Get The App

બ્રાયન લારાની આંખના આંસુ હજી સૂકાયાં નથી! .

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
બ્રાયન લારાની આંખના આંસુ હજી સૂકાયાં નથી!                     . 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- લારા એ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સદી, બેવડી સદી, ત્રેવડી સદી, ચારસો રનની સદી અને પાંચસો રનની સદી કરનાર આ એક માત્ર બેટ્સમેન છે...

ભા રત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં ખેલાતી ટેસ્ટમેચ સમયે વેસ્ટ ઇન્ડિઝની કંગાળ બેટિંગનો સિલસિલો જોઈને વેસ્ટ ઇન્ડિઝના વિક્રમસર્જક બેટ્સમેન બ્રાયન લારાનું સ્મરણ થયું. એક વાર આ જ અમદાવાદનાં એચ.એલ. કોમર્સના ગ્રાઉન્ડ પર વેસ્ટ ઇન્ડિઝના સુકાની ફ્રેન્ચ વોરેલની રેશમી છટાવાળી બેટિંગ જોઈ હતી. એ પછી તો વેસ્ટ ઇન્ડિઝે ગેરી સોબર્સ, વેસ્લી હોલ, વિવિયન રીચાર્ડ્સ જેવા કેટલાય સમર્થ અને શાનદાર ખેલાડીઓનો કાફલો ક્રિકેટના મેદાન પર ઉતાર્યો. વેસ્ટ ઇન્ડિઝની ઝડપી ગોલંદાજી કે ઝંઝાવાતી બેટિંગ બંન્નેએ ભારતમાં અને વિશ્વમાં પોતાનો ડંકો વગાડયો, પરંતુ વિવિયન રીચાર્ડ્સની પેઢીની વિદાય પછી આવે છે દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાનો જમાનો.   

લારા એ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સદી, બેવડી સદી, ત્રેવડી સદી, ચારસો રનની સદી અને પાંચસો રનની સદી કરનાર આ એક માત્ર બેટ્સમેન છે. ૧૦,૦૦૦ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી દસ હજાર ૨ન કરનાર બ્રાયન લારાએ એક ટેસ્ટમાં અણનમ ૪૦૦ રન કર્યા છે અને પ્રથમ કક્ષાના ક્રિકેટમાં અણનમ ૫૦૦ એક રન કર્યા છે અને આ બંને અણનમ જુમલાના વિક્રમ આજે પણ અતૂટ છે. રેકોર્ડ્સની દ્રષ્ટિએ     જોઈએ તો ટેસ્ટ ક્રિકેટમાં એક વાર ૩૭૫ અને બીજી વાર અણનમ ૪૦૦ રન એમ બે વખત ૩૫૦ રનને પાર કરી જનારો બ્રાયન લારા વિશ્વનો એક માત્ર બેટ્સમેન છે. એણે એની કારકિર્દીમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી ૩૪ ટેસ્ટ સદી તથા વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટેસ્ટમાં ૧૧૯૫૩ રન કર્યા અને આ એનો વિક્રમ હજી સુધી કોઈ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી નમાવી શક્યો નથી. 

આવા અનેક વિશ્વવિક્રમોનો ધારક બ્રાયન લારાને એની સિદ્ધિઓથી કોઈ વિશેષ આનંદ થતો નહોતો. પોતાની અંગત સિદ્ધિથી એને સાંત્વના મળતી, પરંતુ એની સાથોસાથ ટીમના ઘોર પરાજયથી પારાવાર વેદના થતી હતી. આમ આશીર્વાદ અને અભિશાપ એ બંનેનો એ એક સાથે અનુભવ કરતો હતો. એણે હંમેશા પોતાની ટીમ માટે રન કર્યા અને જ્યારે જ્યારે સહેજ સ્વાર્થી વિચાર કરીને પોતાની અંગત સિદ્ધિ માટે યા વિશિષ્ટ સન્માન માટે ખેલ્યો, ત્યારે એ નિષ્ફળ ગયો. આથી એ માને છે કે ક્રિકેટ એ તમારી એકલાની ૨મત નથી. તમારા અંગત માન-સન્માનની રમત નથી, તમારી સિદ્ધિઓ માટેનો ખેલ નથી. 

આના સંદર્ભમાં એ કહે છે કે ગોલ્ફ કે ટેનિસ જેવી ૨મત તમે ૨મો, ત્યારે એમાં અંગત સિદ્ધિનો મહિમા હોય છે, તો ક્રિકેટમાં ટેનિસની જેમ 'ગ્રાન્ડ સ્લામ' હોતા નથી અથવા તો કોઈ વ્યક્તિગત વિજેતા હોતો નથી. આથી જ ક્રિકેટ એ સામૂહિક પ્રયત્નોની અભિવ્યક્તિ છે અને એવું ન થાય તો એ કશું નથી. 

વેસ્ટ ઇન્ડિઝના ભવ્ય અને ગૌરવશાળી ઇતિહાસની સાથે ટીમનું નેતૃત્વ સંભાળનારા બ્રાયન લારાએ વ્યક્તિગત સિદ્ધિઓનો ખડકલો કર્યો, પરંતુ એક ટીમ તરીકે ઘોર પરાજયનો અનુભવ કર્યો. ક્રિકેટશોખીન તરીકે જરૂ૨ તમને આશ્ચર્ય થાય કે વેસ્ટ ઇન્ડિઝનું વિશ્વના શિખરે બિરાજેલું ક્રિકેટ શા માટે આવું જમીનદોસ્ત થઈ ગયું ? એનું એક કારણ જુદા જુદા ટાપુઓનાં ખેલાડીઓ વચ્ચે એકતા સાથે એવી ફ્રેન્ક વોરેલ જેવી પ્રતિભા નહોતી. એનું બીજું કારણ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ બોર્ડનું રાજકારણ છે અને ત્રીજી બાબત ક્રિકેટમાંથી વધુને વધુ કમાણી કરવાનો ખેલાડીઓનો પ્રયત્ન છે અને ચોથી બાબત એ છે કે વેસ્ટ ઇન્ડિઝનો યુવા વર્ગ ક્રિકેટ છોડીને વધુને વધુ ફૂટબોલ તરફ વળી ગયો. 

એંસીના દાયકામાં ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે એક પણ ટેસ્ટમાં વિજય મેળવી શકી નહોતી, પરંતુ એ પછી બ્રાયન લારાની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ સામે ૨માયેલી આઠ ટેસ્ટમાંથી સાત ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝનો ઘોર પરાજય થયો. બ્રાયન લારા આ હકીકત ખેલદિલીપૂર્વક સ્વીકારતો હતો અને વિચારતો પણ હતો કે અગાઉનાં ધૂરંધર ખેલાડીઓ જ્યારે એની ભવ્ય બેટિંગ વિશે વાત કરતા હશે, ત્યારે એમ પણ કહેતા હશે કે એની આગેવાની હેઠળ વેસ્ટ ઇન્ડિઝની ટીમે ઘણા પરાજયો પણ મેળવ્યાં. 

લારાએ જોયું કે એના સમયના ઘણા ખેલાડીઓ આ રમત પ્રત્યે જુદી દ્રષ્ટિએ જોવા લાગ્યા હતા. અગાઉના જમાનામાં ક્રિકેટ૨ને બહુ ઓછી ૨કમ મળતી હતી અને એ પછીના જમાનામાં ક્રિકેટ૨ને ઘણી ૨કમ મળવા લાગી. કોઈ ક્રિકેટરે આખીય કારકિર્દીમાં જેટલી રકમ મેળવી હોય એટલી ૨કમ એ ત્રણ ટેસ્ટ મેચમાં મેળવવા લાગ્યો. ખેલાડીનાં થોડાક મહિનાની કમાણી એ મહાન ખેલાડી વિવિયન રિચાર્ડ્સની આખીય કારકિર્દીની કમાણી બરાબર થતી હતી, પરંતુ અગાઉનાં ખેલાડીઓ લારાના કહેવા પ્રમાણે ધનથી સમૃદ્ધ નહોતા, પણ ધ્યેયની બાબતમાં સુદ્રઢ હતા. ઝઝૂમવામાં માનતા હતા અને ભારે પ્રેરણાથી ખેલતા હતા. 

જ્યારે પછીનાં ખેલાડીઓને ઘણી મોટી રકમ મળવા માંડી, ખૂબ ઝડપથી મળવા માંડી અને આથી તેઓ કઈ મેચ ખેલવી અને કઈ મેચ ન ખેલવી એવું વિચારવા લાગ્યા. આ પરિસ્થિતિએ બ્રાયન લારાને ભારે વ્યથિત કરી દીધો. એનું કારણ એ હતું કે એની પાસે કમાણીને બદલે ક્રિકેટ માટે આત્મસમર્પણ કરનારા ખેલાડીનો પૂર્વેનો ભવ્ય ઇતિહાસ હતો. આવા કમાણીના કાળમાં બ્રાયન લારાને ખેલવાનું આવ્યું અને સાથોસાથ અફસોસ અનુભવવાનો આવ્યો. એણે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ માટે ૧૭ વર્ષ આપ્યાં. જોકે 'આપ્યાં'શબ્દ પણ એને ગમતો નથી. વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટે અને એના દર્શકોએ એને ઘણો પ્રેમ આપ્યો અને એનું સ્વપ્ન સાકાર થાય તે માટે સહાય કરી, તે બદલ આભારનો ભાવ અનુભવે છે. 

કોઈએ લારાને પ્રશ્ન કર્યો કે, 'તમે તમારી ટીમને ખાતર તમારા વિક્રમોને બાજુએ હડસેલી શકો ખરા ?' અને ત્યારે લારાનો ઉત્તર હતો કે, 'એ જરૂર આમ કરી શકે.' એણે કહ્યું કે, 'સચિન તેંદુલકર પણ એને બીજો વર્લ્ડ કપ મળી શકે તેમ હોય તો એની ઘણી સદી જતી કરે. માત્ર લારાને અફસોસ એ છે કે વિવિયન રિચાર્ડ્સના સમયમાં એ ખેલતો નહોતો. એનો સમય, એના પ્રેક્ષકો અને એની મથામણ સાવ જુદી હતી. 

એ સ્વીકારે છે કે ઇંગ્લેન્ડ પાસેથી એને જેટલી સિદ્ધિઓ મળી એટલી જ અસિદ્ધિઓ પણ મળી. એક અર્થમાં એ એનું મોટાભાગનું ક્રિકેટ કહીએ તો ઇંગ્લેન્ડ સામે રમ્યો. એને પાંચ વખત 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ મળ્યો. એમાં ચાર વખત ટેસ્ટમાં અને પાંચમી વખત વન-ડેમાં મળ્યો, પરંતુ આ પાંચેય ખિતાબ બ્રાયન લારાએ ઇંગ્લેન્ડ સામે ૨મીને મેળવ્યા છે. એવી જ રીતે એ એક વાર 'મેન ઓફ ધ સિરીઝ' થયો. ૧૯૯૫માં ઇંગ્લેન્ડમાં વેસ્ટ ઇન્ડિઝની શ્રેણી વખતે એને અને ઇંગ્લેન્ડના માઇકલ આર્થરટનને સંયુક્ત રીતે મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો. 

૨૦૦૪માં એની આગેવાની હેઠળ વેસ્ટ ઇન્ડિઝે આઈ.સી.સી. ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી હતી. ૧૯૯૯માં બારબાડોસમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ ૧૫૩ રનની એની રમતને 'વિસડન' બ્રેડમેનની રમત પછીની ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની બીજી ઉત્તમ ૨મત ગણાવી હતી. શ્રીલંકાનો કામયાબ સ્પીનર મુરલીધરન તો લારાને જગતનાં તમામ બેટ્સમેનોમાં આઉટ ક૨વો સૌથી અઘરો બેટ્સમેન માનતા હતા. ક્રિકેટના મેદાનમાં ટ્રીનિડાડ ટાપુનો આ ખેલાડી 'ધ પ્રિન્સ ઓફ પોર્ટ ઓફ સ્પેન' તરીકે અથવા તો માત્ર 'પ્રિન્સ' તરીકે ઓળખાતો હતો. 

છેક નાની વયથી જ લારા રનના જંગી જુમલા ખડકતો હતો. સ્કૂલની મેચોમાં ૧૨૬ ૨નની સરેરાશથી એણે ૧૪ વર્ષની વયે ૭૪૫ રન કર્યા હતા. ૧૯૯૮માં આ સમર્થ બેટ્સમેન વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સુકાની બન્યો. એના અરમાન ઘણા ઊંચા હતા, પણ આજુબાજુનાં ખેલાડીઓમાં જીતનું એવું જોશ નહોતું. ક્રિકેટનો કસબ એમને બરાબર હાથ લાગ્યો નહોતો અને આથી જ બ્રાયન લારા સુકાની બન્યો, ત્યારે પહેલી જ વાર દક્ષિણ આફ્રિકાની ટીમ સામે વેસ્ટ ઇન્ડિઝનો તમામ મેચોમાં પરાજય થયો. આમ પોતે રનનાં વિક્રમી જંગી જુમલા કરતો જતો હતો, પરંતુ એની સામે પોતાની ટીમનાં ઘોર પરાજયોથી વેદના અનુભવતો હતો. હજી આજે પણ એ વેસ્ટ ઇન્ડિઝની ટીમ એનો જુનો દબદબો હાંસલ કરી શકી નથી. એ સમયે બેટ્સમેન તરીકે વ્યક્તિગત વિક્રમજનક સિદ્ધિઓ મેળવનાર લારાની આંખમાં ઘોર પરાજયનાં આંસુ જોવા મળતા, હજી એના એ આંસુ સુકાયાં નથી !

ક્ષણનો સાક્ષાત્કાર 

અત્યારે ઉત્સવોની કેવી હારમાળા ચાલી રહી છે ! ઉછળતા આનંદ અને ભર્યાભર્યા ઉલ્લાસથી આપણે ઉત્સવો ઉજવતા હોઈએ છીએ, પછી તે નવરાત્રિ હોય કે દિવાળી હોય. મહત્ત્વની બાબત એ છે કે એ ઉત્સવની આંતરભાવનાને આપણે જાણીએ છીએ ખરા ? એની પાછળનો મર્મ અને એને અનુસ્યૂત આપણો ધર્મ એ વિશે વિચારીએ છીએ ખરા ? એ પરંપરાની પાછળ રહેલા જીવનલક્ષી બોધને પામીએ છીએ ખરા ? કે પછી ઉત્સવનો દિવસ આવે એટલે પરંપરા મુજબ યંત્રવત્ આપણે એની ઉજવણી કરીએ છીએ. 

ઉત્સવનો ચહેરો આનંદભર્યો છે કિંતુ એનો આત્મા તો ઉર્ધ્વગામી લક્ષ્ય ધરાવતો હોય છે. પરિણામે સારગ્રાહી બુદ્ધિથી એની ઉજવણી થવી જોઈએ. જો ઉત્સવનું હાર્દ જાણ્યા વિના માત્ર એના બાહ્યાનંદમાં જ રમમાણ રહીશું તો એવી ઉત્સવની ઉજવણીનો કોઈ અર્થ નથી. હકીકતમાં ઉત્સવનો મહિમા કરીને આપણે માનવતાને ઉજાગર કરવાની છે. માત્ર ઘરની બહાર દીપપ્રાગટય કરીને અટકી જવાનું નથી, પરંતુ દિલમાં દીવો કરવાનો છે. ઉત્સવનું બાહ્ય કલેવર આનંદદાયી છે, પણ ખરું જાણવા, માણવા અને આચરવા જેવું તો એનું આંત૨-કલેવર છે. એ જાણીએ તો જ ઉત્સવના ઉલ્લાસને મનભર માણી શકીએ. પર્વની પ્રસન્નતાને નિમંત્રણ આપી શકીએ અને બહારની રોશની સાથે ભીતરની રોશનીનો અનુભવ કરી શકીએ. જો ઉત્સવ સમયે તમને આવી અનુભૂતિ થતી ન હોય તો માનવું કે ઉત્સવને નામે આપણી આપણી શક્તિ, સંપત્તિ અને સમયનો દુર્વ્યય કરી બેઠા.