રાપ્તિ જ છે ને !' તે ઊભી થઈ બારી પાસે ખુલ્લા આકાશને નિહાળતી રહી. 'તેથી તારાથી અલગ થઈ નવી જિંદગી વસાવવાની વાત મને સ્વીકાર્ય નથી.' તે નરેન્દ્ર તરફ ફરી. 'આખરે જીવનનો હેતુ તો આનંદ પ્રાપ્તિ જ છે ને !' પાસે આવી પતિના ખભા પર હાથ મૂક્યો, 'કોઈના અંધકારભર્યા જીવનમાં રોશનીનો એક નાનકડો દીપ પ્રગટાવી જે આનંદની અનુભૂતિ થાય તે સર્વોચ્ચ અને શાશ્વત હોય છે.'
'ચાલો, અંતર્યામી મેડમ ! માફ કરો.' નરેન્દ્ર કાનની બૂટ પકડી માથુ નમાવી રહ્યો. 'આપ વસ્તુઓ સમેટી આગળ વધો...'
'અરે બેટા ! આ બધુ ક્યાં લઈ જાય છે ?' બા આશ્ચર્યથી વહુને, કપડાં અને બેગ લઈ જતી જોઈ રહ્યાં. સુલેખા હાથમાં રહેલી વસ્તુઓ સંભાળી રહી. 'બા ! નરૂને કંપનીના કામ માટે મોડે સુધી કમ્પ્યુટર ચલાવવું પડે છે. તેની ટકટકથી ઊંઘ આવતી નથી. તેથી બીજા રૂમમાં...' તે નીચી નજરે ચાલતી રહી.
'હા, પણ અત્યાર સુધી તો...' બા વિસ્મયથી દાઢી પર આંગળી ટેકવી વિસ્ફારિત નેત્રે તાકી રહ્યાં. સુલેખા સ્મિત ફરકાવી અનુત્તર રહી, ઝડપથી બીજા રૂમમાં ઘુસી ગઈ.
'શું વાંકુ પડયું ?' બાને કશું સમજાયું નહિ. તેમના મોં પર અકળામણ હતી. 'નાનામાં નાની વાતની કાળજી, રસોઈ પણ સરસ, નોકરીથી આવી તરત જ કામે વળગી જાય, મને તો અડવા દેતી જ નથી... ઘર પણ મંદિર જેવું રાખે છે... ફૂદાની જેમ ઊડતી... હસતી...' વિચાર વમળમાં અટવાતાં, મન પરતી ભાર ખંખેરી દેવ-ઘર તરફ વળ્યાં... કેટલા દિવસ ! આફૂડાંય ભેગાં થશે. મનોમન સમાધાન મેળવ્યું...
'નરૂ ! અરધુ માથુ તો સફેદ થઈ ગયું. હવે શું ટીકી ટીકીને જોયા કરે છે ?જે બચ્યું છે તે સંભાળને !' સુલેખા હસતી હસતી સાડી સરખી ગોઠવી હોઠ પર લિપ્સ્ટીક લગાવી રહી.
'તું જો ને ! પિસ્તાળીસ વરસે પણ આ ઠઠારા છોડતી નથી !' નરેન્દ્ર અરીસામાં દ્રષ્ટિ ફેંકતાં ટાઈ બાંધી મરકી રહ્યો.
'પણ તું તો પચાસનો થયો.' સુલેખા તેની તરફ ફરી મલકાતી રહી. 'ઉંમરનો તો લિહાજ કર !'
'અરે, જલદી કર. મોડા પહોંચીશું તો મહેતા બધાંની વચ્ચે આપણી ફિરકી લઈ લેશે.' નરેન્દ્ર ઝડપથી કોટ સરખો કરતાં જલદીથી રૂમની બહાર નીકળ્યો.
'સુલુ, પેલા ડો. યાજ્ઞિાક નથી લાગતા ?' નરેન્દ્ર જમ્યા પછી ડીશ મૂકવા જતાં નજર નોંધી રહ્યો. સુલેખા દ્રષ્ટિ ઝીણી કરી ડોક હલાવી રહી.
'હલ્લો યાજ્ઞિાક સાહેબ ! ઘણા વરસે ! અહિંયા ! અચાનક !' નરેન્દ્ર આશ્ચર્યથી પગથી માથા સુધી નજર દોડાવી રહ્યો.
'કોણ ?' ડો. યાજ્ઞિાક ચશ્મામાંથી ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા. નરેન્દ્રએ પચીસ વરસ પહેલાંની વાત યાદ અપાવી.
'ઓ... હા ! યાદ આવ્યું.' ડોક્ટર સ્મૃતિને તેજ કરી રહ્યા. ક્ષણભર એકીટશે જોઈ રહ્યા. 'થોડાં વર્ષ અમેરિકા જઈ આવ્યો. મહેતા મારા દૂરના સંબંધી થાય. કાલે સમય લઈ ક્લિનિક પર આવજો.'
બીજા દિવસે અંદર પ્રવેશતાં જ બંને પ્રસન્નતા અનુભવી રહ્યાં. 'ઓહો ! સાહેબ ! ક્લિનિક તો આજે પણ એવું જ અપ-ટુ-ડેટ છે ને !' ડોક્ટર આછું સ્મિત રેલાવી રહ્યા. 'તમારું કેમ ચાલે છે ? કોઈ દત્તક કે પછી...' વાક્યને વચ્ચેથી કાપતાં, નરેન્દ્ર ખુરશીમાં ટટ્ટાર થઈ રહ્યો. 'ના રે ના, સર, શહેરથી દૂર કુદરતના ખોળે શિક્ષણની ધૂણી ધખાવી છે. અમે બંને બધું છોડી એમાં સંપૂર્ણ જોતરાઈ ગયાં છીએ.' પત્ની તરફ નજર ફેંકી રહ્યો. 'ગરીબ, અનાથ, અસહાય બાળકોને કેળવણી, સંસ્કાર સીંચી સ્વાવલંબી બનાવવાનો યજ્ઞા આરંભ્યો છે.' ડોક્ટર સામે ફરી દ્રષ્ટિ નોંધી રહ્યો. 'વારસામાં મળેલી બધી મિલકત આ કાર્યમાં... એક સમર્પિત ટીમ બનાવી છે. દાતાઓ પણ મળી રહ્યા છે.' દંપતીના ચહેરા અને આંખોમાં આનંદ અને પરિતૃપ્તિ છલકાઈ રહ્યાં હતાં. 'જીવન ભર્યું ભર્યું લાગે છે.'
ડોક્ટરના ચહેરા પર મુંઝવણ અને ગડમથલ દોડી રહ્યા હતા. તેમણે ઝડપથી ચેકબૂક કાઢી, દસ લાખની રકમનો ચેક નરેન્દ્રની સામે ધર્યો. 'આ પવિત્ર કાર્યમાં મારો આ મામૂલી સહયોગ સ્વીકારો.' નરેન્દ્ર આભો બની અવાચક થઈ સુલેખા તરફ આશ્ચર્યથી મીટ માંડી રહ્યો. સુલેખા પણ નિરૂત્તર બની રહી... કમ્પાઉન્ડરની ભૂલ, પોતાની બેકાળજી... નરેન-નરેન્દ્રમાં ગોટાળો... રિપોર્ટની અદલાબદલી... ડોક્ટરના હૃદયમાં શૂળ ભોંકાવા લાગ્યું. હોઠ સુધી આવેલા અપરાધ ભાવનો એકરાર બળપૂર્વક સાતમા પાતાળે ચાંપી દીધો... '... નિરવધિ આનંદ સાગરમાં પથરો નથી ફેંકવો...'