Get The App

ફેસ્ટિવ ઈકોનોમી : ઈ-કોમર્સ માટે ફૂલગુલાબી સીઝન

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
ફેસ્ટિવ ઈકોનોમી : ઈ-કોમર્સ માટે ફૂલગુલાબી સીઝન 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ભારતમાં તહેવારોનું સામાજિક-આર્થિક મહત્ત્વ છે અને એમાંય દિવાળીની તો વાત જ જુદી છે. દિવાળીમાં લોકોની ખરીદશક્તિ અન્ય તહેવારોની સરખામણીએ અનેક ગણી વધી જાય છે

ઈ-કોમર્સે તો આખું કન્ઝ્યુમર બિહેવિયર ચેન્જ કરી નાખ્યું છે. દિવાળીમાં કપડાં, મીઠાઈ, ફટાકડા પૂરતું જે માર્કેટ સીમિત હતું એ હવે મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સીસ સુધી વિસ્તર્યું છે

ફેસ્ટિવ ઈકોનોમી.

અર્થતંત્રમાં છેલ્લાં ત્રણેક દશકાથી આ શબ્દ પ્રચલિત છે. ૯૦ના દશકામાં યેલ યુનિવર્સિટીના પ્રોફેસર જોએલ વાલ્ડફોગેટે રિસર્ચ પેપર રજૂ કર્યું હતું. એમાં ક્રિસમસ દરમિયાન અર્થતંત્ર પર પડતી અસરોની ચર્ચા કરી હતી. એમાં આ પ્રોફેસરે ઈકોનોમિક્સ ઓફ ક્રિસમસ એવો શબ્દ પ્રયોજ્યો હતો. એના પરથી ઈન્સ્પાયર્ડ થઈને ભારતમાં ૨૧મી સદીની શરૂઆતમાં ફેસ્ટિવલ ઈકોનોમી શબ્દ વપરાવા લાગ્યો.

ભારતમાં તહેવારો અને અર્થતંત્રને ગાઢ સંબંધ છે. વર્ષોથી દિવાળીમાં જ વાર્ષિક હિસાબ-કિતાબ થતાં હતાં. દરેક તહેવારનું વિશેષ મહત્ત્વ છે અને દરેક તહેવારમાં માર્કેટને બૂસ્ટર મળે છે. મીઠાઈથી લઈને કપડાં, શણગાર, રંગોળી માટે કલર્સ, હોળીના કલર્સ વગેરે. એમાંય ભારતમાં તહેવારોનું જ એટલું વૈવિધ્ય છે કે ગુજરાતમાં મકરસંક્રાંતિ વખતે પતંગોનું માર્કેટ ભરાય છે, એમ બંગાળમાં દુર્ગાપૂજા વખતે અલગથી ખરીદી નીકળે છે. મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ સમયે રાજ્યના બજારો ધમધમવા લાગે છે. બિહારમાં છઠ્ઠ પુજાનો ઉત્સાહ બજારમાં વર્તાતો હોય છે.

ક્રિસમસ પશ્વિમી દેશોના અર્થતંત્ર માટે બૂસ્ટર સાબિત થાય છે અને ઈદ ઈસ્લામિક વર્લ્ડના અર્થતંત્રમાં નવી રોશની લાવે છે એમ ભારતમાં મોટા તહેવારો - દિવાળી, હોળી, જન્માષ્ટમી, નવરાત્રિએ માર્કેટમાં રંગ જામે છે. એમાંય દિવાળીની તો વાત જ નિરાળી છે. દિવાળીની ખરીદીનો ધમધમાટ આમ તો છેક નવરાત્રિથી જ શરૂ થઈ જતો. પહેલાં જ્યારે લોકલ માર્કેટનો દબદબો હતો અને આખા ઘરના કપડાં સીવડાવવા પડતાં ત્યારે દિવસો અગાઉ કાપડ લઈને, માપ આપીને તૈયારી કરવી પડી એટલે દિવાળીના મહિના અગાઉ નાના ટાઉન, શહેરોના માર્કેટમાં રોશની જોવા મળતી, પરંતુ જ્યારથી તૈયાર રેડીમેડ માર્કેટનો દબદબો વધ્યો છે ને દેશમાં ઈ-કોમર્સની એન્ટ્રી થઈ છે ત્યારથી છેક દિવાળીના આગલા દિવસ સુધી શોપિંગનો ધમધમાટ ચાલતો રહે છે.

ઈ-કોમર્સે તો આખું કન્ઝ્યુમર બિહેવિયર ચેન્જ કરી નાખ્યું છે. દિવાળીમાં કપડાં, મીઠાઈ, ફટાકડા પૂરતું જે માર્કેટ સીમિત હતું એ હવે મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સીસ સુધી વિસ્તર્યું છે. છેલ્લાં દશકામાં ઈ-કોમર્સે કંપનીઓએ દિવાળીમાં ફેસ્ટિવલ ઓફર્સનો સિલસિલો શરૂ કર્યો પછી ભારતના અર્થતંત્રમાં એની મોટી અસર થાય છે. દેશની ફેસ્ટિવ ઈકોનોમી પર હવે દુનિયાભરની નજર મંડાઈ છે.

***

દેશમાં ગયા વર્ષે દિવાળીના તહેવારોમાં ૪.૫૦ લાખ કરોડ રૂપિયાની ખરીદી નીકળી હતી. આ વર્ષે દિવાળીને માંડ એક સપ્તાહ બાકી છે ત્યાં જ ૪.૭૫ લાખ કરોડ રૂપિયાની શોપિંગ થઈ ગઈ હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. આ વર્ષે વોકલ ફોર લોકલનો નારો ફરી ગૂંજી રહ્યો છે. આમ તો દર વર્ષે ઘણાં સંગઠનો લોકલ માર્કેટને બૂસ્ટર મળે તે માટે આવી અપીલ કરતાં હોય છે. ઘણી કંપનીઓ પણ એવી જાહેરાત બનાવે છે ને લોકલ માર્કેટને પ્રોત્સાહન આપવાની અપીલ લોકોને કરે છે. પરંતુ આ વખતે અમેરિકાના ટેરિફ વચ્ચે દેશમાં સ્વદેશી સ્વદેશી થઈ રહ્યું છે અને તેની અસર લોકલ માર્કેટને થાય એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

એ બધા વચ્ચે અમુક સેક્ટર્સ ફેસ્ટિવ ઈકોનોમીના કારણે વાઈબ્રન્ટ બન્યાં છે. ફેસ્ટિવ ઈકોનોમીનો ભારતની જીડીપીમાં ૧૦ ટકા હિસ્સો છે. આ કંઈ નાનોસૂનો આંકડો નથી. તહેવારોમાં જ દેશવાસીઓ મન મૂકીને ખરીદી કરે છે કે તેનાથી અનેક ખોટ કરી રહેલી કંપનીઓ, લાખો-કરોડો નાના દુકાનદારો નભી જાય છે. તો અમુક સેક્ટર્સ માટે તે તહેવારો હેપનિંગ સિઝન બની રહે છે. ઓટોમોબાઈલની જ વાત કરીએ - આ સેક્ટર્સ તો ચાલે છે જ ફેસ્ટિવલના કારણે! ભારતમાં ઓટોમોબાઈલના કુલ વેચાણમાંથી ૪૨ ટકા વેચાણ ફેસ્ટિવલ દરમિયાન થાય છે ને એમાંય દશેરાથી દિવાળીમાં જ ૨૮ ટકા સુધીનો ગ્રોથ જોવા મળે છે.

કપડાં-ફૂટવેર, મીઠાઈ, જ્વેલરી, ઘરની ચીજવસ્તુઓ વગેરેની ખરીદી પાછળ દેશવાસીઓ તહેવારોમાં ચાર લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. તેના પરિણામે આ સેક્ટર્સ માટે ભારતના ત્રણ-ચાર મોટા તહેવારો બહુ જ મોટી રાહત લઈને આવે છે. ઈ-કોમર્સના કારણે નાના દુકાનદારોને મોટો ફટકો પડયો છે એ વાત સાચી, પરંતુ એ જ દુકાનદારોમાંથી જેમણે ઓનલાઈન માર્કેટમાં એન્ટ્રી લીધી તેમને બિઝનેસ મળ્યો છે. હા, એ બિઝનેસના બદલામાં નફામાંથી અમુક હિસ્સો ઈ-કોમર્સ કંપનીઓ પોતાના પ્લેટફોર્મમાં જગ્યા આપવાનો લઈ જાય છે, છતાં જેમને આ બિઝનેસ ફાવી ગયો તેમના માટે તહેવારો કમાણીની નવી તકો લઈને આવે છે.

રોજગારીના સર્જન માટેય તહેવારો નિમિત્ત બને છે. જેમ કે આ દિવાળીએ જ ૧૭ ટકા વ્હાઈટ કોલર જોબનું સર્જન થયું છે. સપ્ટેમ્બરમાં રીટેલ માર્કેટમાં માણસોની સર્વાધિક ડિમાન્ડ જોવા મળી હતી. ભારતના મોટા શહેરો દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાત્તા વગેરેમાં નોકરીની તકોમાં ૨૧ ટકાનો વધારો થયો હતો. રાજકોટ, લખનઉ, ઈન્દોર, ચંડીગઢ, વિશાખાપટ્ટનમ્ જેવા શહેરોમાં ૧૪ ટકા નવી નોકરીઓ નીકળી હતી.

***

ફેસ્ટિવ ઈકોનોમીમાં ઈ-કોમર્સનો પણ બહુ મોટો ફાળો છે. ભારતમાં ઈ-કોમર્સનું માર્કેટ ૧૮૮ અબજ ડોલરે પહોંચી ગયું છે. માર્કેટ સાઈઝની રીતે ભારત આગામી પાંચ જ વર્ષમાં અમેરિકા-ચીન પછી ત્રીજા નંબરનું ઈ-કોમર્સ માર્કેટ થઈ જશે. સૌથી વિકસતા ગ્લોબલ ઈ-કોમર્સ માર્કેટમાં ભારત પ્રથમ ક્રમે છે. ૨૦૨૩થી ૨૦૨૭ના સમયગાળામાં ભારતનું ઈ-કોમર્સ માર્કેટ સરેરાશ ૧૪.૧ ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ કરશે. ઈ-કોમર્સનો આવો ગ્લોબલ ટ્રેન્ડ બીજા એકેય દેશમાં જોવા મળતો નથી. એમાંય ફેસ્ટિવલ દરમિયાન તો ઈ-કોમર્સમાં રીતસર ધમાકો જોવા મળે છે. ભારતના તહેવારો ઈ-કોમર્સ માટે કમાણીની તકો લઈને આવે છે.

ઈ-કોમર્સ કંપનીઓના બિઝનેસ મોડલની વાત છે ત્યાં સુધી એની તરફેણમાં એક દલીલ એવી થઈ રહી છે કે આ કંપનીઓ સામાન સીધો જ નિર્માતા પાસેથી ખરીદે છે અને એમાં વચ્ચે સેલિંગની જે ડાઉનલાઈન ચેનલ છે એનો નફાનો ગાળો બાદ થાય છે એટલે ગ્રાહકને માર્કેટમાં જે ચીજવસ્તુઓ ૧૫૦૦૦માં મળતી હોય એ ૧૩૦૦૦ હજારમાં મળી જાય છે. એક તર્ક એવોય છે કે આ કંપનીઓ નફાના ગાળા કરતાં મોટા બિઝનેસ પર વધુ ફોકસ કરે છે.

અત્યારે ચાલી રહેલા બિગ બિલિયન્સ ડેઝની વાત કરીએ તો ઈ-કોમર્સનો બિઝનેસ ૧૪ અબજ ડોલર સુધી પહોંચી જશે. ગયા વર્ષે આ ગાળામાં ૧૨ અબજ ડોલરનો બિઝનેસ થયો હતો. આ વર્ષે એમાં બે-અઢી અબજ ડોલરનો વધારો થવાનો છે. તે હિસાબે ઓછા માર્જિનમાં મોટો વકરો કરીને કંપનીઓ એમાંથી અબજો રૂપિયાની કમાણી કરે છે.

વેલ, ગ્લોબલ ફેસ્ટિવ ઈકોનોમી એક ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગઈ છે. એક, દોઢ વર્ષમાં જ એમાં ૪૦૦ અબજ ડોલરનો વધારો થયો છે. ૨૦૨૩માં ગ્લોબલ ફેસ્ટિવ ઈકોનોમી ૬૬૦ અબજ ડોલર હતી. જે ગતિએ ફેસ્ટિવ ઈકોનોમીનો ગ્રોથ થઈ રહ્યો છે એ જોતાં આગામી સાત જ વર્ષમાં ગ્લોબલ ફેસ્ટિવ ઈકોનોમી બે ટ્રિલિયન ડોલરની ઊંચાઈ મેળવી લેશે. તહેવારોથી ખરેખર જ દુનિયાભરના બજારો ફૂલગુલાબી બની જાય છે. 

દેશના 35 કરોડ લોકોને ઈ-કોમર્સ પર ભરોસો

વિશ્વમાં ઈ-કોમર્સનો વાષક બિઝનેસ ૨૧.૩ ટ્રિલિયન ડોલરે પહોંચી ચૂક્યો છે. એમાં ૧૫ ટકાના દરે વૃદ્ધિ થઈને ૨૦૩૧-૩૨માં આ માર્કેટ ૭૫થી ૮૦ ટ્રિલિયન ડોલરને પાર થઈ જશે. ઈ-કોમર્સનો અત્યારે જે દબદબો દેખાય છે એ આગામી વર્ષોમાં વધવાનો છે. ટેકનોલોજી વિકસી પછી ઓનલાઈન ચીજવસ્તુઓ રિવ્યૂ કરવાનું સરળ બન્યું, એના પરિણામે લોકોનો પ્રોડક્ટ પર ભરોસો વધ્યો છે. હજુય એઆઈ અને વર્ચ્યુઅલ રિઆલિટીની ટેકનોલોજી મોબાઈલ સ્ક્રીન પર દસ્તક દઈ રહી હોવાથી કોઈ પણ પ્રોડક્ટનો રિઅલ ટાઈમ અંદાજ લગાવવો સરળ બનશે. હવે તો એવી ટેકનોલોજી આવી રહી છે કે ગ્રાહકના માપ પ્રમાણે એના ફોટાના આધારે કપડાં-જૂતા વગેરે એને કેવું લાગશે એની ઈમેજ તૈયાર કરશે, ગ્રાહકોને જાણે શોરૂમમાં જઈને ટ્રાયલ કરતાં હોય એવું લાગશે.

અત્યારે પણ કપડાં-જૂતાં જેવી પ્રોડક્ટ્સમાં જેવો રંગ દેખાય છે એવી જ બહુધા મળતી હોય છે. ઓનલાઈન ઓર્ડર કર્યા પછી એકને બદલે બીજી ચીજવસ્તુઓ આવતી હોવાના કિસ્સા બને છે ચોક્કસ. તેમ છતાં ઈ-કોમર્સ કંપનીઓએ એક વિશ્વસનીયતા જાળવી રાખી છે. એના પરિણામે દુનિયામાં ૨૪૫થી ૨૫૦ કરોડ લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. એમાં ભારતના ૩૫ કરોડ લોકોને પણ ગણવા પડે. આગામી ચાર-પાંચ વર્ષમાં દેશના ૫૦ કરોડ લોકો ઓનલાઈન શોપિંગ પર ભરોસો કરતા હશે. એમાંય કેશ ઓન ડિલિવરી સૌથી કોમન પેમેન્ટ મેથડ છે. દસમાંથી સરેરાશ આઠ ઓર્ડરમાં ગ્રાહકો સીઓડી પસંદ કરે છે, કારણ કે ડિલિવરીમાં વહેલા મોડું થાય તો ચિંતા નહીં. પ્રોડક્ટ આવે ત્યારે પૈસા ચૂકવવા પર ગ્રાહકોને વધુ ભરોસો બેસે છે. ને આ રીતે ભરોસો બેસે છે ત્યાં સુધી ઓનલાઈન માર્કેટ સતત વધતું જવાનું છે.