Get The App

જાસૂસી કરવાનો અધિકાર પતિ-પત્ની બન્નેમાંથી કોઇને નથી!

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
જાસૂસી કરવાનો અધિકાર પતિ-પત્ની બન્નેમાંથી કોઇને નથી! 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- પ્રથમ નજરના પ્રેમમાં નિરાશા મળતાં ગંભીરા ખૂબ જ દુ:ખી થઇ ગઇ હતી પણ એના જીવનમાં એકાએક પલટો કેમ આવ્યો?

મા માએ એક સવારે તેના હાથમાં એક ફોટો મૂક્તાં કહ્યું હતું : 'બેટા, કર્તવ્ય, જીવન સાથે ક્યાં સુધી રૂઠયા કરીશ? તારી પીડા મારાથી સહન નથી થતી. તેથી જ મેં ગંભીરાને ગભરાતાં-ગભરાતાં તારા વિષે વાત કરી છે. તું હા પાડે તો...'

કર્તવ્યએ કહ્યું હતું : 'મામાજી, આપ વાત આગળ ચલાવો, મને કશો જ વાંધો નથી. નબળો કે સબળો હું અંદરથી એટલો બધો મરી ગયો છું કે હવે કોઈ મારી લાગણીને ઠેસ પહોંચાડી શકે, એવી મને લેશમાત્ર ભીતિ રહી નથી.'

શહેરના એક અમીર પરિવારના પુત્ર કર્તવ્ય સાથે ગંભીરાના લગ્ન થયાં હતાં. કાળજાને કોરી ખાતી પીડાથી બચવા જીવનની એકલતાથી કંટાળીને ગંભીરાએ કર્તવ્ય સાથે લગ્ન કર્યું હતું. પણ કર્તવ્ય તો એનાથી દૂર ભાગતો હોય તેમ લાગતું હતું, કર્તવ્યની ખામોશીનું રહસ્ય શું?.. નવોઢા ગંભીરાનું મન વારંવાર પૂછી રહ્યું હતું પણ મનમાં જાગેલી જિજ્ઞાાસાને સંતોષવા એકબીજાની જાસૂસી કરવાનો અધિકાર પતિ-પત્ની બન્નેમાંથી કોઇએ ન ભોગવવો જોઇએ. 

અંતે ગંભીરાએ રહસ્ય પામી શકે એવા સંજોગો ઊભા થયા. તે દિવસે કર્તવ્ય ઓફિસના કામે બહાર ગયો હતો. અને ગંભીરાના સાસુમા નંદનીદેવી ક્લબમાં ગયાં હતાં. ઘરમાં કોઈ નહોતું. ત્યારે પડોશના બંગલામાં રહેતા નીનાઆન્ટી ગંભીરાને મળવા આવ્યાં હતાં. ગંભીરાએ એમને આવકાર આપ્યો અને ડ્રોઇંગરૂમમાં બેસાડયાં. નીના આન્ટીએ વાત શરૂ કરી : 'બેટા, આજે તારા ઘરમાં કોઈ નથી એટલે મે અહીં આવવાની હિંમત કરી છ. મારે તને કર્તવ્ય અંગે થોડી વાત કરવી છે.'

'ઓહ આન્ટી, સારું થયું તમે આવ્યાં મારે પણ કર્તવ્ય વિષે જાણવું છે. એણે લગ્નના આગલા દિવસે જ તરછોડાયેલી મારા જેવી મધ્યમવર્ગની યુવતીને કેમ પસંદ કરી હશે?'

'સાંભળ ગંભીરા, કર્તવ્ય ચાર વર્ષનો હતો, ત્યારે તેની મમ્મીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેના પપ્પા અનીશકુમારે હિનાદેવી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ મંતવ્યનો જન્મ થયો. પછી તો કર્તવ્ય સાવ એકલો પડી ગયો ઘરનાં બધાં મંતવ્ય પર ઓળઘોળ થઇ જતાં. અનીશકુમારની ગેરહાજરીમાં હિનાદેવી કર્તવ્યની જરાપણ દરકાર રાખતાં નહોતાં.  અનીશકુમારને ઓફિસેથી આવતાં મોડું થાય તો પણ તેઓ 'કર્તવ્ય તો એના પપ્પા સાથે જ જમશે.' એમ કહીને એને જમવાનું આપવાનું ટાળતાં હતાં.'

પણ કર્તવ્ય સાવકી માતાનો પણ એટલો જ આદર કરતો હતો. ના કોઈ ફરિયાદ ના કોઈ દુ:ખ, પોતાના નાનાભાઈ મંતવ્યને પણ એ પ્રેમ કરતો હતો. કર્તવ્ય અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતો. જ્યારે મંતવ્ય લહેરીલાલા... અનીશકુમાર કહેતા : 'મારો કર્તવ્ય કોઈ સ્પર્ધામાં ભાગ લે એટલે એ પ્રથમ સ્થાન જ પ્રાપ્ત કરશે એમ માની લેવાનું અને આપણા મંતવ્યકુમાર? એમને તો જમાનાની હવા લાગી ગઈ છે.'

હીનાદેવી કર્તવ્યના વખાણ સહી શક્તાં નહોતાં. કર્તવ્ય હીનાદેવીના ચહેરા પરથી તેમના મનની વાત પામી જતો હતો. એટલે કહેતો : 'મમ્મી, મંતવ્યની તમે જરાપણ ચિંતા ન કરો. એ મારો નાનો ભાઈ છે. એની હું આજીવન સંભાળ રાખીશ.' હીનાદેવીને કર્તવ્યની આવી ડાહી-ડાહી વાતો જરાપણ પસંદ નહોતી.

કર્તવ્ય પિતા અનીશકુમારનો ભાર ઓછો કરવા ઓફિસે જવા લાગ્યો. અને ધીરે ધીરે એણે કારોબાર સંભાળી લીધો. પણ અનીશકુમારના અવસાન પછી હીનાદેવી 'અસલી રૂપ'માં આવી ગયાં હતાં. અનીશકુમારની બધી સંપત્તિ પોતાના નામે એમણે કરાવી લીધી. અને કર્તવ્યને જ્યાં મળે ત્યાં સર્વિસ કરવા માટે દબાણ કરવા લાગ્યાં હતાં, 'બેટા, તારો એમ.બી.એ.નો અભ્યાસ ચાલુ છે ત્યારે હું તને અભ્યાસ છોડીને પણ નોકરી કરવાની સલાહ કેવી રીતે આપી શકું? પરંતુ મારા હૃદય પર પથ્થર મૂકીને હું તને નોકરી કરવાની વિનંતી કરું છું.'

'અરે મમ્મી, હું છું તો તમારે ચિંતા કરવાની શી જરૂર?' કર્તવ્ય હીનાદેવીની ખટપટી ચાલથી સાવ અજાણ હતો.

અને કર્તવ્યની જિંદગીના સોહમણાં વર્ષો ફરજના કરજ હેઠળ વેડફાઈ જતાં લાગ્યાં. કર્તવ્યએ તો હીનાદેવી અને મંતવ્યના જીવનને સુખી બનાવાનું વ્રત લીધું હતું. એ પરિવારનો પ્રેમ ઝંખતો હતો. પરંતુ હીનાદેવી અને ભાઈ મંતવ્ય ઉપર ઉપરથી પ્રેમ દેખાડે છે એવું કર્તવ્યને પ્રતીત થતું હતું. કર્તવ્ય ઓવરટાઈમ કરીને રાત્રે મોડો આવતો ત્યારે પોતાના રૂમમાં ટીવી જોતાં હીનાદેવી કહેતાં : 'કર્તવ્ય, આવી ગયો? તું થાકી ગયો હોઈશ નહીં? તારી આ વૃધ્ધ માતાના પગમાં હવે જોર રહ્યું નથી. ડાઈનિંગ ટેબલ પર જમવાનું મૂક્યું છે. જમી લેજે બેટા, મારું માને તો હવે તારે લગ્ન કરી લેવાં જોઇએ. તારી સંભાળ રાખનાર કોઈ આવી જાય તો મારા જીવને શાંતિ થાય.'

અને હીનાદેવીએ કર્તવ્યના લગ્ન કોઈ જરૂરિયાતમંદ ગરીબ પરિવારની છોકરી જોડે જ કરવાનું નક્કી કર્યું હતું, જેથી આખી જિંદગી બન્ને જણાં એમનાં કંટ્રોલમાં જ રહે...' કહીને નીના આન્ટી અટકી ગયાં.

'કેમ આન્ટી અટકી ગયાં? મારે કર્તવ્ય વિષે હજુ પણ વધુ જાણવું છે?' ગંભીરાએ કહ્યું.

'બેટા, સાંભળ કર્તવ્યની મહેનત અને નિષ્ઠાથી આ ઘર ચાલે છે. અનીશકુમારની સંપત્તિ હીનાદેવી દબાવીને બેઠાં છે. થાક્યા પાક્યા કર્તવ્યની સંભાળ રાખે તેવું કોઈ નહોતું મને પણ એમ લાગતું હતં કે કર્તવ્યનાં લગ્ન થઇ જાય તો સારું. એની જ કોલેજમાં તેની સાથે ભણતી માનવી તેને બહુ પસંદ હતી. ત્યારે તો અનીશકુમારી જીવતા હતાં, તેમણે પણ કર્તવ્યનાં લગ્ન માનવી સાથે કરવાનો નિર્ણય મનોમન કરી લીધો હતો. પણ અચાનક તેમનુ અવસાન થતાં કર્તવ્યની જિંદગી જ બદલાઈ ગઈ. મોટા ઘરની છોકરી આપણું ઘર નહીં સાચવી શકે, તેવું બહાનું કાઢી કર્તવ્યને માનવી સાથે લગ્ન નહીં કરવાની સલાહ આપી. ત્યારથી કર્તવ્ય બિચારો સુનમુન રહે છે. હીનાદેવીએ તો કર્તવ્યના લગ્નમાં રસ લેવાનું જ છોડી દીધું હતું. પણ કર્તવ્યનાં મામાએ તારી પર પસંદગીનો કળશ ઢોળ્યો. ગંભીરા બેટા તું આ ઘરમાં આવી મારી એક જ ઇચ્છા છે કે કર્તવ્યનું જીવન આનંદ અને સુખથી છલકાઈ જાય. તું કર્તવ્યને સંભાળી લે બેટા. એટલે જ હું તને મળવા દોડી આવી.

ગંભીરાએ બે હાથ જોડીને નીના આન્ટીનો આભાર માની એમને વિદાય કર્યા.

કર્તવ્યના દુ:ખ આગળ એને પોતાનું દુ:ખ ખૂબ જ નાનું લાગ્યું. તેની સમક્ષ ભૂતકાળની ઘટનાઓ તાજી થવા લાગી. તેણે જવાનીનાં ઉંબરે કદમ માંડયાં ત્યારે કોલેજમાં તેની મુલાકાત અભિનય સાથે થઇ હતી. છ ફૂટ ઊંચો, ગોરો વાન, કાળી ભમ્મર આંખો, મરક-મરક હસતો ચહેરો. જોતાંની સાથે મનમાં વસી જાય તેવું અભિનયનું વ્યક્તિત્વ અને ગંભીરા પણ અભિનયના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંજાઈ ગઈ હતી. એક દિવસ અભિનયે આવીને કહ્યું : 'મારું નામ અભિનય. દોસ્ત બનવું છે?' બસ ગંભીરા અભિનયની નિખાલસતાથી એટલી બધી ભાવવિભોર બની ગઇ હતી કે તેણે અભિનયની દોસ્તી સ્વીકારી લીધી, ગંભીરાએ અભિનય અંગે 

પોતાનાં મમ્મી-પપ્પાને પણ વાત કરી દીધી હતી. તેનાં મમ્મી-પપ્પા પણ અભિનયને જોઇને ખુશ થઇ ગયાં હતાં.

અભિનય અને ગંભીરાએ સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કોર્ટમાં લગ્ન રજિસ્ટર કરાવવાનો દિવસ પણ નક્કી થઇ ગયો હતો. સાદાઇથી લગ્ન કરવાના હતાં, છતાં પણ ગંભીરાના મમ્મી-પપ્પાએ ગંભીરા અને અભિનય માટે સારી એવી ખરીદી કરી હતી. ગંભીરા માટે ૧૫ તોલાનાં દાગીના, એકવીસ જોડ કપડાં, સોફા, પલંગ, ફ્રીજ, તિજોરી વગેરે ઘરની વિવિધ ચીજવસ્તુઓ ખરીદી લીધી હતી... અભિનય માટે શુટ. સોનાની વીંટી અને ચેઇન ખરીદ્યા હતાં. પણ લગ્નના આગલા જ દિવસે ગંભીરાને અભિનયનો એક પત્ર મળ્યો 'ગંભીરા, તું આપણી દોસ્તીને પ્રેમ સમજી બેઠી છે? જોજે તારા જેવી તો મારે દસ-બાર ગર્લ ફ્રેન્ડ છે. આ તો તારાં મમ્મી-પપ્પા ના માન ખાતર મેં સાદાઈથી લગ્ન કરવાની હા પાડી હતી... પણ તારા જેવી મિડલ ક્લાસ છોકરી સાથે લગ્ન કરવાનો મારો કોઈ ઇરાદો નથી. કાલે કોર્ટમાં જવાનું નથી. તારાં મમ્મી-પપ્પાને જણાવી દેજે.'

પ્રથમ નજરના પ્રેમમાં નિરાશા મળતાં ગંભીરા ખૂબ જ દુ:ખી થઇ ગઇ હતી. પરંતુ મમ્મી-પપ્પાના અવસાન બાદ તે એકલી પડી ગઇ હતી. અને કર્તવ્યને જોયા કે મળ્યા વગર જ લગ્ન કરવાની તેણે હા પાડી દીધી હતી.

પણ નીના આન્ટી પાસેથી સાંભળેલી કર્તવ્ય વિષેની વાતોથી ગંભીરાએ મનમાં નક્કી કરી નાંખ્યું કે એ બળ્યા જળ્યા કર્તવ્યને ઠારવા માટે એ જીવશે અને ગંભીરામાં એક નવી નારીનો ઉદય થયો હતો, જેનું એક માત્ર ધ્યેય હતું કર્તવ્યને ઠારવાનું. માનવીના હૃદયને બદલાતાં વાર નથી લાગતી. એક પળે એ નફરત કરે છે અને બીજી પળે મહોબ્બત. ગંભીરાના દામ્પત્યમાં હવે કરુણાએ જન્મ લીધો હતો. એનું પથ્થરદિલ હવે પુષ્પ બની ગયું હતું. એણે ભગવાનને પ્રાર્થના કરી હતી : 'હે પ્રભુ, મેં એક નિષ્પાપ માણસ કર્તવ્યને ઠારવાનો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પને તું વ્રત બનાવજે. અત્યાર સુધીના મારા અપરાધોને તું માફ કરજે. તથાસ્તુ.'

Tags :