Get The App

આલ્બર્ટ આઈન્સ્ટાઈનની રશિયન મહિલા જાસૂસ માર્ગારીટા સાથેની 'લવ સ્ટોરી'

Updated: May 11th, 2024

GS TEAM

Google News
Google News
આલ્બર્ટ આઈન્સ્ટાઈનની રશિયન મહિલા જાસૂસ માર્ગારીટા સાથેની 'લવ સ્ટોરી' 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

બી જા વિશ્વયુદ્ધ દરમિયાન  એક અમેરિકન વિજ્ઞાની અને  રશિયન  મહિલા જાસુસ વચ્ચે  પ્રેમ સંબંધની કલ્પના,  જેમ્સ બોન્ડની ફિલ્મોની વાર્તા જેવું લાગે. પરંતુ આ એક હકીકત છેકે  અમેરિકન વિજ્ઞાની  આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને  રશિયન મહિલા જાસુસ માર્ગારીટા કોનેન્કોવા વચ્ચે ગુપ્ત પ્રેમ સંબંધો હતા. આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા, એટલું જ નહીં પરંતુ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ પણ હતા. પરંતુ જ્યારે માનવ સંબંધોની વાત આવે છે ત્યારે,  આલ્બર્ટ આઈન્સ્ટાઈન આપણી માફક લાગણીશીલ હતા.  સંબંધોમાં કેવી રીતે વર્તવું જોઈએ? આ સવાલનો જવાબ તેઓ, આપણા કરતાં વધારે સારી રીતે જાણતા ન હતા. કદાચ એટલા માટે જ વિજ્ઞાન જગત તેમને બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે, સિદ્ધિના શિખરો ઉપર બેસાડતું હતું,  જ્યારે  માર્ગારીટા કોનેન્કોવાને  નજીકના મિત્ર વર્તુળ સિવાય કોઈ જાણતું ન હતું. આઈન્સ્ટાઈનના માનવ સંબંધો અને ખાસ કરીને સ્ત્રી સાથેના સંબંધો  અને વિચારો સામાન્ય માણસ જેવા જ હતા. આમ આદમીની માફક આઈન્સ્ટાઈને  પોતાની પ્રેમની દુનિયામાં ભૂલો પણ કરી હતી. પોતાના દિલની વાત સાંભળી હતી. વિશ્વનું સૌથી ફળદ્રુપ દિમાગ ધરાવતા હોવા છતાં, પ્રેમના મામલે આલ્બર્ટ આઈન્સ્ટાઈને દિમાગને બંધ કરીને બાજુમાં મૂકી દીધું હતું.  આ પ્રણય સંબંધોને જાણકારી વિશ્વને આલ્બર્ટ આઈન્સ્ટાઈનના લખેલા પ્રેમપત્રની હરાજી થયા બાદ થઈ હતી. સવાલ થાય કે વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની અને  વિશ્વનું સૌથી બુદ્ધિશાળી  દિમાગ ધરાવનાર  આલ્બર્ટ આઈન્સ્ટાઈનની  રશિયન પ્રેમિકા  કોણ હતી?

માર્ગારીટા કોનેન્કોવા:  અમેરિકન મહિલાને પોતાના પ્રેમ પત્ર સોંપે છે

૧૮૯૫માં સોવિયત સંઘમાં આવેલ દૂરના પ્રદેશન સારાકુલ નામના શહેરમાં માર્ગારીટા કોનેન્કોવાનો  જન્મ થયો હતો.  જ્યાં તેણે પોતાનું શાળાનું શિક્ષણ પૂરું કર્યું હતું. ત્યારબાદ યુવાન બની અભ્યાસ અર્થે તે મોસ્કોમાં ગઈ હતી.  મોસ્કોમાં રહેતા ઇવાન બુનીનનાં  (પ્રખ્યાત લેખક નહિ)  કુટુંબ સાથે તેણે રહેવાનું શરૂ કર્યું હતું.  અહીં તેની મુલાકાત, ભવિષ્યમાં થનાર તેનાં પતિ સેરગેઈ કોનેનકોવ સાથે થઈ હતી. સેરગેઈ પહેલેથી જ સફળ શિલ્પકાર હતા.  ૧૯૨૨માં દંપતી અમેરિકાની મુસાફરીએ ગયું ત્યારે,  તેઓ થોડા સમય માટે જ અમેરિકામાં રહેવા માંગતા હતા. પરંતુ એવું બન્યું નહિ.  ૨૨ વર્ષના સમયગાળા બાદ,  તેઓ  સોવિયત સંઘ  પાછા ફરવામાં સફળ રહ્યા હતા.

ભાવનાત્મક રીતે  પોતાના પતિથી દૂર રહેલી માર્ગારીટા કોનેન્કોવા, સપ્ટેમ્બર ૧૯૪૫માં બીજું વિશ્વ યુદ્ધ ખતમ થયા પછી, પતિ સર્ગેઈ સાથે સોવિયત યુનિયન પાછી ફરી રહી હતી.  પાછા ફરતા પહેલા તેણે  તેની પડોશમાં રહેનાર પડોશી માર્જોરી બિશપને અડધો ડઝન જેટલા પોતાના પત્ર આપ્યા હતા. જે પત્રો વિધૂર આલ્બર્ટ આઈન્સ્ટાઈને માર્ગારીતાને લખ્યા હતા. માર્ગારીતાએ માર્જોરી બિશપને  સુચના આપી હતી કે તેણીનું  મૃત્યુ થાય  ત્યારે, પત્રોને 'કોઈપણ વિલંબ કર્યા વિના બાળી નાખવા.'    

૧૯૬૯માં આ પત્રો માર્જોરી બિશપ,  માર્ગારીટા કોનેન્કોવાના  નજીકના મિત્ર  અને મનોવિશ્લેષક મુરીએલ ગાર્ડિનરને  આપે છે. પત્રોમાં લખાણના લેખક ( આલ્બર્ટ આઈન્સ્ટાઈન), મુરીએલ ગાર્ડિનરને  ઉત્કૃષ્ટ વ્યક્તિત્વના લાગે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મનોભાવનો  અભ્યાસ થઈ શકે તે માટે, મુરીએલ ગાર્ડિનર, આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પત્રોને સિગ્મંડ ફ્રોઈડ આર્કાઇવ્સને સોપે છે, આર્કાઇવ્સના  અધિકારીઓ  આ પત્રોને કોંગ્રેસની લાઈબ્રેરીમાં  મોકલી આપે છે.  જ્યાં  આ પત્રો ઉપર સંશોધન માટે ૫૦ વર્ષ સુધી  પ્રતિબંધ મૂકવામાં આવે છે. ૨૦૧૯માં  આ પત્રોને  સંશોધકો અને સામાન્ય  નાગરિક માટે ખુલ્લા મુકવામાં આવે છે.

લવ સ્ટોરીનું કારણ 

૧૯૩૬માં  આલ્બર્ટ આઈન્સ્ટાઈનની બીજી પત્ની એલ્સાનું  અવસાન થયા બાદ,  આઈન્સ્ટાઈનના પ્રેમ સંબંધો  રશિયન મહિલા  જાસૂસ માર્ગારીટા કોનેન્કોવા  સાથે વિકસ્યા હતા.  જોકે  આઈન્સ્ટાઈન માર્ગારીટા કોનેન્કોવાના  સંપર્કમાં, બીજી પત્ની એલ્સા મૃત્યુ પહેલા  એટલે કે ૧૯૩૫માં  આવ્યા હોવાનું માનવામાં આવે છે. ૧૯૯૪માં પ્રથમ વાર આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને માર્ગારીટા કોનેન્કોવા વચ્ચેના પ્રેમ સંબંધોની માહિતી  લીક થઈ હતી.  રશિયન આર્મી ન્યુઝ પેપર રેડ સ્ટારમાં એક સમાચાર- અહેવાલ છપાયા હતા. જેમાં  મોસ્કોમાં આવેલા કોનેનકોવ મેમોરિયલ મ્યુઝિયમમાં આઈન્સ્ટાઈન અને માર્ગારીટા વચ્ચેના થયેલો પાત્ર વ્યવહાર મળી આવ્યો હતો. જેમાં માર્ગારીટા કોનેન્કોવાને આઈન્સ્ટાઈનને લખેલા પ્રેમપત્રોનો સમાવેશ થતો હતો.  ચાર વર્ષ પછી  સોથબીએ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પ્રેેમપત્રોની માત્ર હરાજી જ કરી.  

રેડસ્ટારમાં રજુ થયેલ વૃતાંત દર્શાવે છેકે 'તે સમયના સોવિયતના ઉપ-વાણિજ્યદૂત પાવેલ મિખાઈલોવે, અમેરિકામાં રહેલ માર્ગારીટા  પર આઈન્સ્ટાઈન સાથે અંગત પરિચય કેળવવા માટે દબાણ કર્યું હતું, આ દરમ્યાન માર્ગારીટા, મોસ્કોના ઘરે પરત ફરવા માટે દૂતાવાસ સાથે વાટાઘાટોમાં વ્યસ્ત હતી. માર્ગારીટાએ આઈન્સ્ટાઈનની મુલાકાત, ન્યૂયોર્ક ખાતે આવેલ  સોવિયત વાણિજ્ય દૂતાવાસના અધિકારી પાવેલ મિખાઈલોવ સાથે કરાવી હતી. આ મુલાકાત પાવેલ મિખાઈલોવના  ઘરે થઈ હતી. આ મુલાકાત પછી બીજી કોઈ બેઠક થઈ ન હતી. આ મુલાકાતમાં  પાવેલ મિખાઈલોવ  આલ્બર્ટ આઈન્સ્ટાઈનને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પોતાની ચિંતા વ્યક્ત કરવા માટે,  અન્ય વિજ્ઞાનીઓ સાથે એક રેલી કરવા માટે સલાહ આપી હતી. આ ઉપરાંત  આલ્બર્ટ આઈન્સ્ટાઈન સોસોવિયત સંઘની મુલાકાત કરે, તે માટે આઈન્સ્ટાઈનને મનાવવાની જવાબદારી પાવેલે માર્ગારીટાને  સોંપી હતી.  જો આવું થઈ શક્યું હોત તો,  અમેરિકામાં આ યાત્રા રાજકીય તખ્તાપલટ માટે મહત્વપૂર્ણ સાબિત થાય તેમ હતી. અમેરિકન કોંગ્રેેસના પુસ્તકાલયમાં રહેલ છ પત્રમાંથી કોઈ પત્રમાં આ વિશે જાણકારી નથી. 

આલ્બર્ટ આઈન્સ્ટાઈનના લવ લેટર્સ

જર્મન ભાષામાં લખેલ છ પત્રોમાં ભાષા ભાવુક કાવ્યાત્મક અને વ્યક્તિગત છે. જેમાં પ્રેમમાં પાગલ વ્યક્તિનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ૯ માર્ચ ૧૯૪૪નો પોસ્ટમાર્ક ધરાવતો પત્ર એક  સ્કેચ ધરાવે છે.  સ્કેચમાં  પુસ્તકોથી લદાયેલ ખંડ અને રાઇટીંગ ટેબલ છે.  પાછળ  વિશાળ બારી દેખાય છે. જે રહેવાના મકાનમાં  આવેલ અધ્યયનખંડ હોય તેવું લાગે છે.  આ સ્કેચ  આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ઘરના  અધ્યયન ખંડ જેવો દેખાય છે. પત્રમાં આઈન્સ્ટાઈન નોંધે છે કે સ્કેચ બનાવતી વખતે તેઓ નશામાં ન હતા.  તેઓ માર્ગારીટા કોનેન્કોવા  સાથે સંકળાયેલ ખંડને  યાદગીરીમાં સાચવવા માંગતા હતા. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, માર્ગારીટા કોનેન્કોવાનાં આવનારા જન્મદિવસ ઉજવવા વિશે ઉત્સાહિત છે, પરંતુ પોતાની આંતરિક લાગણીનું વર્ણન કરતાં તેઓ લખે છે કે  'જન્મદિવસની પાર્ટીઓ  એક મૂર્ખતા પૂર્ણ મામલો છે.' બીજા પત્રમાં તેઓ જન્મદિવસના સમારોહ વિશે પોતાની નફરતથી પાછા ફરી જાય છે.  અને લખે છે કે 'જ્યારે સાથીદારો પીટર અને માર્ગોટ બર્ગમેને તેમને, તેમના જન્મદિવસ માટે વિવાલ્ડી કોન્સર્ટ આપ્યો ત્યારે તેઓ (આલ્બર્ટ આઈન્સ્ટાઈન) કેટલાં  રોમાંચિત થઇ ગયા હતાં  - ભલે તેનો અર્થ એ  થતો હતો કે તેણે ફરીથી વાયોલિન વગાડવાનું શીખવું પડશે.'

આલ્બર્ટ આઈન્સ્ટાઈન પત્રમાં  દૈનિક વિગતો દર્શાવવા ઉપરાંત, માર્ગારીટા કોનેન્કોવા પ્રત્યેના ેપ્રેમનો વારંવાર  ઉલ્લેખ કરે છે.  એક પત્રમાં તેઓ  દાર્શનિક ચર્ચા માટે,  વિશ્વવિખ્યાત  વિજ્ઞાની જે રોબર્ટ ઓપનહાઇમર, બર્ટ્રાન્ડ રસેલ, વુલ્ફગેંગ પાઉલી અને કર્ટ ગોડેલને તેમના ઘરે આમંત્રિત કર્યા હતા એ વાતનો  ઉલ્લેખ છે. પત્રમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનના માનવીય ગુણોને તેમની ઉચ્ચ પ્રતિભા સાથે જોડે છે. તેમના સાંસારિક જીવનની અસાધારણતાને તેમની સહજતા અને સરળતાનું દર્શન કરાવે છે.  તેઓ વૈશ્વિક રાજનીતિનો ઉલ્લેખ પણ કરે છે. તેઓ એક  રાજકીય રીતે એક વિવાદાસ્પદ વિધાન પણ કરે છે કે 'હું  સ્ટાલીનની  બૌદ્ધ ક્ષમતાનો પ્રશંશક છું. સ્ટાલીન તેનો ઉપયોગ બીજા લોકોની તુલનામાં ફક્ત સૈન્ય સંચાલન સ્વરૂપે જ નહીં, પરંતુ રાજનીતિક સંચાલન સ્વરૂપે પણ ખૂબ જ સુંદર રીતે કરે છે.'

વિશ્વને આઈન્સ્ટાઈનના પ્રેમ સંબંધોની જાણ થઈ

આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને માર્ગારીટા  કોનેન્કોવાના  પ્રેમ સંબંધો  ગુપ્ત રહ્યા હોત.  પરંતુ  ૧૯૮૦માં માર્ગારીટા કોનેન્કોવાનું  અવસાન થયા બાદ, માર્ગારીટા કોનેન્કોવાના એક અજ્ઞાત સંબંધીએ, વિશ્વપ્રસિદ્ધ હરાજી કરનાર સંસ્થા સોથબીને ૫૬ જેટલા પત્રનો સંગ્રહ પહોંચાડયો હતો.  આ પત્ર ૧૯૪૫ અને ૪૬ વચ્ચે લખાયેલા હતા.  લખાયેલ પ્રેમપત્રમાં  આલ્બર્ટ આઈન્સ્ટાઈન,  તેને પ્રેમિકાને 'અલમાર' તરીકે  સંબોધિત કરે છે.  આ શબ્દ  આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને માર્ગારીટાના  પ્રથમ શબ્દો ભેગા  કરવાથી બન્યા હતા. ૧૯૯૪માં 'સ્પેશિયલ ટાસ્ક' નામે એક પુસ્તક પ્રકાશિત થયું હતું. જેના લેખક એક સમયના સોવિયેત સ્પાયમાસ્ટર પાવેલ સુડોપ્લાટોવ હતા. આ પુસ્તકમાં ઘટસ્ફોટ કરવામાં  આવ્યો છે કે 'પરમાણુ કાર્યક્રમ વિશે જાણવાના  મિશનના ભાગ રૂપે માર્ગારીટા કોનેન્કોવાએ  રશિયન જાસૂસ તરીકે કામ કરવાનું હતું' માર્ગારીટા કોનેન્કોવાનું  મુખ્ય કાર્ય  રશિયાનો માટે મેનહટન પ્રોજેક્ટની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવાનું હતું. માર્ગારીટા કોનેન્કોવાએ પ્રભાવશાળી પુરુષોને લલચાવવા માટે ખાસ મહેનત કરવી પડે તેમ ન હતી કારણ કે આ પહેલા પણ તે  પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે  સંગીતકાર સર્ગેઈ રાચમનિનોફ અને પ્રખ્યાત ઓપેરા ગાયક ફિઓડર ચલિયાપિનને  આકર્ષવામાં સફળ રહી હતી. તેને અમેરિકામાં  ન્યૂજર્સીમાં આવેલ પ્રિન્સટન શહેરના  સ્કૂલ ઓફ એડવાન્સ સ્ટડીના વિજ્ઞાન વર્તુળમાં સફળતાપૂર્વક ઘૂસણખોરી કરવામાં કોઈ મુશ્કેલી નળી ન હતી. અહીં તે આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને જે.  રોબર્ટ ઓપેનહેઇમરની નજીક  આવી શકી હતી. ઓપેનહેઇમર પરમાણુબોમ્બના 'પિતા' પૈકીના એક હતા. આઈન્સ્ટાઈનની વાત કરીએ તો, માર્ગારીટા કોનેન્કોવા યુ.એસ.માં  આવેલ સોવિયેત કોન્સ્યુલ સાથે તેમનો પરિચય કરાવવામાં સફળતા મેળવી હતી.  પરંતુ માર્ગારીટા  કોનેન્કોવા,  આલ્બર્ટ આઈન્સ્ટાઈન પાસેથી મૂલ્યવાન માહિતી મેળવી હોય એવું શક્ય નથી. કારણ કે આઈન્સ્ટાઈન સીધા પરમાણુ પ્રોજેક્ટ સાથે કામ કરતા ન હતા. તેમ છતાં તેમણે અણુ બોમ્બનો વિકાસ શરૂ કરવા માટે રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને વિનંતી કરી હતી. 

Tags :