Get The App

આપણે યુગને ઉજાળવા માટે જન્મ્યા છીએ

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
આપણે યુગને ઉજાળવા માટે જન્મ્યા છીએ 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'બંધુત્વ શું હોય તે સમજવું હોય તો સત્કર્મ અને સત્કારની જોડી જોઈ લો. આપણે યુગને પજવવા નહીં પણ ઉજાળવા જન્મ્યા છીએ.'

સ ત્કર્મે દર્પણ તરફ નજર કરી, એના યૌવનને જીવન સંધ્યા વિદાય આપી ચૂકી હતી. કાલ સુધી સત્કર્મનું નામ યુવોનોની યાદીમાં હતું... સમય માણસના જીવનમાં કેટલું મોટું પરિવર્તન આણી દેતો હોય છે. બાહ્ય રૂપને માણસને છેતરવાની આદત છે, પણ આત્માનાં ઓજસ કદી ફીકાં પડતાં નથી.

સત્કર્મની કૉલેજ કારકિર્દી અત્યંત ઉજ્જવળ હતી. એની નિષ્પાપ આંખો, માસૂમ ચહેરો, ગોરો વાન, ઓછાબોલો અને એકાંતપ્રિય સ્વભાવ? સત્કર્મ પાસે બુદ્ધિનો ખજાનો હતો, પણ લક્ષ્મીની કૃપા નહોતી. સત્કર્મ ઇચ્છતો હતો કે તેને કોઈ વિદેશ મોકલે. ત્યાંથી ટેકનોલોજીનું વિશિષ્ટ જ્ઞાન મેળવીને એ પાછો આવે અને ભારતમાં પોતાનો મનપસંદ બિઝનેસ શરૂ કરે.

મમ્મી-પપ્પાને સત્કર્મ બહુ જ વહાલો હતો એટલે તેનો નાનો ભાઈ સત્કાર તેની ઇર્ષ્યા કરતો. સત્કર્મ અને સત્કાર વચ્ચે મીઠા ઝઘડા પણ થતા, મમ્મી વચ્ચે પડી સમાધાન કરાવી આપતી. મમ્મી-પપ્પાના વાત્સલ્ય અને પ્રેમની દ્રષ્ટિએ બન્ને ભાઈઓ સરખા હતા.

સત્કર્મના અને સત્કારના પપ્પાજી પ્રશાંતકુમાર જીવ્યા ત્યાં સુધી કોની મજાલ કે કોઈ બે ભાઈઓને ઊંચા સાદે વઢે.

પરંતુ... પ્રશાંતકુમારનું એક કાર અકસ્માતમાં આકસ્મિક અવસાન થયું અને બન્ને ભાઈઓ સત્કર્મ અને સત્કાર નિરાધાર બની ગયા. જવાબદારી શું કહેવાય એનો પ્રથમ પાઠ ભણે એ પહેલાં જ સત્કર્મ પર જવાબદારીઓના ગંજ ખડકાયા. ઊગતી પ્રત્યેક સવાર જાણે કે સત્કર્મના યૌવનને છીનવી રહી હતી. મળવા આવનાર દરેક સગાંવહાલાં 'જો ભાઈ' થી શરૂ કરી સત્કર્મ પર શિખામણનો ધોધ વરસાવતા.

હજુ પપ્પા પ્રશાંતકુમારની ચિતાના અંગારા ઠર્યા ય નહોતા ત્યાં મોટા કાકાએ ફરમાન બહાર પાડયું હતું : 'જો સત્કર્મ, હવે તારે કૉલેજ પાછળ વધુ ઘેલા થવાનું નથી. જે મળે તે આછી પાતળી નોકરી સ્વીકારી લે. તારી મમ્મી અને તારા નાનાભાઈ સત્કારની જવાબદારી તારે અદા કરવાની છે' સત્કર્મના મમ્મી વિભૂષાદેવીને કાકાનો આદેશ પસંદ પડયો નહોતો. લાચાર વદને તેઓ તેમના જેઠને સામે જોઈ રહ્યાં, પરંતુ તેમના આદેશનો અનાદર કરવાની હિંમત ન કરી શક્યાં.

અને સત્કર્મએ એક સરકારી ઓફિસમાં ક્લાર્કની નોકરી સ્વીકારી લીધી. વિદેશ જઇને અભ્યાસ કરવાના કોડ અને ભારતમાં રહીને બિઝનેસમેન બનવાનું સત્કર્મનું સ્વપ્ન આર્થિક મજબૂરીઓના કારણે નાકામયાબ નીવડયું હતું.

સત્કર્મનું યૌવન ફાઈલોના ઢગલા નીચે કચડાતું હતું. બોસના નિર્દય હુકમો એના સ્વપ્નના ચૂરેચૂરા કરી રહ્યા હતા. બીજું બધું તો ઠીક પણ કોલેજમાં એની સાથે અભ્યાસ કરતી વાણીએ પણ તેને પ્રેમને માટે ગેરલાયક ઠેરવ્યો હતો... એનું એને ભારે દુ:ખ હતું.

સત્કર્મના આ અંધકારભર્યા જીવનમાં જો કોઈ આધાર હોય તો તે હતો, તેનો નાાનો ભાઈ સત્કાર. અને સત્કર્મ એ સત્કારના જીવનને સુખી બનાવવાનું વ્રત લીધું હતું. મમ્મી વિભૂષાદેવીની ઉપરવટ જઇને સત્કર્મએ સત્કારને સારી સ્કૂલમાં એડમિશન અપાવીને અભ્યાસ કરાવ્યો. નોકરીમાં ઓવરટાઈમ કરીને સત્કારના અભ્યાસ અર્થે સત્કર્મએ પૈસા ભેગા કરવા માંડયા. પોતાના સ્વપ્ન સત્કાર સાકાર કરશે. એવી શુભેચ્છા સાથે સત્કર્મએ સત્કારને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલ્યો. સત્કાર વિદેશ ગયો ત્યારે મોટાભાઈ સત્કર્મએ તેને વચન આપ્યું હતું કે પૈસાની એને કશી જ અગવડ નહીં પડવા દે.

સત્કાર સત્કર્મનો નાના ભાઈ હતો. સંસ્કારમાં તે સત્કર્મથી જરા પણ ઉતરે તેવો નહોતો. મમ્મી અને સત્કર્મભાઈના આશીર્વાદ લઇ સત્કારે વિદેશની ધરતી પર પગ મૂક્યો પણ ક્યારેય એણે સત્કર્મભાઈ પાસેથી અભ્યાસ માટે પૈસા મંગાવ્યા નહોતા. નાની-મોટી જોબ કરીને સત્કારે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. અને અમેરિકાની એક પ્રતિષ્ઠિત કંપનીમાં તેને મેનેજરની પોસ્ટ મળી ગઈ હતી.

સત્કાર પોતાના મોટાભાઈ સત્કર્મની કુરબાની ભૂલ્યો નહોતો. અમેરિકામાં બરાબર સેટલ થયા પછી સત્કારે સત્કર્મભાઈ અને મમ્મીને અમેરિકામાં બોલાવી લેવાનું નક્કી કરી નાખ્યું હતું. અમેરિકામાં અભ્યાસ દરમ્યાન સીયા નામની યુવતી સાથે સત્કારને પરિચય થયો હતો. સીયાના બીમાર પપ્પાના આગ્રહને વશ થઇ સત્કારે સીયા સાથે સાદાઈથી લગ્ન કરી લીધું, પરંતુ સત્કારનું મન તો સત્કર્મભાઈ પાસે ભારત જવા અધીરું બન્યું હતું.

સત્કારના મુખેથી મોટાભાઈ સત્કર્મની મહાનતાની વાતો સાંભળી સીયા પણ તેમને મળવા આતુર હતી. સત્કારે સત્કર્મભાઈને સરપ્રાઈઝ આપવા માટે લગ્નની વાત ન કરી, પરંતુ ભારત આવતાં પહેલાં પોતાના પગારમાંથી બચાવેલી સારી એવી રકમ એણે ભારત મોકલી.

સત્કર્મએ સત્કારે મોકલેલી રકમ મમ્મીને આપીને કહ્યું : 'મમ્મી, મારું અને તમારું ભરણપોષણ થાય એટલું તો હું કમાઉ જ છું. મારાથી નાનાભાઈના પૈસા ન લેવાય. મોટાભાઈ તો નાનાભાઈના પિતા સમાન ગણાય. આ રકમ તમે રાખો અને તમને યોગ્ય લાગે તેમ સત્કારના ભલા માટે તેનો ઉપયોગ કરજો.'

હરખપદૂડાં વિભૂષાદેવીએ સત્કારના નામે એક નાનકડો બંગલો અને કાર ખરીદી લીધાં. એક દિવસ સત્કર્મ ઓફિસેથી આવીને આરામખુરશીમાં બેઠો હતો ત્યારે તેની મમ્મીએ વાત માંડી : 'સત્કર્મ, સાદગી અને કરકસરવાળું જીવન તને કોઠે પડી ગયું છે. તારી જિંદગીમાં રસકસ નથી એટલે તું મૂજીની જેમ શાંતિથી બેઠો છે. પણ તારા નાનાભાઈ સત્કારનો તો વિચાર કર. તારે એના લગ્ન વિષે વિચારવું જોઇએ. તારે સત્કારના પૈસાનો ઉપયોગ ના કરવો હોય તો ના કર, પણ તેના લગ્ન માટે લોનનો બંદોબસ્ત તો કર. સત્કાર ભારત આવે તે પહેલાં લોનના પૈસા મળી જાય તેવી વ્યવસ્થા કર. સત્કાર માટે હું અમીર ઘરની છોકરી શોધી કાઢીશ. તું લગ્નની તૈયારી કરવા માડ તેમાં કરકસર નહીં ચાલે. તારો ભાઈ વિદેશથી આવવાનો છે, તેના મોભા પ્રમાણે લગ્નનો ખર્ચ તો કરવો જ પડશે ને?' લોકો વખાણે નહીં તો એ લગ્નોત્સવ લગ્નોત્સવ શાનો?

મમ્મીની વાતો સાંભળી સત્કર્મ સ્તબ્ધ થઇ ગયો હતો. સ્વજનો આપણને સાધ્ય ગણવાના બદલે માત્ર સાધન ગણે ત્યારે આપણું મન હજારો વીંછી કરડયાની વેદના અનુભવે છે અને સત્કર્મના મમ્મી વિભૂષાદેવી સત્કારના સ્વાગતની તૈયારીમાં પડી ગયાં હતાં. તેમને એ જ વાતની ચિંતા હતી કે સત્કાર આવે 

એ પહેલાં એના બંગલાની સરસ રીતે સજાવટ થઇ જાય. એ વિદેશથી ભણીને આવે છે, એનો ખ્યાલ તો ઘરના લોકોએ રાખવો જ જોઇએ. સત્કારના કારણે સમાજમાં કેટલો બધો વટ પડી ગયો. સત્કારની મમ્મીએ મનોમન સંતોષ અનુભવતાં વિચાર્યું. સત્કારે વિદેશથી પૈસા મોકલ્યા પછી તેની મમ્મીએ સત્કર્મ પ્રત્યેનું વર્તન સાવ બદલી નાખ્યું હતું.

એક દિવસ સવારે પડોશના બંગલામાં રહેતા મિ. વર્માનાં પત્નીને વિભૂષાદેવી કહી રહ્યાં હતાં : 'અમારા સત્કારના લીધે જ આજે હું કારમાં બેસીને દેવદર્શને જઈ શકું છું બાકી સત્કર્મના રાજમાં તો પગ ઘસવાનું જ લમણે લખાયું હોત.' આ વાત સાંભળી સત્કર્મને ખૂબ જ માઠું લાગ્યું હતું. પણ મમ્મીના માન ખાતર એ સમસમીને બેસી રહ્યો હતો.

એક દિવસ સાંજે જમતી વખતે સત્કર્મની મમ્મીએ કહ્યું : 'સત્કર્મ, તારો બધો સામાન મેં ઉપર શિફ્ટ કરી નાખ્યો છે. તારે હવે ઉપરના નાના રૂમમાં રહેવાનું છે. તારો મોટો રૂમ મેં સત્કારને આપવાનું વિચાર્યું છે. એટલે એમાં એ.સી. નાંખવાનું છે. નવા ફર્નિચરનો ઓર્ડર મેં આપ્યો હતો એટલે ડબલ બેડ, ડ્રેસિંગ ટેબલ, બારીઓના પડદા અને એક નાનો સોફા બધુ કાલે સવારે આવી જશે. સત્કર્મ આમેય તું સીધોસાદો છે. મારે સત્કારના મોભાનો ખ્યાલ તો રાખવો જ પડે. વળી તારામાં અને સત્કારમાં પણ આભ-જમીનનો ફેર છે. એ અમેરિકામાં રહેલો છે એટલે એને બધું અપ-ટુ-ડેટ જોઇએ. તારી વાત જુદી છે. આ બધું જ ખર્ચ સત્કારના પૈસાને કારણે કર્યું છે. મમ્મીની વાત સાંભળી સત્કર્મની સહિષ્ણુતાનો બંધ તૂટી ગયો. એણે કહ્યું, 'મમ્મી, આ જ વાત તમે મને પૂછીને અમલી બનાવી શક્યાં હોત. હું ઓફિસેથી પાછો ફરું ત્યાં સુધી તો તમારે રાહ જોવી હતી. દૂઝણી ગાયની ભલે તમે પૂજા કરો પણ વસૂકી ગયેલી ગાયને પાંજરાપોળને લાયક ગણવાની ઉતાવળ કરો એ બરોબર નથી.'

વિભૂષાદેવીએ ગુસ્સામાં એકદમ તાડૂકી ઊઠયાં : 'તારી પાસે સદાચારના પાઠો ભણવાની મારે જરૂર નથી. સમજ્યો? મારા નિર્ણયમાં દખલ દેવાનો તને કોઈ હક નથી. અને આ બંગલો તારો નથી, સત્કારનો છે.'

બીજા દિવસે સાંજે ઓફિસેથી છૂટીને નવા બંગલે જવાને બદલે સત્કર્મ પોતાના જૂના મકાન પર ગયો. અંધારું થઇ ગયું હતું. રાત્રિના નવ વાગી ગયા પણ મમ્મીનો ફોન ન આવ્યો એટલે થાકીને પોતે જ મમ્મીને ફોન કરીને કહ્યું : 'મમ્મી, હું આપણા જૂના ઘરે આવ્યો છું મને જૂના ઘરની યાદ આવે છે એટલે થોડા દિવસ અહીં જ રહેવાનો વિચાર છે.'

સત્કર્મને ફોનમાં આગળ બોલતો અટકાવતાં સત્કારે કહ્યું : 'ભાઈ સરપ્રાઇઝ, હું આવી ગયો છું. હું બંગલે ગયો ત્યારે મમ્મીને એકલાં જોઇને મને આશ્ચર્ય થયું. મને ખ્યાલ આવી ગયો કે મોટાભાઈ જૂના ઘરે જ હશે. એટલે હું અહીં દોડી આવ્યો. હું પણ અહીં તમારી સાથે જ રહીશ. હું વિદેશ જઇને આવ્યો અને બે પાંદડે થયો, એના કારણે તમારો મારા પરનો અધિકાર વિલોપાઇ જતો નથી. ભાઈ, તમે તો મને અમેરિકા મોકલ્યો હતો. મારા કારણે તમે તમારો અભ્યાસ એશોઆરામ અને દરેક ખુશીનો ત્યાગ કર્યો હતો. એ હું કેવી રીતે ભૂલી શકું?'

'અરે સત્કાર મારા ભાઈ, તું આવી ગયો? મોટાભાઈના આટલાં બધાં વખાણ કરવાની જરૂર નથી. બેસ તો ખરો, પાણી પી, શ્વાસ લે. આપણા પપ્પાજીના ગયા પછી મેં તને વિદેશ મોકલી આગળ અભ્યાસ કરાવવાનું વ્રત લીધું હતું. મારું સ્વપ્ન પૂરું કરવાં મેં તને મોકલ્યો, એમાં મેં શી નવાઈ કરી ભાઈ?'

'અરે સત્કર્મભાઈ, તમને નવાઈ ના લાગે પણ મારે મન તો તમે ભગવાન છો. મોટાભાઈ હું નહીં તમે એમ.બી.એ થયા છો. તમને અને મમ્મીને અમેરિકા લઇ જવા આવ્યો છું તમે બંગલે નહીં આવો તો હું અહીંયા જ રહીશ, તમારી સાથે. પણ હવે હું એકલો રહેવા માગતો નથી. અને ભાઈ તમે ફરજ બહુ અદા કરી, હવે તમારા વિષે તો વિચારો, લગ્ન ક્યારે કરવાના છો? મમ્મી કહેતી હતી કે મારાં લગ્ન માટે તમે લોન લઇ રાખી છે. અરે ભાઈ તમારું શું? તમારા લગ્ન વિષે મમ્મી કેમ વિચારતી નથી?'

સત્કારે ભેટીને સત્કર્મ એ કહ્યું : 'મારા વ્હાલા બંધુ, ક્યારેક માતૃધર્મમાં ક્ષતિ રહે છે તો ક્યારેક ભાતૃધર્મમાં. રામ કે લક્ષ્મણ કોઈ યુગ વિશેષના ફરજંદ નથી. પણ માણસના હૃદયમાં પ્રગટતા કૃતજ્ઞાતાના દીવાનું નામ છે. સત્કાર, તું ફૂટપટ્ટીથી મપાય એવો નાનો માણસ નથી. પણ મોટામાં મોટા ગજાનો દિલાવર અને પવિત્ર માણસ છો. આપણે કદી વિખૂટા નથી પડવું. 'રામ-લક્ષ્મણના એ પવિત્ર મિલનને રામજી મંદિરમાં થતી આરતીએ આશીર્વાદ પાઠવ્યા. મહારાજ રામાયણની કથા કહી રહ્યા હતા. એમણે દ્રષ્ટાન્તમાં કહ્યું : 'બંધુત્વ શું હોય તે સમજવું હોય તો સત્કર્મ અને સત્કારની જોડી જોઈ લો. આપણે યુગને પજવવા નહીં પણ ઉજાળવા જન્મ્યા છીએ.'