ચૈતસિક ક્ષમતા ધરાવતા પરામનોવિજ્ઞાાની
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ખલિલ જિબ્રાને એકવાર ભવિષ્યવાણી કરતા કહ્યું હતું - 'તમારે એક એવો પુત્ર થશે જે અસાધારણ પ્રતિભાવાળો, મહાન ક્ષમતાઓવાળો થશે'
એ લેક્સ ટેનૌસ અમેરિકામાં આવેલા ન્યૂ ઇંગ્લેન્ડના એક પ્રસિદ્ધ મનોવિજ્ઞાાની, પરામનોવિજ્ઞાાની, સંશોધક અને લેખક હતા. એલેક્સ (એલેકઝાન્ડર) ટેનૌસ યુનિવર્સિટી ઑફ સધર્ન, મેન (Maine) માં પરામનોવિજ્ઞાાનના પ્રાધ્યાપક હતા. તે ૨૦ વર્ષ સુધી અમેરિકન સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચમાં પ્રતિભાગી / સહાયક (Participant / assistant) હતા. તે મીડિયા, વિશ્વવિદ્યાલયો અને કૉલેજોમાં પરામનો વિજ્ઞાાન અને વેલ-બીઇંગ (સ્વસ્થ અને પ્રસન્ન રહેવાની સ્થિતિ- ક્ષેમકુશળતા)ના વિષયના આંતરરાષ્ટ્રીય વક્તા હતા.
એલેક્સ સ્કેન્ડાહ ટેનૌસ (Alex Scandah Tanous) નો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૬ના રોજ વેન બ્યુરેન (Van Buren) મેન, યુ.એસ.એ.માં થયો હતો. એમના માતા-પિતાના નામ એલિસ શાલાલા અને થોમસ ટેનૌસ હતું. આઠ ભાઈઓમાં તે સૌથી મોટા હતા. એમના પિતા મહાન લેબેનિઝ લેખક ખલિલ જિબ્રાનના મિત્ર હતા. ગીતાંજલિ માટે રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઈઝ મળ્યું તે વખતે ખલિલ જિબ્રાનની 'ધ પ્રોફેટ', સાહિત્યકૃતિ પણ નામાંકિત થયેલી હતી. ખલિલ જિબ્રાને એકવાર થોમસ ટેનૌસને ભવિષ્યવાણી કરતા કહ્યું હતું - 'તમારે એક એવો પુત્ર થશે જે અસાધારણ પ્રતિભાવાળો, મહાન ક્ષમતાઓવાળો થશે. પણ તે સાથે અનેક દુ:ખોવાળો પણ થશે.'
એલેક્સ ટેનૌસ બાળપણથી જ ચૈતસિક શક્તિઓ ધરાવતા હતા. તેમનાાં ક્લેરવોયન્સ, સાઇકોમિટ્રી, પ્રિકોગ્નિશન, આઉટ ઑફ બોડી એક્ષ્પિરિયન્સ અને એસ્ટ્રલ પ્રોજેકશન કરવા જેવી અનેક ચૈતસિક ક્ષમતાઓ હતી. એમના બાળપણના જીવનની અનેક રોચક ઘટનાઓનું વિવરણ એમની આત્મકથા 'બિયોન્ડ કોઇન્સિડન્સ' (Beyond Coincidence) માં આલેખિત થયેલી છે. તેમનામાં સાઇકોમિટ્રીની શક્તિ પણ બાળપણમાં જોવામાં આવી હતી. આ ઘટનામાં તે સ્પષ્ટ જણાય છે - એકવાર તેમના પિતાના એક મિત્ર તેમના ઘેર આવ્યા હતા. તેમણે થોમસ અને ઘરમાં જેટલા લોકો હાજર હતા તે બધાની સાથે હાથ મિલાવ્યા. તેમણે એલેક્સ સાથે જેવા હાથ મિલાવ્યા તેમની આંખો સામે એક દિવસ પછી જ બનનારી કરૂણ ઘટનાના દ્રશ્યો તરવરવા લાગ્યા. તેમણે જોયું કે તેમના પિતાના એ મિત્રનું એક દિવસ પછી જ મરણ થઈ જવાનું છે. તે બોલી ઉઠયા હતા - 'સર, મને આપના વિશે કંઈ દેખાયું, જે સારું નથી. મને ઘણીવાર કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરું તેના જીવનની ઘટનાઓ દેખાઈ જાય છે.' પેલી વ્યક્તિએ કહ્યું - 'તને જે દેખાયું હોય તે કહે. કહેવામાં કોઈ હિચકિચાટ અનુભવ ના કરીશ.' એલેક્સે કહી દીધું - 'આજે તમારા જીવનનો છેલ્લો દિવસ છે. કાલે તમારું મૃત્યુ થઈ જશે.' તે વ્યકિત હસવા લાગ્યો. પિતાએ પણ એલેક્સને કહી દીધું - 'આવું ના બોલાય.' પણ બીજા દિવસે ખરેખર અચાનક કાર્ડિયાકએરેસ્ટ થવાથી તે વ્યકિતનું મરણ થઈ ગયું. તે જોઈને બધાને એલેક્સની ચૈતસિક શક્તિ પર વિશ્વાસ થઈ ગયો.
એક દિવસ દાદરાના પગથિયા પરથી કૂદવાની રમત રમતાં એલેક્સને ખબર પડી કે તે દેહાતીત અનુભૂતિ (Out of Body Experience) કરી શકે છે. તે દાદરાના પગથિયા પરથી કૂદકો મારીને ભોંયતળિયે આવ્યો અને દાદરા તરફ જોયું તો ત્યાં પોતાની પ્રતિકૃતિ ઊભેલી હતી. જે તેમના તરફ ધ્યાનથી જોઈ રહી હતી. એ પછી તેમને અવારનવાર એવો અનુભવ થવા લાગ્યો. તેમણે પોતાની છાયા જેવા એ બીજા રૂપને એલેક્સ-૨ એવું નામ આપી દીધું. ગૂઢ વિજ્ઞાાનમાં તેને 'ઇથરિક-ડબલ' તરીકે પણ ઓળખે છે. તેમને ઘણીવાર તેમની આસપાસમાં એવા લોકો દેખાતા જેમનું વર્ણન કર્યા પછી માતા-પિતા કે સંબંધી દ્વારા જાણવા મળતું કે તે તો મૃત્યુ પામેલા છે. બીજાને ન દેખાય એવા સૂક્ષ્મ દેહધારી પ્રેતાત્માઓ તેમને દેખાતા. 'ઈઝ યોર ચાઈલ્ડ સાઇકિક' (Is Your Child Psychi) નામના તેમના પુસ્તકમાં તેમણે આવી ઘટનાઓનું નિરૂપણ કર્યું છે.
એલેક્સ ટેનૌસને ઇન્દ્રિયાતીત જ્ઞાાનશક્તિથી ભવિષ્યજ્ઞાાન થઈ જતું હતું અને દુર બની રહેલી ઘટનાનું દર્શન પણ થઈ જતું.
૧૯૩૭ના જુલાઈમાં આવી જ એક ઘટના બની હતી. ટેનૌસ તેમના ભાઈ નોલન સાથે વર્તમાનપત્ર વેચી રહ્યા હતા. અચાનક તેમના માનસ પટ પર ટેલિવિઝનની જેમ દ્રશ્યો પ્રગટ થવા લાગ્યા. તેમાં તેમણે જોયું કે તેમના પિતા ગંભીર અકસ્માતમાં ઘવાયા છે. એટલે તેમણે નોલનને આ વિશે કહ્યું અને તે બન્ને ભાગીને ઘેર પહોંચ્યા. ઘેર આવ્યા પછી ખબર પડી કે ખરેખર તેમના પિતા એક ગંભીર દુર્ઘટનામાં ખૂબ ઘવાયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ દુર્ઘટનાના દોઢ મહિના બાદ તેમનું મરણ થઈ ગયું હતું.
એલેક્સ ટેનૌસે ૨૦ વર્ષની અવધિમાં અનેકવાર પોતાને જ શરીર-બાહ્ય અવસ્થાનો અનુભવ એટલે કે દેહાતીત અનુભૂતિ માટે સંશોધન અર્થે એક પ્રાયોગિક પાત્ર તરીકે રજૂ કર્યા. અમેરિકન સોસાયટી ફોર સાઇકિકસ રિસર્ચનો સંશોધક અને નિયર ડેથ એક્ષ્પિરિયન્સ તથા લાઇફ આફટર ડેથ વિષયના નિષ્ણાત એવા પરામનોવિજ્ઞાાની કાર્લિસ ઓસિસ (Karlis Osis) સાથે પણ એલેક્સે કામ કર્યું. એલેક્સ અને કાર્લિસ માનતા હતા કે દેહાતીત અનુભૂતિનું સફળ સંશોધન મરણોત્તર જીવનના નવા પુરાવા આપી શકે છે. તેમણે આત્માના અસ્તિત્વને પુરવાર કરવા સોલ ટ્રેપ મશીન (Soul Trap Machine) પણ બનાવ્યું હતું અને તે અંગે પ્રયોગ પણ કર્યા હતા. એક પ્રયોગ દરમિયાન એલેક્સ ટેનીસને અંધારા ઓરડામાં બેડ પર સૂવડાવવામાં આવ્યા. તેનાથી ચાર ઓરડા દૂર બીજા એક ઓરડામાં પ્રયોગ માટે આ સોલ ટ્રેપ મશીન રાખવામાં આવ્યું. એ મશીનના બોક્ષમાં એવી ડિવાઈઝ ગોઠવાઈ હતી કે જેમાં ગતિમાન થતી એક ડિસ્ક હતી જે વર્તુળના ચાર ચતુર્થાંશોમાં વિભાજિત હતી. તે જુદા જુદા ચિત્રો, રંગો અને ભૌમિતિક આકારો દર્શાવતી હતી. કોમ્પ્યુટર નિયંત્રિત મોટર સંચાલિત યંત્ર તે ડિસ્કને ગતિમાન કરે પછી તે ધીમે ધીમે બંધ થાય ત્યારે અંદર કેવી સ્થિતિ છે તે એલેક્સ ટેનૌસે ચાર રૂમ દૂરથી કહેવાનું હતું. એ બોક્ષની ડિવાઈઝમાં અંદર કેવી સ્થિતિ છે, કયું ચિત્ર, તેની પાછળ કયો રંગ અને તેની પાછળ કયો ભૌમિતિક આકાર યાદૃચ્છિક રીતે ગોઠવાઈ ગયા છે તે મશીન બોક્ષમાં માત્ર એક જગ્યાએ કરેલા નાના છિદ્ર પર આંખ મૂકીને અંદર જોવાથી જ ખ્યાલ આવે તેવો હતો. એલેક્સે દૂરથી બોક્ષની અંદરની આ ત્રણેય સ્થિતિ જણાવવાની હતી - છિદ્ર સામે કયું ચિત્ર, કયો રંગ અને કયો ભૌમિતિક આકાર આવ્યો હશે તે કહેવાનું હતું. એલેક્સે દરેક વખત તે ત્રણેયની યથાર્થ સ્થિતિ જણાવી દીધી હતી. યંત્રમાં લગાવેલ સ્ટ્રેઇન ગેજ (Strain Gauges) થી એલેક્સ દેહાતીત અનુભૂતિ કરી, તેમની ચેતના, આત્મા કે મનને મશીનની અંદર પ્રવિષ્ટ કરતા હતા તેની પણ જાણ થઇ જતી હતી.