Get The App

જીવનયાત્રા પર શ્રદ્ધા રાખો .

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
જીવનયાત્રા પર શ્રદ્ધા રાખો                                         . 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

જીવન પીડાકારક છે, બદલાહટ પીડાકારક છે, વિકાસ પીડાકારક છે. પણ આખરે તમે જેના માટે નથી બન્યા, તમે જ્યાંના નથી તેને વળગીને રોકાઇ રહેવાથી વધારે પીડાકારક બીજું કશું નથી. 

- માર્ક અને એન્જલ શેર્નોફ

આપણે સૌએ અનુભવ્યું કે વિ.સં. ૨૦૮૧ના વર્ષના  દિવસો મુઠ્ઠીમાંની રેતી જેમ સરી ગયા. આપણા ચેકલિસ્ટ કે બકેટલિસ્ટમાં ખાસ ટીક ન કરી શક્યા. આપણી દિનચર્યા કે સમયપત્રકની બહાર ન જવાયું. અરે, આપણે સ્વયં જ આપણી બહાર કે પાર ન જઈ શક્યા. આપણી મર્યાદાને  ઓળંગી ન શક્યા. જેમ્સ પી. કાર્સ કહે છે કે 'આપણી સીમિત રમતો જીતી શકાય તે માટે આપણે અસીમ રમતો રમ્યા કરવાની હોય છે. અને જીવન આવી જ અસીમ રમત છે અને તેને અથાક રમ્યા  કરવાની છે.' જીવન કોઈ સરકારી કે બંધારણીય દસ્તાવેજ નથી કે તેમાં કોઈ ફેરફાર ન થઈ શકે. જીવનમાં તો દ્રષ્ટિકોણ બદલાવવાનો છે, ખોટી બારી છોડી સાચી બારીએ આવીને નિરખવાનું છે. કાયમ ગણગણતા ગીતને બદલી નાખવાનું છે. નિયમિત ચાલતા હોય તેને બદલે નવી કેડી પસંદ કરવાની છે.

માર્ક અને એન્જલ શેર્નોફ નામના બે સહ-લેખકો કે  મિત્રોનું આ અંગે ખૂબ ચિંતન-લેખન છે. તેમનો ગમતો વિષય છે, હાઉ ટુ હેક લાઈફ ? તે બંને જીવન શાળાના ફુલ ટાઈમ વિદ્યાર્થીઓ રહ્યા છે. અલબત્ત, હવે આ મૈત્રી ખંડિત થઈ છે. માર્કે પોતાના નેવુંમે વરસે જીવનને છલોછલ માણવામાં વચ્ચે આવતા અવરોધોની યાદી આપેલી. આ વરસના છેલ્લા દિવસોમાં તેના પર નજર ફેરવીએ.

- પ્રથમ પગલાની પૂર્ણતાનો  કે પગલે-પગલાની વિગતોનો આગ્રહ ન રાખો

- હું બધું બદલીશ અને બધાનો ઉકેલ લાવીશ, બધું મારા તાબામાં જ છે તેવો ભ્રમ ન રાખો.

- આખા વર્ષનો છલોછલ પ્લાન કે પ્રોજેક્ટ વાળું કેલેન્ડર ન રાખીએ અને છતાં પણ હોય તો સરેરાશ દિવસની નિષ્ફળતાઓ અને હતાશાનો સ્વીકાર કરો.

- અન્યના ન્યાયાધીશ કે મસીહા ન બનો.

- વસ્તુઓના ઝગમગાટથી,  આંકડાઓની માયાજાળથી અને છીછરા સંબંધોથી દૂર રહો.

તેઓ કહે છે કે આપણા જીવનની દરેક વસ્તુઓ કે ઘટનાઓનો અર્થ આપણે આપવાનો હોય છે-આપણે આપીએ તે હોય છે. આપણાં બગીચાના ઘાસની લીલાશ  વધારવામાં આપણે વ્યસ્ત રહેવાનું છે. અન્યના બગીચાના ઘાસની લીલાશ નોંધવાનો આપણી પાસે સમય જ ક્યાં છે. મોટાભાગે આપણને : સ્પર્શ અને સ્મિતની, ભલા શબ્દો અને ભલુ સાંભળતા કાનની, આત્મનિષ્ઠ શુભેચ્છા અને પ્રેમસભર એકાદ નાનકડા કૃત્યના મૂલ્યને ઓછું આંકીએ છીએ.

તે બન્ને  કલ્યાણમિત્ર  જેમ આપણું  ધ્યાન દોરતા કહે છે, તમારી શ્રદ્ધા પર સંદેહ કરવાને બદલે તમારા  સંદેહ પર જ સંદેહ કરો. પણ હા, તમારી જીવન યાત્રા પર શ્રદ્ધા રાખો ભલે તમને તે ન સમજાય. ક્યારેક તમે ન ધારેલું કે ન ઈચ્છેલું  પણ તમારી માટે મૂલ્યવાન બની રહેશે.

આવો, આ વર્ષના સામાન જેવા  બની ગયેલ સ્વ અને તેના ઇતિહાસને ખભ્ભેથી ઉતારી નવા વર્ષની નવી રમત આરંભીએ...