Get The App

પર્યાવરણપ્રેમી હસન ચૈતન્ય .

Updated: Aug 12th, 2023

GS TEAM

Google News
Google News
પર્યાવરણપ્રેમી હસન ચૈતન્ય                                            . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- 'આપણે પ્રકૃતિનો જ એક ભાગ છીએ. દરેક વસ્તુ પર આપણો અધિકાર ન હોય. પ્રકૃતિ એટલી વિશાળ છે કે આપણે એને પાછું આપવા માટે સક્ષમ નથી...' 

તે લંગણાના મહેબૂબનગર જિલ્લામાં હસન ચૈતન્યનો ઉછેર થયો. નાનપણથી જ તેને પર્યાવરણ અંગે નક્કર કાર્ય કરવાની ઇચ્છા હતી, તેથી ૨૦૦૯માં કમ્પ્યૂટર સાયન્સમાં અભ્યાસ કરતો હતો, ત્યારે એણે 'મેન ઍન્ડ એન્વાયરમેન્ટ' (એમ.ઈ.-મી) નામની એન.જી.ઓ. શરૂ કરી હતી. તેના દ્વારા એ કૉલેજ અને પોતાના શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા માગતો હતો. પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કેવી રીતે થાય તેના પર તેણે કામ કર્યું. એક તબક્કે તો એણે કૉલેજને પ્લાસ્ટિકમુક્ત પણ કરી હતી. આ ઉપરાંત ગણેશ ઉત્સવ વખતે હસન ચૈતન્ય અને તેની ટીમ ચાર હજાર જેટલી ગણેશજીની માટીની પ્રતિમા બનાવીને નિ:શુલ્ક વિતરણ કરતા, જેથી લોકો પ્લાસ્ટર ઑફ પેરિસનો ઉપયોગ ન કરે. કૉલેજમાં કરેલા આ બધાં કાર્યો આ પૃથ્વી ગ્રહ માટે કંઈક કરવું જોઈએ એવી ઇચ્છામાં પરિવર્તિત થવા લાગ્યા.

સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો કરીને હસન ચૈતન્ય ફાયનાન્સમાં એમ.બી.એ. કરવા બઁગાલુરુ ગયો. અહીં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો,ડૉક્ટરો અને ઓર્ગેનિક ભોજનમાં રુચિ રાખતા લોકો સાથે મળવાનું થયું. ૨૦૧૨ની આસપાસ એણે પ્રકૃતિ અને ઓર્ગેનિક ખેતીને જોડીને તે માટીને કેવી રીતે ફળદ્રૂપ બનાવે છે તે અંગે વિચાર્યું. તેલંગાણામાં કૃષિવિભાગ માટે કામ કરતાં તેના પિતા તેને ૨૦૦૭થી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરતા હતા, પરંતુ પહેલાં ચૈતન્યને એનું મહત્ત્વ સમજાયું નહોતું, પરંતુ હવે તેને રસ પડવા લાગ્યો. ચૈતન્યના પિતાએ અનેક ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહન આપેલું પરંતુ કેટલાક ખેડૂતોને યોગ્ય ઉપજ અને કિંમત ન મળવાથી તેઓએ ઓર્ગેનિક ખેતી છોડી દીધી છે, પરંતુ જે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે તે ખેડૂતોએ પોતાના ઉપયોગ માટે તો જમીનનો એક ભાગ રાખ્યો છે, જેના પર તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે.

આ બધા અનુભવે ચૈતન્યને અહેસાસ થયો કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પોતાનાં ઉત્પાદનો માટે બજાર મળવું જોઈએ. તેમાંથી એણે 'ઓર્ગેનિક ટેપ'ની શરૂઆત કરી. 'ઓર્ગેનિક ટેપ' એક એવું બજાર છે જ્યાં જાગૃત ખેડૂતોના જૈવિક ઉત્પાદનો સાથે આવી વસ્તુમાં રસ ધરાવતા ગ્રાહકોને જોડે છે. ૨૦૨૧ના ઑગસ્ટ મહિનામાં ઓર્ગેનિક ટેપની સ્થાપના કરી અને તે જ વર્ષે નવેમ્બરમાં પોતાની એક એપ શરૂ કરી. આ મંચ માત્ર ખેતી પૂરતી વાત સુધી મર્યાદિત નથી. અહીં અન્ય પ્રાકૃતિક અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો પણ સામેલ કરવામાં આવે છે. ચૈતન્ય પોતાની કૃષિવિજ્ઞાાની ટીમ સાથે ખેતરોમાં જાય છે. ત્યાં જઈને તેની માટી એકત્રિત કરે છે અને તેમાં કાર્બનની માત્રાનું પરીક્ષણ કરાવે છે. દર ત્રણ કે છ મહિને આ પરીક્ષણ કરવામાં આવે છે. ખેડૂત ઉત્પાદનોમાં પોષણ વધે તે માટે અને જંતુઓને નિયંત્રિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તેની જાણકારી મેળવીને તેનું દસ્તાવેજીકરણ પણ કરે છે. જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હતા તેમને એની સાથે જોડયા અને તે દ્વારા અન્ય ખેડૂતોને શિક્ષિત કરવા ઉપરાંત ઓર્ગેનિક ખેતીમાં વિશ્વાસનું નિર્માણ કરવાનું કાર્ય પણ કર્યું. આજે આ ખેડૂતો ખુશ છે કારણ કે આપણે ત્યાં ખેડૂતો પોતાના ઉત્પાદનો કોઈ મધ્યસ્થી દ્વારા દુકાનમાં વેચે છે, તેથી તેને ઓછા પૈસા મળે છે. જ્યારે ચૈતન્ય જે ખેડૂતો બહુ ભણ્યા નથી તેમને પૂરતા પૈસા મળે તે માટે પ્રયત્ન કરે છે અને તેનાં ઉત્પાદનોને એપ પર અપલોડ કરી આપે છે. ચૈતન્યનો પ્રયત્ન એવો છે કે શાકભાજી, ફ્રૂટ જેવા બગડી જાય તેવાં ઉત્પાદનો માટે ખેડૂતોને સો રૂપિયામાંથી સાઠ રૂપિયા મળે અને લોટ, અથાણાં જેવાં ઉત્પાદનો માટે સો રૂપિયામાંથી સિત્તેર રૂપિયા મળે.

એમની વેબસાઈટમાં તાજા ફળ, શાકભાજી, જડીબુટ્ટીઓ, માઈક્રોગ્રીન્સ, પીણાં, સલાડ, ડિપ્સ, સ્પ્રેડ કે ડ્રેસિંગ જેવાં ડેરી ઉત્પાદનો જે ઝડપથી બગડી જાય છે તે તેમજ લોટ, અથાણા, મસાલા, તેલ વગેરે લાંબો સમય રહે છે તે - આ બધી વસ્તુઓની યાદી જોવા મળે છે. આ ઉપરાંત તેઓ લોઢા અને માટીના પારંપરિક રસોઈ કરવાના વાસણો પણ વેચે છે. અત્યારે તેઓ દર મંગળવારે અને શુક્રવારે ડિલિવરી કરે છે. તે માટેના ઑર્ડર તેઓ સોમવારે અને ગુરુવારે બપોરના બે વાગ્યા સુધી લે છે. ઑર્ડર આપવા માટે ગ્રાહકો એપનો ઉપયોગ કરી શકે છે અને તે દ્વારા વ્યક્તિગત ખેડૂતોનાં ઉત્પાદનો પણ પસંદ કરી શકે છે. ઉત્પાદનોમાં વિવિધતા જોવા મળે છે અને જુદા જુદા ખેડૂતો દ્વારા જુદા જુદા ભાવ પણ રાખવામાં આવે છે. ખેડૂતો જે કિંમત રાખે તેમાં ચૈતન્ય કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતા નથી. ગ્રાહક પોતાની ઇચ્છાનુસાર ઑર્ડર આપે છે. એક વખત ઑર્ડર આપે તે ખેડૂતને મોકલવામાં આવે છે અને તે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તૈયાર રાખે છે. તેમનું ડિલિવરી વાહન એક પછી એક ખેડૂત પાસેથી લઈ આવે છે અને સવારે સાડા પાંચ વાગ્યાથી ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે. આમ આ ઉત્પાદનો બારથી પંદર કલાકમાં ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ઘણા ગ્રાહકો ખેતરની મુલાકાત લે છે. ઓર્ગેનિક ખેતી માત્ર સારા ખોરાક માટે જ નહીં, પરંતુ આવનારી પેઢી માટે જમીન શુદ્ધ અને ફળદ્રૂપ રહે તે માટે પણ મહત્ત્વ ધરાવે છે. હસન ચૈતન્યનું માનવું છે કે, 'આપણે પ્રકૃતિનો જ એક ભાગ છીએ. દરેક વસ્તુ પર આપણો અધિકાર ન હોય. પ્રકૃતિ એટલી વિશાળ છે કે આપણે એને પાછું આપવા માટે સક્ષમ નથી, પરંતુ ઓછામાં ઓછું એને હેરાન ન કરવી જોઈએ. જે છે તેમ રાખવી જોઈએ અને એટલું તો થઈ જ શકે.'

પોર્શિયાનું પિતૃતર્પણ

પર્યાવરણપ્રેમી હસન ચૈતન્ય                                            . 2 - imageઝા રખંડના રાંચીમાં જન્મેલી અને મોટી થયેલી પોર્શિયા પુતાતુંડાએ કૉલકાતામાં પત્રકારત્વ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં ઈન્ટર્નશિપ કર્યા પછી ઘણી જગ્યાએ કામ કર્યું. બી.બી.સી. લંડનમાં કામ કરવાનું સ્વપ્ન જોનાર પોર્શિયા ફરવાની ખૂબ શોખીન. ૨૦૦૮થી જ્યારે તક મળે, ત્યારે તે એકલી ફરવા નીકળી પડતી. ૨૦૧૩માં તે પ્રથમ વાર હિમાચલ પ્રદેશની સ્પીતી વેલી ફરવા ગઈ. તે સમયે સ્પીતી વેલીમાં એટલી મજા આવી કે તે તેના પ્રેમમાં પડી ગઈ. જોકે તેને ત્યારે એવો ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં એ સ્પીતી વેલીમાં કામ કરશે. ૨૦૧૮માં એ ફરી સ્પીતી વેલી ગઈ, પરંતુ પ્રથમ વાર જે મજા આવી હતી, આનંદ આવ્યો હતો તે ન આવ્યો. એનું એક કારણ એ પણ હતું કે તેના પિતાના મૃત્યુના ઊંડા આઘાતમાંથી પોર્શિયા બહાર નહોતી આવી. પિતાને બાળકો ખૂબ ગમતા. બાળકોને તેઓ પુસ્તકો આપતા, વાર્તા કહેતા અને તેમની સાથે ગીતો ગાતાં. 

આ બધી સ્મૃતિઓને વાગોળતી પોર્શિયા કાઝા શહેરમાં એક કુટુંબ સાથે એક મહિનો રહી. તે એમનાં બાળકોને ભણાવતી અને મોટાભાગનો સમય તે પહાડો સાથે વીતાવતી. તેના મનમાં એક ખ્યાલ એવો પણ હતો કે તેના પિતા સ્વર્ગમાં હશે અને આ પહાડો પર રહેવાથી સ્વર્ગની નિકટ રહેવાશે. ધીમે ધીમે તેને બાળકોને ભણાવવામાં આનંદ આવવા લાગ્યો. તેણે જોયું કે અહીં જરૂરિયાતમંદ બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકતા નથી. તેને લાગ્યું કે એને માટે કંઈક કરવું જોઈએ. છેવટે ૨૦૨૦માં મુંબઈમાં સીએનએનની ન્યૂઝ પ્રોડયુસરની નોકરી છોડીને સ્પીતી જવાનું નક્કી કર્યું. તેની સાથેના લોકોએ આને મૂર્ખામી ગણાવી, પરંતુ પોર્શિયાને લાગ્યું કે તેને તેના જીવનનું લક્ષ્ય મળી ગયું છે.

પોર્શિયા કાઝા પહોંચી, પરંતુ તેને ખબર નહોતી પડતી કે શરૂઆત કેવી રીતે કરવી. શેરીમાં અને બગીચામાં રમતા છોકરાઓનો સંપર્ક કર્યો. તેમને બોલાવ્યા. કાગળ અને ક્રેયોનના કલર્સ આપીને તેમની પાસે ચિત્રો દોરાવ્યાં. એક ઝાડની નીચે તેઓ બેસતા. છોકરાઓને ચિત્ર દોરાવે અને ગીતો ગવડાવે. ધીમે ધીમે સંખ્યા વધવા લાગી. બાળકોની ચાળીસ સંખ્યા થવાથી પોર્શિયાને નાનકડી સ્કૂલ ચલાવવાનો વિચાર આવ્યો, પરંતુ તેના માટેની જગ્યા મેળવવી કાઝામાં મુશ્કેલ હતું, કારણ કે તે પ્રવાસન સ્થળ હોવાથી મોંઘું હતું, પરંતુ તેને કોમિક ગામમાં ઓછા ભાડામાં દસ વર્ષ માટેની જગ્યા મળી. કોમિક એ વિશ્વનું સૌથી ઊંચે આવેલું ગામ છે. સમુદ્ર સપાટીથી પંદર હજાર ફૂટ ઊંચે આવેલા આ કોમિક ગામમાં ચારથી પાંચ મહિના પુષ્કળ બરફ હોય છે. ૨૦૨૨માં પોર્શિયા કોમિક સ્થાયી થઈ અને પ્લેનેટ સ્પીતી ફાઉન્ડેશનની સ્થાપના કરી. અહીં પંચોતેર ગામ હતા. કેટલાક ગામમાં ઘર ઘણા હોય, પણ બાળકો ત્રણ-ચાર જ હોય. તેનું એક કારણ એ કે જેઓ આર્થિક રીતે સમૃદ્ધ છે તેઓ પોતાનાં બાળકોને મનાલી કે અન્ય જગ્યાએ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરવા મોકલે છે. જ્યારે કેટલાક ગામોમાં ખેતરમાં કામ કરતાં અને ઘેટાંબકરાં ચરાવતા બાળકો જોવા મળે. પોર્શિયાએ જોયું કે તેમના વાલીઓને મન શિક્ષણનું કોઈ મહત્ત્વ નહોતું. ભણીને શું કરશે એવું વિચારનાર વાલીઓની માનસિકતા બદલવી એ સૌથી મુશ્કેલ કામ હતું. છોકરાઓને પૂછો કે મોટો થઈને શું કરીશ તો જવાબ મળે કે મોમો વેચીશ, ટેક્ષી ડ્રાઇવર બનીશ અથવા હોમ સ્ટે ચલાવીશ અને છોકરીઓને પૂછો તો મોટી થઈને લગ્ન કરીશ એવા જ જવાબ મળતા.

આવી પરિસ્થિતિમાં પણ એણે નિરાશ થયા વિના કામ શરૂ કર્યું, કારણ કે પ્લેનેટ સ્પીતી ફાઉન્ડેશન એ એનું પિતૃતર્પણ હતું. ત્રણ વિદ્યાર્થીઓથી શરૂઆત કરી. એ તેમને રાખે છે, ભોજન આપે છે અને ભણાવે છે. ધીમે ધીમે દસની સંખ્યા થઈ છે. પોર્શિયાએ વીસ હજાર રૂપિયાથી શરૂઆત કરી છે અને સામે પડકારો ઘણા છે, પરંતુ તે કહે છે કે એમ જલદીથી છોડી દઉં તેવી વ્યક્તિ તે નથી. દસ વર્ષ માટે જગ્યા મળી છે, પરંતુ હકીકતમાં તો કામ કરવા માટે છ-સાત વર્ષ જ મળશે, કારણ કે પંદર હજાર ફૂટની ઊંચાઈએ આવેલા કોમિકમાં ચારથી પાંચ મહિના બરફ હોય છે. જાન્યુઆરીમાં તો માઇનસ પાંત્રીસથી આડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર રહે છે. જેમાં તમે ઘરની બહાર પણ ન નીકળી શકો. પાણી મેળવવા માટે સતત અગ્નિ પ્રજ્વલિત રાખવો પડે. રસોઈ કરવી, અન્ય રોજિંદા કામ કરવા, નેટવર્ક ન મળે, જેવાં ઘણા પ્રશ્નો અહીં છે. તેની ઇચ્છા મહિલાઓને રોજગારી આપવાની છે, કારણ કે તો જ તેઓ બાળકોને ભણવા મોકલશે. નાનપણથી બાળકોને એગ્રો ટુરિઝમ શીખવવું જોઈએ. કોમિકમાં ટમેટાંની ખેતી થઈ શકે તેમ છે, પરંતુ તેની ખેતી કોઈ કરતું નથી. અહીં મજૂરો મળતા નથી અને મળે તો મજૂરી ખૂબ મોંઘી છે. ગેસનો બાટલો ત્રણ હજાર રૂપિયામાં મળે છે. પોર્શિયા બાળકોને શિક્ષણ આપે છે તેને તે વૈકલ્પિક સ્કૂલ કહે છે. જ્યાં બાળકોને મોકળાશ મળે છે અને જે શીખવું હોય તે શીખવાડે છે. સુથારીકામ કે જામ, અથાણા બનાવવા જેનાથી રોજગારી મળે અને અહીંથી લોકો બહાર જતા અટકે તેને માટે પ્રયત્ન કરે છે. જ્યાં ચાર મહિના બધું બંધ રહેતું હોય ત્યાં સીબીએસસી કે આઈસીએસઈ જેવી સ્કૂલો તો ક્યાંથી ચાલી શકે ? પોર્શિયા ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીના બાળકોને ગણિત, વિજ્ઞાાન, અંગ્રેજીની સાથે સાથે આર્ટ, બાગકામ અને નૃત્ય પણ શીખવે છે. આ બધા પ્રશ્નોની સાથે સાથે તે આર્થિક મુશ્કેલીનો અનુભવ પણ કરે છે. ક્યારેક તેને લાગે છે કે ગજા બહારની જવાબદારી લીધી છે, પરંતુ નિર્દોષ બાળકોના ચહેરાનું સ્મિત એને આગળ વધવાની શક્તિ આપે છે. તેમાં તેને તેના પિતાના દર્શન થાય છે. એક બાળકના જીવનમાં પરિવર્તન થશે તો પણ તેને આનંદ થશે એવું માને છે.