Get The App

સંગીતના રાગ-ગાયનથી રોગ નિવારણ

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
સંગીતના રાગ-ગાયનથી રોગ નિવારણ 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- ઋગ્વેદ તથા સામવેદની સાથે આયુર્વેદ અને ગાંધર્વવેદમાં ધ્વનિ અને સંગીતની રોગોપચારક શક્તિની વાત દર્શાવવામાં આવી છે

'ચિત્તાનંદ તદા જિત્વા સહજાનંદ સંભવ: ।

દોષ દુ:ખ જરા વ્યાધિ ક્ષુધા નિદ્રા વિવર્જિત: ।।

ત્યારે નાદના પ્રભાવયુક્ત અંત:કરણની વૃત્તિથી પ્રાપ્ત સુખને જીતીને સ્વાભાવિક આત્માના સુખનો આવિર્ભાવ થાય છે. વાત, પિત્ત, કફ રૂપ દોષ,

દુ:ખ, વૃદ્ધાવસ્થા, રોગો, ભૂખ, તરસ, નિદ્રા આ બધાથી છૂટી તે આત્મ-સુખી થઈ જાય છે.'

'દિવ્ય દેહશ્ચ તેજસ્વી દિવ્ય ગંધસ્ત્વરોગવાન્ !

સંપૂર્ણ હૃદય: શૂન્ય આરંભો યોગવાન્ભવેત્ ।।

હૃદયાકાશમાં નાદનો આરંભ થાય ત્યારે પ્રાણવાયુથી પૂર્ણ હૃદયવાળો યોગી રૂપ, લાવણ્ય વગેરેથી યુક્ત થઈને દિવ્ય દેહવાળો બની જાય છે,

તેના શરીરમાંથી દિવ્ય સુગંધ પ્રગટ થયા કરે છે. તે યોગી રોગરહિત થઈ જાય છે.'

- હઠયોગ પ્રદીપિકા

આપણા વેદો, ઉપનિષદો અને શાસ્ત્ર ગ્રંથોમાં સંગીતની શક્તિનો અપાર મહિમા નિરૂપિત કરાયો છે. ઋગ્વેદ તથા સામવેદની સાથે આયુર્વેદ અને ગાંધર્વવેદમાં ધ્વનિ અને સંગીતની રોગોપચારક શક્તિની વાત દર્શાવવામાં આવી છે. આયુર્વેદ ઋગ્વેદનો ઉપવેદ છે અને ગાંધર્વવેદ સામવેદનો ઉપવેદ છે. પ્રાચીન કાળના આયુર્વેદના પુરસ્કર્તા અશ્વિનીકુમારોએ રચેલા 'ભૈષજતંત્ર'માં રાગ અને રોગના સહસંબંધ પર ગૂઢ જ્ઞાન નિરૂપિત કરાયું છે. ભૈષજતંત્રમાં ચાર પ્રકારના ભૈષજ અર્થાત્ ઔષધ દર્શાવવામાં આવ્યા છે - પવનૌકષ, જલૌકષ, વનૌકષ અને શબ્દૌકષ. આમાં છેલ્લા શબ્દૌકષ એટલે શાબ્દિક ભૈષજમાં દ્વિદેવોનો ઉલ્લેખ કરી એમની શક્તિનો પરિચય અપાયો છે. આ દ્વિદેવો છે - મંત્રોચ્ચારણ અને લયબદ્ધ ગાયન. આ બન્નેને દેવો સમાન જણાવ્યા છે.

આયુર્વેદના અનેક ગ્રંથો જેવા કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વગેરેમાં સનેપાત, જવર (તાવ), દમ, મધુપ્રમેહ, હૃદયરોગ, ક્ષય, પીળિયો (એનિમિયા), મંદબુદ્ધિપણું જેવા રોગોમાં મંત્ર ધ્વનિથી આ બધાનો સચોટ ઉપચાર કરી શકાય છે એ બાબત રજૂ કરાઈ છે. એ જ સામવેદમાં ઋચાઓના ગાયન દ્વારા પણ અનેક રોગોનું નિવારણ થઈ શકે છે એ બાબત નિરૂપણ કરવામાં આવી છે.

આયુર્વેદ દર્શાવે છે કે વાત, પિત્ત અને કફના પ્રમાણમાં સંતુલન જળવાઈ રહે તો જ સ્વાસ્થ્ય ટકી રહે છે. જો એનું સંતુલન ખોરવાઈ જાય તો રોગ ઉત્પન્ન થાય છે. તે રીતે ગાંધર્વવેદ દર્શાવે છે કે સ્વરોની તારતા, તીવ્રતા અને મધુરતાનું પ્રમાણ વધારે કે ઓછું થઈ જાય ત્યારે રોગ ઉદ્ભવે છે. સ્વરોની તારતા (Pitch) વાયુ તત્ત્વ સાથે જોડાયેલી છે. સ્વરોની તીવ્રતા (Loudness) પિત્ત તત્ત્વ સાથે જોડાયેલી છે અને સ્વરોની મધુરતા (Tonal Quality) કફ તત્ત્વ સાથે જોડાયેલી છે. ગાંધર્વવેદ એટલે સંગીતનું ઉત્પત્તિ શાસ્ત્ર. આયુર્વેદ અને ગાંધર્વવેદની સમુચિત સમન્વય કરી રોગીને વનૌષધિ સેવન અને શબ્દૌકષ (શાબ્દિક ભૈષજ) રૂપ મંત્રોચ્ચારણ ધ્વનિ અને લયબદ્ધ ગાયનનું શ્રવણ કરાવવામાં આવે તો અસાધ્ય રોગોને દૂર કરી શકાય છે.

શાસ્ત્રીય સંગીતના રાગોનું ગાયન રોગોના નિવારણનું એક શક્તિશાળી સાધન છે. સંગીત ક્ષેત્રે સંશોધન કરનારા જણાવે છે કે કફના પ્રકોપથી થયેલા રોગોવાળા દરદીઓને ભૈરવી રાગ સંભળાવવો જોઈએ. કફ પ્રકૃતિવાળાને રૌદ્રી, ક્રોધી વજ્રિકા શ્રુતિ અને રુષભ સ્વર વિશેષ આવતા હોય એવા રાગ સંભળાવવા જોઈએ. એ રીતે પિત્ત અને વાયુ પ્રકૃતિવાળા રોગીઓને સામ્યાવસ્થામાં લાવવા માટે કફ પ્રકૃતિના સ્વર પર આધારિત રાગો ખમાજ, તિલંગ અને દેશ રાગ સંભળાવવા જોઈએ.

માનસિક અસ્થિરતા, ક્રોધીપણું વધારે હોય એવી સ્થિતિમાં મલ્હાર અને જૈજૈવંતી રાગ સંભળાવવો જોઈએ. રક્તની અશુદ્ધિ હોય ત્યારે આશાવરી રાગનો પ્રયોગ કરવો જોઈએ. ખાંસી, ઉધરસ, દમ (અસ્થમા)માં ભૈરવી રાગ સંભળાવવો જોઈએ. મેદવૃદ્ધિ (obesity), યકૃત, પ્લીહા સંબંધિત રોગોમાં હિંડોળ રાગ સંભળાવવો જોઈએ. જઠર, આંતરડા સંબંધિત ગેસ્ટ્રાઇટિસ જેવા રોગોમાં પંચમ રાગ સંભળાવવાથી ઘણો ફાયદો થાય છે.

બૈજુ બાવરાએ ચંદેરી જિલ્લાના નરવરના કચ્છવાહ રાજા રાજસિંહને રાગ પૂરિયા સંભળાવીને એનો અનિદ્રાનો રોગ મટાડી દીધો હતો. ઉત્તર પ્રદેશના રામપુર સ્ટેટના નવાબને લકવો થઈ ગયો હતો. તે વખતે તેમને ત્યાં સુરજ ખોં નામના એક ગાયક આવતા હતા. તેમણે શાસ્ત્રીય સંગીતના રાગ ગાયનથી તેમનો લકવો દૂર કરી દીધો હતો. સૂરજ ખાઁએ બીજા કેટલાય રોગોને જુદા જુદા રાગ-રાગિણી સંભળાવી દૂર કરી દીધા હતા.

એવું કહેવાય છે કે સંગીત સમ્રાટ તાનસેન જન્મજાત મૂંગા હતા. એમનું નામ રામતનું હતું. પાંચ કે સાત વર્ષની વયના હતા ત્યાં સુધી તે બોલતા નહોતા. તેમના પિતા મુકુંદ રામે (મુકુંદ ગૌડ કે મુકુંદ ચંદ) આ અંગે ખૂબ ચિંતિત હતા. તે વખતે સૂફી ગુરુ મુહમ્મદ ગોસ એક મહાન સંગીતકાર તરીકે ખ્યાતિ પામેલા હતા. મુકુંદરામે રામતનુને બોલતો કરવા અનેક ચિકિત્સકો પાસે ચિકિત્સા કરાવી હતી, પણ તેમાં સફળતા મળી નહોતી. પછી તેમણે તેમના પુત્રને સંગીતકાર મુહમ્મદ ગોસ પાસે રાખ્યો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતના રાગો થકી તેને બોલતો કરી દીધો હતો એટલું જ નહીં, સરસ રાગોનું ગાયન કરતો પણ કરી દીધો હતો. આગળ જતાં તે અકબરના નવરત્નોમાંના એક એવા મહાન સંગીતકાર તાનસેન બની ગયા હતા.

શરીર વિજ્ઞાની જુલિયટ એલ્વિન પ્રાયોગિક સંશોધનો બાદ કહે છે - સંગીત આપણા મન, મસ્તિષ્ક, સંવેગો, લાગણીઓ અને શરીર પર ખૂબ પ્રભાવ ઉત્પન્ન કરે છે. અમેરિકાના વિખ્યાત ચિકિત્સા વિજ્ઞાની એડવર્ડ પોડોલ્સ્કી પણ તેમણે કરેલા પ્રયોગોને આધારે જણાવે છે કે સંગીતના સ્વરોમાં રોગોને દૂર કરવાની શક્તિ હોય છે. રશિયન વિજ્ઞાની કુદ્રયાવત્સેવ દર્શાવે છે કે ધ્વનિ તરંગો આપણી અંત:સ્રાવી ગ્રંથિઓ (endocrine glands) ને સક્રિય કરી જરૂરી હોર્મોન અને રસાયણોને સ્રાવિત કરે છે જે સ્વાસ્થ્ય ટકાવી રાખે છે. આમ, અર્વાચીન શરીર વિજ્ઞાનીઓ પણ સંગીતને રોગ નિવારક સાધન માને છે.