Get The App

મોહાસ્ત્રને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરતું શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર!

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
મોહાસ્ત્રને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરતું શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- 'શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે.' અથવા અન્ય સ્થળે કહ્યું છે. વર્તમાનમાં બાળક થાવ, સત્યમાં યુવાન થાવ, જ્ઞાનમાં વૃદ્ધ થાવ.'

શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચનાની પૂર્વભૂમિકા રૂપે આપણે જોયું કે શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મતત્વાર્થની ઓળખ આપતો છ પદનો પત્ર સૂત્રાત્મકશૈલીમાં શ્રી લલ્લુજી મુનિને મોકલ્યો હતો અને એ છ પદ અંગે વિચારવાથી જીવ કઈ રીતે સમ્યક્દર્શન પામી શકે એની સ્પષ્ટ અને ક્રમિક સમજ આપી હતી. આ પત્ર અંગે પ્રતિભાવ આપતા મુનિશ્રી લલ્લુજીએ કહ્યું, 'જીવને યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો આ અદ્ભુત પત્ર છે.' 

વિ. સં. ૧૯૫૨ના એ સમય દરમિયાન ભાદરવા-આસો મહિનામાં શ્રીમદ્ રાજચંદ્ર ગુજરાતના જંગલોમાં આત્મધ્યાન કરતા હતા. તેઓ આવા ક્ષેત્રમાં એકલા વિચરતા હતા અને ત્યાંથી આણંદ થઈ શ્રીમદ્જી નડિયાદમાં આવ્યા. અહીં એમણે મુનિશ્રી લલ્લુજી પર લખેલા છ પદના પત્રની નકલ શ્રીમદે શ્રી સોભાગભાઈને મોકલી. તેનો મુખપાઠ કરી વારંવાર એના વિશે વિચારવા આજ્ઞા કરી હતી. શ્રી સોભાગભાઈને વૃદ્ધાવસ્થાને કા૨ણે ગદ્યમાં લખાયેલો છ પદનો પત્ર કંઠસ્થ કરવામાં મુશ્કેલી પડતી હતી. આથી શ્રીમદ્ને પદ્ય રૂપે લખી મોકલવા વિનંતી કરી, જેથી સરળતાથી યાદ રહે અને કંઠમાં રમ્યા કરે તેમજ હૃદયમાં વસી જાય. 

શરદપૂર્ણિમાને દિવસે જે મધુબિંદુ છીપમાં પડે તે મોતી બને છે, તેમ આ વિનંતી એવા સમયે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમદ્ના હૃદયમાં 'આત્મસિદ્ધિ- શાસ્ત્ર' રૂપ અમૂલ્ય મોતી ઉત્પન્ન કરવા સમર્થ બની. 

નડિયાદમાં આ ઘટના બની. આસો વદ એકમના દિવસે શ્રીમદ્ સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને શ્રીમદ્ રાજચંદ્રએ પોતાની સાથે રહેલા અધ્યાત્મ પુરુષ મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને કહ્યું, 'અંબાલાલ ! ફાનસ લે.' 

શ્રી અંબાલાલભાઈ ભક્તિપૂર્વક હાથમાં ફાનસ ધરીને ઊભા રહ્યા. શ્રીમદે મેજ પર રાખેલા કાગળો પર લખવા માંડયું. પ્રેરણાનો અદ્ભુત સ્રોત વહેવા લાગ્યો. ગહન જ્ઞાનનું ઝરણું અસ્ખલિતરૂપે વહેવા લાગ્યું. જાણે ઊર્ધ્વ આધ્યાત્મિક ભાવરૂપી કલમથી, ગહન ચિંતનના નવનીતરૂપ શાહીથી, આતમને જગાડનારી અને ઓળખાવનારી કાવ્યપંક્તિઓ પ્રગટવા લાગી. માત્ર દોઢ કલાક જેટલા ટૂંકા સમયમાં ષડ્દર્શનના સાર સમી આત્મસિદ્ધિનું એક જ બેઠકે સર્જન થયું. 

આવું એ સહજ સર્જિત શાસ્ત્ર છે. પોતાની પાસે સત્વ અને સત્યની ગુલાબી સુવાસ હોય ત્યારે ગુલાબનું અત્તર લગાડવું શા માટે ? કવિ કાલિદાસે એના નાટક 'અભિજ્ઞાન શાકુન્તલ'માં કહ્યું છે,    'न प्रभा तरलं ज्योतिंरुदेति वसुधातलात् ।' અર્થાત્ 'તેજથી દૈદીપ્યમાન વીજળી પૃથ્વીતળ પરથી ઉત્પન્ન થતી નથી.' વીજળીનો ચમકાર જેમ આપોઆપ થાય છે, તે રીતે 'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'નું આપોઆપ પ્રાગટય થયું છે. 

આથી જ આ શાસ્ત્રને 'અનાદિ મોહનિદ્રામાંથી જગાડનાર, વિસારી મૂકેલાનું સ્મરણ કરાવનાર, અંતર્ધાન થઈ ગયેલા આત્માને પ્રગટ કરનાર અને મોહાસ્ત્રને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરવાનું રહસ્ય દર્શાવનાર પરમ પવિત્ર, નિર્મળ, નિર્દોષ શાસ્ત્ર કહેવાય છે.' 

'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' વિશેનાં આ વચનો એ માત્ર વાક્યો નથી, પરંતુ સાધકના શ્વાસરૂપ અનુભૂતિ એમાં છે. આ આત્મસિદ્ધિશાસ્ત્ર એ 'ત્રીજા નેત્રની પ્રસાદી' છે. કોઈ શાસ્ત્રગ્રંથમાં રજૂ થયેલા તર્કને ટેકાની જરૂર પડે, જ્યારે આ ગ્રંથમાં પ્રગટેલા આત્માનુભવને કોઈ આધારની જરૂર નથી. કવિતા અને અધ્યાત્મ બંને અહીં એકરૂપ થઈ ગયા છે અને તેથી અંતરની ઊર્ધ્વ ઊર્મિ આત્મજ્ઞાનના શિખર પર પલાંઠી લગાવીને અહીં અધ્યાત્મનો અર્ક આપે છે. 

જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; 

નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. 

આમ 'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'નું સર્જન નથી થયું, શ્રવણ થયું છે. અહીં કોઈ વક્તા કે આલેખક નથી, માત્ર શ્રોતા છે એટલે કે વક્તા હોય તો એ શબ્દો ગોઠવે, લેખક હોય તો શબ્દો રચે, જ્યારે આત્મસિદ્ધિ એ લખાઈ નથી, પણ પ્રગટ થઈ છે. જેમ ભગીરથના કલ્યાણ માટે ભાગીરથી એટલે ગંગાનું અવતરણ થયું હતું એવું એનું અવતરણ થયું છે. જરા એ અવતરણ પૂર્વેની શ્રીમદ્ રાજચંદ્રજીની જીવનચર્યા જોઈ લઈએ. 'આત્મસિદ્ધિશાસ્ત્ર'ની રચનામાં આત્મપ્રતીતિ, આત્માનુભવ અને આત્માનંદ એ ત્રણેયનો સુભગ સમન્વય થયો છે. જે દિવસે નડિયાદમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ, એ જ નડીયાદમાં નવેક દિવસ બાદ શ્રી લઘુરાજ સ્વામીને લખેલા પત્રમાં શ્રીમદ્ રાજચંદ્ર જાણે એનો મર્મ સંક્ષેપમાં આલેખે છે. તેઓ લખે છે, ''અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ ક૨વો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.'' આથી જ છ પદના પત્રમાં આત્મા અને મોક્ષ વિશે લખ્યું છે તે સહજોદગારરૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કાવ્યસ્વરૂપે સૂચવે છે. 

એમાં સરળતાની સાથે અર્થગહનતા છે, સંક્ષેપની સાથે સચોટતા છે, ગહન જ્ઞાનની સાથે સુગમ અભિવ્યક્તિ છે અને ગંભીર અધ્યાત્મ આલેખન સાથે હૃદયસ્પર્શી મધુરતા છે. એની એક એક ગાથા આજના સમયને લક્ષનારી છે અને વધુ તો આત્માર્થીના લક્ષણને બતાવનારી છે. આ ગ્રંથ જ્ઞાનનો પ્રકાશ પાથરે છે અને મોક્ષમાર્ગની દીવાદાંડી દર્શાવે છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની પ્રત્યેક ગાથા આત્માર્થીના લક્ષને દર્શાવવાની સાથોસાથ આત્મસિદ્ધિનો પથ સર્જે છે. જગતને રૂડું દેખાડવાની વાત નથી, પરંતુ આત્માને રૂડું દેખાડવા માટેનું અનુભવજ્ઞાન આપે છે. એની સુખધામની શોધ પણ પદાર્થ કે બાહ્ય જગતમાં નહીં, પરંતુ પોતાના આત્મામાંથી આવે છે અને આ સુખધામ એવું છે કે જેમાં ક્ષણેક્ષણે સુખની અનુભૂતિ થતી રહે છે. 

૧૪૨ દોહરામાં સરળ, મધુર ભાષામાં આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપનું આમાં યથાર્થ નિરૂપણ મળે છે, જે સમય જતાં મુમુક્ષુના હૃદયની અમૃતવેલ બની જાય છે. 

'આત્મસિદ્ધિશાસ્ત્ર'ના સર્જનમાં પરમાર્થ સંબંધી નિશ્ચય, સરળતા અને મુમુક્ષુ પ્રત્યે પર ઉપકારકતા આદિ ગુણો ધરાવતા પરમ સખા સોભાગભાઈ માટે લખાયેલી આ કૃતિ મુમુક્ષુઓ માટે પરમસખા જેવી બની ગઈ. આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રી સૌભાગભાઈની અપ્રત્યક્ષ ઉપસ્થિતિ છે. આમ સોભાગભાઈના નિમિત્તે અધ્યાત્મજ્ઞાનના કીર્તિકળશરૂપ મુમુક્ષુઓને કલ્યાણદાયી અને ચિરંજીવ કૃતિ બની ગઈ. 

માત્ર ભવની પરેશાનીનો જ ક્ષય ન થયો, પરંતુ ભવદુ:ખ ક્ષય થાય તેવું ઔષધ મળી ગયું. વયોવૃદ્ધ મુમુક્ષુ સોભાગભાઈના નિમિત્તે કાળ, વય, સમય, જમાનો એ સર્વને પાર કરી જતી અમૃતમય કૃતિ પ્રાપ્ત થાય છે. કોટિ કોટિ જન્મોની સાધના પછી માંડ અધ્યાત્મનું એક મોતી હાથ લાગે, ત્યારે અહીં સોભાગભાઈ માટે પ્રગટેલું મોતી મુમુક્ષુઓને મુક્તમાર્ગનો મહાસાગર બતાવી ગયું - 

અઢી હજાર વર્ષ પહેલા ભગવાન મહાવીરે આત્મધર્મની ઘોષણા કરી હતી. વીતરાગના એ માર્ગને આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા ફરી કૃપાળુદેવે બતાવ્યો. કેવું છે આ શાસ્ત્ર ? 

'અનાદિ મોહનિદ્રામાંથી જગાડનાર, વિસારી મૂકેલાનું સ્મરણ કરાવનાર, અંતર્ધાન થઈ ગયેલા આત્માને પ્રગટ કરનાર અને મોહાસ્ત્રને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરવાનું રહસ્ય દર્શાવનાર આ પરમ પવિત્ર, નિર્મળ, નિર્દોષ શાસ્ત્ર છે.'

આનંદઘનજી 'કુંથુજિન મનડું કિમ હિન બાઝઇં' કહીને મનોવિજયની વાત કરે છે. એમના પારિભાષિક શબ્દો એ અધ્યાત્મના પારિભાષિક શબ્દો છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર જૈન પરિભાષા ખરી, પણ એની જગતને સ્પર્શવાની શક્તિ છે. જેમકે એમાં કહેવાયું છે - 

'શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે.' અથવા અન્ય સ્થળે કહ્યું છે. વર્તમાનમાં બાળક થાવ, સત્યમાં યુવાન થાવ, જ્ઞાનમાં વૃદ્ધ થાવ. 

લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું હોય છે, જ્યારે અલૌકિક દ્રષ્ટિમાં ૫૨માર્થનું મુખ્યપણું હોય છે. એ વિશે હવે પછી જોઈશું.