Get The App

ઈચ્છાઓની હત્યા કરીને ખુશ ન રહેવાય .

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
ઈચ્છાઓની હત્યા કરીને ખુશ ન રહેવાય                . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'મારે કોઈ પુસ્તક કરવા નથી. હું ડેપ્યુટી કલેક્ટર છું તે બસ છે. મારે હજી કલેક્ટર થવાનું છે. મને કોઈ સાહિત્યકાર થવામાં રસ નથી....'

'સ ર, તમારા નામે આમંત્રણ પત્રિકા આવી છે.' - પ્યૂને અનમોલ શર્માની કેબિનમાં પ્રવેશ કરતા કહ્યું. 

'ભલે, મુકી દે અહીંયા અને એક કામ કરજે બહાર દરવાજે તું બેસજે અથવા તો અનિલને બેસાડજે. મારે થોડું કામ છે તો કોઈને કલાક સુધી અંદર ન આવવા દેતો.' - અનમોલે કહ્યું અને પ્યૂન બહાર જતો રહ્યો. બહાર આવીને ખુરશીમાં ગોઠવાઈ ગયો.

અનમોલ શર્મા થોડા સમય પહેલાં જ સુરતમાં કલેક્ટર તરીકે ટ્રાન્સફર લઈને આવ્યા હતા. તેમના પિતા આઈપીએસ ઓફિસર હતા અને ૭૦ના દાયકામાં જ તેઓ ગુજરાત આવીને સ્થાયી થઈ ગયા હતા. તેના કારણે તેમના પરિવારમાં હિન્દી બોલવાનું ચલણ ભાગ્યે જ રહ્યું હતું. 

અનમોલે પોતાનું લેપટોપ ખોલીને કેટલીક જરૂરી ફાઈલ્સ ચેક કરવાનું શરૂ કરી દીધું. લગભગ પંદરેક મિનિટ થઈ હશે ત્યાં યાદ આવ્યું કે, કેટલીક નોંધ કરી હતી. આ નોંધ લેવા માટે ડાયરી ઉચકી ત્યાં પેલી આમંત્રણ પત્રિકા ઉપર નજર ગઈ. 

આ આમંત્રણ પત્રિકા તેની જ પત્ની અવની શર્માએ મોકલાવી હતી. અનમોલે તરત જ કવર ખોલ્યું અને પત્રિકા કાઢી. તેની અંદર એક નાનકડો લેટર હતો, જેમાં લખ્યું હતું, કલેક્ટર શ્રી અનમોલ શર્મા સાહેબ સમય મળ્યે અમારા અનમોલ ગૃહ ઉદ્યોગના નવા સાહસના ઉદઘાટન પ્રસંગે અચૂક હાજરી આપશો. આપ સતત વ્યસ્ત રહો છે છતાં અમે એક સ્વજન તરીકે તમારી રાહ જોઈશું. આપની પ્રતિક્ષારત, અવની શર્મા. અનમોલે ફરીથી પત્રિકા ઉપર નજર કરી અને કાર્યક્રમની તારીખ વાંચી. તારીખ હતી ૧૪ ઓક્ટોબર.

તારીખ વાંચીને અનમોલ વિચારમાં અટવાઈ ગયો. ૧૪ ઓક્ટોબર તો તેનો પોતાનો જ જન્મ દિવસ હતો. આ દિવસે જ અવનીએ પોતાના નવા સાહસનું ઉદઘાટન રાખ્યું, તે જાણીને તેને આનંદ થયો અને થોડી ચિંતા પણ થઈ. તે પોતાના જન્મ દિવસે અચૂક પોતાના માતા-પિતાને મળવા જતો હતો. તેઓ વડોદરામાં રહેતા હતા. નવાઈની વાત એ હતી કે, અનમોલ ટ્રાન્સફરેબલ જોબના કારણે ક્યારેય ક્યાંય સ્થિર થયો નહોતો. અવની પોતાના દીકરા સાથે અમદાવાદ રહેતી હતી અને અનમોલ અત્યારે સુરતમાં હતો. આખો પરિવાર સાવ વેરવિખેર હતો. અનમોલને આ વેરવિખેર પરિવારના થોડી ચિંતા થઈ અને તે વધુ ઉંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો.

લગભગ આ વાતને પંદર વર્ષ થયા હશે. અનમોલને અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ટ્રાન્સફર મળી ત્યારે તેઓ વડોદરાથી અમદાવાદ શિફ્ટ થયા હતા. અમદાવાદનું મકાન સરસ હતું તેથી થોડા સમય માટે અનમોલના માતા-પિતા પણ ત્યાં રહેવા આવ્યા હતા. આ દરમિયાન દિવાળી સમયે ઘરની સાફસફાઈ કરવા દરમિયાન અવનીના હાથમાં એક જૂની ડાયરી આવી. તેણે ડાયરી જોઈ તો અનમોલની ડાયરી હતી. 

અનમોલ રાત્રે ઓફિસથી આવ્યા બાદ પરવારીને બંને જણા મકાનની આગળ બનેલા નાનકડા બગીચામાં ખુરશીમાં ગોઠવાયા. બંને વાતો કરવા લાગ્યા. આ વાતો-વાતોમાં અવની ઊભી થઈ અને પેલી ડાયરી અંદર જઈને લઈ આવી. તેણે ડાયરી અનમોલને બતાવી અને અનમોલ ગભરાઈને ખુરશીમાંથી ઊભો થઈ ગયો.

'આ ડાયરી તને ક્યાંથી મળી. તને ભાન પડે છે. તું જાહેરમાં આ ડાયરી કાઢીને ફરે છે. પપ્પા જોઈ જશે તો કાળાપાણીની સજા થશે.' - અનમોલે ખૂબ જ ચિંતિત સ્વરે કહ્યું.

'અરે, આટલા ગભરાવ છો શા માટે. તમે ક્યાં કોઈને લુંટી લીધા છે કે, કોઈનું કરી નાખ્યું છે. આ તો તમારું પોતાનું સર્જન છે. તમે આટલી સરસ વાર્તાઓ લખી છે. કેટલી સુંદર કવિતાઓ લખી છે. આ બધું ક્યાંય ગંધાતી બેગમાં સંતાડીને રાખ્યું હતું. આ બધું તો પુસ્તક સ્વરૂપે દુનિયાની સામે આવવું જોઈએ.' - અવનીએ કહ્યું.

'મારે કોઈ પુસ્તક કરવા નથી. હું ડેપ્યુટી કલેક્ટર છું તે બસ છે. મારે હજી કલેક્ટર થવાનું છે. મને કોઈ સાહિત્યકાર થવામાં રસ નથી. એક સમય હતો જ્યારે યુવાનીના જોશમાં આ બધું લખતો હતો પણ હવે નથી લખતો. હવે હું સરકારી અધિકારી છું.' - અનમોલે અણગમા સાથે કહ્યું અને ડાયરી પગ નીચે દબાવી દીધી. 

'હું ક્યાં કહું છું કે, તમે સરકારી અધિકારી નથી. તમે સરકારી અધિકારી થઈને પણ સાહિત્યકાર તો થઈ જ શકો છો. તમારી આસપાસ નજર મારો કેટલાય લે ભાગુ અધિકારીઓ સર્જકોના સિક્કા મારીને ફરે છે. જાતે જ લખે, જાતે જ વાંચે અને જાતે જ વાહવાહી કરાવે. વળી સરકારમાં પોતાના જ હજુરી-ખજુરીયાઓની કમિટી બનાવડાવે અને જાતે જ એવોર્ડ પણ લઈ આવે. તમારે ક્યાં આવું કશું કરવાનું છે. તમે તો ખરેખર સરસ લખો છો. લોકો જ તમને વખાણશે.' - અવનીએ કહ્યું અને અનમોલ થોડો વધારે અકળાઈ ગયો.

'જો અવની મારે લેખક નથી થવું. મારું સપનું કલેક્ટર બનવાનું હતું અને હું તે જ થઈ રહ્યો છું. મને ખોટા રવાડે ચડાવીશ નહીં.' - અનમોલે થોડા મોટા અવાજે કહ્યું.

'તમે બુમો ના પાડશો. જોરથી બોલવાથી સત્ય બદલાતું નથી. તમે લેખક જ બનવા માગતા હતા અને તેથી જ આવું લખી શક્યા છો. તમારા પપ્પા તમને કલેક્ટર બનાવવા માગતા હતા અને એટલે તમે તમારી ઈચ્છાઓની હત્યા કરીને તેના મૃતદેહ ઉપર આ સરકારી બાબુની ઈમારત ચણી છે.' - અવનીએ કહ્યું અને અનમોલ અંદરોઅંદર સમસમી ગયો.

'અવની તું બોલવામાં ભાન રાખ. પપ્પા વિશે ગમે તેવું બોલવાનો તને અધિકાર નથી. તારે તારી મરજીની કારકિર્દી બનાવવી હોય તો જાતે બનાવ પણ મારામાં પથ્થરો ના મારીશ.' - અનમોલે કહ્યું.

'હું પપ્પાનું અપમાન નથી કરતી પણ તમને સત્યનું ભાન કરાવું છે. તમે મારી કારકિર્દીની વાત કરો છો ને તો હું મારો ગૃહઉદ્યોગનો વ્યવસાય શરૂ કરી ચુકી છું. દિવાળીના મોટા ઓર્ડર પણ મને મળી ગયા છે. મારી એક ફ્રેન્ડના મકાનમાં અમે આ કામ શરૂ કરી દીધું છે. મને મારા પપ્પાએ કદાચ ભણાવી ઓછું છે પણ ક્યારેય અનિચ્છાએ કામ કરવાનું શીખવ્યું નથી. હું મારો ધંધો કરીને બતાવીશ. તમારામાં તાકાત હોય તો એકાદ પુસ્તક છપાવીને બતાવજો, ત્યારે આપણે વાત કરીશું. કલેક્ટર અનમોલ શર્મા.' - અવની ગુસ્સાથી બોલીને જતી રહી અને અનમોલ ત્યાં જ બગીચામાં બેઠો રહ્યો.

આ ઘટનાને પંદર વર્ષ થઈ ગયા. અવની ક્યારેય અનમોલ સાથે ટ્રાન્ફસર થવા દરમિયાન ગઈ નહીં અને અમદાવાદમાં જ પોતાના ગૃહઉદ્યોગના વ્યવસાયને ઊભો કરવામાં વ્યસ્ત રહી. અનમોલ બધે એકલો જ ફરતો. રજાઓમાં અમદાવાદ અને વડોદરાની વચ્ચે આંટાફેરા કરતો. તેની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. તે પપ્પાને પણ દુ:ખી કરવા માગતો નહોતો. અવનીની આમંત્રણ પત્રિકા જોઈને તેને બધું જ ફરી યાદ આવવા લાગ્યું. તે વિચારોમાં હજી ઉંડો ઉતરે ત્યાં જ દરવાજો ટકોરા પડયા અને અનમોલ તંદ્રામાંથી જાગ્યો. 

'કમ ઈન.' - અનમોલે કહ્યું.

'સાહેબ, દોઢ કલાક ઉપર થયું એટલે હું તેમને જોવા અને ચા-નાસ્તો આપવા અંદર આવ્યો.' - પ્યૂને ચાનો કપ અને નાસ્તાની પ્લેટ ટેબલ ઉપર મુકી.

અનમોલે પ્લેટમાં પડેલા નાસ્તા તરફ નજર કરી અને તરત જ ચમચીથી ચાખી લીધો અને ચાનો ઘુંટડો ભરવા કપ હાથમાં લીધો ત્યાં જ અટકી ગયો. તેણે તરત ફરી બેલ માર્યો.

'જી સર' - પ્યૂને કહ્યું.

'આ નાસ્તો ક્યાંથી લાવ્યો છે' - અનમોલે પૂછયું.

'સાહેબ ચવાણું ભાવ્યું તમને.' - પ્યૂન બોલ્યો.

'હા, સરસ છે.' - અનમોલે કહ્યું.

'સાહેબ, મારી વાઈફ બે દિવસ પહેલાં જ અમદાવાદ ગઈ હતી અને ત્યાંથી લાવી હતી. કોઈ અનમોલ નાસ્તાગૃહ છે. સોરી સર પણ તમારા નામ જેવું જ નામ છે. મારી વાઈફ કહેતી હતી કે, બે દિવસ પછી એ લોકો મોટી દુકાન ખોલવાના છે. ત્રણ માળની દુકાન બનાવી છે. આખો નાસ્તાનો મોલ હોય એવી.' - પ્યૂને કહ્યું. અનમોલે સ્મિત કર્યું અને પ્યૂન જતો રહ્યો.

અનમોલે નાસ્તો અને ચાને ન્યાય આપ્યો અને ઊભો થયો. ઓફિસની બહાર આવ્યો અને પ્યૂનને બુમ મારી.

'સાંભળ મારે એક કામ છે, જોશી સાહેબ આવે તો મને રાત્રે ફોન કરવાનું કહેજે. હું ત્રણ-ચાર દિવસ બહારગામ જાઉં છું. ઝડપથી ગાડી કઢાવ.' - અનમોલે કહ્યું અને પ્યૂન દોડયો.

અનમોલ ઘરે ગયો અને કંઈક કાગળ ઉપર લખ્યું અને કવરમાં મુક્યું અને અમદાવાદ તરફ નીકળી પડયો. પહેલી વખત પોતાના જન્મ દિવસે વડોદરા જવાના બદલે અમદાવાદ પહોંચ્યો. અનમોલ ગૃહ ઉદ્યોગના ઉદઘાટનમાં. અવની પણ અનમોલને જોઈને હરખાઈ ગઈ.

'અવની, તારા સાહસ માટે આ તારી ભેટ.' - અનમોલે એક પેકેટ તેના હાથમાં મુકીને કહ્યું. અવનીએ તરત જ પેકેટ ખોલ્યું. અંદર પેલી ડાયરી અને એક પત્ર હતો.

'પ્રિય અવની, તારા આ સાહસે મારી અંદર રહેલી આત્મને પૂન:જીવન આપ્યું છે. મારી ઈચ્છાઓમાં નવા પ્રાણ પૂર્યા છે. હવે તારી જવાબદારી છે કે, આ કલેક્ટર અનમોલનું પહેલું પુસ્તક ૧૬ ડિસેમ્બરે પ્રસિદ્ધ થાય અને અવની અનમોલ શર્માના હાથે જ તેનું વિમોચન થાય.'