૧૬ મી સદીના ઇટાલીમાં એક ડોક્ટર હતો, સેન્ટોરિયો સેક્ટોરિસ. એણે એ જમાનામાં 'વેઇંગ ચેર' બનાવેલી. એક મોટા વજનકાંટા પર ઝુલતી ખુરશી. એના પર કશું પણ ખાય પીવે કે એ તરત બેસે. વજન માપ્યા કરે. છીછી-પીપી કરીને એને ય જોખે. રોજેરોજ. ફૂડ એન્ડ કેલેરી રિસર્ચનો આ પાયોનિયર બંદો ગણાય! જો કે, પૂરા ૩૦ વર્ષની એની આ આકરી 'તપસ્યા'ના અંતે હાલત તો આ મામલે ઠનઠન ગોપાલ જ રહી. ફૂડ એન્ડ બોડી વેઇટના એના સવાલો સાચા હતા, પણ જોઇએ એવા જવાબો જડયા નહિ.
કટ ટુ ૧૮મી સદી. એન્ટોની લેવોઝિયે નામનો એક ફ્રેન્ચ ધનકુબેર હતો. પણ લક્ષ્મીનો ઉપયોગ વૈજ્ઞાાનિક પ્રયોગોની સરસ્વતી સાધનામાં કરતો. એણે શોધ્યું કે મીણબત્તી બાળો તો પ્રકાશની જ્યોતિને હવાની બળતણ તરીકે જરૂર પડે છે. પછી એ જ સિધ્ધાંત એણે ભોજન પર કામે લગાડયો. આપણે ત્યાં જઠરાગ્નિ-મંદાગ્નિ જેવા શબ્દો સદીઓથી છે જ. તો આ શરીરમાં ય ઊર્જા ખોરાકના દહનમાંથી મળે છે, જે ચયાપચયથી થાય છે. એન્ટોનીએ જગતનું પહેલું બેઝિક કેલેરીમીટર બતાવ્યું. જે વિજ્ઞાાનના પ્રયોગોમાં વપરાતા સજીવ ગિનિપિગને દોડાવી, એને લીધે 'ઉત્પન્ન' થયેલી ગરમી માપતું હતું. પણ ફ્રેન્ચ રાજ્યક્રાંતિએ આ ઉમરાવના જીવન અને સંશોધન પર અકાળે પડદો પાડી દીધો.
પણ એણે ધખાવેલી કેલરીની ધૂણી એવી પ્રજ્જવલિત થઇ કે અબજોનો કારોબાર આજે એના નામે ચાલે છે! મૂળભૂત રીતે લેટીન શબ્દ કલેર એટલે ગરમી. મૂળ તો કેલરી સ્ટીમ એન્જીનની શક્તિ માપવાનો એકમ હતો. ૧ ડિગ્રી સેલ્શિયસે ૧ કિલો પાણી ગરમ કરવામાં જે એનર્જી વપરાય તે. જર્મનોએ એને ફૂડ એનર્જી સાથે જોડી દીધો.
પણ સૌથી મોટી ક્રાંતિ કરી અમેરિકાના એગ્રીકલ્ચરલ કેમિસ્ટ વિલ્બર એટવૉટરે. જેની અસરો આજદિન સુધી ચાલુ છે. ૧૮૮૭ની જર્મન ટ્રિપ બાદ એને શરીર નામનું 'યંત્ર' ચલાવતા ખોરાક નામના 'ઇંધણ'માં રસ એવો પડયો કે એણે માત્ર ફૂડની એનર્જી કરતા ટિસ્યુ રિપેર, મસ્ક્યુલર વર્ક, ઓર્ગન પાવરમાં એની જરૂરિયાત પર ફોકસ કરતા પ્રયોગો કર્યા. વિદ્યાર્થીઓને કાચની પેટી જેવા ઓરડામાં રાખી, ફરતે પાણી ભરીને એનું ટેમ્પરેચર માપવા સુધી પહોંચ્યો. ને એ તારણ પર આવ્યો કે શરીરને મળતા દરેક ભોજનમાં મુખ્ય તત્ત્વો/મેક્રોન્યુટ્રીન્ટસ ત્રણ છે : કાર્બોહાઇડ્રેટ, પ્રોટીનને ફેટ. ને સર્વિંગ સાઇઝ મુજબ એણે ત્રણેની યુનિટની કેલેરી ગણી કાઢી. ૪-૪-૯. મતલબ કાર્બોહાઇડ્રેટ પ્રોટીન કરતા ફેટની કેલરી ડબલ હતી. એટલે વજન ઘટાડવા માટે ફેટી ફૂડ પર પહેલી ચોકડી લાગે.
જો કે, એટવૉટર એવું અંકગણિત માનતો કે શરીર તો કેલરીને જ ઓળખે. માટે ચોકલેટ ખાવ કે પાલકનો રસ પીવો - બધું સરખું! (કાશ, આવું હોત તો આપણે બંગાળી મીઠાઈઓનાં જ બધા ટંક પૂરા કરી નાખત !) ૧૯૧૮માં અમેરિકામાં ડાયેટ પર પહેલી બૂક પ્રકાશિત થઈ, એમાં કહી દેવાયું કે ક્રીમ ખાવ કે કેન્ડી, જસ્ટ વૉચ યોર કેલેરીઝ. બસ, પછી તો આ વાક્યનો લાસ્ટ પાર્ટ ધુ્રવમંત્ર બની ગયો ફૂડ ઇન્ડસ્ટ્રીનો. ૧૯૯૦માં અમેરિકામાં સ્ટાન્ડર્ડ ફુડ લેબલ શરૂ થયા ત્યારથી ગ્લોબલ ફોકસ એના પર એવું રહ્યું કે ઘણા રેસ્ટોરાં તો મેનૂમાં બર્ગર કે પાસ્તાની બાજુમાં કેલેરી છાપીને 'ગ્રાહકસેવા' કરવા લાગ્યા. લોકો દરેક ભાવતી વસ્તુ ખાતા પહેલા એ ગણી ગણીને ગિલ્ટ અનુભવવા લાગ્યા. બોસ્ટનના ન્યુટ્રીશનિસ્ટ સુઝન રોબર્ટસે સિધ્ધ કર્યું કે પેકિંગમાં કેલરી લખી હોય એમાં ૨૦% ફરક આવે છે!
૨૦૧૬માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક રિસર્ચરે ૧૯૬૭નું એક ડોક્યુમેન્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો કે હાર્વડ યુનિ.માં થયેલા રિસર્ચને 'સુગર લોબી' એ ડિઝાઈન કરાવી માખણ, તેલ, ઘીને કાયમી ગુનેગાર બનાવી દીધા! (ને પબ્લિક આપણે કોરી રોટલી ખાતી થઈ ગઈ. ને પ્રસાદમાં ય ગોળના ચૂરમાના લાડુ ઘીને લીધે ઓછા ખવાતા ગયા.) હવે જમાનો ફર્યો ને બધો એટેક સુગર પર શરૂ થયો. જાણે ભગવાને શેરડી ઉગાડીને જ ભૂલ કરી નાખી હોય!
મૂળ ડાયેટિંગ શબ્દ ગ્રીસમાંથી આવ્યો. લુઇઝી ફોક્સક્રોફટે 'કેલરી એન્ડ કોર્સેટસ' નામની આખી બૂક લખી છે. આ ઇતિહાસની. ગ્રીક શબ્દ ડાયેરિયાનો ભાર મેન્ટલ-ફિઝિકલ હેલ્થના બેલેન્સ પર જ હતો. બહુ પાતળા કે બહુ અદોદળા બેઉ હોવાને 'પાપ' ગણાતું. (અકરાંતિયા ખાઉધરાપણાનો નિષેધ જગતની મોટા ભાગની ધાર્મિક પરંપરાઓમાં છે. અસ્વાદને ભારતમાં ઘણા આધ્યાત્મિક તપ માને છે.) તબીબી વિજ્ઞાાનમાં જેના શપથ લેવાય છે, એ હિપોક્રેટસે લખેલું : માત્ર ખોરાક નહિ, પણ કસરત કરવી. સોક્રેટિસે આળસને વૈભવની આડઅસર કહી, તો તામસી આહારના વિચારની વાતો આપણે ત્યાં થઇ.હોરાસ ફ્લેઅરે તો ચાવવા પર જ ભાર મૂક્યો કે પાચન એમાં જ થાય છે, અને રોકફેલર કે કાફકા જેવા દિગ્ગજો આ વાતમાં એના શિષ્યો હતા.
ધીરે ધીરે એવી ઇન્ડસ્ટ્રી ઉભી થઇ કે દર બીજી વ્યક્તિ ફૂડ બાબતે સલાહો દેવા લાગે! મતલબ, બધા જ એક્સપર્ટ થતા ગયા. આપણે ત્યાં ય અનપ્રોફેશનલ્સના વિડિયોની ભરમાર છે. અમેરિકામાં તો વેઇટ વોચિંગ ૬૬ અબજ ડોલરનો વાર્ષિક ઉદ્યોગ છે! વિયોમ નામની કંપની પ્રેગનન્સી ટેસ્ટ જેવી કિટ બનાવે છે, જેનાથી તમારે ટોયલેટમાં બેસી મળ ચેક કરવાનું ને કંપની એના આધારે આંતરડા વિશે જ્ઞાાન આપે! ૨૩ એન્ડ મી નામની કંપની વળી જીનેટિક પ્રોફાઇલ બનાવી ફૂડ એક્સરસાઇઝ ટિપ્સ આપવાનું કામ કરે! બુલેટપ્રુફ નામની કંપની કોફીસવારમાં પીવી કે ન પીવી (ત્યાં ચાનું ચલણ ઓછું છે) કે કેટલી પીવી એની કુંડળી કાઢે. હેબિટ કંપની 'બાયોમાર્કર્સ' ચેક કરી આપે. કીટોન કોકટેલ બનાવવાની ને ઇન્ટરમિટન્ટ (અમુક કલાકો)ના ફાસ્ટિંગ માટેની તો એપ અહીં સુધી આવી ગઈ છે!
મોટાભાગના આમાં સ્યુડોસાયન્સ છે. ડિજીટલ ડેકોરેશનના નામે વિજ્ઞાાનના લેબલથી ભરોસો પેદા કરી પબ્લિકને કસ્ટમર બનાવવાના. એમાં અલાયદો થડો મંડાઈ ગયો છે, સુપર બોડીઝનો. ઇન્સ્ટાગ્રામ પર ફોટામાં અપલોડ કરવા માટેનું પરફેક્ટ ફિગર. એમાં જીમ જોડે પ્રોટીનશેઇક, પાઉડર, ટેબ્લેટ્સ, ઇન્જેક્શન આવી ગયા! બોડી શેપિંગ કોઈ ન કરે તોય બોડી શેપિંગ હેલ્થ રિલેટેડ ગણાય માટે આ એવી 'બીમારી' છે, જે જાણી જોઈને કોઈ નોતરે નહિ. હા, અન્ય બીમારીને લીધે થાઇરોઇડ કે જાતઅનુભવ છે એમ ફેટી લીવરના જીનેટિક 'નેશ'ને લીધે વજન વધે એની ઘણાને ખબર પણ નથી હોતી. ને વિયોમ જેવી મૂળ ભારતના એવા નવીન જૈનની કંપની 'છી' પ્રોસેસ કરવાના હજારો ડોલર લઈ લે!
જબરું કન્ફ્યુઝન છે જેની વિશદ ચર્ચા ગયા રવિવારે અને પહેલા અને બુધવારે બીજા ભાગમાં કરી. એનું કન્ક્લુઝન શું? કોલાહલની વચ્ચે શાણી વાતો ડેવિડ કાટ્ઝ ને માર્ક બિટમેને લખી છે સર્વાંગી અભિગમ સાથે. થોડીક દિશા ન્યુયોર્કના લિઝા યંગે બતાવી છે. પણ એ સાર પહેલા હવે જો સાચે જ કોરોનાના બ્રેકનો સદ્ઉપયોગ તબિયત ફાંકડી કરવા વોટ્સએપ ફોરવર્ડ સિવાય કરવો હોય તો થોડુંક સાયન્સ સમજવું પડે!
કસરતની મર્યાદા આપણે આરંભમાં જ ચર્ચી લીધેલી આ માનસિકતા. અતિરેક થઈ જાય તો કાયમી ધોરણે બીજા પ્રશ્નો શરૂ થાય. જેમ કે, ટ્રેડમિલમાં ઘૂંટણ કે સાયકલિંગમાં ગુપ્તાંગોના. પણ એ માફકસર કરવાથી વજન નિયંત્રણમાં રહે ને અન્ય રોગોનું જોખમ ઘટે. પણ બાકીનું કામ ફૂડ પર છોડવું પડે કે પછી ફૂડ જ છોડવું પડે!
કારણ કે, જે કેલેરી કાઉન્ટિંગ ડાયેટિશ્યન્સ ચર્ચા કરીને સમજાવે છે, એ બધા ઓવનમાં ફૂડ બર્ન થાય તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય એનાં છે. પણ રિયાલિટી ચેક એવું છે કે જે થાળી જમ્યા એમાંનું બધું જ બીજા દિવસે પ્રોસેસ થઈ લોહી બને ને બાકીનું ટોયલેટમાં ફ્લશ થઈ જાય, એવું નથી બનતું. એક તો છે વ્યક્તિની તાસીર ને બીજી બાબત છે - ખોરાકની તાસીર ! એ મુજબ કોઈ ૮ કલાકે પચે તો કોઈ ૮૦ કલાકે! સાદુ ઉદાહરણ ૨૦૦ કેલેરી ધરાવતા મમરા ખાવ, ને ૨૦૦ કેલેરી ધરાવતું ઘી પીવો. ફરક ખબર પડી જશે! વળી કોઈને લેક્ટોઝ ઇનટોલરન્સ હોય તો દૂધનો પ્રોબ્લેમ થાય એવી એલર્જીઓ જુદી!
જેને આપણે વજન કહીએ છીએ એ સ્ટોરેજ થયેલી ફેટ છે. જેના પર આપણા વારસામાં મળેલા જીન્સ (એક ઉંમર પછી બધા કપૂર ખાનદાનના હેન્ડસમ સ્ટાર સરખા જ ફૂલી જાય છે, યુ નો!) આંતરડામાં કામ કરતા અબજો નહિ પણ ખર્વો બેક્ટેરિયાઝ ખોરાક બનાવવા/ પકાવવાની પદ્ધતિ, ઊંઘ, આબોહવા જેવા ઘણાં પરિબળો કામ કરે છે. કેનેડિયન આઇસી વિન્ટરની ટિપ ભારતના ઉકળાટભર્યા ભાદરવામાં ન ચાલે.
પણ આ મામલે દેશે- દેશે જે રિસર્ચ થવા જોઈએ એ તો છે જ નહિ. લંડનની કિંગ્સ કોલેજના પ્રોફેસર ટીમ સ્પેક્ટર કહે છે કે 'સિન્થેટિક ડીએનએ અને ક્લોન ઘેટું બનાવ્યા પછી પણ આપણે હજું મેટાબોલિઝમના સિક્રેટસ બાબતે કશું જાણતા નથી!' ભારતમાં તો આપણા ખાન-પાન, વાતાવરણ મુજબના સાયન્ટિફિક રિસર્ચ છે જ નહિ. પ્રાચીન ઋષિઓએ એમના સમયમાંં કર્યા, એનું કોપી પેસ્ટ જ ચાલે છે. બધું બદલાઈ ગયું એ જોવાનું નહિ. વિરુદ્ધ આહાર જેવા તદ્દન બોગસ કોન્સેપ્ટનો પોપટપાઠ કર્યા કરવાનો.
પાચન ભેદી બીજગણિત નહિ, પણ એથી ય અઘરું કલન ગણિત છે! એક વેજ સેન્ડવિચ ખાવ તો મોમાંથી જ લાળ એને વિભાજીત કરવાની શરૂઆત કરે. પણ એમાં બ્રેડના ઘઉંથી ટમેટાની છાલ ને ચીઝની સ્લાઇઝ જેવા સાવ જુદા પ્રકારના ઘટકો હોય. મસાલા હોય. છેલ્લે તો શરીરને બધું જ ગ્લુકોઝ ફોર્મમાં જોઈએ. બોડી સેલ્સ રિપેરિંગ આંતરડા- લીવર થકી કરવા. ને એ માટે ટનાટન હિમોગ્લોબીન ને ઑક્સિજન જોઈએ.
સોફ્ટ ડ્રિન્ક ગટગટાવો એની સુગર સટાક દઈને એક મિનિટમાં એબ્સોર્સ થાય, પણ ખજૂર ખાવ એની ત્રીસ મિનિટે થાય! જેટલું આ 'ગ્રહણ કાર્ય' ધીમું એટલું વજન વધારાની ફેઝ ઝટ સ્ટોર ન થાય, ને એ પહેલાં કસરત થાય, એ રીતે કાબૂમાં, સુગર રશ થાય, એટલે એક્સેસ સ્ટોરેજ જમા
બ્લડનું સુગર લેવલ બેલેન્સ કરવા કરવો પડે. ને ઇન્સ્યુલિન એનું કામ પતાવે કે ફરી ભૂખ લાગે! જૂના જમાનામાં તો રોજીંદા ભોજનમાં ગળપણ હતું જ નહિ. પ્રસંગોપાત તહેવારોમાં મિષ્ટાન્ન બને. ગુજરાતી થાળીએ એકસ્ટ્રા ડેઝર્ટને બદલે એ અન્ય ભોજન ભેગું ભેળવ્યું જેથી એનો સપાટો ન આવે શરીરમાં એક ઝાટકે.
છેલ્લા સો વર્ષમાં બાજારૂ ખોરાકમાં ખાંડ- નમક- મેંદો જ વીસ ગણો વધી ગયો! પ્રોટીન તો ત્વચા, વાળ, હાડકા, બધા માટે જરૂરી પણ એનું બ્રેકડાઉન ધીમું છે. એની બહુ ફેટ ન થાય. હા, ઓવરડોઝ થાય તો ગાઉટ જેવી સાંધાની સમસ્યા થાય.
ફેટ તો ઇલેક્ટ્રિક વાયરના કોટિંગ જેવી જરૂર છે. ને અગાઉ લખેલું એમ માનવ શરીરને એના રિઝર્વ સ્ટોકની આદત પડી છે પણ આંતરડાના માઇક્રોબ્સે ય કોઈ બધું ખાઈને દૂબળા રહે, ને કોઈ ઓછું ખાઈને ભીમપલાસી થાય એમાં ભાગ ભજવે છે. કેટલાક લોકોના આંતરડા જ અન્યોથી મોટા હોય છે. આંતરડું નાનું તો ચરબીનો સંગ્રહ પણ ઓછો. સમય પણ ભાગ ભજવે. ઉજાગરા કરી તરત ખાવ તો વજન વધે થોડું ફૂડ પણ પંદર પંદર કલાકના ગેપે ખાવ તો ઓછું વધે!
આટલા કોમ્પ્લિકેશન્સ ઓછા હોય એમાં નવું ઉમેરાયું. લાખો વર્ષોથી પૃથ્વી પર વસતિ માનવ જાતે હજારો વર્ષો પહેલાં જ કરેલી ખોજ. કૂકિંગ, રાંધણ કળા. વર્ષો સુધી આપણા પૂર્વજો કાચા, ફળફૂલ જંગલી પ્રાણીઓના માંસ- માછલી- ઇંડા (પાલતું મરઘાં બતકાં ટાઇપ કન્સેપ્ટ નહોતો) - ખાતા. પછી અગ્નિ ને ખેતી આવતા ધાન્યો ને વાનગીઓ આવી.
રાંધેલો ખોરાક મોટા ભાગે વધુ ઝડપથી પચે. સલાડ આંતરડામાં એબ્સોર્બ થવાનો દર ૫૦% હોય તો શાકનો ૯૫% હોય! રાંધવાની વિદ્યાને લીધે જ માણસે પૃથ્વી પર રાજ કર્યું! કારણ કે, આપણા કઝીન ચિમ્પાન્ઝીની જેમ આખો દિવસ કોળિયા વાગોળવા ન પડતા. એટલે રોજની આપણી કેલેરીના ૨૦ % જેનો પાવર સપ્લાયમાં વપરાય છે, એ બ્રેઈનને - ઈન્સ્ટન્ટ પૂરવઠો મળતો થયો ભોજનમાંથી, ને માણસનું મગજ પાકશાસ્ત્રના લીધે વિકસતું ગયું!
અમુક પ્રકારના ખોરાકને રાંધવાથી એની કેલેરી ઘટે, તો અમુકની વધે. વળી તળવું, શેકવું, વઘારવું, બાફવું દરેક ક્રિયા એક જ ખોરાક (ધારો કે બટેટા)ને અલગ અલગ રીતે અલગ અલગ સમયે પચાવે! ખીચડીના ભાત (શ્રીલંકામાં નાળિયેર તેલવાળા ભાતને આધાર માનો તો) ઓછી ચરબી દાળ ભળવાથી પેદા કરે. દરેક અનાજ અલગ રીતે પચે, ને દરેક પાંદડા પણ. શેક્યા વિનાની મકાઈ કે માંડવી પચવી અઘરી. એ જ રીતે દાડમ ચાવીને ખાવ ને જ્યુસ પીવો, બે યની અસર જુદી! વળી હોર્મોનલ ઈમ્બેલેન્સ (અસંતુલન) હોય તો એની ય અસર આવે.
પણ ટ્રેજેડી એ છે કે લાઈફસ્ટાઈલ ફરી એ ઝડપે વેઈટ મેનેજમેન્ટનું સાયન્સ અપડેટ નથી થયું. રોજ ભોજનમાં સો ગ્રામ ફાઈબર ધરાર આવતું એ સ્વીગીઝોમેટોના ફાસ્ટફુડ યુગમાં ૧૫ ગ્રામ પણ રહ્યું નથી. પણ મળ ફેંદીને, આખા જગતના લોકોના જીનેટિક પ્રોફાઈલ ને વાનગીઓની પદ્ધતિઓ ફંફોસીને કોણ મફતમાં રિસર્ચ કરે ને પ્રોફિટ ઘટાડે? એટલે ૨૦૦૨માં યુનોએ કબૂલ કરેલું એમ ઓવરસિમ્પ્લીફિકેશન ચાલે છે!
ઈઝરાયેલના એરન એલિનાવે કરેલા રીસર્ચમાં જોવા મળ્યું કે બે આઈડેન્ટિકલ ટ્વીન્સમાં ય સરખા ભોજનનું સરખું પાચન જોવા મળતું નથી. મૂળ જોવા જેવી વાત ગ્લાયસેનિક ઈન્ડેક્સથી બોડીનો સુગર સામેને રિસ્પોન્સ છે. જે બધી વ્યક્તિનો સરખો નથી હોતો. કોઈક સ્વીટ્સ ટેસથી ઓહિયા કરે ને કોઈકને જરાકમાં બ્લડ સુગર વધી જાય.
આ અડાબીડ જંગલમાં ચીવટથી પોતાનું પેટ ભરવાને બદલે બીજાનું પેટ ઘડાડવા ચિંતીત નિષ્ણાતો જે કંઈ કહે છે, એના સારરૂપ તારવેલી ટિપ્સ આ રહી. પણ કોશન. અખબારી લેખોને બ્રહ્મજ્ઞાાન માનવાને બદલે ડૉક્ટરને કન્સલ્ટ કરી પ્રયોગો કરવા! ઉંધા રવાડે ચડાવે એવી ટિપ્સ છે ય નહિ જોકે.
(૧) શરીરમાં લીવર ને કિડની રોજેરોજના ડિટોકસીફિકેશન માટે જ છે. બરોળ, આંતરડા ને ઈમ્યુનિટીનું ય એ કામ છે. માટે કલીન્સિંગ જ્યુસ-ડેટોક્સ ડાયેટના ફિતુરમાં કાવડિયાં ટીલા કરવાને બદલે ખુદની સારી સંભાળ લેવી. મતલબ નિયમિત કસરત, ઉંડા શ્વાસ, ચાવીને ખાવું, વ્યસનોથી દૂર રહેવું, સ્ટ્રેસ રાખવો નહિ, કોઈ આપવા આવે તો પાછો પધરાવી દેવો. જમવાનો, નાસ્તાનો સમય નિયમિત રાખવો, રોજ થોડું ઘરમાં ય ચાલવું જ. ખોરાક ફરતો ફરતો સંતુલિત ને બને એટલો ઘરનો રાખવો. ને અતિશય અગત્યનું પૂરતી ઉંઘ લેવી.
(૨) વજન કોઈ સ્પેસિફિક અંગનું જ માત્ર ઘટતું નથી. આખા શરીરનું જ ઉતરે છે. એ ય ધીરે ધીરે માટે અખૂટ ધીરજ રાખવી. પેટ ને કમર ફરતેના 'લવ હેન્ડલ'ની ચરબી સૌથી હઠીલી હોય છે. એ મસલ બિલ્ટ અપ કરવા એ માટે સુતા સુતા પગથી હવામાં સાયકલિંગ કે દંડબેઠક જેવી કસરત જુદી કરવી પડે.
(૩) ક્રેશ ડાયેટિંગથી ફાયદા કરતા નુકસાન વધુ છે. ટાઈફોઈડ થાય તો ય વજન ઉતરે ને બહુ સિગારેટ ફૂંકો તો ય. એટલે શરૂ ન કરી દેવાય. અલ્ટ્રાપ્રોસેસ્ડ ફુડમાં માત્ર ટેસ્ટ હોય છે, પોષક દ્રવ્યો હોતા નથી. એટલે એનું પ્રમાણ ઘટાડવું. લોલીપોપ ને સફરજનમાં શું વધુ ખાવું, એ અક્કલ બધા પાસે હોય જ છે. કમી ઈરાદાની છે.
(૩) ફલાણા વીટામીન, ઢીંકણા લેકટિનના નામે થતી જાહેરાતોથી ભરમાયા વિના કાર્બ, ફેટના સતત ટેન્શનમાં કેલેરી ગણ્યા વિના, રોજ એક કલાક ચાલવાનું ફરજીયાત કરી માફકસર બધું જ ખાવું. થાળી અડધી દાળ-શાક-કચૂંબરની હોવી જોઈએ, બાકીનામાં રોટલી-રોટલા-ભાખરી-ભાત. શ્રમનું કામ ન કરે, એણે બે ટંક પેટ ભરી ખાવાનું હોતું જ નથી. વન ફુલ મીલ ઈઝ ઈનફ. તળેલા બ્રેકફાસ્ટ પર ચોકડી જ મારી દેવાની. ફ્રુટ કે અખરોટ-બદામ વજન ઘટાડવું હોય તો એક ટંક (બને તો ડિનર) સ્કિપ કરો. હળવા નાસ્તા કે ફળો એ ટંકમાં રાખો. આજીવન. છેલ્લા શ્વાસ સુધી. સમય બહુ ફરે નહિ એ ધ્યાન રાખવું. રાતના ખાધા બાદ કમ સે કમ બે કલાક જાગવું જ.
(૪) ઘઉં-ચોખા લિમિટેડ કરો. અઠવાડિયામાં બે વાર ઘઉં ને બે વાર ભાત. એક સાથે નહિ. બટેટાને ભાત સાથે નહિ. ખાવા જેવી સર્વમાન્ય ચીજ છે. કઠોળ. બને એટલા ખાવ. કૂકિંગ ખિસ્સાનું વજન ઘટે નહિ તો એકસ્ટ્રા વર્જીન ઓલિવ ઓઈલમાં કરો. તેલ ઓછું. તેલ કરતાં તાજું ઘરનું માખણ સારું. બહાર ખાવ તો પંજાબી કરતા સાઉથ ઈન્ડિયન ખાવ.
(૫) ગળ્યું, ખાટું, તીખું, સાચ્યુરેટેડ, કોલેસ્ટ્રોલ કશું જ ખરાબ નથી. ખરાબ છે એનો રોજીંદો અતિરેક. પિત્ઝા જેવી ટ્રીટ ગમે તો કરવાની પણ સ્ટ્રિકલી દર દસ દિવસે એક વાર. ત્યારે કસરત જરા વધુ ને બીજું આચરકુચર નહિ. ડિટ્રો પાણીપુરી કે પુરણપોળી, કે સમોસા. વેકેશનમાં ફરવા ગયા હો એ સિવાય ઉપરાઉપરી તો લગનમાં ય નહિ. વજન કદાચ ન ઘટે, તો ય ફિટનેસ વધશે જ. બાકી આઈસ્ક્રીમ - શિખંડ - કેરી - કેળા ખવાય જ નહિ, એવું કહેનારાને ખાઈ જવાની છૂટ. ખી ખી ખી.
(૬) રેડ વાઈન, એગ્સ, ફિશ માપમાં શાકાહારી ધર્મચુસ્ત ન હો તો ક્યારેક લઈ શકાય, એના ફાયદા છે. દવાઓમાં એની એલીમેન્ટસ આવશે પણ માપમાં. બાકી કેલેરી કાઉન્ટ નહિ, ફ્રુડ ફ્રેશ રાખો. બને એટલું ઘરનું. વૈવિધ્યસભર. દહીં કે છાશ રોજેરોજ લેવાના. પ્રોબાયોટિક છે. મસ્ટ. પાણી પીતા રહેવાનું, કોલા ડ્રિન્કસ જ નહિ. આખી પારાયણની ફળશ્રુતિ: વજન ઘટાડવું હોય તો ખોરાકની માત્રા - પોર્શન યાને કોળિયા ઘટાડો. બધું જ ખાવ પણ શરીરને સાંભળો, એ કહેશે શું ભાવે ને ફાવે છે. એ મુજબ ઓછું ખાવ. ચટાકા કરતા ચુસ્ત રહો. ઈટ લેસ. મિતાહાર.
(૭) ખુરશી-સોફા થોડાક હજાર વર્ષથી જ આવ્યા. બાકી બેસવાનું ય ઉભડક પગે ને સુવાનું કડક સપાટીએ હતું. ઈટ લેસ એન્ડ મૂવ મોર. લાન્સેટ મેગેજીને વર્ષે પચાસ લાખ લોકો માત્ર એક્ટિવિટી ન કરતા હોઈને મર્યાનું નોંધ્યું છે. સતત બેઠા ન રહો. મસલ એક્ટીવિટી કરો. સ્ટ્રેચ કરો. ઉભા થઈ હરફર કરો. આરામ હરામ હૈ. પશુ પંખીઓ એમનો ખોરાક બદલાવતા નથી, ને માછલી તરવાનું ચૂકતી નથી. રોજ શરીર નાની પ્રવૃત્તિમાં હરતું ફરતું રાખો. મોટું વ્યાજ સહિત વળતર વજન ઘટાડામાં મળશે!
ટૂંકમાં વજન મેઈટેઈન કરવા કે થોડું ઘટાડવા જાતે જ આપણાં ડાયેટિશ્યન બની દરેક ફૂડનો રિસ્પોન્સ ચેક કરવો પડે. અમુક ગળ્યા-તળેલાં ફૂડના જરૂર પડે ખાઈને બ્લડ સુગર લેવલ માપીને ય!
બાકી તો ગુરૂત્વાકર્ષણ ન હોય ત્યાં જઈ વજનહીન થયા સિવાય વિકલ્પ નથી!
ફાસ્ટ ફોરવર્ડ
''સાહેબ, અઠવાડિયે એક વાર ગાંઠિયા ખાવાનું છોડવું તબિયત માટે સારું કે શીરો ખાવાનું છોડવું સારું ?''
''રોજ ગુટકા ખાવાનું બંધ કરો એ સૌથી સારું !'' ડૉક્ટર ઉવાચ!


