Get The App

ડૉ. જેન ગુડૉલ : ફ્લો અને ડેવિડની દુનિયામાં 60 વર્ષ!

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
ડૉ. જેન ગુડૉલ :  ફ્લો અને ડેવિડની દુનિયામાં 60 વર્ષ! 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

પ્રસ્તાવના :  શું માનવ અને પ્રાણી વચ્ચે ખરેખર કોઈ અભેદ્ય દીવાલ છે? શું આપણી લાગણીઓ, આપણી બુદ્ધિ, આપણું સામાજિક વર્તન - આ બધું માનવીય છે ખરું ? આ પ્રશ્નોના જવાબો શોધવામાં જીવનભર સમર્પિત રહેલી એક અસાધારણ વિજ્ઞાની, ડૉ. જેન ગુડૉલનું ૧ આક્ટોબર ૨૦૨૫ના રોજ ૯૧ વર્ષની વયે કુદરતી કારણોસર કેલિફોર્નિયામાં અવસાન થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવચન પ્રવાસ દરમિયાન તેમનું અવસાન થયું હતું. ડૉ. ગુડૉલ માત્ર એક પ્રાઈમેટૉલોજિસ્ટ (વાનરવિજ્ઞાની) જ નહોતા, પરંતુ તેઓ એક ક્રાંતિકારી વિજ્ઞાની હતા. જેમણે વિજ્ઞાનની પદ્ધતિઓ જ બદલી નાખી હતી. તેમના સંશોધનોએ સાબિત કર્યું કે 'મનુષ્યની માફક ચિમ્પાન્ઝીઓ સાધનોનો ઉપયોગ કરી શકે છે' આ એક એવી શોધ હતી, જેણે માનવ અને પ્રાણી વચ્ચેની પરંપરાગત સીમાઓને તોડી નાખી છે. 

જેન ગુડૉલ ઇન્સ્ટિટયૂટના નિવેદન મુજબ, 'ડૉ. ગુડૉલની ઇથોલૉજિસ્ટ (પ્રાણી વર્તનવિજ્ઞાની) તરીકેની શોધોએ વિજ્ઞાનમાં ક્રાંતિ કરી હતી. યુનાઇટેડ નેશન્સે તેમની પ્રશંસા કરતા કહ્યું કે 'તેમણે આપણા ગ્રહ અને તેના તમામ રહેવાસીઓ માટે અથાક પરિશ્રમ કર્યા, માનવતા અને પ્રકૃતિ માટે અસાધારણ વારસો છોડી ગયા.' ગ્રીનપીસ યુકેએ તેમને 'આપણા સમયના સાચા સંરક્ષણ દિગ્ગજોમાંના એક' તરીકે સન્માનિત કર્યા. પરંતુ આ અસાધારણ મહિલાની યાત્રા ક્યાંથી શરૂ થઈ? તેમના જીવનની ઐતિહાસિક હકીકતો અને સત્ય શું છે?

ઈંડું ક્યાંથી આવે છે?  

૧૯૩૪માં લંડનમાં જન્મેલી જેન ગુડૉલની વાર્તા, બાળપણના એક સ્વપ્નથી શરૂ થાય છે. બોર્નમાઉથ નામના અંગ્રેજી દરિયાકાંઠાના નગરમાં 'ધ બર્ચેસ' નામના લાલ ઈંટના વિક્ટોરિયન ઘરમાં તેમનો ઉછેર થયો હતો. આ ઘરમાં સ્ત્રીઓનું વર્ચસ્વ હતું. જેન, તેમની માતા વાન, બહેન જુડી, બે મામી અને દાદીમા રહેતા હતા. તેમના પિતા મોટમર હર્બર્ટ મોરિસ-ગુડાલ, બ્રિટિશ આર્મી ઑફિસર અને એન્જિનિયર હતા. પરંતુ તેઓ મોટાભાગે ઘરમાં ગેરહાજર રહેતા હતાં. સમય જતાં તેમણે જેનની માતા સાથે છૂટાછેડા લીધા હતાં.

ટાર્ઝન અને ધ સ્ટોરી ઑફ ડૉક્ટર ડૂલિટલ જેવા પુસ્તકો વાંચીને, જેનનું આફ્રિકા ખંડની મુલાકાત લેવાનું સપનું વધુ મજબૂત બન્યું. તેમના પિતાએ તેમને 'જુબિલી' નામનું ચિમ્પાન્ઝીની ઢીંગલી ભેટ આપી હતી. બાળ જેનનું મન હંમેશા સાહસો તરફ ધ્યાન દોરાયેલું રહેતું. તેઓ એવી વસ્તુઓ કરવા ઇચ્છતા જે પુરુષો કરતા હતાં. તે સમયે સ્ત્રીઓને આવાં કામ માટે કાબેલ ગણવામાં આવતી નહીં. જેમકે આફ્રિકા જઈને પ્રાણીઓનો અભ્યાસ કરવો. તેમના સંસ્મરણ 'રીઝન ફૉર હોપ' (૧૯૯૯)માં તેમણે લખ્યું છે, 'કેટલાક લોકો જુબિલીથી ગભરાયા હતા, એમ વિચારતા કે તે મને ડરાવશે અને ખરાબ સપના આપશે. પરંતુ હું તેને પ્રેમ કરતી હતી. તે આજે પણ - લગભગ ૬૦ વર્ષ પછી - મારી સાથે છે.'

તેમની બાળપણની વૈજ્ઞાનિક જિજ્ઞાસા સ્પષ્ટ હતી. એકવાર તેઓ મરઘીઘરમાં કલાકો સુધી સંતાયેલા રહ્યા હતા. તેમને માત્ર એટલું જાણવું હતું કે 'મરઘીના શરીરના ક્યાં ભાગમાંથી ઈંડાં આવે છે!' જ્યારે તેઓ ઘરે પરત ફર્યા, ત્યારે તેમની માતાએ પોલીસને બોલાવી લીધી હતી. પરંતુ માતાએ જેનને શિક્ષા કરવાને બદલે, તેની બધી જ વાતો ધ્યાનથી સાંભળી. તેમનો કૂતરા રસ્ટી સામાન્ય ભારતીય કૂતરો હતો. જે જેનનો પ્રથમ શિક્ષક હતો. રસ્ટીએ તેમને શીખવ્યું કે 'બુદ્ધિશાળી પ્રાણીઓમાં લાગણીઓ તેમજ વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે.' આ એક એવો પદાર્થપાઠ હતો. જે તેમના ભવિષ્યનાં આખા કાર્યનો મુખ્ય આધાર બન્યું. હવે તેમના માટે પોતનું સ્વપ્ન સાકાર કરવાં સમય આવી ગયો હતો.

જંગલની સ્ત્રી, વિજ્ઞાનની મહારથી

ડૉ. ગુડૉલનું સંશોધન એક નવા પ્રકારના વિજ્ઞાનની શરૂઆત હતી. જે એક એવું વિજ્ઞાન હતું. જે હૃદય અને મગજ બંનેને જોડતું હતું. તેમનું નિરીક્ષણ એવી શોધો તરફ દોરી ગયું હતું. જેણે માનવ અને પ્રાણીઓને 'અલગ' કરતી સીમાઓને બદલી નાખી હતી. ૧૯૬૧માં નેશનલ જિયોગ્રાફિક સોસાયટીએ તેમના કાર્યને ભંડોળ આપવાનું શરૂ કર્યું. ૧૯૬૩માં નેશનલ જિયોગ્રાફિક મેગેઝિને તેમના અભ્યાસો પર ૩૭-પાનાનું ફીચર પ્રકાશિત કર્યું હતું. જેણે જેનનાં કાર્ય પ્રત્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. વૈશ્વિક મીડિયા કેટલીક વાર અપમાનજનક રીતે પણ તેમને લોકો સમક્ષ રજુ કરતું હતું. જેમની હેડલાઇન્સ બનતી કે 'સુંદર મિસ વાનરોને જોવામાં સમય પસાર કરે છે'. પરંતુ ગુડૉલ વ્યવહારિક અને દુનિયાથી અલિપ્ત હતા. તેમણે પોતાના અપમાનની પણ કાળજી લીધી નહીં. તેમના કાર્યે સૂચવ્યું કે કદાચ એવું નથી કે 'વાનરો માનવ વર્તનને પ્રતિબિંબિત કરે છે, પરંતુ માનવ વર્તન વાનરોનું પ્રતિબિંબ છે.'

તેમણે મનુષ્યો અને વાનરો વચ્ચે વહેંચાયેલા વર્તનની સમૃદ્ધ પ્રકૃતિ જોઈ હતી. તેમણે જોયું કે ડેવિડ ગ્રેબીયર્ડ વિશ્વાસપાત્ર, શાંત અને મક્કમ હતો, જ્યારે ગોલિયાથ, તેના જૂથનો આલ્ફા નર, તોફાની હતો, અને ફ્રોડો એક બુલી (દાદાગીરી કરનાર) હતો. તેમણે કુટુંબના ઊંડા બંધનોનું નિરીક્ષણ કર્યું. તેમણે નોંધ્યું કે કેવી રીતે કુળપ્રમુખ 'ફ્લો' પ્રેમાળ હતી. જે તેના બાળકો સૌથી વધુ પ્રત્યે ધ્યાન આપનારી અને ટેકો આપનારી હતી. જેણે પોષણના મહત્વ વિશે ગુડાલની પોતાની માન્યતાઓને પુષ્ટિ આપી. સરળ ભાષામાં એમ કહી શકાય કે, ગુડૉલે સાબિત કર્યું કે ચિમ્પાન્ઝીઓ માત્ર પ્રાણીઓ નથી. તેઓ લાગણીઓ અને વિચારો સાથેનાં વ્યક્તિઓ છે. આ સમજ એટલી ક્રાંતિકારી હતી કે 'તે આજે પણ પ્રાણી હકો અને સંરક્ષણ ચળવળોનો આધાર બની રહે છે.' પરંતુ  દુ:ખદ ઘટના હવે બનવાની હતી. ૧૯૭૦ના દાયકામાં તેમણે ચિમ્પાન્ઝી દુનિયાની કાળી બાજુ પણ જોઈ હતી. ગુડૉલે  આ ઘટનાને 'ગોમ્બે ચિમ્પાન્ઝી વૉર' કહે છે. આખરે 'ગોમ્બે ચિમ્પાન્ઝી વૉર' શું હતું?

'અભેદ્ય દીવાલ' તોડનાર

 જેન ગુડાલ ૨૩ વર્ષની ઉંમરે પોતાના પૈસા બચાવીને કેન્યા ગયા. ત્યાં તેઓ પ્રખ્યાત પુરાતત્વવિદ અને પેલીઓએન્થ્રોપોલૉજિસ્ટ લૂઈસ લીકીને મળ્યા. લૂઈસ લીકી (૧૯૦૩-૧૯૭૨)એ કેન્યાના પ્રખ્યાત પેલીઓએન્થ્રોપોલૉજિસ્ટ હતા. તેમની સૌથી મહત્વપૂર્ણ શોધ ઓલ્ડુવાઈ ગોર્જ, તાન્ઝાનિયામાં ઝિંજાન્થ્રોપસ બોઇસેઈના જીવાશ્મની હતી. લૂઈસ લીકી અને તેમના પરિવારનું મુખ્ય કાર્યક્ષેત્ર ઓલ્ડુવાઈ ગોર્જ, કેન્યા હતું. જ્યાં તેમણે માનવ ઉત્પત્તિના અન્ય મહત્વપૂર્ણ જીવાશ્મો જેવાં કે ઝિંજાન્થ્રોપસ અને હોમો હેબિલિસ શોધી કાઢયા હતા. આ પ્રખ્યાત વિજ્ઞાની લીકી, જેનનાં જ્ઞાન અને જુસ્સાથી તરત જ પ્રભાવિત થયા હતાં. આગળ જતાં લીકીએ તેમને નૈરોબીના કોરિન્ડન મ્યુઝિયમમાં તેમના સહાયક તરીકે નોકરીએ રાખ્યા. અંતે તેમની ક્ષમતા જોઈને તેમને ટાંગાનિયકા (હવે ટાન્ઝાનિયા)માં ગોમ્બે સ્ટ્રીમ ગેમ રિઝર્વમાં ચિમ્પાન્ઝીઓનું નિરીક્ષણ કરવા મોકલ્યા હતાં.

લીકી માનતા હતા કે જેનની પાસે કોઈ ઔપચારિક વૈજ્ઞાનિક તાલીમ નથી, એ તેમના માટે એક પ્લસ પોઇન્ટ હતો. કારણ કે તેમનું મન પ્રચલિત વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી દુષિત થયેલું ન હતું. પરંતુ ઔપચારિક વૈજ્ઞાનિક તાલીમ વિના કામ કરવાનો પડકાર નાનો નહોતો. જેનનાં પ્રથમ અભિયાનમાં તેમની માતાને સાથે આવવું પડયું હતું. કારણ કે સંશોધન સમિતિએ જણાવ્યું કે 'સ્ત્રીઓને એકલા જંગલમાં મુસાફરી કરવાની મંજૂરી ન હતી.' છેવટે તેઓ ગોમ્બેમાં પહોંચી ગયાં. અહીં તેમની આગળ એક નવી જિંદગી ખુલ્લી પડી હતી. 

ડૉ. જેન ગુડૉલનું વ્યક્તિત્વ તેમના કાર્ય જેટલું જ અસાધારણ હતું. ૧૯૬૦માં કોઈ ઔપચારિક વૈજ્ઞાનિક તાલીમ વિના, તેમણે ઐતિહાસિક કહી શકાય તેવો વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો. ચિમ્પાન્ઝીઓના દૈનિક જીવનનું દસ્તાવેજીકરણ કર્યું. આ એ સમય હતો જ્યારે પ્રાઈમેટૉલોજીમાં નિયંત્રિત પ્રયોગો અને ટૂંકી ક્ષેત્રીય મુલાકાતો લઈને સંશોધન થતું હતું. ગુડૉલ લાંબા સમય માટે ગોમ્બે સ્ટ્રીમ ગેમ રિઝર્વમાં સ્થાયી થયા. જ્યાં તેમણે દૈનિક પ્રવૃત્તિઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રાઈમેટ્સ વચ્ચેના વ્યક્તિગત તફાવતોને રેકોર્ડ કર્યા હતાં.

ગોમ્બે ચિમ્પાન્ઝી વૉર

૧૯૭૪ થી ૧૯૭૮ દરમિયાન ગોમ્બે ચિમ્પાન્ઝી વાર એ તાંઝાનિયાના ગોમ્બે સ્ટ્રીમ નેશનલ પાર્કમાં ચિમ્પાન્ઝીઓ વચ્ચે થયેલું ચાર વર્ષનું હિંસક યુદ્ધ હતું. આ સંઘર્ષને 'ફોર યર વૉર' તરીકે પણ ઓળખવામાં આવે છે.૧૯૭૪માં સંઘર્ષની શરૂઆતમાં કાસાકેલા (ણચજચંીનચ) નામના મોટા ચિમ્પાન્ઝી સમુદાયમાં વિભાજન થયું. દક્ષિણ તરફના સભ્યોએ અલગ થઈને કહામા (ણચરચસચ) નામનું નવું જૂથ બનાવ્યું. કહામા જૂથમાં છ નર, ત્રણ માદા અને તેમના બચ્ચા હતા. હવે કાસાકેલા જૂથના નરોએ વ્યવસ્થિત અને આયોજિત રીતે, કહામા સમુદાયના સભ્યો પર હુમલા શરૂ કર્યા. આ હુમલાઓ અત્યંત હિંસક અને ક્રૂર હતા. કાસાકેલા ગુ્રપના ચિમ્પાન્ઝીઓ, કહામા જૂથના સભ્યોને એકલા મળે ત્યારે પણ હુમલા કરતા. પરિણામેં ૧૯૭૭ સુધીમાં કહામા જૂથના તમામ છ નર ચિમ્પાન્ઝીઓ માર્યા ગયા. કેટલીક માદા ચિમ્પાન્ઝી પણ મૃત્યુ પામી અથવા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાકીની માદાઓ ચિમ્પાન્ઝીને પાછી કાસાકેલા જૂથમાં સમાવી લેવામાં આવી હતી.

આ ઘટનાએ વિજ્ઞાન જગતમાં ચિમ્પાન્ઝીઓ વિશેની સામાન્ય સમજણમાં ક્રાંતિ લાવી દીધી હતી. આ ઘટના પહેલાં એવું માનવામાં આવતું હતું કે 'માત્ર માનવીઓ જ આયોજિત સામૂહિક હિંસા અને પ્રાદેશિક યુદ્ધ કરે છે.' આ સંઘર્ષે સાબિત કર્યું કે ચિમ્પાન્ઝીઓ સંગઠિત રીતે હિંસા આયોજિત કરી શકે છે. તેઓ પોતાની જ પ્રજાતિના સભ્યો સામે સામૂહિક આક્રમકતા દર્શાવે છે. તેમની હિંસા માત્ર આવેગજન્ય નથી પરંતુ વ્યૂહાત્મક પણ હોય છે. જેન ગુડૉલ આ હિંસા જોઈને ઊંડે આઘાત પામ્યા હતા. આ ઘટના પ્રાણી વર્તન, ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન અને માનવ હિંસાની ઉત્પત્તિના અભ્યાસમાં એક સીમાચિહ્ન ગણાય છે. ડૉ. ગુડૉલે  સ્થાપિત કર્યું છે કે આપણે બધા, માનવ અને પ્રાણીઓ, આ પૃથ્વી પરના એક જ કુટુંબના સભ્યો છીએ. જ્યારે વિજ્ઞાન અને કરુણાનો સમન્વય થાય ત્યારે અસંભવ પણ સંભવ બની જાય છે. આટલું વાંચ્યા પછી તમને લાગે છે... શું આપણે માનવ અને પ્રાણીઓ વચ્ચેની સીમાઓને સંપૂર્ણપણે પુનર્વિચાર કરવાની જરૂર છે? શું આપણે પ્રકૃતિ સાથે વધુ સંવાદિતામાં જીવી શકીએ?'