Get The App

શ્રીહરિ નટરાજે એશિયન સ્વિમિંગમાં ભારતની આગવી ઓળખ ઉભી કરી

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
શ્રીહરિ નટરાજે એશિયન સ્વિમિંગમાં ભારતની આગવી ઓળખ ઉભી કરી 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- બેંગાલુરુમાં જન્મેલા 24 વર્ષના શ્રીહરિએ એશિયન એક્વેટિકમાં સાત જુદી-જુદી સ્પર્ધામાં ચંદ્રકો જીતવાની સાથે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો

જિં દગીની રાહમાં ઘણી વખત અનાયાસ જ એવી ઘટમાળ સર્જાઈ જતી હોય છે કે, જેના થકી ઘણા દૂરોગામી અને આશ્ચર્યજનક પરિણામો જોવા મળતાં હોય છે. કોઈ વિશિષ્ટ પ્રતિભાને આકાર મળી રહે તે માટે જ જાણે પરિસ્થિતિ તબક્કાવાર અનુકૂળતા મુજબ ગોઠવાઈ જતી હોય છે અને તેના જ સહારે એક નવા સિતારાનો જન્મ થાય છે, જે પોતાની સફળતા થકી અવનવી ક્ષિતિજોને સર કરવાની સાથે સાથે જ પોતાની માટે વિશિષ્ટ ઓળખ પણ ઉભી કરે છે. જેના થકી નવી પેઢીને માટે તો નવા પડકાર સર્જે જ છે, સાથે સાથે દેશમાં તેની રમતને આગવી લોકસ્વીકૃતિ અને નવો ચાહક વર્ગ પણ મળી રહે છે.

સામાન્ય રીતે વૈશ્વિક સ્પર્ધાઓમાં મોટાભાગે હાંસિયામાં જોવા મળતા ભારતીય સ્વિમરોએ હવે તેમની પ્રતિભાનો ચમકારો દેખાડવાની શરુઆત કરી છે. છેલ્લા બે ઓલિમ્પિકમાં સ્વિમિંગની બહોળી લોકપ્રિયતા ધરાવતી રમતમાં ભારતની ઉપસ્થિતિ ઉડીને આંખે વળગે તેવી રહી છે. વળી, વિશ્વની એલિટ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં અગાઉ જ્યાં ભારતનું નામોનિશાન જોવા મળતું નહતુ, ત્યાં હવે ભારતના સ્પર્ધકો દુનિયાની સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરતાં જોવા મળી રહ્યા છે. ભારતીય સ્વિમિંગમાં છેલ્લા આઠ વર્ષથી સાતત્ય સાથેનો દેખાવ કરી રહેલો બેંગાલુરુનો શ્રીહરિ નટરાજ હવે તેની પ્રતિભાને મુઠી ઉંચેરી સાબિત કરી બતાવી છે.

ભારત તરફથી સ્વિમિંગમાં બબ્બે વખત ઓલિમ્પિક જેવા મહા રમતોત્સવમાં ભાગ લેવાની સિદ્ધિ મેળવી ચૂકેલા શ્રીહરિ નટરાજની કારકિર્દીને ઘરઆંગણે યોજાયેલી ૧૧મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપે નવી જ ઓળખ આપતાં દેશ અને દુનિયાની સામે રજુ કરી છે.  અમદાવાદના આંતરરાષ્ટ્રીય સ્તરના કોમ્પલેક્ષમાં યોજાયેલી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં શ્રીહરિએ તેની વિશિષ્ટ પ્રતિભાનો પરચો દેખાડતાં ત્રણ રજત અને ચાર કાંસ્ય એમ કુલ મળીને સાત ચંદ્રકો જીતવામાં સફળતા હાંસલ કરી હતી. આ સાથે તે ૨૫ દેેશોની સ્પર્ધામાં સૌથી વધુ ચંદ્રકો જીતનારા ટોચના ચાર ખેલાડીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. 

શ્રીહરિના ચંદ્રકોની યાદીમાં સુવર્ણની ઉણપ ઉડીને આંખે વળગે તેવી રહી છે. જોકે એશિયન કે પછી અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતીય સ્વિમર ચંદ્રક જીતે તે જ મોટી ઘટના સમાન હોય છે, ત્યારે એક  જ સ્પર્ધામાં આટલા બધા ચંદ્રક જીતીને તેણે તેનું નામ ભારતીય જ નહીં, પણ એશિયન સ્વિમિંગના ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં અંકિત કરાવી દીધું છે. ભારતીય સ્વિમિંગ જગતમાં શ્રીહરિની ઉપસ્થિતિ છેલ્લા આઠ વર્ષથી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં તેણે કુલ મળીને ૧૪ જેટલા નેશનલ રેકોર્ડ નોંધાવ્યા કે પછી સુધાર્યા છે. જે તેની વિશિષ્ટ પ્રતિભાનું પ્રમાણ રજુ કરી રહ્યા છે.

એશિયન સ્વિમિંગમાં તેણે પહેલા જ દિવસે ત્રણ ચંદ્રકો જીતીને આગવું આકર્ષણ જમાવ્યું હતુ. શ્રીહરિએ ૨૦૦ મીટર બેકસ્ટ્રોક અને ૫૦ મીટર ફ્રિસ્ટાઈલની ઈવેન્ટમાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. જ્યારે દિવસના અંતે યોજાયેલી ૪ બાય ૧૦૦ મીટરની મેડલી ઈવેન્ટમાં ભારતની રિલે ટીમને કાંસ્ય જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આટલું જ નહીં, તે ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ અને બેક્સ્ટ્રોકમાં તેમજ ૪ બાય ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં કાંસ્ય ચંદ્રક જીતનારી ટીમમાં સામેલ હતો. તેણે ભારતને ૪ બાય ૨૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં પણ રજત ચંદ્રક અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. 

શ્રીહરિના રેકોર્ડ ચંદ્રકોને સહારે ભારતે એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપના ઈતિહાસમાં શાનદાર દેખાવ કરતાં ૧૩ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી. ચંદ્રકોની યાદીમાં પણ ભારત ૧૧માં સ્થાને રહેવામાં સફળ રહ્યું હતુ. છ ફૂટ અને ત્રણ ઈંચ ઊંચાઈ ધરાવતા શ્રીહરિની કુશળતા બેકસ્ટ્રોકમાં પ્રભાવશાળી રહી છે. જોકે હવે તે ફ્રિસ્ટાઈલની સાથે સાથે ચાર જુદા-જુદા સ્ટ્રોક્સના કોમ્બિનેશન સમાન મેડલીની મુશ્કેલ ઈવેન્ટમાં પણ દેશના એલિટ સ્વિમરોમાં અગ્રસ્થાન ધરાવે છે.

ભારતીય સ્વિમિંગમાં શ્રીહરિએ આગવો દબદબો સ્થાપિત કર્યો છે. નેશનલ ચેમ્પિયનશિપથી લઈને દર બે વર્ષે યોજાતી નેશનલ ગેમ્સના અંતે શ્રીહરિના ગળામાં સુવર્ણચંદ્રકોનો હાર અચૂક જોવા મળે જ. દેશની ટેક્નોસિટી બેંગાલુરુમાં જન્મેલા શ્રીહરિ માટે સ્વિમિંગ પૂરની રાહ અત્યંત રસપ્રદ રીતે આસાન બની. શ્રીહરિના મોટાભાઈ બાલાજીને શ્વાસ સંબંધિત સમસ્યા રહેેતી અને આ કારણે ડોક્ટરે તેને સ્વિમિંગ કરવાની સલાહ આપી. દરરોજ બંને ભાઈઓને લઈને તેની માતા કલ્યાણી સ્વિમિંગ પૂલમાં જતી. ત્યાં શ્રીહરિને ખોળામાં બેસાડી રાખતી અને બાલાજી સ્વિમિંગ કરતો. આ દિનચર્યાએ જ શ્રીહરિના મનમાં બાળપણથી જ સ્વિમિંગપૂલનું આકર્ષણ જમાવેલું. વળી, ત્યાં દેશના ટોચના સ્વિમરો પ્રેક્ટિસ કરતાં અને તે જોઈને જ શ્રીહરિ મોટો થયો. 

કલ્યાણીએ બાલાજીની સાથે સાથેે નાનકડા શ્રીહરિને પણ સ્વિમિંગપૂલમાં ઉતારવાનો નિર્ણય લીધો, જેથી કરીને તેના ફેફસા મજબૂત બને અને તેની ઓવરઓલ ફિટનેસમાં પણ સુધારો થાય. માત્ર ત્રણ-ચાર વર્ષની ઉંમરે જ સ્વિમિંગ પૂલમાં તરવાનું શીખનારા શ્રીહરિએ પાંચ વર્ષની ઉંમરે તો રેસ જીતવાની શરુઆત કરી દીધી. ધીરે ધીરે તે સ્વિમિંગ પૂલમાં વધુને વધુ સમય મહેનત કરવા લાગ્યો અને નવ વર્ષની ઉંમર સુધીમાં તો તેણે તેના તમામ હરિફોને પાછળ રાખવામાં સફળતા હાંસલ કરી. તે સમયે ૨૦૧૦માં યોજાયેલી જુનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં તે સૌથી યુવા વયનો સ્પર્ધક હતો, પણ તેનો જુસ્સો અને આત્મવિશ્વાસ એક વૈશ્વિક સ્વિમર જેટલો હતો.

રાષ્ટ્રીય સ્તરનો સૌથી પહેલો ચમકારો તેણે ૧૦ વર્ષની ઉંમરે ૨૦૧૧માં યોજાયેલી સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં સુવર્ણ જીતવાની સાથે દેખાડયો. ભારતના યુવા સ્વિમિંગ જગતમાં ખળભળાટ મચાવનારા શ્રીહરિનું સ્વપ્ન હવે દરેક રેસ જીતવાનું રહેતું અને આ કારણે તે સખત મહેનત કરતો. થકવી નાંખનારી તાલીમની સાથે સાથે જીતવાના દબાણને કારણે તેનાં સ્વભાવમાં ચિડીયાપણું પણ આવી ગયું હતુ. આખરે તેના બદલાયેલા સ્વભાવથી પરેશાન માતા-પિતાએ ડોક્ટરની મદદ લીધી. તેમણે શોધી કાઢયું કે, સ્વિમિંગમાં સફળતાના દબાણની અસર તેની જિંદગી પર થઈ રહી છે. આ કારણે ૧૩ વર્ષના શ્રીહરિનું સ્વિમિંગ બંધ કરવાનો નિર્ણય તેના માતા-પિતાએ લીધો. જોકે તેની અવળી અસર તેના અભ્યાસ પર પણ થવા માંડી.

આખરે શ્રીહરિની શાળાના ડાયરેક્ટરે તેના માતા-પિતાને બોલાવીને સમજાવ્યા અને આમ ૧૪ વર્ષના શ્રીહરિને તેનો ગુમાવેલો સ્વિમિંગપૂલ પાછો મળી ગયો. વધુ પરિપક્વતા સાથે પાછા ફરેલા શ્રીહરિ નટરાજે ફરી જયરાજસરના માર્ગદર્શનમાં તાલીમ મેળવવાનું શરુ કરી દીધું અને એક જ વર્ષમાં તેણે નેશનલ રેકોર્ડ સર્જતાં આગવો ઈતિહાસ રચી દીધો. ત્યાર બાદ તો રાષ્ટ્રીય સ્તરે સફળતાનો સિલસિલો આગળ ધપાવતા ભારતીય ટીમમાં સ્થાન મેળવી લીધું. તેણે કોમનવેલ્થ ગેમ્સ,એશિયન ગેમ્સની સાથે સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો. વર્ષ ૨૦૧૯ની સાઉથ એશિયન ગેમ્સમાં તેણે ચાર સુવર્ણ અને બે રજત એમ છ ચંદ્રકો હાંસલ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો.

કોરોનાની મહામારી બાદ ૨૦૨૧માં યોજાયેેલા ટોકિયો ઓલિમ્પિકમાં તે ૧૦૦ મીટરની બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ક્વોલિફાય થયો. આ સાથે ઈતિહાસમાં પહેલીવાર ભારતનો કોઈ સ્વિમર ઓલિમ્પિકમાં તેના પ્રદર્શનને સહારે ક્વોલિફાય થવામાં સફળ રહ્યો હતો. આ પછી તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ૨૦૨૪માં પેરિસ ઓલિમ્પિકમાં યુનિવર્સલ ક્વોટાના સહારે ભાગ લીધો. આમ તેણે સતત બેે ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતના સ્વિમર તરીકેનો અનોખો કીર્તિમાન પણ સર્જ્યો હતો. હવે એશિયન એક્વેટિકની સફળતાના પગલે તેણેે આવતા વર્ષે જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં શાનદાર દેખાવ કરવાની આશા જગાવી છે.