- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- સાઉથના સ્ટાર્સ, સમજોને કે, 'ફેમિલી બિઝનેસ' સિસ્ટમમાં ઉછર્યા છે. તેઓ ખુદ પ્રોડયુસરની જેમ વિચારશે. આની સામે, બોલિવુડમાં 'ડિમાન્ડ કલ્ચર' વધારે ફૂલ્યુંફાલ્યું છે.
બો લિવુડના માનમોંઘા સિતારાઓ શૂટિંગ કરવા પધારે ત્યારે નિર્માકાઓ પાસે કેવા કેવા ખર્ચ કરાવે છે તે આપણે જોયું. વાત માત્ર વૈભવી વેનિટી વેન, સેટ પર પર્સનલ શેફ, જિમ ટ્રેનર, સ્ટાઇલિસ્ટ સહિત ૨૦-૨૫ લોકોના રસાલા પર પૂરી થતી નથી. સિતારાઓના ટ્રાવેલિંગન ખર્ચની વાત તો આપણે હજુ કરી જ નથી. શું દક્ષિણ ભારતના સુપરસ્ટાર્સ પણ આપણા હિન્દી હીરો-હિરોઈનલોગ જેવાં જ નખરેબાજ છે? હોલિવુડ સ્ટાર્સની શી સ્થિતિ છે?
શરૂઆત કરીએ હવાઈ મુસાફરીથી. નેશનલ અને ઇન્ટરનેશનલ એમ બન્ને પ્રકારની મુસાફરી માટે ટોચના બોલિવુડ સ્ટાર્સ પ્રાઇવેટ જેટ કે ચાર્ટર્ડ પ્લેન પર આધાર રાખે છે. ખાસ કરીને કોવિદ પછી પ્રાઇવેટ પ્લેનમાં મુસાફરી કરવાનું ચલણ ખાસ્સુ વધી ગયું છે. મુંબઈ-દિલ્હી-મુંબઈની એક રાઉન્ડ ટ્રિપનું ચાર્ટર્ડ પ્લેનનું ભાડું ૧૮થી ૩૦ લાખ રૂપિયા થાય. આંતરરાષ્ટ્રીય શૂટ તેમજ પ્રમોશન્સ માટે પ્રાઈવેટ જેટ ભાડે કરવામાં આવે છે, કારણ કે હીરો-હિરોઇન, ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર વગેરે જેવા ટીમનેા ફક્ત સિનિયર માણસોને જ ગણતરીમાં લઈએ તોય ૧૫થી ૨૦ લોકાનું ઝુમખું સહેજે થઈ જાય. એક અહેવાલ પ્રમાણે, દીપિકા પદુકોણ મેટ ગાલા ફેશન ઇવેન્ટ માટે ન્યુ યોર્ક ગઈ હતી ત્યારે ચાર્ટર્ડ પ્લેન ભાડે કરવામાં આવ્યું હતું. આવી એક આંતરરાષ્ટ્રીય મુસાફરી ૧થી ૨ કરોડ રૂપિયાની પડે છે. પ્રાઇવેટ પ્લેનની ઉડાઉડ સામાન્યપણે મુંબઈના કાલિના (સાંતાક્રૂઝ-પૂર્વ) ખાતે આવેલા પ્રાઇવેટ ટર્મિનલ પરથી થતી હોય છે. અહીં બીજા લાભ પણ છે. જેમ કે વીવીઆઇપી મુસાફર ફક્ત પંદર-વીસ મિનિટ પહેલાં ચેક-ઇન કરી શકે, સિક્યોરિટી ચેકની જફા નહીં.
ચાર્ટર્ડ પ્લેનની સાથે સાથે હેલિકોપ્ટરનો ઉપયોગ પણ અવારનવાર થાય છે. ઉદાહરણ તરીકે, 'સિંઘમ અગેઇન'ના પ્રમોશન માટે રણવીર સિંહ હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યો હતો. આલિયા માટે, કોણ જાણે કેમ, 'ચાર્ટરની રાણી' જેવો શબ્દપ્રયોગ થાય છે. મિલાન ફેશન વીકમાં ભાગ લેવા ઇટાલી ગઈ ત્યારે અને 'જીગરા' ફિલ્મના પ્રમોશન માટે લંડન ગઈ ત્યારે, કહે છે કે, આલિયાએ અંબાણી પરિવારના પ્રાઇવેટ જેટનો ઉપયોગ કર્યો હતો.
વિકી કૌશલ બહુ ડાહ્યો છોકરો છે. ૮૦થી ૯૦ ટકા કેસમાં એ અન્ય સામાન્ય પ્રવાસીઓની જેમ કમર્શિયલ ફ્લાઇટમાં જ મુસાફરી કરે છે. ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસમાં, અફ કોર્સ. એમ તો દીપિકા પદુકોણ 'પઠાણ' ફિલ્મના શૂટિંગ માટે એક વાર ઇકોનોમી ક્લાસમાં બેઠેલી જોવા મળી હતી. છેલ્લી ઘડીએ જવાનું નક્કી થાય ને બીજો કોઈ જ વિકલ્પ ન હોય ત્યારે બીજું શું થાય? અક્ષયકુમાર માટે વચ્ચે ખૂબ વાતો ઉડી હતી કે એણે ૨૬૦ કરોડ રૂપિયાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે. અક્ષયે જોકે એકથી વધારે વખતે 'ના, ના... આ હળહળતી ખોટી વાત છે' કહીને આ અફવાનું ખંડન કર્યું છે.
***
ભલું થજું પાંચ-પાંચ ભાષાઓમાં રિલીઝ થતી સાઉથ ઇન્ડિયન ફિલ્મોનું, કે જેને કારણે સાઉથના સિતારાઓ હવે આખા દેશમાં બોલિવુડ સ્ટાર્સ જેટલા જ લોકપ્રિય બની રહ્યા છે. તેઓ પણ બોલિવુડ સ્ટાર્સ જેવા ખર્ચાળ છે, એમનો રસાલો પણ લગભગ આપણા સિતારાઓ જેવો જ હોય છે, અને તેઓ પણ પ્રાઇવેટ જેટમાં ઉડાઉડ કરે છે. ફર્ક એ છે કે, હિન્દી ફિલ્મના નિર્માતાઓ સ્ટાર લોકોના તોતિંગ બિલો જોઈને રાડ પાડી જાય છે એવું સાઉથમાં બનતું નથી.
સાઉથના સ્ટાર્સની ફી તો ક્યારેક હિન્દી હીરોલોગ કરતાંય વધારે હોય છે. પ્રભાસ અને અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સ એક ફિલ્મ કરવાના ૮૦થી ૧૨૫ કરોડ રૂપિયા લે છે.
પર્સનલ સ્ટાફ, ટ્રાવેલ અને બીજા તામજામના વધારાના ખર્ચ તેઓ નિર્માતાઓના માથે મારતા નથી. દક્ષિણ ભારતમાં તો સ્ટાર્સ રીતસર પૂજાય છે.
દક્ષિણ ભારતની ચારેચાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઇકો-સિસ્ટમ બોલિવુડ કરતાં જુદી છે. અહીં કેટલાય મોટા સ્ટાર્સ કાં તો ખુદ નિર્માતા છે, અથવા તેઓ નિર્માતાના પરિવારમાં પેદા થયા છે. ઉદાહરણ તરીકે અલ્લુ અર્જુન, મહેશ બાબુ, વિજય, ધનુષ, સુરિયા, પૃથ્વીરાજ વગેરે. આપણે ત્યાં આ પ્રકારનાં દ્રષ્ટાંત આપવાં હોય તો આમિર ખાન, હૃતિક રોશન વગેરેનાં નામ લઈ શકાય. સાઉથના સ્ટાર્સ, સમજોને કે, 'ફેમિલી બિઝનેસ' સિસ્ટમમાં ઉછર્યા છે. તેઓ ખુદ પ્રોડયુસરની જેમ વિચારશે. આની સામે, બોલિવુડમાં 'ડિમાન્ડ કલ્ચર' વધારે ફૂલ્યુંફાલ્યું છે. બોલિવુડમાં કેટલીય વાર ફરિયાદો ઉઠતી હોય છે કે ફિલ્મનું અડધું બજેટ તો સ્ટારનો રસાલો મેન્ટેઇન કરવામાં જ ખર્ચાઈ ગયો. આવું તમને સાઉથમાં લગભગ ક્યારેય સાંભળવા નહીં મળે. અહેવાલો કહે છે કે 'પુષ્પા-ટુ'ના શૂટિંગ વખતે અલ્લુ અર્જુનનો સ્ટાઇલિસ્ટ અને ટ્રેનર અલગથી ટ્રાવેલ કરતા હતા, અને એમનું ટ્રાવેલિંગનું બિલ અલ્લુ ખુદ ઉઠાવતો હતો.
એક્ટર ખુદ પ્રોડયુસર હોય કે પ્રોડયુસરનો દીકરો હોય ત્યારે એ બરાબર જાણતો હોય છે સિનેમા જેવા અત્યંત ખર્ચાળ માધ્યમમાં બેફામ પૈસા ઉડાવવાનું મોટા મોટા નિર્માતાને પણ પોસાય નહીં. તેથી તેઓ આથક બાબતોમાં વધારે સભાન, વધારે શિસ્તબદ્ધ રહે છે.
***
ભારતના 'એ-લિસ્ટ' કલાકારોની સરખામણીમાં હોલિવુડ સ્ટાર્સની ફી તો ક્યાંય તોસ્તાનછાપ હોવાની. હોલિવુડના ટોચના સિતારાઓ એક ફિલ્મ દીઠ ૧૦થી ૯૦ મિલિયન ડોલર જેટલી ફી મેળવે છે. રોબર્ટ ડાઉની જુનિયર 'અવેન્જર્સ: એન્ડગેમ'માં એક્ટિંગ કરીને ૭૫ મિલિયન ડોલર (સાડાછ અબજ રૂપિયા કરતાંય વધારે) કમાયો હતો. આ રકમનો મોટો હિસ્સો, અલબત્ત, પ્રોફિટ શેરિંગમાંથી આવ્યો હતો.
હોલિવુડના સિતારાઓ હાઇપર-લક્ઝુરીયસ જિંદગી જીવે છે, પણ મોટા ભાગના સ્ટાર્સ વેનિટી વેન, સ્ટાઇલિસ્ટ, શેફ વગેરે ઉપરાંત પ્રાઇવેટ જેટનો ખર્ચ ખુદ ભોગવે છે. સ્ટુડિયો સાથે અત્યંત વિગતવાર કોન્ટ્રેક્ટ થયેલા હોય છે, જેમાં પ્રોડક્શન હાઉસ કલાકારનાં ક્યાં ક્યાં બિલ ભરશે અને તે બિલની મહત્તમ લિમિટ શું હશે તે પહેલેથી નક્કી થયેલું હોય છે. બોલિવુડના અમુક સ્ટાર્સ અચાનક પ્રોડયુસરને તોતિંગ બિલ પકડાવી દે અને નિર્માતા બાપડો શરમે-ધરમે કે લાચારીથી બિલ ચુકવી દે એવું હોલિવુડમાં બનતું નથી. હોલિવુડમાં સુપરસ્ટાર્સનાં નખરાંની ફરિયાદો ખાસ કરીને ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં વધારે ઉઠી હતી. હવે એવું નથી. હોલિવુડ સ્ટુડિયોનું અકાઉન્ટિંગ અને ઓડિટિંગ સંભવત: વધારે ચુસ્ત અને પારદર્શક છે. હોલિવુડમાં એજન્ટ્સ ખાસ્સા પાવરફુલ ગણાય છે. જરૂર પડયે એન્ટરટેઇનમેન્ટ લોયર્સની સેવાઓનો પણ ભરપૂર કરવામાં આવે છે.
ટોમ ક્રૂઝ પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે (ગલ્ફ સ્ટ્રીમર-ફોર, કિંમત લગભગ ૨૦થી ૨૫ મિલિયન ડોલર). પ્લેનને મેન્ટેઇન કરવાનો ખર્ચ ટોમ પોતે ઉઠાવે છે. હા, કોઈ ફિલ્મની પ્રમોશન એક્ટિવિટી માટે એણે પોતાનું પ્લેન વાપર્યું હોય તો સ્ટુડિયો તેનો ખર્ચ ચૂકવી દે છે. સિંગર-પર્ફોર્મર ટેલર સ્વિફ્ટનું પણ પોતાની માલિકીનું પ્લેન છે. ફક્ત પ્લેનના ઈંધણ પાછળ એ દર વર્ષે ચાર મિલિયન ડોલર ફૂંકી મારે છે. આ મામલે એની ટીકા પણ થઈ છે.
લિયોનાર્ડો ડીકેપ્રિયો, એન્જેલિના જોલી, વિલ સ્મિથ વગેરે પ્લેનનો કાફલો ધરાવતી પ્રાઇવેટ કંપનીની મેમ્બરશિપ ધરાવે છે. (પ્રાઇવેટ જેટ ભાડે આપતી પ્રાઇવેટ એજન્સીઓ આપણે ત્યાં પણ સક્રિય છે.) જ્યારે જરૂર પડે ત્યારે ચાર્ટર્ડ પ્લેનનું બુકિંગ કરી દેવાનું. આપણે જેમ ઉબર ટેક્સી કે રિક્ષા બુક કરીએ છીએ, તેમ. પ્રમોશનલ ટૂર સિવાયના ચાર્ટર્ડ પ્લેનના ખર્ચા હોલિવુડના સ્ટાર્સ જાતે ભોગવે છે.
મોટા સ્ટાર્સ, મોટી વાતો... બીજું શું?
શો સ્ટોપર
હારને મેં ઔર હાર માનને મેં બહોત ફર્ક હોતા હૈ...
- આર્યન શાહરૂખ ખાન


