- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- માણસોનાં હાડ ઓગાળી નાખે એવી ઠંડી શિશિર લાવે છે પરંતુ શરદની કાયા ઉપર એ ઠંડીની પાપા પગલીઓ સૌ પ્રથમ પડતી હોય છે
આ પણે ત્યાં પરંપરાથી ઋષિમુનિઓ શિષ્યોને શુભાશિષ પાઠવે છે, ગુરુ પણ શિષ્યોને દીર્ઘ આયુના આશિષ પાઠવે છે અને વડીલો પણ ચિરંજીવી કહીને પોતાનાથી નાની વયના હોય તેને આશિષ પાઠવતા હોય છે. આ એક ભારતીય પરંપરા છે એ આશિષ દરમિયાન 'શતમ્ જીવેમ્ શરદ'. શબ્દસમૂહનો ઉપયોગ થાય છે. પ્રશ્ન એમ છે કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા પણ આપણે ત્યાં પેટાઋતુઓ છે, પરંતુ માત્ર શરદ ને જ ઉપયોગમાં લઈ ઋષિમુનિઓને દીર્ઘ અને નિરામય આયુના આશિષ આપવાની આપણે ત્યાં પરંપરા ઊભી થઈ છે. એનું કોઈ કારણ અવશ્ય હોવું ઘટે.
શરદ ઋતુનો સમયગાળો એટલે ગુજરાતી ભાદરવો - આસો મહિનો છે અને અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર-ઓકટોબરનો છે. શરદ પૂર્વેની ઋતુ વર્ષા છે અને શરદ પછીની ઋતુ હેમંત છે. ક્યારેક પૃથ્વી પર ઉપર બંને ઋતુની અસરો એક સમયે દેખાતી હોય છે એટલે કે વર્ષા વિદાય થઈ ન હોય અને શરદ પ્રવેશ કરે છે એ સંધિકાળમાં બંને ઋતુઓ પોતપોતાના પ્રભાવ પ્રસરાવે છે પરિણામે વાતાવરણ પ્રદૂષિત થાય છે. આયુર્વેદમાં શરદને રોગોની જનની કહી છે. જો કે વાંક શરદનો નથી. વર્ષાએ પૃથ્વી ઉપર ખાડા-ખાબોચિયાં છલકાવ્યાં એમાં કાદવ સાથે જીવાત જન્મે છે. એ સ્વચ્છ કરવા શરદ તડકાની સાવરણી ફેરવે છે. એમાંથી જે જીવાણુ ઊડે તે માંદગી નોતરે છે, અનેક વ્યાધિઓ જન્મે છે. વર્ષાનો ભેજ મુખ્ય કારણ છે. શરદ તો સૌંદર્યની ઋતુ છે. એ વ્યાધિઓનું ઔષધ શરદની ચાંદનીમાં છે. શરદની ચાંદનીમાં વ્યાધિઓનું ઔષધ ભરેલું છે એટલે એ ચાંદનીમાં પુષ્ટિ પામેલા દૂધ પૌઆનો મહિમા છે.
શરદના આગમન પછી તડકો તીખાશ છોડવા માંડે છે અને શરદના પ્રભાવ હેઠળ શીળો બનવા માંડે છે. શરદના ભાગ્યમાં વર્ષામાં ભરાયેલા ખાડા-ખાબોચિયાંને સુકવવાનું આવે છે. પૃથ્વીને કાદવમુક્ત કરવાની જવાબદારી શરદને શિરે હોય છે. શરદ એ જવાબદારીને નિભાવવા આકરો તડકો લઈને આવે પણ એ તડકાને કારણે થોડીક આડઅસરો પણ જન્મે છે. એ આડઅસરોને આપણે 'વાયરલ' નામે ઓળખીએ છીએ તાવ, શર્દી જેવાં દર્દો ખાંસી સાથે ગુંથાઈને આ સમયગાળામાં વધારે પ્રદિપ્ત થઈ જાય છે. આરોગ્ય ખાતાના કર્મચારીઓ શરદના સમયને સ્વાસ્થ્ય સંહારક તરીકે ઓળખે છે. દૂધ-ચોખાના ઔષધ ઉત્તમ ઔષધ તરીકે ખપ લાગે છે. કેટલાક શરદને રોગોની માતા કહે છે.
શરદ જમણી આંખે શિશિરને આવકારે છે અને ડાબી આંખે વર્ષાને વિદાય કરે છે. શિશિર અને વર્ષાનો સંધિકાળ શરદ છે. શરદની નાભિમાં શીતળતા છે અને એની આંખોમાં ઉષ્ણતા છે. શીતળતાનું પલ્લું ધીરે ધીરે નમવા માંડે છે. ઉષ્ણ ગરમી અને ભેજવાળી આબોહવાને કારણે પિત્તપ્રકોપ વધે છે એટલે શાસ્ત્રમાં શરદને 'યમની દાઢ' કહી છે.
'શતમ્ જીવેમ્ શરદ' ઋષિમુનિઓ દ્વારા જે આશિષ પાઠવવાની આપણે ત્યાં પરંપરા ઊભી થઈ છે તેનું કારણ શું? છ માંથી માત્ર 'શરદ' ઋતુ જ કેમ ઋષિઓ દ્વારા ખપમાં લેવાઈ હશે? વિચારતાં એમ માલુમ પડે છે કે અગાઉ જોયું તેમ આ સમયગાળો વધારે આરોગ્યનું ધ્યાન રાખવાનો છે. આરોગ્ય આ ઋતુમાં વધારે જોખમાય છે. નાદુરસ્તીના હુમલાનો આ ઋતુકાળ હોઈ એમાંથી હેમખેમ પસાર થઈ જવાના શુભાશિષ ઋષિઓ દ્વારા અપાયા છે. એ શુભાશિષરૂપે આપણે ત્યાં કડવા, તુરા ગળ્યા રસો પરંપરા બનીને ઉપયોગમાં લેવાય છે. કોઈના જન્મ દિવસે આપણે તેને ઉપયોગમાં લઈએ છીએ . શતમ્ જીવેમ્ શરદમ્ કહીને સો શરદ - સો વરસ જીવવાના શુભાશિષ પાઠવીએ છીએ.
જો યમરાજાની દાઢમાંથી, મુક્ત થવાય એટલે કે કે સમયની દ્રષ્ટિએ એકવાર શરદને જો પસાર કરી દેવામાં આવે તો બાકીની ઋતુઓનું પર્યાવરણ આરોગ્યને એટલી હાનિ પહોંચાડતું નથી. શરદી- તાવ-ખાંસીનો ખજાનો શરદના કાળખંડની ખાણમાં સંતાયેલો હોય છે. 'પારીજાત' એ શરદનું પુષ્પ છે. શરદની સવાર પારીજાતથી મ્હેંક મ્હેંક થતી હોય છે. જાસુદ, ચંપો અને કદમ્બની ડાળેડાળે પણ પુષ્પ પ્રાગટયનો વિધિ થતો હોય છે.
શરદકાળમાં નવરાત્રિ, વિજયા દશમી અને દિવાળી જેવાં પર્વો આવે છે એ પર્વો પરંપરાથી ઉજવાય છે. એમાં પારંપારિક પ્રસન્નતા છે. વિજયનો કેફ છે.
સ્વાસ્થ્યની શિથિલતાને દાબવા માટે વિજયનો કેફ પણ શ્રેયકર બનતો હોય છે. વર્ષાના અતિરેકે જે જીવસૃષ્ટિ જન્માવી, જે પ્રદુષણો ઊભા કર્યા એને ઠીકઠાક કરવાનું કામ શરદનાં પર્વોમાં થાય છે. ફટાકડા દ્વારા, પ્રકાશ દ્વારા આખું વાતાવરણ પલટાય છે. જીવાત મૃત્યુ પામે છે. નભ ચોકખું થઈ જાય એમ નિરામયતાનો લેપ સૌ જીવો ઉપર શરદની ચાંદની ચોપડે છે. ચાંદની જેમ નિશા પુષ્પ છે એમ શરદમાં રાત્રિ પુષ્પો વધુ ખીલે છે.
શરદે વાતાવરણને પવિત્ર અને સ્વચ્છ બનાવી હેમંતની ઠંડીને આવકારવાની છે, સૃષ્ટિને શીતળતા બક્ષવાની છે. દિવસની શોભા રાત્રિ જેવી કરવાની છે અને વાતાવરણમાં સ્વાસ્થ્યવર્ધક સુગંધ પાથરવાની છે - આ બધાં જ કાર્યો શરદ કરે જ છે. શરદ શિશિરનું પ્રવેશ દ્વાર છે.
માણસોનાં હાડ ઓગાળી નાખે એવી ઠંડી શિશિર લાવે છે પરંતુ શરદની કાયા ઉપર એ ઠંડીની પાપા પગલીઓ સૌ પ્રથમ પડતી હોય છે.
ચાલો આપણે પણ શરદનો મહિમા કરીએ.
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો / માતાજી રમવા આવો રે રંગ ડોલરિયો.


