‘સાઇડ પ્લીઝ, વિમાન તેરા ભાAi ઉડાયેગા!’ .
- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
- વિવિધ ક્ષેત્રોમાં પેશકદમી કરી ચૂકેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ/ Ai હવે વિમાનની કોકપિટના દરવાજે દસ્તક દઈ રહ્યું છે અને પાઇલટને જાણે કહી રહ્યું છે કે...
- પેસેન્જર પ્લેનનું ઘણું ખરું સંચાલન હાડ-માંસના પાઇલટના હાથમાંથી છિનવાઈ જવાનું છે. માનવની બાયોલોજિકલ બુદ્ધિમત્તા સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ/ Ai ની વીજાણુ બુદ્ધિનો વિજય થવાનો છે.
ભારતની ખૂબ જ જાણીતી એરલાઇનના પ્રત્યેક વિમાનમાં કોકપિટના દરવાજે ગળી રંગનું સ્ટિકર ચિપકાવેલું અચૂક જોવા મળે છે, જેમાં લખેલું હોય છે કે, ‘Flying is a serious profession. Do not carry your worries beyond this point.’
ભાવાર્થ: વિમાન સંચાલન અત્યંત જવાબદારીભર્યું કાર્ય છે. તમારા ચિંતા-ઉચાટને બહાર તજ્યા પછી જ કોકપિટમાં પ્રવેશો.
સૂચના પાઇલટ તથા તેના મદદનીશ કો-પાઇલટ માટે છે. પ્લેનમાં સવાર સેંકડો મુસાફરોની, તેમની સેવામાં ખડેપગે કાર્યરત પરિચારિકા સભ્યોની તેમજ કરોડો ડોલરની કિંમતના મોંઘાદાટ વિમાનની સલામતી ન જોખમાય એ માટે પાઇલટે તથા કો-પાઇલટે વિમાન સંચાલનમાં પોતાની સોએ સો ટકા કુશળતા વાપરવી પડે. રાગ-દ્વેષ, દુ:ખ, માનસિક સંતાપ, ગમગીની વગેરેથી મુક્ત રહેવું જોઈએ, જેથી વિમાન સંચાલનમાં તેમને કારણે કોઈ બાધા ન આવે. પ્રથમદર્શી બહુ સામાન્ય જણાય તેવી બાબત છે, પણ તેની ગંભીરતા સમજવી હોય તો જર્મનવિંગ્સ એરલાઇન્સનો કિસ્સો યાદ કરવા જેવો છે.
માર્ચ ૨૪, ૨૦૧પના રોજ જર્મનવિંગ્સનું એરબસ-320 પ્રકારનું વિમાન ૧પ૦ યાત્રીઓ સાથે સ્પેનના બાર્સેલોનાથી જર્મનીના ડસેલડોર્ફ જવા નીકળ્યું. પ્લેનની લગામ મુખ્ય કેપ્ટન પેટ્રિક સોડનહાઇમરના હાથમાં હતી, જ્યારે એન્ડ્રિયાસ લુબિટ્ઝ નામના ૨૮ વર્ષીય યુવાને કો-પાઇલટની (સહ-કપ્તાનની) જવાબદારી લીધી હતી. ડિપ્રેશનની માનસિક બીમારીથી પીડાતા અને આપઘાતનો પ્રયાસ કરી ચૂકેલા એન્ડ્રિયાસ લુબિટ્ઝને તેના મનોવિજ્ઞાની ડોક્ટરે સારવાર માટે કેટલોક વખત કામકાજથી છુટ્ટી લેવાની સલાહ આપી હતી. છતાં લુબિટ્સ ડોક્ટરની સલાહ અવગણીને કોકપિટમાં જઈ બેઠો.
માર્ચ ૨૪, ૨૦૧પના રોજ જર્મનવિંગ્સના એરબસે બાર્સેલોનાથી ઉડાન ભરી. વિમાન ઊંચા આકાશમાં ક્રૂઝિંગ (સીધી લીટીનું ઉડ્ડયન) અવસ્થામાં આવ્યું ત્યારે મુખ્ય પાઇલટ કેપ્ટન પેટ્રિક સોડનહાઇમર પોતાની ખુરશી છોડી ‘નાની રિસેસ’ માટે ગયા. કોકપિટનો તેમજ વિમાનનો હવાલો કો-પાઇલટ એન્ડ્રિયાસ લુબિટ્ઝના હાથમાં આવ્યો. કોણ જાણે શું બન્યું, પણ ડિપ્રેશનથી પીડાતા તેના મગજમાં ઓચિંતો આત્મહત્યાનો વિચાર સળવળ્યો. લુબિટ્ઝે કોકપિટનો દરવાજો અંદરથી લોક કરી દીધો, પછી પ્લેનને તીવ્ર ડૂબકી મરાવી અને અંતે દક્ષિણ ફ્રાન્સના આલ્પ્સ પહાડો જોડે ટકરાવી દીધું. જોતજોતામાં ૧૪૪ મુસાફરો, ૬ પરિચારિકા તથા બન્ને પાઇલટ્સ માર્યા ગયા.
■■■
ન્યૂટનના ત્રીજા ગતિસિદ્ધાંત મુજબ આઘાતનો વિરુદ્ધ દિશામાં એટલો જ પ્રત્યાઘાત હોય, જ્યારે ઉપરોક્ત ઘટનાએ બબ્બે પ્રત્યાઘાતો જન્માવ્યા. પહેલો તો સ્વાભાવિક રીતે જગતભરને મળેલો સ્તબ્ધતાનો હતો. પરિવહનના તમામ માધ્યમોમાં સૌથી સલામત ગણાતા વિમાનની તથા મુસાફરોની સલામતી વિશે સૌના મનમાં પ્રશ્નો ખડા થયા.
બીજો પ્રત્યાઘાત ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, યુરોપિયન યુનિયન એવિયેશન સેફ્ટી એજન્સી તથા ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન જેવી હવાઈ સફરની કાયદા-સુરક્ષા સંસ્થાઓના કાર્યાલયોમાં આવ્યો. પર્સનલ પ્રોબ્લેમ્સને કારણે માનસિક સંતાપથી પીડાતો પાઇલટ આટલી હદનું આત્મઘાતી પગલું ભરી વિમાન સહિત સેંકડો લોકોનો ભોગ લઈ શકે એ તરફ ઉપરોક્ત તમામ સંસ્થાઓનું કદાચ પહેલી વાર ધ્યાન ગયું. પાઇલટના ઉડ્ડયન કૌશલ્યની ચકાસણી કરવાનાં એક કહેતાં અનેક માપદંડ નક્કી કરાયેલાં. પરંતુ તેની માનસિક સમતુલાનું પરીક્ષણ કરવા માટે ચુસ્ત ધારાધોરણો નહોતાં. આથી હવાઈ સફરના કાયદા-સુરક્ષા જાળવતી સંસ્થાઓએ તે દિશામાં કામ શરૂ કરી દીધું.
કો-પાઇલટ એન્ડ્રિયાસ લુબિટ્ઝે હાથે કરીને સર્જેલી હોનારતનો ત્રીજો પણ પ્રત્યાઘાત પડ્યો. એરબસ અને બોઇંગ જેવી વિમાન ઉત્પાદક કંપનીઓને જર્મનવિંગ્સની સ્યૂસાઇડ હોનારતે વિચારબીજ આપ્યું કે, કરોડો ડોલરની કિંમતના પ્લેનની તેમજ તેમાં સવાર મુસાફરોની અમૂલ્ય જિંદગીની લગામ સંપૂર્ણપણે પાઇલટના તથા કો-પાઇલટના હાથમાં સોંપી દેવી શું સોએ સો ટકા સલામત ગણાય?
કે પછી વિમાનમાં એવી ભરોસાપાત્ર ઓટોમેટિક સિસ્ટમ ઊભી કરવી કે જે પાઇલટની ગફલતને અથવા ગુસ્તાખીને બાયપાસ કરી ઉડ્ડયનની સંપૂર્ણ જવાબદારી પોતાના ‘હાથમાં’ લઈ લે?
આ વિચારબીજમાંથી વખત જતાં જે ફણગો ફૂટ્યો તે Ai યાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો! મે ૨, ૨૦૨૪ના રોજ દુનિયાએ તે ફણગાનું પહેલવહેલું ફરજંદ પણ દીઠું. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા એડવર્ડ એરબેઝથી તે દિવસે વાયુ દળનાં બે F-16 ફાઇટર જેટ રનવે પર સડસડાટ દોટ મૂકીને આકાશમાં ચડી ગયા. એક વિમાનનું સંચાલન અમેરિકી વાયુ સેનાના પાઇલટે કરેલું હતું, જ્યારે બીજા F-16માં મુખ્ય પાઇલટની સીટ ખાલી હતી. કારણ કે પ્લેનનું કન્ટ્રોલિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કમ્પ્યૂટરે ઉપાડી લીધું હતું. ટેક-ઓફથી માંડીને લેન્ડિંગ સુધીની અને તે દરમ્યાન વિમાનને આકાશી કરતબો કરાવવાની તમામ જવાબદારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે બખૂબી બજાવી.
■■■
વિમાનને સંપૂર્ણપણે Aiના હવાલે કરી દેવાનો અમેરિકી વાયુ સેનાનો પ્રયોગ સફળ રહ્યો. આથી પેસેન્જર પ્લેન બનાવતી એરબસ અને બોઇંગ કંપનીઓએ પણ કોકપિટમાં Aiને પ્રવેશ આપવાનું કામ આદર્યું. ઊડાન ભર્યા પછી ક્રૂઝિંગ કરી રહેલા વિમાનના સ્વયંચાલિત સંચાલનના ઓટો-પાઇલટ કહેવાતા સંકીર્ણ કમ્પ્યૂટર પ્રોગ્રામમાં Aiની તાર્કિક બુદ્ધિમત્તા ઉમેરવાનું કામ હાથમાં લેવાયું.
પડકાર મોટો હતો. વિમાન સંચાલનને લગતા હજારો ‘જો’ અને ‘તો’ જોડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે કામ પાડવાનું થાય. પાઇલટની ભૂલચૂકને પારખવી પડે એટલું જ નહિ, તેની સુધારણા માટે ત્વરિત તથા એકદમ સટીક કાર્યવાહી કરવી પડે. વિમાનની ઝડપ, ઊંચાઈ, પૂંછેરો પવન (ટેઇલવિન્ડ), હવાના વેગીલા વંટોળ (ટર્બ્યુલન્સ), એર-ટ્રાફિક કન્ટ્રોલર તરફથી વખતોવખત આવતી સૂચનાઓ વગેરેના આધારે ઉડ્ડયનમાં અમુક તમુક ફેરફારો કરવા રહ્યા. સૌથી મોટો પડકાર તો વિમાનની સુરક્ષાનો, કે જેને જાળવી રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કૃત્રિમ મગજની ડાગળી જરીકે ખસી જાય તે ન પાલવે.
આ તમામ તકાદાને ધ્યાનમાં લઈ સ્વિટ્ઝરલેન્ડની એક ખાનગી કંપનીએ મશીન-લર્નિંગ એલ્ગોરિધમ કહેવાતી પદ્ધતિ વડે PilotEyeનામની Ai સંચાલિત સિસ્ટમ વિકસાવી છે. હજી તેને વિમાનની કોકપિટમાં પ્રવેશ કરવા માટેની લીલી ઝંડી મળી નથી. પરંતુ પાઇલટનું ઘણુંખરું કામ પોતાના શિરે ઉપાડી લેવા માટે PilotEyeસક્ષમ હોવાનું સંખ્યાબંધ પરીક્ષણો દરમ્યાન પુરવાર થઈ ચૂક્યું છે.
બીજી એક ખાનગી કંપનીએ તૈયાર કરેલી FlyWays Ai સિસ્ટમે તેના દિમાગી ચમકારાનો કેવો પરચો દેખાડ્યો તે પણ જુઓ. અલાસ્કન એરલાઇન્સે બે શહેરો વચ્ચે પેસેન્જર વિમાની સેવાના વિવિધ રૂટ્સનો ડેટા FlyWaysને આપ્યો અને ત્યાર બાદ સ્થળ-A થી સ્થળ-B સુધી પહોંચવાનો શ્રેષ્ઠ હવાઈ માર્ગ આંકી આપવાનું જણાવ્યું. FlyWaysના એલ્ગોરિધમે પરંપરાગત હવાઈ માર્ગને અવગણી સહેજ નોખા રૂટ હાજર કરી દીધા. પ્રત્યેક સૂચિત રૂટ ઓછામાં ઓછી પાંચ મિનિટ જેટલો ટૂંકો હતો. આ પરિણામ જોઈને પહેલી નજરે તો અલાસ્કન એરલાઇન્સના સંચાલકો ખાસ પ્રભાવિત ન થયા. અલબત્ત, બીજી નજરે હિસાબ ગણવા બેઠા ત્યારે સમજાયું કે FlyWaysદ્વારા સૂચિત શોર્ટ-કટ આકાશી માર્ગે જો વિમાનોની આવન-જાવન કરવામાં આવે તો બાર મહિને ૩૬,૩૩,૯પપ લિટર બળતણ બચી જાય તેમ હતું. બાય ધ વે, આ લખાય છે ત્યારે વિમાનો માટેના એવિયેશન ટર્બાઇન ફ્યૂલ/ ATFનો લિટરદીઠ ભાવ રૂપિયા ૮૦૦ જેટલો છે. થોડીક ફુરસદ અને થોકબંધ ઉત્કંઠા હોય તો ૩૬,૩૩,૯પપ લિટર ગુણ્યા ૮૦૦ રૂપિયા કરી જોજો!
■■■
સ્વિટ્ઝરલેન્ડના PilotEyeતથા અમેરિકાના FlyWaysઉપરાંત બીજા અડધો ડઝન Ai મોડલ હજી લેબોરેટરીમાં પરીક્ષણો હેઠળ છે. નજીકના ભવિષ્યમાં તેમને લેબોરેટરીથી વિમાનની કોકપિટમાં સ્થાન મળવાનું છે. જો કે, સેંકડો મુસાફરોની જિંદગી તેમજ બહુમૂલ્ય વિમાનની સલામતી પરબારી Ai ના શિરે નાખી દેવામાં આવશે નહિ. હવાઈ સફરના કાયદા-સુરક્ષા જાળવતી સંસ્થાઓએ તે માટે ત્રણ તબક્કા નક્કી કર્યા છે.
■ તબક્કો-૧: પાઇલટને વિમાન સંચાલન કાર્યમાં હાથવાટકો કરાવતું પ્રાથમિક Ai કે જેને ચાલુ વર્ષથી કોકપિટમાં પ્રવેશ મળ્યો છે. તુર્કી દેશની પિગેસસ એરલાઇન્સે વિમાનોને પ્રાથમિક Ai વડે સજ્જ કર્યાં છે. ચાલુ ફ્લાઇટે વિવિધ ઘોષણા કરવી, પેસેન્જરોને અમુક તમુક માહિતી આપવી, પેસેન્જર કેબિનમાં ખડે પગે રહેતા પરિચારિકા દળને સૂચનાઓ દેવી વગેરે જેવાં કાર્યો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે પોતાના synthetic voice/ કૃત્રિમ અવાજ વડે ઉપાડી લીધાં છે. પાઇલટને બોલવામાંથી સંપૂર્ણ મુક્તિ મળી ગઈ છે.
■ તબક્કો-૨: હવાઈ મુસાફરીનો વ્યાપ તથા મુસાફરોની સંખ્યા જોતાં જગતની લગભગ દરેક એરલાઇન નવાં વિમાનો વસાવી વધુને વધુ દેશો-શહેરોને સાંકળી રહી છે. બીજી તરફ પાઇલટોની સંખ્યા મર્યાદિત છે. પેસેન્જર પ્લેનની કોકપિટમાં આજે પાઇલટ વત્તા કો-પાઇલટ અનિવાર્યપણે હોય, પરંતુ પાઇલટોની અછત જોતાં ભવિષ્યમાં કદાચ એ સ્થિતિ જાળવી શકાશે નહિ—અને ત્યારે કોકપિટમાં માત્ર એક પાઇલટની જોગવાઈ કરી બાજુની ‘ખુરશી’માં Ai ને ‘બેસાડવામાં’ આવશે. વાત ભવિષ્યની છે, પણ ભવિષ્ય બહુ દૂરનું નથી એટલું લખી રાખજો.
■ તબક્કો-૩: અહીં માનવની બાયોલોજિકલ બુદ્ધિમત્તા સામે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ/ Ai ની વીજાણુ બુદ્ધિનો વિજય થવાનો છે. પેસેન્જર પ્લેનનું ઘણું ખરું સંચાલન હાડ-માંસના પાઇલટના હાથમાંથી છિનવાઈ જવાનું છે. પાઇલટની ગફલત કે ગુસ્તાખીને Ai ત્વરિત બાયપાસ કરી પ્લેનનો દોરીસંચાર ખુદના હસ્તક લઈ લેશે. પરંતુ સવાલ એ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતે જો સંચાલનમાં ડખો કરી બેસે તો? શું પાઇલટ એવા વખતે વિમાનનું કન્ટ્રોલિંગ પોતાના હાથમાં લઈ શકે? ધારો કે, લઈ શકતો હોય તો એ ઘટના Ai ની ઉપરવટ ગયાની થાય, જે પાછી તબક્કા નંબર ૩માં માન્ય જ નથી.
બીજું, હાલમાં પાઇલટની ભૂલથી જો વિમાન ક્રેશ થાય, તો મૃતકોના પરિવારને આર્થિક વળતર આપવાની જવાબદારી એરલાઇન કંપનીની છે. જેમ કે, લેખના આરંભે વર્ણવેલા જર્મનવિંગ્સ એરલાઇનના આત્મઘાતી ક્રેશના કેસમાં કંપનીએ મૃતકોના પરિવારદીઠ ૭પ,૦૦૦ યુરોનું વળતર ચૂકવ્યું હતું. માર્યા ગયેલા લોકોના નજદીકી મિત્રોને ૧૦,૦૦૦ યુરો આપ્યા હતા. આવતી કાલે કોકપિટનો હવાલો પોતાને હસ્તક લઈને બેઠેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચૂકના વાંકે વિમાન ક્રેશ થાય, તો એવા સંજોગોમાં વાંક કોનો ગણાય? એરલાઇન કંપનીનો કે પછી કોકપિટમાં Ai સિસ્ટમ જેણે ફિટ કરી આપેલી તે કંપનીનો?
કોણ જાણે! કે પછી એમ કહેવું જોઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે કરેલા ગુના-ગુસ્તાખીના કેસની સુનાવણી કરતી સંભવિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિશેષ કોર્ટના સંભવિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જજસાહેબ જાણે!■