- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- અમેરિકાના ટ્રેડ વૉરમાંથી બચવા માટે ચીન જેવા ઘણાં દેશોએ પ્રોક્સી ટ્રેડનો રસ્તો અજમાવ્યો છે. જે દેશ પર અમેરિકાનો ટેરિફ નથી એના માધ્યમથી વેપાર શરૂ થયો છે
જ ગતનો સૌથી સમૃદ્ધ દેશ અને સૌથી તાકાતવાન દેશ 'અમેરિકા ફોર અમેરિકન્સ ઓનલી'નું દ્રષ્ટિબિંદુ અપનાવી જગતના જુદા જુદા દેશો ઉપર આડેધડ ટેરીફ નાંખે અને તે પછી તેને આડેધડ વધારી દે તે અમેરીકાની દાદાગીરીનું સૂચક છે. ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી નબળુ પાસુ તેમનો અતિરાષ્ટ્રવાદ છે અને તે પછીનું નબળુ પાસુ તેમની 'અનપ્રેડીકટીબીલીટી' છે. ટ્રમ્પમાં થોડોક પેરેનોઈઆમાનો અંશ પણ ખરો કે તેમના મત મુજબ આખુ જગત અમેરીકાને લૂંટી લેવા માંગે છે કે અમેરીકાની ઉદારતાનો ગેરલાભ ઉઠાવે છે કે ભારત જેવા મિત્ર દેશો તેની પીઠમાં ખંજર ભોંકે છે. ટ્રમ્પને વાંધો એ પડયો છે કે ભારત ચીન અને રશિયા સાથે મળીને બ્રિક્સને મજબૂત બનાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા કરતા પણ ચીન પર વધુ ચીઢાય છે કારણ કે એક જમાનામાં ભારતથી પણ ગરીબડુ ચીન અમેરીકાની જીડીપી પછી જીડીપી એટલે કે કુલ રાષ્ટ્રીય આવકમાં જગતમાં બીજા નંબરે છે અને ચીન જગતનું ઈલેક્ટ્રીક વ્હેઈકલ બજાર કબજે કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એમ માને છે કે અમારી કરન્સી જે ડોલર છે અને સમસ્ત જગત માટે રીર્ઝવ કરન્સી છે તેને સ્થાને છૂપી રીતે પોતાની રીર્ઝવ નવી કરન્સીની રચના કરવા માંગે છે.
અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જગતને હંફાવવા ટ્રેડ વોરનો એક ઉપવિભાગ ટેરીફ વોર શરૂ કરી છે. જગતના જુદાજુદા દેશો પર આડેધડ આટલો જંગી ટેરીફ એકાએક તો નાંખી દેવાતી હશે અને એકવાર નાખ્યા પછી ફરીવાર તેમાં વધારો કરવાનો? લોકો સમક્ષ એવું નિવેદન કરવાનું કે ભારત, રશિયા, ચીન જેવા દેશોએ વિદેશી વ્યાપારના ક્ષેત્રમાં અમેરીકાને લૂંટી લીધું છે? અમારી ઉદાર વ્યાપાર પોલીસીનો ફાયદો ઉઠાવી અમારી સાથેના વ્યાપારમાં જબરજસ્ત મોટો ટ્રેડ સરપ્લસ ઉભો કર્યો છે. ટ્રમ્પને એ ખબર નહીં હોય કે અમેરીકા જગતનો સૌથી ખાઉધરો દેશ છે જે પોતાની ઉચ્ચ લાઇફ સ્ટાઇલને પોષવા અન્ય દેશોમાંથી અર્નગળ આયાત કરે છે .
પરંતુ જગતના લોકો મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા જાણીતા છે. જગતના ઘણાં દેશોએ પ્રોક્સી વેપારની યુક્તિ અજમાવી છે. દા.ત. ચીન પોતાનો માલ જમૈકા પહોંચાડે અને દાવો કરે કે આ માલ જમૈકાથી નિકાસ થયો છે, ચીનમાં ચીનરી અને અમેરીકાની જમૈકા પરની ટેરીફ પુષ્કળ ઓછી હોય તેથી ચીનને ઘણો ફાયદો થાય. ખરેખર ટેરીફનો બોજ ઘટાડવાનો અપ્રમાણીક માર્ગ છે પરંતુ ઘણા દેશો આવી છેતરપીંડી કરી રહ્યા છે. રશિયા પાસેથી ભારતે ક્રૂડ ઓઇલ લેવાનું તદ્દન બંધ કરી દેવું જોઈએ તેવો ટ્રમ્પનો હુકમ ટ્રેડ વોર ગણાય. આયાતો પર ઊંચો કરવેરો નાખવો તેને ટેરીફ વોર ગણાય. દુશ્મન દેશો પર બોમ્બ નાખવા કે મીલીટરી હુમલા કરવા તેને વોર એટલે કે યુદ્ધ ગણાય અને દુશ્મન દેશમાં વીજળીવેગે ઘૂસીને તેના નાગરીકોને મારી નાખીને પોતાના દેશમાં ઝડપથી પાછા ફરી જવું તેને ટેરરીઝમ કહેવાય. ટ્રમ્પે અત્યારે ટેરીફ વોર શરૂ કરી છે અને તે વકરે તો મીલીટરી વોરમાં પણ પરીણમી શકે છે. અત્યારે જગતમાં ઘણા દેશો પાસે ન્યુક્લીયર શસ્ત્રો આવી ગયા હોવાથી જગતમાં અત્યારે 'બેલેન્સ ઓફ પાવર' નથી પણ 'બેલેન્સ ઓફ ટેરર' છે. બેલેન્સ ઓફ ટેરરનું ઈક્વીલીબ્રીયમ એટલે કે સંતુલનબિંદુ બહુ ચંચળ હોય છે. કોઈ તદ્દન નાના પરંતુ બેજવાબદાર રાષ્ટ્ર પાસે ન્યુકલીયર બોંબ આવી જાય અને તે અન્ય દેશ પર ફેંકે તો પણ તેનાથી ભડકો થતા બીજા દેશો ભયના માર્યા અન્ય દેશો પર અણુ બોંબ એકબીજા પર ફેંકે તો જગતનો અંત આવી શકે છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે જાતનું રાજકારણ ખેલી રહ્યા છે તેને અંગ્રેજીમાં બ્રીંકમેનશીપ કહે છે.
અમેરીકા જગત પર દાદાગીરી કરે છે પરંતુ તે લુખ્ખી દાદાગીરી નથી. અમેરીકાની કુલ વસતી ૩૪ કરોડ છે જે જગતની કુલ ૮૨૦ કરોડના લગભગ ચાર ટકાથી થોડીક વધારે છે જ્યારે અમેરીકાની જીડીપી વિશ્વની કુલ આવકના ૨૭ ટકાથી પણ થોડીક વધારે છે. અમેરીકાની સરાસરી માથાદીઠ આવક જગતમાં નંબર એક પર નથી કારણ કે લક્ષમબર્ગ, આર્યલેંડ, સ્વીત્ઝલેંડ જેવા કેટલાક નાનકડા પરંતુ મીલીટરીની દ્રષ્ટિએ અતિ નાના દેશોની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક એક લાખ ડોલર્સથી વધુ છે. અમેરીકાને તેમના તરફથી કોઈ ભય નથી. જગતના કેટલાક દેશોની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક આઈએમએફના રીપોર્ટ મુજબ ઈ.સ. ૨૦૨૫માં નીચે મુજબ છે : અમેરીકા (૮૯,૧૦૫ ડોલર્સ), રશિયા (૧૫,૦૭૭ ડોલર્સ), ચીન (૧૩,૮૭૩ ડોલર્સ), બ્રાઝીલ (૧૦,૮૧૬ ડોલર્સ), ભારત (૨૯૭૩ ડોલર્સ), યુ.કે. (૫૪,૨૯૦ ડોલર્સ), સાઉથ આફ્રીકા (૬,૫૧૭ ડોલર્સ), ફ્રાંસ (૪૯,૫૨૭ ડોલર્સ), જર્મની (૫૭,૯૧૪ ડોલર્સ), ઈઝરાયેલ (૫૪,૩૭૦ ડોલર્સ), જાપાન (૩૫,૬૧૧ ડોલર્સ). હવે જગતના કેટલાક ગરીબ દેશોની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક જાણીને આંચકો અનુભવવો છે? ભારતની સરાસરી માથાદીઠ આવક વીજળીનો આંચકો આપે એટલી ઓછી ગણાય.


