- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ભારતીય વાયુસેના પાસે અત્યારે લડાકુ વિમાનના નામે બ્રિટિશ બનાવટના જેગુઆર, ફ્રાન્સના મિરાજ તથા રફાલ, રશિયાના અત્યાધુનિક સુખોઈ-30 અને મિગ-29 વિમાનો છે
ભા રતીય સેનાએ 'ઓપરેશન સિંદુર' તો યશસ્વી રીતે પાર પાડયું. પરંતુ આર્મીજનરલો આ વિજય પ્રાપ્તીથી ફુલાઈને ફાળકો થઈને બેઠા નથી. તેમની ચિંતા એ છે કે ન કરે નારાયણને જો ચીન અને પાકિસ્તાન બેઉ એક સામટો ભારત પર હુમલો કરે તો આ જંગનો સામનો કેવી રીતે કરવો. શું આપણી પાસે એટલા ફાઇટર પ્લેન છે જે ચીન અને પાકિસ્તાન બેઉની વાયુસેના સામે ઝીંક ઝીલી શકે? જવાબ છે ના. અને આ નકારાત્મક ઈશારો જ ભારત સરકાર માટે પણ માથાનો દુ:ખાવો બની ગયો છે.
હજુ પાંચ મહિના પૂર્વે જ ભારતીય એરફોર્સના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સંરક્ષણ ખરીદીના પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ફાઈટર વિમાનો સહિત એક પણ સંરક્ષણ સોદા નિશ્ચિત સમય મર્યાદામાં પૂરા થતા નથી. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામને ટાંકીને તેમણે કહ્યું કે, તેજસ એમકે૧એ ફાઈટર જેટની ડિલિવરી અટકી છે.
થોડા સમય પૂર્વે આઇએએફના વાઇસ ચીફ એર માર્શલ બી એસ ધાનોઆએ જણાવ્યું હતું કે અમારી પાસે એટલા વિમાનો નથી કે એક સાથે બે દેશો સાથે એર ઓપરેશન શરૂ કરી શકાય. ભારતીય ઉપખંડની વર્તમાન પરિસ્થિતી જોતાં ઓછામાં ઓછી ૪૨ સ્કવોડ્રનની જરૂર પડે એમ છે. ભારતમાં સામાન્ય રીતે એક સ્કવોડ્રન ૧૬ થી ૧૮ ફાઈટર વિમાનો હોય છે. જો કે દેશ પ્રમાણે વિમાનોની સંખ્યા બદલાતી રહે છે.
ભારતીય વાયુસેના પાસે અત્યારે લડાકુ વિમાનના નામે બ્રિટિશ બનાવટના જેગુઆર, ફ્રાન્સના મિરાજ તથા રફાલ , રશિયાના અત્યાધુનિક સુખોઈ-૩૦ અને મિગ-૨૯ વિમાનો છે. આ તમામની સંખ્યા ધ્યાનમાં લેતા આપણી પાસે હાલ કુલ ૨૯ સ્કવોડ્રન છે. જે ઘણી ઓછી કહેવાય. બીજી બાજુ ચીન અને પાકિસ્તાન તેમના એરફોર્સને તગડી બનાવતા જાય છે.
એવા અહેવાલો છે કે ચીન અને પાકિસ્તાન બન્નેએ મળીને તૈયાર કરેલા યુદ્ધ વિમાન જેએફ-૧૭ને વધુ આધુનિક અને ખતરનાક બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
જેએફ-૧૯ વિમાનમાં એવી ટેક્નોલોજી છે કે તે એક જ સમયે ત્રણ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ વિમાનમાં ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ્ એરે રડાર ફીટ કરવામાં આવશે કે જે ટાર્ગેટને શોધી શકે છે અને સહેલાથી તેના પર હુમલો કરી શકે છે. એટલુ જ નહીં એક હેલ્મેટ માઉન્ટેડ ડિસ્પ્લે પણ તેમાં ફીટ કરવામાં આવી છે કે જેના થકી પાયલટ વિમાનમાં બેસીને સહેલાઇથી ટાર્ગેટ પર હુમલો કરી શકે. મ્યાંમાર અને નાઇજેરિયા પણ આ જ પ્રકારના લડાકુ વિમાનોની ખરીદી કરી ચુક્યા છે. હવે આ વિમાનો વધુ મોટી સંખ્યામાં પાકિસ્તાન પાસે આવી શકે છે. સાથે ચીન પણ તેનો ઉપયોગ કરી શકે છે. આ બધી વાતનો સાર એ છે કે ભારતીય વાયુસેનાનું સંખ્યાબળ ઘણું ઝડપથી ઘટી રહ્યું છે. જ્યારે ચીન-પાકિસ્તાનના હવાઈદળ વધુ બળુકા બની રહ્યું છે.
મિગ-૨૧ ની છેલ્લી બચેલી ૨ સ્કવૉડ્રન નં.૨૩ પેન્થર્સ) અને નં. ૩ (કોબ્રા) જેની કુલ સંખ્યા ૩૬ જેટ્સ થતી હતી તે પણ ૨૬ સપ્ટેમ્બરે ચંદીગઢ ખાતે માનભેર નિવૃત્ત થયા. તેને કારણે હવાઈદળનું સંખ્યાબંળ વધુ ઘટી ગયું. જેને લીધે વાયુસેના પાસે હવે માત્ર ૨૯ ફાઈટર સ્કવૉડ્રન રહી છે.
આનો અર્થ એવો થયો કે ચીન અને પાકિસ્તાન એક સાથે ભારત પર હુમલો કરે તો આપણી હવાઈદળની સંખ્યા વામણી પુરવાર થાય. પાકિસ્તાન પાસે અત્યારે અંદાજે ૨૫ ફાઈટર સ્કવૉડ્રન છે. જ્યારે ચીન પાસે ૬૦ થી વધુ છે. જે દરેક સ્કવૉડ્રનમાં ૧૬ થી ૧૮ જેટ હોય છે.
મોટી મોકાણ એ છે કે ભારતીય હવાઈદળમાં હાલમાં જે મિગ-૨૯, જેગુઆર અને મિરાજ-૨૦૦૦ ફાઈટર પ્લેન છે તે પણ ૨૦૩૫ સુધીમાં તમામ 'રિટાયર' થઈ જશે. આ વાતની નોંધ ગંભીરતાથી લેવાવી જોઈએ. સંરક્ષણ મંત્રાલયે તેથી જ તેજસની એસેમ્બલી લાઈનને ધમધમતી રાખવા, શક્ય એટલું જલ્દી ઉત્પાદન કરવા પાનો ચઢાવ્યો છે. તો બીજી તરફ ફ્રાન્સના રફાલ તથા રશિયાના સુખોય-૩૫ પ્લેનો માટે વરદી આપવાની તૈયારી ચાલી રહી છે. ફ્રાન્સની દ'સૉલ્ટ કંપની પાસેથી ૧૧૪ રફાલ પ્લેન તાત્કાલિક ધોરણે મેળવવાની તૈયારી થઈ રહી છે.
આ સિવાય વાયુસેના પાસે હાલમાં જે ૮૫ સુખોય- ૩૦ એમકેવન ફાઈટર જેટ્સ છે તેને પણ અપગ્રેડ કરવાની વાત ચાલી રહી છે. એવી જ રીતે તેજસ માટે ૪૦૪ એફ એન્જિન અમેરિકન કંપની જનરલ ઈલેક્ટ્રીક એરોસ્પેસ પાસેથી ચોક્કસ ટાઈમટેબલ પ્રમાણે મળતાં થાય તેવી વાટાઘાટો ચાલી રહી છે.
હવે અમેરિકન કંપની જનરલ ઈલેક્ટ્રીકે નવેસરથી તેમના અદ્યતન એન્જિન સમયસર ડિલિવર કરવાની બાંયધરી આપી છે. તેથી સરકારે તેજસ પ્લેનનું ઉત્પાદન વધારવા ઝડપી પ્રયાસો શરૂ કર્યાં છે. બેંગ્લોર ઉપરાંત નાસિક પાસે ઓઝર નામના સ્થળે તેજસ ફાઈટર પ્લેન અને એચ ટીટી-૪૦ ટ્રેનર વિમાનનું નિર્માણકાર્ય શરૂ થયું છે. બેંગ્લોરમાં દર વર્ષે ૧૬ તેજસના ઉત્પાદન માટે બે પ્રોડક્શન લાઈન કાર્યરત છે. ઓઝર (નાસિક)માં દર વર્ષે આઠ તેજસ પ્લેન તૈયાર કરવામાં આવશે. ઓર એક એસેમ્બલી લાઈન વધાર્યા પછી વધુ સંખ્યામાં તેજસ તૈયાર થશે.
૨૦૨૧ના ફેબુ્રઆરી મહિનામાં સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન એરફોર્સ માટે ૮૩ તેજસ એમકે-૧એ જેટ ખરીદવા ૪૮,૦૦૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. અમેરિકાની જીઈ એરોસ્પેસ કંપની તરફથી એરો એન્જિન આવવામાં વિલંબના કારણે ડિલિવરીમાં મોડું થઈ રહ્યું છે. જોકે ગયા અઠવાડિયે સરકારે વધારાનાં ૯૭ તેજસ ફાઈટર્સ બનાવવા માટે ૬૭,૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આધુનિક એઈએસએ રડાર અને ઘાતક અસ્ત્ર મિસાઈલથી સજ્જ આ વિમાનોનો ૬૦ ટકા હિસ્સો સ્વદેશી છે. ભારતે શસ્ત્ર પ્રણાલીને સ્વદેશી બનાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેનું ભરોસાપાત્ર ઉદાહરણ તેજસ વિમાનો છે. ઉલ્લેખનીય છે કે, આ વિમાનો માટે અનિવાર્ય એવાં એન્જિનનું નિર્માણ હજી ઘરઆંગણે થઈ શક્યું નથી. આ એક એવો ગંભીર અંતરાય છે જે તેજસ વિમાનોના ઉત્પાદનની આડે વિલંબ સર્જી રહ્યો છે.
દરમિયાનમાં તેજસ માટે ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ અને ઈઝરાયલી રડાર ગોઠવણ થઈ ગઈ છે. ઉપરાંત દેશી અસ્ત્ર મિસાઈલ (એર ટુ એર) નું ટેસ્ટ ફાયર પરીક્ષણ પણ સફળતાથી પાર પડયું છે. ઉત્પાદનનો રેટ વધારવા ખાનગી કંપનીઓને પ્લેનની પાંખો તથા ફ્યુસલેગ તથા અન્ય નાના હિસ્સા-પૂર્ર્જા બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાશે. આ રીતે બાર મહિનામાં નાસિક અને બેંગ્લોર ખાતે વર્ષે ૪૪ તેજસ ફાઈટર પ્લેન તૈયાર થશે!
આ રીતે હાલના વર્તમાન સ્કવોડ્રનમાં બીજા ૧૦૮ તેજસ માર્ક-૨ (વધુ શક્તિશાળી એન્જિન) સાથે ઉમેરાતા ભારતીય વાયુસેનાની કુલ સ્કવૉડ્રન આપણા આવશ્યક્તા મુજબ ૪૨.૫ની સંખ્યાએ પહોંચશે. માર્ક-૨ તેજસ ફાઈટર લાંબા અંતર સુધીની કૉમ્બાટ રેન્જ ધરાવશે. તેમજ હાલના બીજા ફાઈટર પ્લેન કરતાં વધુ શસ્ત્રો લઈ જવા સક્ષમ હશે.
તેજસની બીજી એક ખાસિયત એ છે કે હાલમાં નિવૃત્ત કરાયેલા મિગ-૨૧ વિમાનના ૧૭.૫ ટનના વજન સામે માત્ર ૧૩.૫ ટન વજનના હશે. આ પ્લેનના નિર્માણકાર્ય સાથે સંકળાયેલા ઈજનેરો પૂરી ખાત્રી આપે છે કે મારક તેજસ પ્લેન વર્તમાનના મિરાજ-૨૦૦૦, જેગુઆર અને મિગ-૨૯ પ્લેનનું સફળ રિપ્લેસમેન્ટ કરી શકશે.
આપણને શાંત્વના મળે તેવા સમાચાર એ છે કે સંરક્ષણ મંત્રાલય ઝડપથી ફાઈટર પ્લેનોની સંખ્યા વધારતા જઈ વાયુસેનાને 'તગડી' બનાવવા ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. બહુ ટૂંકા ગાળામાં તેજસ વિમાનોનું 'તેજ' એરફોર્સમાં પ્રસરી જશે. તેજસ છે જ એવો તગડો ઘોડો. બારેક મહિના પહેલા તેજસનો પ્રથમ બેચ બહાર પડયો ત્યારે સૌ રાજીના રેડ થઈ ગયા હતા.
આપણી સરકાર કુલ ૨૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચીને તેજસની આખી સ્ક્વોડ્રન ઊભી કરવા ધારે છે. એક વાતની નોંધ લેવી પડશે કે ભારતે ઘર આંગણે આ લડાયક વિમાન બનાવીને ફાઈટર પ્લેન બનાવનાર જગતનાં ગણ્યાં ગાંઠયા દેશોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. હાલ વિશ્વમાં માત્ર અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ સ્વીડન ચીન અને જાપાન ફાઈટર પ્લેન બનાવે છે. હવે આ સાત દેશોની નામાવલીમાં આઠમું નામ ભારતનું ઉમેરાયું છે. જેને માટે દરેક ભારતીયે ગૌરવ લેવા જેવું છે.
લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ 'તેજસ' દેશના સંરક્ષણ માટે તો અત્યંત ઉપયોગી છે જ પરંતુ હવે અનેક દેશો તેની માંગણી કરી રહ્યાં છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ સહિતના છ દેશોએ ભારતના તેજસ એરક્રાફટમાં રસ બતાવ્યો છે, જ્યારે મલેશિયાએ એના ખરીદીના કાર્યક્રમમાં ભારતના આ જેટ વિમાનને સામેલ કરી લીધું છે. છ પૈકી અન્ય બે દેશોમાં આર્જેન્ટિના તથા ઇજિપ્તનો સમાવેશ થાય છે.
'તેજસ' વિમાન વિકસાવનારી એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના (એડીએ) વિજ્ઞાની ડૉ.જગદીશ માથુરે જણાવ્યું હતું કે, 'તેજસ' યુદ્ધ વિમાન વિશ્વનું સૌથી ટચૂકડું છતાં મારક યુદ્ધ વિમાન તરીકે સ્થાન પામશે.
મિગ-૨૧ સાથે સરખામણી કરીએ તો શસ્ત્રો વગર 'મિગ-૨૧' ૬૦૦૦ કિલોગ્રામનું થાય છે. જ્યારે 'તેજસ' ૪૦૦૦ કિલોગ્રામનું થાય. મિગ-૨૧ ૨૦૦૦ કિલોગ્રામ અને 'તેજસ' ૪૦૦૦ કિ.ગ્રા. દારૂગોળો લઈ ઊડી શકે છે. ડૉ. માથુરે કહ્યું હતું કે, નૌકાદળ માટે પણ અમે 'તેજસ' વિકસાવીશું. ઉપરાંત ભારતીય નૌકાદળના બંને વિમાન વાહક દરિયાઈ જહાજ પર 'તેજસ' ગોઠવવાની યોજના છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે, આ વિમાન હવાઈ દળમાં સામેલ થશે પછી વિશ્વની ચોથી શક્તિશાળી ગણાતી ઈન્ડિયન એરફોર્સની તાકાત અનેક ગણી વધશે.
ભારતીય વાયુસેનામાંથી મિગ-૨૯, મિરાજ ૨૦૦૦ અને જગુઆર વિમાનોની વિદાય પછી એલસીએ તેજસ એમકે-૨ સ્કવૉડ્રનમાં તેમની જગ્યા લેશે.
આપણાં વિજ્ઞાનીઓએ એલ.સી.એ.ની ડિઝાઈન, રચના એ રીતે કરી છે કે એ વિવિધલક્ષી કામ પાર પાડી શકે. આ સંદર્ભમાં એલ.સી.એ.ને મલ્ટી પરપઝ સુપરફાઈટર કહી શકાય. કારણ કે એ દુશ્મનના પ્લેનને જડબાતોડ જવાબ આપવા ઉપરાંત વળાવિયાની ભૂમિકા પણ ભજવશે.
શત્રુના ચોક્કસ લક્ષ્યાંકો પર બોમ્બ ફેંકવા જઈ રહેલાં ભારતીય બોમ્બર વિમાનને એલ.સી.એ. આગળ પાછળ કે ઉપર નીચે ઉડતા રહીને રક્ષણ આપશે. આ પ્લેન હવામાં તીવ્ર ગતિએ ઉડતાં રહી શત્રુના ભૂમિગત મથકો, પાયદળ, તોપો અને ટેન્કોના નાશ કરવાની પ્રહાર શક્તિ પણ ધરાવે છે. તેની બે પાંખો નીચે ઇન્ફ્રારેડ એર ટુ એર મિસાઈલ અને પાછલા ભાગમાં ચાર એર ટુ સરફેસ મિસાઈલ હશે. આ પ્લેનની કોમ્બેટ રેન્જ ૩૦૦૦ કિ.મી. છે. આ પ્લેનની ઉડવાની મહત્તમ ઝડપ કલાકે ૨૨૦૫ કિ.મી. છે અને વધુમાં વધુ ૧૫૨૦૦ મીટરની ઊંચાઈએ ઊડી શકે છે. એલ.સી.એ.ની નવી સ્કવોડ્રન તૈયાર થઈ ગયા પછી તેની એક વિશિષ્ટ કામગીરી હશે અરબી સમુદ્ર અને હિન્દી મહાસાગરમાં ઘુમતા આપણાં યુદ્ધ જહાજોની રખેવાળી કરવાની. તેમજ બોમ્બે હાઈના તેલક્ષેત્રોની સુરક્ષા માટે પણ એલ.સી.એ.નો કાફલો ભવિષ્યમાં તૈનાત થશે.
પ્રચંડ વેગથી ટેકઓફ કરનારા આ વિમાનને ફક્ત ૫૦૦ મીટર લાંબા રનવેની જરૂર પડશે. અને સોથી સવાસો સેકન્ડમાં તો એ ધ્વનિપટલ (સાઉન્ડ બેરિયર)ને ચીરી મેચ-ટુની સ્પીડ હાંસલ કરી લેશે. એલ.સી.એ.ની સરખામણીએ બીજા ફાઈટર પ્લેનોને એકથી દોઢ કિલોમીટર લાંબા રનવેની જરૂર પડે છે.
બીજા અદ્યતન વિમાનોની માફક એલ.સી.એ.ને પણ લાંબો સમય હવામાં અધ્ધર ઉડતું રાખવા આકાશમાં જ બળતણ પૂરું પાડી શકાય તે માટેના ઇનફલાઈટ રિફયુઅલીંગ પ્રોબની વ્યવસ્થા પણ છે. એલ.સી.એ.માં બે ત્રિશુળ મિસાઈલો વિમાનની બે પડખે પાંખ નીચે રાખવામાં આવશે.
ભારત માટે વધુ ગર્વની વાત તો એ છે કે એલ.સી.એ.ની ડિઝાઈન અને તેની કેટલીક ખાસિયતો રશિયન ઇજનેરોને પણ પ્રભાવિત કરી ગઈ છે. ભારત જે વિમાનોને મિગ-૨૧ કે મિગ-૨૩ પ્લેનની અવેજીમાં મૂકવા ચાહે છે તે પ્લેન ખરેખર કેવંુ છે તે જાણવા રશિયનોએ એલસીએની યોજનામાં ઊંડો રસ લીધો હતો. એટલું જ નહીં, હાલ તૈયાર થઈ રહેલા મિગ-૩૫ અને મિગ-૩૯ પ્લેનના એડવાન્સ્ડ મોડલમાં એલ.સી.એની ટેકનોલોજીનો સમન્વય કરવા રશિયાએ ભારતની સહાય લીધી છે. તેજસના ટેસ્ટ પાઈલટે એવો અભિપ્રાય આપ્યો છે કે આધુનિક મિરાજ- ૨૦૦૦ પ્લેન કરતાં પણ એલ.સી.એ.નું સંચાલન કરવું સરળ છે.
'તેજસ' વિકસાવવા પાછળ ટેક્નોલોજીની આત્મનિર્ભરતા ઉપરાંત આર્થિક દ્દષ્ટિકોણ પણ હતો. દુનિયાના ગરીબ દેશો અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન પાસેથી જૂના વિમાનો ખરીદે છે. એક વિમાન તેમને રૂ.૧૫૦થી ૨૦૦ કરોડમાં પડે છે. તો નવું નક્કોર અને ટેક્નોલોજીની દ્દષ્ટિએ પશ્ચિમી દેશો જેવું અદ્યતન 'તેજસ' આપણે રૂ.૧૫૦થી ૨૦૦ કરોડમાં વેચી શકીએ, જેનું ઉત્પાદન વખત જતાં ભારત રૂ.૧૦૦ કરોડમાં કરવાનું છે.
આવતાં ૧૫ વર્ષમાં જગતના વિવિધ દેશોની વાયુસેનાના જુના ૪૦૦૦' ફાઈટર પ્લેન બદલવાની જરૂર પડશે ત્યારે તેઓની સમક્ષ સસ્તું, સુંદર ટકાઉ એલ.સી.એ. તેજસ એક ઉત્તમ વિકલ્પ હશે.


