Get The App

પ્રાતહ્નો અસ્ત .

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
પ્રાતહ્નો અસ્ત                                                 . 1 - image

- દુર્ગેશ ઉપાધ્યાય

- 'હું એકાકી જીવન પસાર કરવા લાગ્યો, અંદરથી હું તૂટી ગયો હતો. મારો વિશ્વાસ ઠગારો નિવડયો.' 

...અને ટ્રેન વડોદરાના પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી રહી, લોકોની ચહેલપહેલથી સ્ટેશન ગાજી ઊઠયું. હું ટ્રેઇનના કમ્પાર્ટમેન્ટમાં ભીડ વચ્ચે પણ ઘૂસી ગયો. અંદર જઈને જગ્યા માટે ફાંફા મારતો હતો, ત્યાં કોઈએ મને બૂમ મારી, 'વિનય'... !

અવાજ પરિચિત લાગતાં મેં એ દિશામાં જોયું, તો બારી પાસેની સીટ ઉપર પ્રાતહ્ બેઠો હતો.

પ્રાતહ્ ને હું ઘડીભર જોઈ રહ્યો. વિચારતો હતો કે, 'આ પ્રાતહ્ ?!' આવો ન હોય ! કોલેજ કાળમાં કેટલો સોહામણો લાગતો હતો ? અને આજે... ? આજે તેનો ચહેરો સાવ કરમાઈ ગયો હતો, કોઈ અગમ્ય ઉદાસી તેની આંખોમાં વિસ્તરી ગઈ હતી. સાવ કૃશ શરીરવાળો પ્રાતહ્ હાથમાં રાખેલા પુસ્તકનાં પાનાં વચ્ચે આંગળી રાખી, પુસ્તક બંધ કરી, મારી સામે તાકી રહ્યો હતો.

તે બોલ્યો, 'અહીં જ આવી જા વિનય, જગ્યા થઈ જશે.'

જરાક આઘાપાછા ખસીને જગ્યા થઈ જતાં હું બેસી ગયો. પ્રાતહે મને પૂછ્યું, 'શું ચાલે છે દોસ્ત, તબીયત-પાણી કેમ છે ?'

મેં ટૂંકો જવાબ આપ્યો, 'બસ, મજામાં. અને ફરી હું તેના વિષે વિચારવા લાગ્યો..., એટલે મારા વિચારને તોડતાં એ બોલ્યો, 'કેમ શું વિચારે છે ? વીણાભાભી કેમ છે ?, બાળકો શું કરે છે ? અરે, તારો ધંધો કેમ ચાલે છે ?'

એક સામટા આટલા બધા પ્રશ્નોથી હું ગૂંચાવાઈ ગયો. મેં કહ્યું, 'વીણા તને યાદ કરે છે અને બધાંયે કુશળ છે, ધંધો પણ ઠીકઠીક ચાલે છે. પણ તું હવે કેમ દેખાતો નથી ? કાગળ-બાગળેય લખતો નથી અને તારું શરીર કેમ સાવ ઓગળી ગયું ? આપણે ભણતા ત્યારે તું કેવો હતો ? આ ચાર-પાંચ વર્ષમાં તો તું સાવ ઓળખાય એવો પણ નથી રહ્યો, શું થયું છે તને ?'

'જવા દેને ભાઈ મારી વાત...' કહેતાં તેણે ઊંડો શ્વાસ ભર્યો.

'અરે ભાઈ કહેતો ખરો, શું વાત છે ?' મેં કહ્યું.

'વિનય, શું કહું, આ ચાર વર્ષમાં તો મારા ઉપર ઘણી વિતી ગઈ... !' એ બોલ્યો.

'કેમ શું થયું ?' ફરી મેં પૂછ્યું.

મારા તરફ જરા વધુ ફરીને એ બોલ્યો, 'તું આપણી સાથે ભણતી પેલી ઉષાને તો ઓળખે છે ને ?'

મેં 'હા' ભણી.

એ ઉષા સાથે પછી મેં પ્રેમલગ્ન કર્યાં, તેની સાથેના લગ્નમાં મારાં મા-બાપ સંમત નહોતા, છતાંય બધાંના વિરોધ સામે મેં રજીસ્ટર્ડ લગ્ન કર્યાં અને અમદાવાદમાં જ એક ખોરડી ભાડે લઈ રહેવાનું શરૂ કર્યું. વળી બી કોમ થયા પછી તુરત જ મને એક કો-ઓપરેટીવ બેન્કમાં નોકરી મળી ગઈ. ઉષાએ શિક્ષક થવા બીએડ શરૂ કર્યું. તે સાંજે ટયૂશન પણ કરતી, અને અમારું ગાડું બરાબર ચાલવા લાગ્યું. મારા કુટુંબીજનોએ મારી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, તેનું દુ:ખ મને કાયમ સાલતું, બાકી સંસાર સારો ચાલતો.

બીએડ્ દરમિયાન ઉષા તેની સાથે ભણતા એક યુવકના સંપર્કમાં આવી અને એ યુવક સાથે વધુ હળવામળવા લાગી. તે ધીમે ધીમે મારાથી દૂર થતી ગઈ. હવે તેને મારામાંથી રસ ઉડી ગયો હતો. પેલા યુવક સાથે હરવા-ફરવાનું એટલું હદપાર થઈ ગયું કે, મેં જ એક દિવસ એને કહ્યું, 'ઉષા, આપણે આમ જ જીવવું એના કરતાં અલગ થઈ જવું વધુ યોગ્ય છે, તને કેમ લાગે છે ?'

ઉષાએ પણ મારી વાતમાં સંમતિ દર્શાવી અને અમે સમજૂતીથી છૂટાછેડા લઈ લીધા. એણે પેલા યુવક સાથે લગ્ન કરી લીધાં.

'હું એકાકી જીવન પસાર કરવા લાગ્યો, અંદરથી હું તૂટી ગયો હતો. મારો વિશ્વાસ ઠગારો નિવડયો.' એ બોલ્યો. એ બોલતાં જરા ગળગળો થવા લાગ્યો. મને એના દુ:ખની છાયા ઘેરી વળી.

મેં તેને હિંમત આપતાં કહ્યું, 'ભાઈ જીવન છે, ચાલ્યા કરે...'

એણે મને બોલતો અટકાવી કહ્યું, 'હા, પણ હું હિંમત ન હાર્યો, નોકરી ચાલુ રાખી અને એ એકલતામાં વાર્તાઓ લખાતી ગઈ. એ પ્રગટ પણ થઈ, અને પછી તો મારી નવલકથાઓ ઘણી વખણાઈ... અને તું જાણતો જ હોઈશ કે, આજે મારા પુસ્તકોનો વ્યાપ કેટલો બધો છે ?'

મેં હકારમાં ડોકું હલાવ્યું.

'અને એમજ ઘણું લખાતું ગયું, આ દરમિયાન મારાં પુસ્તકોના વાંચનથી પ્રભાવિત થયેલી એક યુવતી એક સમારંભમાં મને મળી. તેનું નામ હતું, સંધ્યા, એ મારી વાર્તાઓનાં વખાણ કરતાં કહેવા લાગી, આવી સરસ વાર્તાઓ લખનાર પણ આવા સુંદર અને મોહક હોય એનું મેં પ્રથમવાર અનુભવ્યું છે.'

'અને પછી એ અવારનવાર મને મળવા લાગી મારી વાર્તાઓમાં રસ લઈ ચર્ચા કરતી. મારું એકાકીપણું જોઈ, મારી સાથે હરવા ફરવા લાગી. તેણે મારી એકલતા બરાબર નોંધી હતી. કોણ જાણે કેમ પણ તેના રસથી મને પણ હૂંફ મળવા લાગી. અને હું કંઈ સમજુ એ પહેલાં અમારા સંબંધો ઘણા વિસ્તરી ગયા. છેવટે અમે બંને પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યાં.'

'પણ વિધિએ મારા નસીબમાં ઝાંઝવાં જ નિર્માણ કર્યાં હતાં. થોડા સમય પછી સંધ્યાને હું વેદિયો લાગવા માંડયો. મારી સીમીત આવકમાં તેની મોટી અપેક્ષાઓ ન સંતોષાઈ, અને પૈસાના મોહના કારણે મારા નજીકના એક પૈસાપાત્ર પરિણીત મિત્ર સાથે તે મૈત્રીકરારથી જોડાઈ ગઈ.'

'આ બીજા આઘાતે મને સોંસરવો ચીરી નાંખ્યો, મારું જીવનદર્પણ તરડાઈ ગયું છે દોસ્ત, મા-બાપને અવગણીને આજે હું ક્યાંયનો ય રહ્યો નથી. ખૂબ પસ્તાઉં છું પણ શું થાય ? આ ઘટનાને હજુ મહિનો ય થયો નથી. કોઈ અસહ્ય ભારથી હું દબાઈ રહ્યો છું, કોને કહું ? આ તો તું મળ્યો, અને મિત્ર છે એટલે... ' બોલતાં પ્રાતહ્ ફરી ગળગળો થઈ ગયો.

અને વાતોમાં સુરત આવી ગયું, તે બોલ્યો, ચાલ સુરત આવી ગયું, મારે અહીં ઉતરવાનું છે. જીવનમાં પણ આવું જ એક સ્ટેશન આવી જાય છે, અને ત્યાં ઉતરી જવું પડે છે. ચાલો... આવજે... ! એ ટ્રેઈનમાંથી ઉતરી ગયો.

હું ભારે હૃદયે તેને જતો જોઈ રહ્યો. પછી તેના વિચારોમાં સરી પડયો. તેના શબ્દો મારા કાનમાં ગૂંજતા હતા. જોકે વચ્ચે અલપ-ઝડપ ઊંઘ કરતાં બોરીવલી આવી ગયું. હું ઉતર્યો અને એ દિવસ તો મારો કામકાજમાં જ પસાર થઈ ગયો.

બીજા દિવસે સવારે ઉઠયો અને અખબાર હાથમાં લીધું, પાનાં ફેરવતો હતો, ત્યાં જ એક પાને પ્રાતહનો ફોટો જોયો. આશ્ચર્યથી મેં વાંચવા માંડયું,

જાણીતા લેખક પ્રાતહ મહેતાએ કરેલો આપઘાત સુરત તા. ૮, અત્રેની મલ્હાર હોટલમાં જાણીતા લેખક પ્રાતહ્ મહેતાએ ઝેરી દવા પીને પોતાના જીવનનો અંત આણ્યો હોવાનું જાણવા મળે છે. હોટલના ટેબલ પર રાખેલી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં તેમણે પોતાની જાતે જ પોતાનું મરણ શોધી લીધું છે, તે માટે કોઈને દોષિત ગણવા નહીં, એમ લખ્યાનું પોલીસે જણાવ્યું છે. જોકે પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

મને આ વાંચીને ભારે આઘાત લાગ્યો, હું અવાક્ હતો. મને તેનું એ વાક્ય વારંવાર યાદ આવ્યા કરતું હતું... 'જીવનમાં પણ આવું જ એક સ્ટેશન આવી જાય છે, અને ત્યાં ઉતરી જવું પડે છે.'

પણ પ્રાતહનો તો મધ્યાહ્ને અસ્ત થયો હતો.