Get The App

બોરસદી વકીલાતમાં વલ્લભભાઈનો કોઈ જોટો નહોતો

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
બોરસદી વકીલાતમાં વલ્લભભાઈનો કોઈ જોટો નહોતો 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- વકીલ વલ્લભભાઈની હાક આખા ખેડા જિલ્લામાં વાગતી થઈ ગઈ હતી. કોર્ટમાં તેમની દલીલના ભાષણો સાંભળવા માટે ઘણાં વકીલો એકઠાં થઈ જતાં

- વકીલ વલ્લભભાઈ ઉભા થઈને જોઈતી દલીલો, જોખીજોખીને રજૂઆત, જરૂર જેટલી જ ઉગ્રતા અને પુરાવા સામે પુરાવાઓનો છેદ ઉડાડી દેવાની આવડત બતાવીને અમદાવાદી મૅજિસ્ટ્રેટની હવા કાઢી નાંખતા. 

બો રસદમાં વલ્લભભાઈની વકીલાત થોડા જ વખતમાં જામી ગઈ હતી. એમને પ્રતિષ્ઠા અને પૈસો પણ સારા પ્રમાણમાં મળવા લાગ્યાં હતા. એ કોર્ટમાં વિઠ્ઠલભાઈ તેમના કાયદાના જ્ઞાન, તેની ઉત્કૃષ્ટ રજૂઆત અને પુરાવાની છણાવટ માટે ખૂબ જાણીતાં હતા, તો વકીલ વલ્લભભાઈ માનવ સ્વભાવની આંટીઘૂટીઓને જાણી લેવાની, ફરિયાદી પક્ષના નબળા મુદ્દાઓ ઉપર તૂટી પડવાની, તથા પુરાવાઓ સામે પુરાવાઓ રજૂ કરવાની વિલક્ષણતા માટે વખણાતાં હતા. 

બોરસદમાં વકીલાત કરવાની પદ્ધતિમાં વલ્લભભાઈ બીજા વકીલો કરતાં તદ્દન જુદા તરી આવતા હતા. પોતાના કે બીજાના અસીલોને ત્રાસ આપનાર પોલીસ અમલદારોને કે કોઈપણ વકીલનું અપમાન કરનાર કે તેમને ધમકાવનારને કે ખોટું ઘમંડ રાખનાર મૅજિસ્ટ્રેટને કે સાવ ખોટા પુરાવાઓ ઉપર ગરજતાં સરકારી વકીલોને વલ્લભભાઈ પોતાની વિચક્ષણ બુદ્ધિ, કડવી વાણી અને ઝીણી પરખ થકી પાંશરાદોર કરી નાંખતા.

આથી કરીને થોડા જ વખતમાં વકીલ વલ્લભભાઈની હાક આખા ખેડા જિલ્લામાં વાગતી થઈ ગઈ હતી. કોર્ટમાં તેમની દલીલના ભાષણો સાંભળવા માટે ઘણાં વકીલો એકઠાં થઈ જતાં. આમ તો તેઓ ખૂબ ઓછું બોલતા અને ટૂંકી દલીલબાજી કરતા. પરંતુ એ અત્યંત મુદ્દાસરની, પરિણામ આપનારી અને નવી-નવી વાતો શોધીને તેને બહાર કાઢનારી રહેતી. આથી વલ્લભભાઈની દલીલો સાંભળવા અસીલો અને વકીલો ઉપરાતં ખુદ મજિસ્ટ્રેટ્સ પણ એક કાને રહેતા.

ફોજદારી ગુનાઓ માટે બોરસદ તાલુકો ખૂબ પંકાયેલો હતો. અહીંના બહારવટીયાઓના ત્રાસને કારણે જ વધારે પોલીસ બંદોબસ્ત મુકવો પડયો હોવાનું બહાનું આગળ ધરીને સરકારે આ પંથકમાં હૈડિયાવેરો દાખલ કર્યો હતો એ વાત જગજાહેર છે. ખેડા જિલ્લામાં સહુથી વધુ ફોજદારી ગુનાઓ બોરસદમાં નોંધાતા હોવાને કારણે મુંબઈની અંગ્રેજ સરકારે અહીં એક ખાસ રેસિડેન્ટ ફર્સ્ટ-ક્લાસ મજિસ્ટ્રેટની પણ નિમણૂક કરી હતી. 

આ મૅજિસ્ટ્રેટની અદાલતમાં મોટેભાગે એવું બનતું કે અગત્યના કેસ ચલાવવા માટે ખાસ અમદાવાદથી સરકારી વકીલો બોલાવવામાં આવતાં. એ અમદાવાદીઓ બૅરિસ્ટર હોવાનો રોફ જમાવતાં, હથેળીઓ પછાડી-પછાડી બરાડાભરી દલીલો કરતાં, બમણી ફી લેતાં, અને એક-બે કલાકની મહેમાન કલાકાર જેવી એન્ટ્રી મારીને પાછા જતાં રહેતાં. જ્યારે સામી બાજુએ બચાવપક્ષના વકીલ વલ્લભભાઈ ઉભા થઈને જોઈતી દલીલો, જોખીજોખીને રજૂઆત, જરૂર જેટલી જ ઉગ્રતા અને પુરાવા સામે પુરાવાઓનો છેદ ઉડાડી દેવાની આવડત બતાવીને અમદાવાદી મૅજિસ્ટ્રેટની હવા કાઢી નાંખતા. બોરસદ કોર્ટમાં આવું તો અનેકવાર બનતું કે અમદાવાદના મોટા સરકારી વકીલ સામે વલ્લભભાઈ જ ટકરાયા હોય, અને તેમણે પોતાના અસીલને, એટલે કે સરકારે જેને આરોપી ગણ્યો હોય તેને નિર્દોષ છોડાવી મૂક્યો હોય.

આ કારણે ઘણાં લાંબા સમયથી સરકારી વકીલો, અમલદારો, મૅજિસ્ટ્રેટ્સ મૂંઝવણમાં હતા કે દર વખતે આરોપી છૂટી કેમ જાય છે? ઉપરી અધિકારીઓએ પણ બોરસદવાળાઓનો ખુલાસો માંગ્યો કે સતત સરકાર જ કેમ હારી જાય છે? આરોપીઓને કેમ સજા થતી નથી? ત્યારે એ બધાએ ભેગા મળીને માત્ર ને માત્ર વલ્લભભાઈવાળું બહાનું જ આગળ ધર્યું, અને જણાવ્યું કે વલ્લભભાઈ એકમાત્ર એવા વકીલ છે જે યેનકેનપ્રકારે પણ પોતાના અસીલને છોડાવી મૂકે છે.

આ બાબતનો સાચો અને ઊંડો વિચાર કરવાને બદલે ટૂંકીબુદ્ધિની સરકારે તરત જ નિર્ણય લીધો કે આખેઆખી કોર્ટ જ બોરસદથી ખસેડીને આણંદ લઈ જઈએ, જેથી વલ્લભભાઈનો કાંકરો જ નીકળી જાય. પરંતુ વલ્લભ જેનું નામ, તે કાંઈ ગાંઠે? તેઓ તો બોરસદથી આણંદ ઉપડયા, અને પોતાના અસીલોને નિર્દોષ છોડાવી મુકવાની આક્રમક વકીલાત ચાલુ જ રાખી. આણંદ ખેડા જિલ્લાની મધ્યમાં આવેલું હોવાથી આખા જિલ્લાના સાક્ષીઓને ત્યાં આવવું-જવું સહેલું પડશે, એવું જે બહાનું સરકારે આગળ ધર્યું હતું, તે થોડા મહિનાઓમાં જ તેમને પાછું ગળી જવું પડયું, અને આણંદ ખસેડેલી કોર્ટ પાછી બોરસદ તબદીલ કરવી પડી.

વલ્લભભાઈની બોરસદી વકીલાતની સફળતાનો ઊંચે ચડતો આંક, આવી સજ્જડ ઘટનામાં ધરબાયેલો છે.