- આજકાલ-પ્રીતિ શાહ
- અત્યંત ધીરજ સાથે અઢાર વર્ષના ઉદય ભાટિયાએ આઠ મહિનામાં હજારો કલાકોની મહેનતથી ચોવીસ પ્રોટોટાઈપ બનાવ્યા અને ત્યારબાદ તેને સફળતા મળી
દિ લ્હીમાં રહેતો ઉદય ભાટિયા નાનપણથી જ ટૅક્નૉલૉજી પ્રત્યે અત્યંત આકર્ષણ ધરાવતો હતો. ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં ઉદયને જ્યારે ભેટ રૂપે કોઈએ નાનકડું ડ્રોન આપ્યું, ત્યારે એને જિજ્ઞાસા જાગી કે આ મશીન કેવી રીતે કામ કરતું હશે અને એમાંથી તેને એ પણ ખ્યાલ આવ્યો કે ટૅક્નૉલૉજીમાં એને ઘણો રસ છે! નાની ઉંમરમાં જ કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કર્યો અને માત્ર ૧૪ વર્ષની ઉંમરે તેણે વીડિયો ગેમ બનાવી! કોરોનાકાળ વખતે પણ ફાઈન્ડઅવરટયૂટર નામનું ઇ-ટયૂટરીંગ પ્લેટફોર્મ બનાવીને વિદ્યાર્થીઓને મદદ કરી હતી. તેને માત્ર સર્કિટ અને કોડ શીખવામાં જ રસ નથી, પરંતુ તે સમાજની સમસ્યા હલ કરવામાં કેટલો મદદરૂપ થઈ શકશે તેનો પહેલાં વિચાર કરે છે. દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપ્યા પછી ઉદય એપ્રિલ ૨૦૨૨માં આસરા ફાઉન્ડેશનના બે દિવસના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના બિચપુરી ગામ ગયો હતો. અહીં બાળકો સાથે વાત કરતા તેને ખ્યાલ આવ્યો કે શિક્ષણ કરતા વિશેષ તો આ ગામમાં વીજળીની સમસ્યા છે. બિચપુરીમાં આશરે આઠથી દસ કલાક વીજળી આવતી નથી, તેથી બાળકો પૂરતો અભ્યાસ કરી શકતા નથી.
દિલ્હીમાં રહેલા ઉદય ભાટિયાને આ જાણીને આંચકો લાગ્યો, કારણ કે જે પ્રાથમિક જરૂરિયાત છે અને શહેરમાં તે સહેલાઈથી મળી રહે છે, ત્યારે ગામડાંઓની તો સાવ જુદી જ પરિસ્થિતિ છે. એ બિચપુરીથી દિલ્હી પાછો આવ્યો, પરંતુ તેના મનમાંથી વીજળીનો અભાવ અને બાળકોના અભ્યાસની સમસ્યાની વાત ખસતી નહોતી. ભારતના ફાયનાન્સીયલ પોર્ટલ મનીકંટ્રોલના એક અહેવાલ પ્રમાણે ઉત્તરાખંડમાં રોજની માંગ કરતાં ચાળીસ ટકા વીજળી ઓછી મળે છે. ઉદય વિચારવા લાગ્યો કે આ લોકો અત્યંત ગરમી કે ઠંડીમાં વીજળીકાપમાં કેવી રીતે રહેતા હશે? ગામડાનાં બધા લોકોને જનરેટર કે ઇન્વર્ટર તો પોષાય નહીં, તેથી તેણે નક્કી કર્યું કે તેમને પોષાય તેવી કિંમતે સમસ્યાનો ઉકેલ લાવશે.
ઉદય ભાટિયાએ યૂટયૂબમાંથી સોલર લાઇટ અને વાટર લાઇટ વિશે જાણકારી મેળવી. ઇલેક્ટ્રોનિક્સનું સામાન્ય જ્ઞાન મેળવ્યું. યૂટયૂબ પર વીડિયો જોઈને બલ્બને કેવી રીતે એસેમ્બલ કરાય અને પલ્સ મોડયુલેશન અલ્ગોરિધમ શીખ્યો. એની પાસે કોઈ મોટી લેબોરેટરી કે મોંઘા સાધનો નહોતાં, પરંતુ તેની જિજ્ઞાસા અને જોશ દરેક સમસ્યાનો ઉપાય શોધી કાઢવા પ્રેરિત કર્યો. સોલ્ડરિંગ આયરન અને તાર સાથે પોતાના ઘરની છત ઉપર વર્કસ્ટેશન બનાવ્યું. મહિનાઓની મહેનત બાદ પહેલો પ્રોટોટાઇપ બનાવ્યો, પરંતુ તેને સંતોષ ન થયો. તેણે એવા બલ્બની કલ્પના કરી કે તેનામાં ઈન્વર્ટર જેવી ક્ષમતા હોય. તેણે પ્રોટોટાઇપ બનાવ્યા, પરંતુ કોઈકમાં અજવાળું ઓછું આવે, તો કોઈકમાં બેટરી જલદી ખતમ થઈ જાય. કોઈમાં બેટરી જ બરાબર ચાર્જ થતી નહોતી.
તેણે પહેલાં જે બલ્બ બનાવ્યો, તેમાં ચાર કલાકનું બેક-અપ હતું. તેણે લિથિયમ આયન બેટરી વાપરી હતી. ઉદયની ઇચ્છા બલ્બ આઠથી દસ કલાક ચાલે તેટલા બેક-અપની હતી અને તે બેટરીની સાઇઝ વધારવા માંગતો નહોતો. તેણે કન્ટ્રોલ સિસ્ટમ પર કામ કર્યું. તેણે જુદી જુદી પદ્ધતિ અપનાવી. તેણે જોયું કે બલ્બની બ્રાઇટનેસ ઓછી કરે તો લાંબા સમય સુધી તે ચાલે છે. તેણે બ્રાઇટનેસના સેટિંગને બદલ્યું અને તેમાં તે સફળ થયો. બલ્બની કિંમત અઢીસો રૂપિયા રાખી. સસ્તા અને અસરકારક બલ્બ બનાવવા, જેથી ભારતનાં દરેક ગામમાં પ્રકાશ પહોંચી શકે તેવી તેની ઇચ્છા પૂર્ણ થઈ. તેના ઇન્વર્ટર બલ્બની શોધયાત્રા જાણીએ, ત્યારે થોમસ આલ્વા એડિસન યાદ આવ્યા વિના ન રહે. અત્યંત ધીરજ સાથે અઢાર વર્ષના ઉદય ભાટિયાએ આઠ મહિનામાં હજારો કલાકોની મહેનતથી ચોવીસ પ્રોટોટાઈપ બનાવ્યા અને ત્યારબાદ તેને સફળતા મળી.
ત્રીસ હજાર રૂપિયા લઈને ટેબલ અને અન્ય જરૂરી સામાન ખરીદી ઉદય ઇલેક્ટ્રીક કંપની શરૂ કરી. કંપનીની ટેગલાઇન રાખી 'બિજલી ગુલ ફિર ભી ઉજાલા ફૂલ.' તેણે પચાસ બલ્બ બનાવ્યા અને તેને વેચવા બજારમાં ગયો. બલ્બ લઈને ગામમાં ગયો, પરંતુ ગામલોકોને વિશ્વાસ ન બેઠો. અઢીસો રૂપિયામાં ઘરમાં ઉજાસ ફેલાયેલો જોઈને ઉદયમાં વિશ્વાસ મૂક્યો. રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્હીની આસપાસનાં ગામોમાં આશરે સાત હજાર બલ્બ વેચ્યા. જે લોકો અઢીસો રૂપિયા પણ આપી શકે તેમ નહોતા તેવા સાડા નવસો લોકોને આસરા ફાઉન્ડેશન દ્વારા બલ્બ દાનમાં આપ્યા. આસરા ફાઉન્ડેશને દહેરાદૂનના કબાડી બજારમાં રહેતા મજૂરોને આ બલ્બ આપ્યા, જ્યાં દિવસના પાંચથી નવ કલાક સુધી વીજળી નહોતી આવતી ત્યાં આ બલ્બથી અજવાળું ફેલાયું અને એ પ્રકાશનો આનંદ લોકોના ચહેરા પર જ્યારે ઉદયે જોયો ત્યારે તેને અવર્ણનીય આનંદ થયો. દુનિયાનો કોઈ આનંદ એની નજીક આવી શકે તેમ નથી તેમ તેને લાગ્યું. તેની ઇચ્છા એવી ટયૂબલાઇટ બનાવવાની છે જે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓમાં મદદરૂપ બને.
ઝૂકવું મારું કામ નહીં
વેંડો કહે છે કે સૌથી મોટી સમસ્યા અપૂરતા સંસાધનોની નથી, પરંતુ તેની સામે કેવી રીતે લડવું તેની માહિતીના અભાવની છે
કે ન્યાની સામાજિક કાર્યકર્તા વેંડો સહર અસ્જેદનો પશ્ચિમ કેન્યાના દૂરના વિસ્તાર રિફ્ટ વેલીમાં ઉછેર થયો. આ ઘણો પછાત વિસ્તાર છે, પરંતુ વેંડો નસીબદાર હતી, કારણ કે એનો જન્મ એક એવા પરિવારમાં થયો કે જે છોકરીઓને અભ્યાસ કરાવવામાં અને સ્વનિર્ભર કરવામાં માનતો હતો. બિઝનેસ મેનેજમેન્ટ અને ફાયનાન્સમાં સ્નાતક થતાંની સાથે જ રિફ્ટ વેલીના નકુરુ શહેરમાં બેંક અધિકારી તરીકે નોકરી મળી ગઈ. નોકરીની સાથે સાથે એક મિત્ર મળ્યો અને તેની સાથે તેણે વેંડોને કહ્યું કે તે તેની સાથે લગ્ન નહીં કરી શકે, કારણ કે તેને થોડા સમય પહેલાં જ ખબર પડી કે તે એચ.આઈ.વી. પાઝિટીવ છે. વેંડોને આ સાંભળીને ઊંડો આઘાત લાગ્યો. એકાદ મહિનામાં જ તેનું મૃત્યુ થયું. વેંડોને આ આઘાતમાંથી બહાર નીકળતા સમય લાગ્યો, પરંતુ જ્યારે જ્યારે કોઈ વ્યક્તિને એચ.આઈ.વી. અઇડ્સથી મૃત્યુ પામતાં જોતી ત્યારે તેમાં તેને તેના મિત્રનો ચહેરો દેખાતો.
બેંકની નોકરી પૂરી થયા પછી ઘરે જવા નીકળતી ત્યારે આસપાસના ગામમાં-ઘરમાં પહોંચી જતી અને મહિલાઓ તેમજ બાળકીઓ, યુવતીઓ સાથે આરોગ્ય અંગે વાતો કરતી અને તેઓને જાગૃત રહેવાની સલાહ આપતી. એણે જોયું કે એચ.આઈ.વી.ગ્રસ્ત લોકોમાં મોટાભાગે યુવાન મહિલાઓ છે. તે સતત વિચારવા લાગી કે નોકરી કરીને તેણે પોતાની જિંદગી વધુ એશઆરામભરી જીવવી છે કે સેંકડો કિશોરીઓ અને મહિલાઓને નરકભરી જિંદગીમાંથી બહાર કાઢવા કંઈક કરવું છે? છેવટે ૨૦૦૯માં વેંડો અસ્જેદે બેંકની નોકરી છોડીને એચ.આઈ.વી. ગ્રસ્તોને જાગૃત કરવાનું નક્કી કર્યું. તેણે 'ડેંડલાયન આફ્રિકા' નામના સંગઠનની ૨૦૦૯માં સ્થાપના કરી. ફાર્મ મેનેજર પતિએ સાથ આપ્યો, પરંતુ આર્થિક મુશ્કેલી એવી કે બાળકોની ફી માંડ ભરી શકાતી હતી.
એક સમય એવો આવ્યો કે તેને એમ લાગવા માંડયું કે પોતાની આ સેવાકાર્યનો કારણે પરિવાર મુશ્કેલીમાં મૂકાયો. એ ડેંડલાયન આફ્રિકા બંધ કરવાનું વિચારતી હતી, ત્યારે જ કેન્યા સરકારે તેને સાડા ત્રણ હજાર ડોલરની સહાય કરી. આ સહાયથી એચ.આઈ.વી. સંક્રમિત લોકોની તપાસ અને કાઉન્સેલિંગનું કામ થઈ શક્યું.
ડંડેલાયન આફ્રિકાનું લક્ષ માતા અને બાળકના આરોગ્ય પર વિશેષ છે. વેંડો અસ્જેદ નકુરુ, બારીંગો, કાજીસાદો અને નારોક જેવા ગ્રામીણ વિસ્તારોમાં કામ કર્યું. પ્રસૂતિ સમયે માતા અને બાળકોનો મૃત્યુદર ઊંચો હોવાથી મેડિકલ સેન્ટર ઊભા કર્યા, આ ક્ષેત્રમાં અધિકારીઓ સાથે સ્ત્રી તરીકે કામ કરવામાં મુશ્કેલી પડતી. મેડિકલ સેન્ટરની સ્થાપના વખતે એક સ્થાનિક અધિકારીએ ડાક્ટર્સ, નર્સ અને તેમના યુનિફોર્મ ધોવાના ખર્ચ વિશે વાત કરી, ત્યારે વેંડોએ ઇન્કાર કર્યો, ત્યારે અધિકારીએ કહ્યું કે તેમની જાતિમાં કોઈ સ્ત્રી આવી રીતે વાત કરે તો તેને તેઓ તમાચો ચોડી દે. ત્યારે વેંડોએ વળતો જવાબ આપતાં કહ્યું કે, 'અમારી જાતિમાં કોઈ પુરુષ સ્ત્રીને મારે તો તેને મારી નાખીએ.' વેંડોની મક્કમતા અને દ્રઢ સંકલ્પ જોઈને ક્લિનિક સ્થાપવાની વાત આગળ ચાલી.
તેઓ જ્યારે સ્કૂલોમાં છોકરીઓને સેનિટરી પેડ આપવા જતાં, ત્યારે છોકરાઓએ તેમને કહ્યું કે એકલી છોકરીઓને શું શીખવો છો? સામાજિક સ્તર પર છોકરાઓ નિર્ણય લે છે તો તેમને ન શીખવવું જોઈએ? વેંડોને તેમની વાત સાચી લાગી. તેઓ ગર્લ્સ ફૉર લીડર્સ અંતર્ગત સ્ત્રીઓને જાતીય શિક્ષણ, બાળલગ્ન, વહેલી ગર્ભાવસ્થા, કુટુંબ નિયોજન અને સૌથી વધુ તો ફિમેલ જેનિટલ છેદનની સમસ્યાઓ વિશે સમજાવે છે. પાસઠ સ્કૂલોમાં અને સાડા આઠ હજાર છોકરીઓ સાથે કામ કરે છે. ચારસો સ્ત્રીઓ જુદા જુદા ક્ષેત્રમાં નેતૃત્વ સંભાળે છે. બોયઝ ફૉર ચેન્જ કાર્યક્રમમાં સાત હજાર છોકરાઓને સમાજમાં પુરુષોનો રોલ શું છે, સ્ત્રીઓના રોગો અને તેની સમસ્યાઓ વિશે જાણકારી આપે છે જેથી તેઓ પોતાની માતા અને બહેનની સમસ્યાને સમજી શકે. તેમણે બેકપેક નર્સનું મૉડલ વિકસાવ્યું છે બેકપેક સ્પસ અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ પ્રમોટર કામ કરે છે. દૂરના વિસ્તારમાં કોઈ દર્દી હોય તો હેલ્થ પ્રમોટર બેકપેક નર્સને વાત કરે છે અને નર્સ મોટરબાઈક પર દવાઓ, વેક્સિન, કોન્ટ્રાસેપ્ટિવ તેમજ માતા અને બાળકને ઉપયોગી તમામ દવાઓ લઈને દર્દી પાસે પહોંચે છે. તેઓ મહિલાઓને રોજગાર માટે કૌશલ્ય શીખવે છે. તે ઉપરાંત ઓર્ગેનિક ખેતી વિશે તાલીમ આપે છે. વ્યવસાય કરવા માટે દસ હજાર રૂપિયાની સહાય કરે છે. કોમ્યુનિટી પુસ્તકાલયો અને યુથ સેન્ટરની રચના કરી છે. આજે ડંડેલાયન આફ્રિકામાં અઢી હજાર સામુદાયિક સ્વાસ્થ્ય કર્મચારીઓ કામ કરે છે. દસ હજાર ગ્રામીણ મહિલાઓને પોતાનું કામ કરવામાં મદદ કરી છે. અઢી લાખ મહિલાઓ અને યુવકોને ગર્ભનિરોધક સાધનો પૂરા પાડયા છે. વેંડો કહે છે કે સૌથી મોટી સમસ્યા અપૂરતા સંસાધનોની નથી, પરંતુ તેની સામે કેવી રીતે લડવું તેની માહિતીના અભાવની છે.


