- સરદાર @150-હસિત મહેતા
- વળી પાછી એવી ઘટનાઓ ઘટી જે તેમના લગ્નજીવનના ભંગાણ પાડનારી હતી. વળી પાછી આવી પડેલી પરિસ્થિતિએ ઝવેરબા અને વલ્લભભાઈના સહજીવનમાં મોટી તિરાડ પાડી. પણ, કમનસીબે આ તિરાડ કાયમી રહી
ઈ. સ.૧૯૦૮ના ઓગસ્ટમાં વિઠ્ઠલભાઈ બેરિસ્ટર ભણીને ઇંગ્લેન્ડથી પાછા આવ્યા. પણ હવે આ બેરિસ્ટરને બોરસદ કોર્ટનું કાર્યક્ષેત્ર નાનું પડે તેમ હતું. વળી તેઓ ઇંગ્લેન્ડથી પોતાના માટેની સારી એવી ભલામણ પણ લખાવી લાવ્યા હતા. તેથી વિઠ્ઠલભાઈને પાછા આવ્યા પછી બોરસદને બદલે મુંબઈને પોતાની વકીલાત માટે યોગ્ય ગણ્યું.
આ કારણે હવે, અઢી વર્ષ પછી દિવાળીબા પોતાના પતિ સાથે રહેવા માટે બોરસદથી મુંબઈ ગયા. તેથી છેલ્લા અઢી વર્ષથી વલ્લભભાઈના પત્ની ઝવેરબા જે ફરજિયાત પિયરવાસ સહી ગયા હતા, તેમાંથી છૂટયા, અને બે બાળકો સાથે વળી પાછા બોરસદ રહેવા આવી ગયા. વળી પાછો વલ્લભનો સહજીવન સંસાર શરૂ થયો. વળી પાછી વલ્લભની વકીલાતમાં ઉછાળો આવ્યો. વળી પાછો વલ્લભ -ઝવેરના લગ્નસંસારને વેગ મળવાની ધારણા બંધાઈ.
પરંતુ એ આશા માંડ છ એક મહિના જ ચાલી, અને ફરીથી વલ્લભ લગ્નજીવનમાં મોટું ભંગાણ પડયું. ભારતના ભલે ઘડવૈયા, પ્રગતિએ ભલે લોખંડી પુરુષ, પદોન્નતિમાં ભલે આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન, પરંતુ ગૃહજીવન અને લગ્ન સંસારે તો વલ્લભભાઈ આજીવન કમનસીબ સંસારી જ રહ્યા છે.
આમ તો તેમનું લગ્ન છેક ૧૮૯૨માં, આણંદ નજીકના ગાના ગામના દેસાઈભાઈ પુજાભાઈ પટેલના ૧૩ વર્ષના દીકરી ઝવેરબા સાથે થયેલુ. ત્યારે વલ્લભની ઉંમર પણ માત્ર ૧૭ વર્ષની. તેમનો શાળાનો અભ્યાસ ચાલુ હતો, તેથી અને તે સમયના રીતરિવાજો મુજબ પણ, ઝવેરબા પરણીને તુરંત સાસરે રહેવા નહોતા આવ્યા. લગ્ન પછી આઠેક વર્ષ વિત્યાં, ત્યારે વલ્લભભાઈએ શાળામાંથી મેટ્રિક પાસ કર્યું. એ વર્ષ ૧૮૯૭નું. પછી ત્રણેક વર્ષ નડિયાદમાં જ રહીને ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી. આખરે ઈ.સ.૧૮૦૦માં વલ્લભભાઈ નડિયાદ છોડીને ગોધરા રહેવા ગયા, ત્યારે ત્યાં ઝવેરબાને પણ તેડાવ્યા.
આ રીતે ઈ.સ.૧૮૯૨માં લગ્ન થઈ ગયા પછી, પહેલી વખત ઝવેરબા પતિ વલ્લભ સાથે ગોધરા રહેવા ગયા. ત્યારે તેમની ઉંમર ૨૧ વર્ષની, અને વલ્લભભાઈ ૨૫ના. બેઠી દડીના, ઉજળે વાને અને નાકનકશે રૂપાળાં ઝવેરબા સ્વભાવે સાવ નરમ, પતિ પરાયણ અને ધાર્મિક વૃતિવાળા હતા. ગોધરાના બેએક વર્ષ અને ત્યાંથી બોરસદ ગયા પછી છએક વર્ષ ઝવેરબા અને વલ્લભભાઈ સાથે રહ્યા. પણ, તેમાંય નિયતિને કરડી નજરે એમની વચ્ચે વિરહનું એક નાનકડું ગાબડું તો પાડયું જ હતું. બનેલું એવું કે ઈ.સ.૧૯૦૧ના માર્ચ મહિનામાં અચાનક ગોધરામાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. એ વખતે વલ્લભભાઈ સાથે ઝવેરબા તો ખરા જ, ઉપરાંત પોતાના સગાભાઈ કાશીભાઈ પણ એમની સાથે રહેતા હતા. એવામાં ખુદ વલ્લભભાઈને પ્લેગ લાગી ગયો, કારણ કે તેમને કોર્ટના મિત્ર અને નાઝરના એકના એક દીકરાને થયેલા ભયંકર પ્લેગની સારવાર પોતાના હાથે કરી હતી.
આ સમયે વલ્લભભાઈએ પરિવારના સૌની સલામતી માટે કાશીભાઈને વતન ઘર કરમસદ મોકલી દીધા. અચાનક ઉતાવળે અને ફરજિયાતપણે, ઝવેરબાને એ વખતે પ્લેગમાં સપડાઈ ચૂકેલા પતિને આ રીતે એકલા મૂકીને જવાનો કચવાટ હશે, ચિંતા હશે, નામરજી પણ હશે જ. તોય નરમ પ્રકૃતિના પતિપરાયણ ઝવેરબા મૂંગે મોએં પિયર જતા રહ્યા હતા, અને છએક મહિના પછી જ્યારે પ્લેગનું જોર ઓછું થયું ત્યારે ગોધરા પાછા વળ્યાં હતા.
એક તો ૧૭ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હોવા છતાં, છેક ૨૫ વર્ષ સુધી પત્નીનો વિયોગ. બીજું તે ગોધરામાં લગ્નજીવન શરૂ થયા પછી પ્લેગને કારણે પિયર ગયેલાં પત્નીનો વિરહ, તેમાં વળી બોરસદ મધ્યે શાંત પ્રવાહમાં ચાલતા લગ્નજીવનમાં ત્રીજી વખત મોટું ભંગાણ આવ્યું, અને અઢી વર્ષ સુધી ઝવેરબાને પિયરના ગાના ગામે રહેવું પડયું હતું.
એનું કારણ હતું દેરાણી-જેઠાણી વચ્ચેનો ગૃહકંકાસ. ન-છૂટકે વલ્લભએ ઈ.સ.૧૯૦૬ના આરંભના મહિનાઓમાં ઝવેરબાને પિયર ધકેલવા પડયા હતા. જેનો અંત અઢી વર્ષ પછી, ઈ.સ.૧૯૦૮માં ઓગસ્ટ મહિનામાં આવ્યો. પહેલી તરફ ઇંગ્લેન્ડથી પરત ફરેલા વિઠ્ઠલભાઈએ મુંબઈમાં વકીલાત શરૂ કરી, એટલે તેમના પત્ની દિવાળીબા બોરસદનું વલ્લભભાઈનું ઘર છોડીને મુંબઈ રહેવા ગયા. અને આ તરફ પરાણે, ચુમઈને પિયરમાં રહેતા ઝવેરબા પાછા પતિગૃહે આવી પહોંચ્યા.
પણ, વિધિની વક્રતાએ વલ્લભભાઈના લગ્નજીવન ઉપર જાણે કે પહેલેથી કરડી નજર બાંધી રાખી હતી. એક તો ઈ.સ.૧૮૯૨માં લગ્ન થઈ ગયા હોવા છતાં, છેક ગોધરા નિવાસ સુધી પત્ની સહવાસની રાહ જોવી પડી. વળી ગોધરા મધ્યે માંડ શરૂ થયેલા લગ્નસહવાસમાં પ્લેગને કારણે ભંગ પડયો, અને ઝવેરબાને પિયર રહેવા જવું પડયું, અને ત્રીજી વખત બોરસદમાં વિઠ્ઠલભાઈના ઇંગ્લેન્ડ જવાથી જેઠાણી દિવાળીબા સાથેના ગૃહકંકાસને કારણે, ઈ.સ.૧૯૦૬ના આરંભના મહિનાઓમાં ઝવેરબાને બાળકો સાથે અઢી વર્ષનો પિયરવાસ ભોગવવો પડયો.
વલ્લભભાઈના ઘરસંસારમાં ચાર આટલા વિઘ્નો પછી પણ શાંતપ્રવાહની આશા તો ઠગારી જ નીવડી હતી. બોરસદમાં પાછા આવેલા ઝવેરબાને કુદરતે માંડ છએક મહિનાની શાંતિ આપી, અને વળી પાછી એક કારમી, ક્રૂર, કાળી લપડાક મારા, જે આખરી અને અસહ્ય હતી. વળી પાછી એવી ઘટનાઓ ઘટી જે તેમના લગ્નજીવનના ભંગાણ પાડનારી હતી. વળી પાછી આવી પડેલી પરિસ્થિતિએ ઝવેરબા અને વલ્લભભાઈના સહજીવનમાં મોટી તિરાડ પાડી. પણ, કમનસીબે આ તિરાડ કાયમી રહી.


