Get The App

...કે આજ હવે ચોમાસું બેઠું .

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
...કે આજ હવે ચોમાસું બેઠું                                 . 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઇન

ઢોલ વગડાવી લાપશીના મૂકો આંધણ, ગોળધાણે મોઢું તે કરો એઠું

કે આજ હવે ચોમાસું બેઠું.

હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,

અને કૂવાને ઓડકાર આવશે.

કાગળની હોડી ને અબરખની કોડી,

એવા તે દિવસો એ લાવશે.

આભ ફાટીને આજ પડયું હેઠું.

કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,

નમણી વહુવારુઓ ધરાશે.

બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,

તરસ્યા તે છોકરાઓ થાશે.

વરસે છે મધ જેવું મેઠું.

- જતીન બારોટ

ઉ પરોક્ત કવિતામાં કવિએ વરસાદી આગમનને શબ્દોના કંકુચાંદલા સાથે મન મૂકી વધાવ્યું છે. શુભઅવસરે લાપસીના આંધણ મુકાય છે, ગોળધાણાથી મોઢું મીઠું કરાય છે. આવો જ એક શુભ અવસર આવી પહોંચ્યો છે, પણ તે કોઈ એક બારણે નહીં, પ્રત્યેક દ્વારે દસ્તક દઈ રહ્યો છે 'ચોમાસું બેઠું છે.

ચોમાસું માત્ર એક ઋતુ નથી, સંકેત છે. જે કંઈ સૂકાઈ ગયું હતું, જીવંતતા ગુમાવી બેઠું હતું, ચીમળાઈ ગયું હતુંં, અને ફરી ઉગવાની આશા ગુમાવી ચૂક્યું હતુંં, તેને ફરીથી જીવંત કરતો ભીનો સંકેત. એ સંકેતનો અવાજ વાદળોની ગર્જના જેવો સંગીતમય છે, મોરના ટહુકા જેવો સુરીલો છે. તેની સુગંધ, માટીની મહેક જેવી છે અને તેનું આગમન - ભીનું, તરબોળ કરનારુંં અને ઉલ્લાસભર્યું. આ ઉલ્લાસ ન માત્ર ખેડૂતો, પ્રત્યેક જીવમાં દોરીસંચાર કરે છે. પછી એ કીડી હોય કે હાથી, હિંસક હોય કે અહિંસક. મનુષ્ય હોય કે વૃક્ષ. પ્રત્યેકને પોતાના આગમનથી આનંદિત કરી દે છે. સૂકો પડેલો નિર્જીવ કૂવો પણ સજીવ થઈ ઊઠે છે, તેના બે કાંઠે છલકાતા નીરને ભરવા આવેલી ગામની વહુવારુના પગલાથી એ સ્થાન વધારે પવિત્ર થઈ ઊઠે છે.

આપણા જીવનમાં પણ ચોમાસાવિહીન સૂકા દિવસો આવતા હોય છે, જે ચોમાસાની પ્રતીક્ષામાં રહે છે. એ વખતે તમામ સંબંધો ધૂળમાં ફેરવાઈ ગયા હોય છે અને સંવેદના 'કઠોર પથ્થર જેવી. પ્રત્યેક આશા સૂકી ડાળ જેમ અસ્તિત્વના ઝાડ સાથે ચોંટેલી રહે છે, તેને પ્રતીક્ષા હોય છે માત્ર એક હરિયાળી વાછટની, કોઈકની હૂંફની, કોઈકના સથવારાની, માત્ર એટલા સ્નેહભર્યા શબ્દોની 'હું તારી સાથે છું'. અને આ શબ્દો જ ક્યારેક દુકાળભર્યા હૃદયમાં લીલોતરી લાવવાનું જાદુઈ કામ કરે છે. જ્યારે આંતરમન ભીનું થવાને બદલે આંખ ભીની થાય, ત્યારે સમજી લેવું આ પાણી વરસાદનું નહીં, દુકાળનું છે. જેમ સૂર્ય હર્યાભર્યાં તળાવને પણ શોષી લે, તેમ જીવતરનો તાપ આપણી ભીનાશ શોષે છે. ત્યારે વરસાદની ઝંખના જાગે છે. આપણી અંદરની ભૂમિ કોઈના હેતપૂર્વક વરસી પડવાની પ્રતીક્ષામાં રહે છે. 

કવિ કહે છે 'ચોમાસું બેઠું' ત્યારે તેમનો ઇશારો માત્ર વરસતા જળ તરફ નથી, કે નથી માત્ર ઋતુના આગમનની એંધાણી તરફ. કવિ તો દરેક જીવમાં ઉદભવતા લીલાછમ સ્નેહ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

વરસાદ આવવાની ઘટના માત્ર આભથી ધરતી પણ પાણી વરસવા પૂરતી સીમિત નથી. તેમાં અનેક સંવેદનાઓ સળવળી રહી હોય છે. ક્યાંક કોઈ બાળક પોતાની હથેળીમાં વરસાદ ઝીલવા પ્રયત્ન કરતું હોય, ક્યાંક કોઈ છોકરી વરસાદમાં પોતે મધુરા ગીત જેવી થઈ ગઈ હોય, ક્યાંંક વળી કોઈ વૃદ્ધ આંખ પર છાજલી કરીને આભની વરસતી કૃપાને નેહપૂર્વક નિહાળી રહ્યો હોય. ક્યાંક વળી, કોઈ યુગલનો પરસ્પરનો રોષ ઓગળીને અમૃત થઈ ગયો હોય 'નાની લાગતી આવી અનેક પળો સેંકડો હૈયામાં ઉત્સવ થઈને ઉજવાતી હોય છે. અને એ સમયે આપણાં 'કાગળની હોડી' જેવા સપનાં પણ સાચુકલું વહાણ બનીને વહેવા લાગે છે. આપણી ભાંગેલી આશાઓ 'અબરખની કોડી' બનીને ફરી ઝળહળે છે. એ પળે સમજાય છે કે કેટલીય ઋતુઓ માનવીના જીવનમાં ફક્ત પ્રકૃતિગત નિયમો માટે નહીં, પણ આંતરિક રૂપાંતર માટે આવતી હોય છે.

લોગઆઉટ

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,

છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા ક્યે,

ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઈને કૈં આપે? પણ-

મને ગિફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઈ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબું ભાષણ દઈને

પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,

મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

- કૃષ્ણ દવે

Tags :