- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
ફ્ લ્યુની વેક્સિન ત્રણ રીતે તૈયાર થાય છે. (૧) ઇંડા આધારિત (૩) કોષ આધારિત અને (૩) રિકોમ્બીનન્ટ. આમાં પ્રથમ પદ્ધતિ વિશેષ અપનાવાય છે. અહીં વાયરસની ચોક્કસ 'સ્ટ્રેઈન' પસંદ કરીને, ઇંડામાં ઉછેરી, વિષાણુ અલગ કરી, સ્વચ્છ કરી નિષ્ક્રિય કરવામાં આવે છે જેથી તે માંદગી આપતી નથી પણ પ્રતિકારશક્તિ આપે છે.
આ વેક્સિન સોય વડે શરીરમાં ઇંજેક્ટ કરવામાં આવે છે પરંતુ ટેક્સાસ અને નોર્થ કેરોલિનાના વૈજ્ઞાનિકોએ એવી વેક્સિન બનાવી છે જે પાવડરરૂપે દાંત વચ્ચે ઘસવામાં આવતા ફ્લોસ પર લગાડેલી હોય છે...!
ફ્લોસ-પાવડર વેક્સિન બે દાંત વચ્ચે ઘસવાથી પેઢા વાટે શરીરમાં પ્રવેશી પ્રતિકારશક્તિ આપે છે.
ફ્લોસ વેક્સિનથી મોં, નાક અને પેટના રોગ સામે પ્રતિકારશક્તિ વધે છે. આ પ્રકારની પ્રતિરોધકતા 'મ્યુકોઝલ ઇમ્યુનિટી' તરીકે ઓળખાય છે.
'નેચર બાયોમેડિકલ એન્જિનિયરીંગ'માં આ અંગેનો રિપોર્ટ તાજેતરમાં રજુ થયો છે.
એમાં જણાવાયું છે કે ફ્લોસ ફ્લ્યુ વેક્સિનથી લાંબા સમયની ઇમ્યુનિટી મળે છે. ફ્લોસ વેક્સિન દાંત વચ્ચે લીધા પછી અને અઠવાડિયા સુધી ખાવા પીવાથી તેની અસર ઘટતી નથી.
વૈજ્ઞાનિકોના મતે પેઢામાંથી વેક્સિન ઇનોક્યુલેટ કરો તો ઇમ્યુન રિસ્પોન્સ સારો મળી રહે છે.
વેક્સિન પેઢાના કોષોમાંથી સરળતાથી પ્રસારણ પામી રોગપ્રતિકાર શક્તિ આપે છે. હાલમાં આ રસી 'આઈસ' જેવા નાના ઉંદરો પર સફળ રહી છે. હવે સહેજ મોટા પ્રાણીઓમાં 'એનિમલ એક્સપેરિમેન્ટ' કરવામાં આવશે જેથી માનવજાત પર તેની અસરનો અંદાજ આવી શકશે.
આ નવીન ફ્લોસ વેક્સિન સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. તેને નીચા તાપમાનની જરૂર નથી. જો કે ફ્લોસ વડે કેટલી વેક્સિન શરીરમાં ગઈ એ પ્રમાણ જાણવું પડકારરૂપ બની રહેશે એવું વૈજ્ઞાનિકો માને છે.
હાલની ફ્લ્યુ વેક્સિન લેવાથી ફ્લ્યુનું જોખમ ઘટે છે, માંદા પડો તો રોગની તીવ્રતા ઓછી હોય છે અને હોસ્પિટલ જવાની શક્યતા ઘટે છે. ફ્લ્યુના વિષાણુની રચના બદલાતી રહે છે. એટલે સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ તરફથી દર વર્ષે નવી વેક્સિન આવે છે. તમારા ડૉક્ટર પાસે અગાઉથી એનું બુકિંગ કરાવવું પડે છે. વેક્સિનની કિંમત ૨૦૦૦થી ૨૫૦૦ જેટલી હોય છે. શિયાળામાં અને ચોમાસા પછી આ વેક્સિન લેવી આવકાર્ય છે.


