Get The App

ભોજન અને તે પણ પતરાળા અને પડિયામાં : પોશાકમાં અડધી બાંયનો સદરો અને ગોઠણ સુધી વાળેલ લૂંગી

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
ભોજન અને તે પણ પતરાળા અને પડિયામાં : પોશાકમાં અડધી બાંયનો સદરો અને ગોઠણ સુધી વાળેલ લૂંગી 1 - image

- રજનીકાંતની હિમાલય યાત્રાની તસવીરો વાયરલ બની : ઋષિકેશ જતા રસ્તા પરના ખૂમચાનું સાદુ 

- રજનીકાંત સાદગી અને સહજતાનો પણ સુપર સ્ટાર

- હોરાઈઝન-ભવેન કચ્છી

- જેવા છીએ તેવા દેખાવા માટે કે પછી અપૂર્ણતાનો ખુમારી સાથે સ્વીકાર કરવા માટે ગજબનો આત્મવિશ્વાસ જોઈએ

ફિ લ્મ અભિનેતા રજનીકાંતની પાપારાઝી અને કેટલાક પ્રવાસીઓએ લીધેલી તસવીર આજકાલ વાયરલ બની છે. રજનીકાંત હાલ હિમાલયના યાત્રાના સ્થળોના પ્રવાસે છે પણ ભાગ્યે જ તેને કોઈ ઓળખી શકે છે.જે તસવીર વાયરલ બની છે તેમાં તે તેના મિત્ર સાથે રસ્તાની એક બાજુએ તેની નાની કાર પાર્ક કરીને સાવ સાદી રોટલી, દાળ, ભાત અને શાક પતરાળા એટલે કે થાળીની જગ્યાએ ઉપયોગમાં લેવાતા મોટા ગોળાકાર પાન અને સૂકા આવા પાનથી બનેલ પડિયામાં ભરેલ આ વાનગીઓ સાથે ભોજન લઈ રહ્યા છે.રજનીકાંતે સાવ સાદો અડધી બાંયનો સદરો અને દક્ષિણ ભારતીયો પહેરે તેવી ધોતી પહેરી છે અને તે પણ ગોઠણ સુધી વાળેલી છે. તેમના ખભા પર પરસેવો અને હાથ લૂછવા માટેનો નેપકીન છે.

રજનીકાંતની સાદગીની વાત કે વખતોવખત વાયરલ બનતી તસવીરો કંઈ નવી વાત નથી.પણ જેટલી વખત આ જાણીએ કે જોઈએ ત્યારે વિચાર તો આવે જ રજનીકાંત લેજેન્ડ સુપર સ્ટાર હોવા છતાં આ હદે જેવા પણ કુદરતી છે તેમ જાહેરમાં રજૂ થવાની હિંમત કે આત્મવિશ્વાસ  કઈ રીતે લાવી શકતા હશે.આપણે સામાન્ય નાગરિક  અને ઉંમરલાયક હોઈએ તો પણ માથા પરના કાળા કરેલ વાળ સહેજ ધોળા થયેલા દેખાય અને જાહેરમાં કે કોઈ ફંક્શનમાં જવાનું હોય તો તરત જ વાળને કલર કરી દઈએ છીએ. ભૂલથી ન થઈ શકે તો બધા વચ્ચે સ્વસ્થતાથી મળવાનું ટાળીએ છીએ. બધાની નજરમાં ઓછા આવીએ તેવો પ્રયત્ન હોય છે. પુરુષ હોય કે મહિલા પ્રસંગ કે તહેવાર વખતે ફેશિયલ કરાવે તે હવે સ્નાન કરવા જેવું સહજ બનતું જાય છે. આંખ નીચેના કાળાશ પડતા કુંડાળાથી માંડી શ્યામ ચામડી બધાંની મેક અપ હેઠળ ટાપટીપ કરીએ છીએ. એટલે સુધી કે ફોટામાં પણ ફોટોશોપથી ચહેરા પરની ખામી અને ન ગમતા રંગને ઢાંકી દઈએ છીએ.

રજનીકાંત તેના અંગત જીવનમાં આમાંનું કંઈ નથી કરતા.આજે યુવા અને પીઢ મોટાભાગના અભિનેતાઓ વિગ, કોસ્મેટિક સર્જરી, વેનિટી વાન અને બ્યુટિશિયનની ફોજ રાખે છે. હવે તો યુવાનો પણ આવી બધી ટ્રીટમેન્ટ અને ટ્રાન્સપ્લાન્ટ કરાવતા થયા છે.

શારીરિક ફિટનેસ અને સુંદર દેખાવા માટે જેઓ પણ આવું કરે છે તેમાં જરાપણ ખોટું નથી. સરસ રીતે સમાજ તરફ રજૂ થવું  કે વ્યવસાયિક રીતે પણ આવી દ્રષ્ટિ રાખવી સમયની માંગ પણ બનતું જાય છે. પણ આપણે રજનીકાંતને દાદ તો આપવી જ રહી.

એવું નથી કે રજનીકાંતને સંપત્તિ અર્જ કરવાની કે દર્શકો સામે છવાઈ જવાની પરવા નથી. તે પોતે એક એકરના બીજા ભાગનો વિસ્તાર ધરાવતા બંગલાના માલિક છે. તેની પાસે પોર્ચ, લેમ્બોરઘીની, મર્સિડીઝ,જગુઆર જેવી આઠ કાર છે. તેના બંગલામાં ભવ્ય ફનચર, ડેકોર અને આર્ટ વર્ક બધું જ દક્ષિણ ભારતના અતિ ધનાઢય પરિવાર જેવો વૈભવ છે. તે એક ફિલ્મના સરેરાશ રૂ.૬૦ કરોડ લેતા હોય છે. પણ તેને નજીકથી જાણનારા કહે છે કે રજનીકાંતની પત્ની લતા અને બે પુત્રી ઐશ્વર્યા અને સૌંદર્યા જ આવા શોખ ધરાવે છે અને રજનીકાંત તેઓની ઈચ્છામાં માથું નથી મારતા. રજનીકાંત ફિલ્મના શૂટિંગમાં પણ પોશ કારમાં જ જાય છે પણ રજનીકાંતને સાદી અને મધ્યમ વર્ગના પરિવાર ઉપયોગમાં લેતા હોય તેવી નાની કે મધ્યમ કાર આપો તો તેમાં પણ બેસવા તૈયાર થાય છે. તેઓ સેવન સ્ટાર હોટલમાં પણ જાય જ છે પણ ઢાબા પર બેસીને લૂંગી પહેરીને ભોજનની મજા પણ લેતા જ હોય છે.

એક જમાનામાં બસ કંડક્ટરમાંથી ફિલ્મ સ્ટાર બન્યા અને નવો સવો પૈસો આવ્યો ત્યારે એવું કહેવાય છે કે રજનીકાંત તમામ પ્રકારની ઐયાશીના રવાડે ચઢી ગયા હતા પણ ૧૯૮૧માં લગ્ન થયા પછી અને તેમના કોઈ ગુરુના પ્રભાવમાં આવ્યા બાદ દંભ, બનાવટ કે દેખાડા વગરનું જીવન જીવતા થયા.

અંબાણી પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હોય અને આપણને આમંત્રણ મળે તો કોઈ નજર સુધ્ધા ના માંડવાનું હોય તો ડિઝાઇનર ડ્રેસ અને જ્વેલરી, મેક અપ વગેરેના સહેજે દોઢ લાખ રૂપિયા ખર્ચી કાઢીએ. ગ્લેમર, ફિલ્મ, ફેશન અને જુદા જુદા ક્ષેત્રોની દેશ વિદેશની હસ્તીઓની વચ્ચે અંબાણીના તે પ્રસંગમાં રજનીકાંત તો સફેદ પેન્ટ અને ઓપન સફેદ શર્ટ સાથે જ આવ્યા હતા. કોઈ વિગ નહીં અને ટેલકમ પાવડરનો ચેહરા પર હળવો છંટકાવ સુધ્ધા નહોતો જોઈ શકાતો. તેની આજુબાજુ  અમિતાભ બચ્ચનથી માંડી અક્ષય કુમાર અને ભારતના શ્રીમંતો અને ઉદ્યોગપતિઓ ઠાઠ સાથે બિરાજમાન હતા. ઘણા તો ફિલ્મના પડદા પર રજનીકાંત વિગ સાથે થોડા ઓછી વયના દેખાતા હોઈ તેને વિગ અને મેક અપ વગર ઓળખી જ નહોતા શક્યા અને તેની થોડે  દૂર બેસેલ અમિતાભ બચ્ચનને મળવા આવે, તેને પગે લાગે પણ રજનીકાંતની નજીક જાય જ નહીં.આમ છતાં રજનીકાંત એકદમ સ્વસ્થ જણાતા હતા.

અભિનેતા કે અભિનેત્રીને સૌથી મોટી અસલામતી એ હોય છે કે ભૂલથી પણ ફિલ્મના પડદા પર તેમની જે ખૂબસુરત કે પ્રભાવી અને ફિટ ઇમેજ છે તેનો જાહેર જીવનમાં પર્દાફાશ ન થઈ જાય. કેમ કે મેક અપ અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ તેમજ વિગ વગરનો ચહેરો ભૂલથી ચાહકોની નજરે ન ચઢી જાય.પીઢ અભિનેતા, વિગ, ગળા પરની કરચલીઓ ન દેખાય એટલે મફલર વીંટાળેલું રાખે અને દુબળું પાતળું શરીર અને ઝૂકી ગયેલા ખભા ન દેખાય એટલે બે ત્રણ જાડા શર્ટ પહેરે જેના ખભાનો ભાગ કડક પેકિંગ ધરાવતો હોય.સ્કિન ટાઇટ કરવાની ટ્રીટમેન્ટ કરાવી હોય.

પણ રજનીકાંત કદાચ વિશ્વના એકમાત્ર એવા અભિનેતા છે જેના ચાહકો પડદા પર તેને વિગ સાથે અને લાઇટ મેક અપ સાથે જુએ છે અને તે તાળીઓ સીસોટીઓ  મેળવતી ફાઇટ અને સ્ટંટ કરે છે છતાં તે જ તેનો ચાહક રજનીકાંતની  જાહેર જીવનની ઇમેજ જાણતો હોય છે કે તેનો ચાહિતો હીરો અંગત જીવનમાં  માથે ટાલ ધરાવે છે. તે  ઉંમર લાયક છે અને ચહેરા પર કાળા ચાંઠા ધરાવે છે. આવી સાચી છબી તેમના મનમાં અંકિત થયેલી છે પણ ફિલ્મમાં ડેશિંગ સ્ટાઇલિસ્ટ રજનીકાંતને સ્વીકારે છે.

રજનીકાંત ગ્લેમર વર્લ્ડથી બ્રેક લેવા સાવ સાદગીથી અને સિક્યોરિટી વગર ઋષિકેશમાં ગંગા નદીને કિનારે આવેલ બ્રહ્મલીન સ્વામી દયાનંદના આશ્રમમાં રહ્યા હતા અને ધ્યાન માટે પણ સમય ફાળવ્યો હતો. સાધુઓ જોડે સત્સંગ પણ કર્યો હતો.બધા જોડે હરોળમાં નીચે બેસીને સાદુ ભોજન પણ લીધું હતું. બદરીનાથના દર્શન પણ કર્યા હતા. રસ્તામાં ઓછી ચહલ પહલ હોય તેવી લારી પરનું ભોજન તેઓ લેતા હોય છે.

આવા રજનીકાંત પાસેથી આપણે સાદગી અને સહજતા શીખી જ શકીએ. આપણી તો ધાર્મિક યાત્રા પણ ઘર જેવું ભોજન, મીઠાઈ  અને સવારથી બ્રેક ફાસ્ટ અને એ.સી. રૂમ, ગરમ પાણીનું પેકેજ હોય તેવા ટ્રાવેલરની કે હોટેલની જ હોય છે.

***

અપૂર્ણતાનો માત્ર આત્મવિશ્વાસ સાથે સ્વીકાર જ નહીં પણ તેની બિલકુલ પરવા કર્યા વગર પોતાની જાત અને વિશ્વ સમક્ષ રજૂ થવું તે ગુણ કેળવવાની વિશ્વને ભારે જરૂર છે કેમ કે મોટાભાગની મનોબિમારી પોતાને મળેલી કોઈ ત્રુટી પર જ આખી જિંદગી દોષની લાગણી સાથે જીવવું અને જાણે વિશ્વ આખું આ ત્રુટી પર જ નજર માંડીને બેઠું છે અને તેને ઉતરતી દ્રષ્ટિએ જુએ છે તેવા ભ્રમની ગ્રંથિ સાથે  આત્મઘાતી વિચારોની ખાઈમાં ધકેલાઈ ગયા હોય તેની જોવા મળે છે.  આવી ત્રુટીને લીધે જીવવાનો કોઈ ચાર્મ નથી રહેતો.

ઘણા કેસ તો એવા છે કે કંઈ જ એવી નોંધપાત્ર ખામી ન હોય તો પણ કંઇક શોધી લે અને તે પછી જીવનભર દુનિયાથી ભાગતા ફરે. કોઈને ખીલ છે, કોઈનો રંગ શ્યામ છે. કોઈ પ્રયત્ન છતાં વજન નથી ઘટાડી શકતું, કે કોઈ સુકલકડી કાયા ધરાવનારનું  રોજ વાટકો ભરીને  ઘી આરોગે છે તો પણ  વજન નથી વધતું. કોઈની ઊંચાઈ ખૂબ વધારે કે કોઈની સામાન્ય કરતાં ઓછી છે. કોઈને માથા પર વાળ નથી. કોઈને નખશિખ બધું જ સુંદર અને સમતોલ આપ્યું છે પણ પોતે એવું માને છે કે તેના કરતાં બીજા સુંદર છે.

જ્ઞાન પેસ્ટ

"Imperfectનો સ્વીકાર કરતા શીખીશું તો કૃત્રિમતા અને  દંભીપણાનો આપોઆપ છેદ ઊડી જશે.આજે ફેસબુક કે સોશિયલ મીડિયામાં જે પણ પોસ્ટ મુકાતી હોય છે તેમાંની  ઘણી આપણી જાતને  અને જગતને છેતરવા માટેની આભાસી કે અર્ધ ચિત્ર બતાવતી હોય છે. આવી પોસ્ટનો આશરો જે નથી તે બતાવવાનો હોય છે. જે બતાવાય છે તે સ્થૂળ છે. સૂક્ષ્મ કંઇક બીજું જ હોય છે. જે તૃપ્ત અને નિજાનંદી હોય છે તે દુનિયાને બતાવવાનો પ્રયત્ન નહીં કરે. ખાલી ઘડો હશે તે જ છલકાવાનો સતત પ્રયત્ન કરશે.