- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- આર્થિક તંગીના કારણે સુરેશને બોક્સિંગ છોડવી પડી, પણ પુત્ર વિશ્વનાથ યુુથ કેટેગરીમાં વર્લ્ડ અને એશિયન ચેમ્પિયન બન્યા બાદ હવે સિનિયર કેટેગરીમાં રિંગ ગજવી રહ્યો છે
જે વ્યક્તિ પરિસ્થિતિને તાબે થયા વિના સ્વપ્નને પામવાનો સંઘર્ષ જારી રાખે છે, તે ક્યારેય સિદ્ધિથી વંચિત રહી જતો નથી. પરિસ્થિતિ ભાગ્યને આધીન છે, પણ ભવિષ્યનું ઘડતર તો વ્યક્તિના પોતાના હાથમાં છે. જેમ દરેક સફળતાની પાછળ હજારો નિષ્ફળ પ્રયાસોનો એક આખો સિલસિલો છુપાયેલો હોય છે, તેવી જ રીતે દરેક ચેમ્પિયન ચહેરાની પાછળ તેનો ખુદનો અવિરત સઘર્ષ અને અધુરા રહી ગયેલા સ્વપ્નને સાકાર કરવા પ્રયાસ કરનારા વ્યક્તિઓનો અડગ સાથ પણ છુપાયેલો હોય છે. જેઓ પોતાની સફરના સંઘર્ષ અને અનુભવને સહારે યોગ્ય દિશાનું માર્ગદર્શન આપતા રહે છે અને તેના થકી જ નવીન ઊંચાઈઓેને હાંસલ કરી શકાય છે.
ભારતીય બોક્સિંગમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલા ગુમાનામીના અંધકારમાં નવા કિરણ તરીકે ૨૧ વર્ષનો વિશ્વનાથ સુરેશ ઉભરી આવ્યો છે. ચેન્નઈમાં જન્મેલા વિશ્વનાથે તેના નામ પ્રમાણેની જ પ્રતિભાનો ચમકારો દેખાડતાં મોંગોલિયાના ઉલાનબાતારમાં યોજાયેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૫૦ કિગ્રા વજન વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ ધરાવતા કઝાખસ્તાનના સાન્ઝહાર તાસ્કેનબાયને મહાત આપી હતી. વિશ્વનાથે તેના પાવરફૂલ પંચનો વરસાદ વરસાવતા વર્લ્ડ ચેમ્પિયન બોક્સરને પીછેહઠ કરવા માટે મજબૂર કર્યો હતો અને તેે ૫-૦થી એકતરફી જીત હાંસલ કરી હતી. આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં હજુ ડગ માંડી રહેેલા વિશ્વનાથની આ પ્રભાવશાળી જીતની દુનિયાભરમાં નોંધ લેવાઈ છે.
વિશ્વનાથે એશિયન ચેમ્પિયનશિપમાં સફળતાના સિલસિલા સાથે ખળભળાટ મચાવતા આગામી સમયમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ઈરાદો પણ સ્પષ્ટ કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ જગતમાં જુનિયર અને યુથ કેટેગરીમાં એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક વિજેતા તરીકેની સિદ્ધિ મેળવી ચૂકેલા વિશ્વનાથની વરસોની મહેનત અને સંઘર્ષ હવે રંગ લાવી રહી છે. બોક્સિંગ રિંગમાં આગવી ઝડપ અને હરિફ ખેલાડીને હંફાવવા માટેનું અસરકારક ફૂટવર્ક વિશ્વનાથની સફળતાના પાયામાં રહેલા છે. તેના થકી જ તેણે ભારતીય બોક્સિંગ જગતમાં આગવી નામના હાંસલ કરી છે.
મોંગોલિયામાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ શરુ થઈ ત્યારે વિશ્વનાથની કોઈ વિશેષ ઓળખ નહતી. ભારતીય બોક્સિંગમાં પણ વિશ્વનાથની પ્રતિભાને આગવું મહત્વ મળ્યું નહતુ. આમ પણ, છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા બોક્સિંગમાં લવલીના બોર્ગોહેન તેમજ નિખત ઝરીન સહિતની મહિલા બોક્સિરો જ મીડિયામાં ચારેબાજુ છવાયેલી રહી છે. વળી, આંતરરાષ્ટ્રીય બોક્સિંગ જગતમાં ભારતીય પુરુષ બોક્સરોનું પ્રદર્શન પણ ખાસ ઉત્સાહજનક રહ્યું નહતુ. જોકે વિશ્વનાથ અને સચિન સિવાચે એશિયન બોક્સિંગમાં મેળવેલી સફળતાથી ભારતીય પુરુષ બોક્સિંગમાં નવું જોમ રેડયું છે.
ચેન્નઈના પેરામ્બુરમાં વસતા પરિવારમાં જન્મેલા વિશ્વનાથેની કારકિર્દીનો પ્રારંભ ૪૮ કિગ્રાવજન વર્ગમાં થયો હતો. રાષ્ટ્રીય સ્તરની જુનિયર સ્પર્ધામાં મેળવેલી સફળતાના પગલે તેની પસંદગી ભારતીય ટીમમાં થઈ હતી. વિશ્વનાથે ૨૦૧૮ની એશિયન જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ સફળતા મેળવતા સૌપ્રથમ વખત તેની પ્રતિભાનો ચમકારો દેખાડયો હતો અને તે પછી એશિયન યુથ ચેમ્પિયનશિપમાં તેણે ફાઈનલ સુધીની સફર ખેડી હતી અને આખરે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. આ પછી તેણે યુથ બોક્સિંગમાં ૪૮ કિગ્રામાં ફિલિપાઈન્સના રોનેલ સુર્યામને પછડાટ આપીને એજ ગુ્રપમાં વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો. યુવા વયની વૈશ્વિક સફળતાના કારણે દેેશના ઉભરતા બોક્સરોમાં તેને સ્થાન મળ્યું અને તેને વધુ સારી તાલીમ અને ડાયેટ પણ મળવા માંડયા જેના કારણે તેની પ્રતિભામાં દિન-પ્રતિદિન નિખાર આવતો ગયો. વળી, તેના ચંદ્રકોની ચમકથી પરિવારની ફરતે ઘેરાયેલું ગરીબીનું અંધારું તો ક્યારે દૂર થઈ ગયુ તેની ખબર પર ન પડી. બોક્સિંગ જગતમાં ભારતના નવા ચહેરા તરીકેની ઓળખ ધરાવતા વિશ્વનાથની બોક્સિંગ રિંગમાં ચેમ્પિયન બનવાની સફરની રાહ તો તેના પિતા સુરેશે પહેેલેથી જ નક્કી કરી રાખી હતી.
સુરેશ પોતે પણ એક સમયે અચ્છા બોક્સર હતા અને તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ સફળતા મેળવી ચૂક્યા હતા. જોકે તેઓ ક્યારેય બોક્સિંગમાં આગળ વધવાનું સ્વપ્ન સાકાર ન કરી શકાય. આર્થિક મુશ્કેલી અને પરિવારની જવાબદારીના કારણે સુરેશની સામે પોતાનું સ્વપ્ન સાકાર કરવાનો વિકલ્પ જ નહતો. પરિવારમાં સુરેશ જ સૌથી મોટો હતો અને તેની પાછળ ચાર બહેનોની જવાબદારી પણ હતી. આ કારણેે આખરે સુરેશને બોક્સિંગ ગ્લોવ્ઝ ઉતારીને હાથમાં કાતર અને સોય-દોરો લેવો પડયો.
જવાબદારીના નિર્વહન માટે પોતાના સ્વપ્નને હૃદયની અંદર જ ધરબી રાખનારા સુરેશના ઘરે પુત્રનો જન્મ થયો. આ સમયે સુરેશનું એ અધુરું રહેલું સ્વપ્ન ફરી તેની આંખોમાં સળવળી ઉઠયું. તેણે વિચાર્યું કે, જે હું ન કરી શક્યો, તે મારો પુત્ર કરી બતાવશેે. આ જ વિચાર સાથે તેણે વિશ્વનાથને બોક્સિંગ તરફ વાળ્યો. માત્ર પાંચ જ વર્ષની ઉંમરથી બોક્સિંગ ગ્લોવ્ઝ સાથે વિશ્વનાથના શરીરનું જાણેે અંગ બની ગયા હતા. પિતાના માર્ગદર્શનમાં બોક્સિંગની સખત પ્રેક્ટસ કરવી આસાન નહતી, પણ ધીરે ધીરે વિશ્વનાથનું મન પણ બોક્સિંગમાં લાગવા માંડયું.
સુરેશને તેના પુત્રમાં પોતાની જ છબી દેખાતી અને તેણે વિશ્વનાથને વધુને વધુ પડકારો માટે તૈયાર કર્યો. સુરેશ વિશ્વનાથને કોચિંગ આપવાની સાથે સાથે વિવિધ પ્રકારની ફિટનેસની તાલીમ પણ આપતો. તેની સાથે સાથે મહાન બોક્સિરોની જીવન કથાઓ અને સંઘર્ષ ગાથાઓ પણ સંભળાવતો. આમ નાનકડા વિશ્વનાથની જિંદગીમાં ચારેબાજુ બોક્સિંગનું એવું વિશ્વ ખડું થઈ ગયું કે, દરેક વેળાએ વિશ્વનાથના મનમાં બોક્સિંગ જ ચાલતી રહેતી. આખા દિવસના દરજીકામ પછી મોડી સાંજે સુરેશને તાલીમ માટેનો સમય મળતો. વધુમાં મર્યાદિત આવકના કારણે તે વિશ્વનાથને ઉચ્ચ સ્તરની તાલીમ તો અપાવી શકતો નહતો.
પિતાની સખત મહેનતના કારણે વિશ્વનાથની આંખોમાં પણ વિશ્વ ભરમા છવાઈ જનારા બોકસર બનવાનું સ્વપ્ન ધબકવા માંડયું. સુરેશે વિશ્વનાથને બેંગલુરુની બોક્સિંગ કલબમાં સ્થાન મળે તે માટે પ્રયાસો કર્યા. જોકે, અપુરતા પોષણના કારણે કિશોરાવસ્થામાં વિશ્વજીતનો બાંધો થોડો નબળો હતો અને કારણે તેની પસંદગી ન થઈ શકી. આમ છતાં સુરેશ અને વિશ્વનાથે હિંમત ન હારી. આ દરમિયાન સુરેશનું ધ્યાન પૂણે સ્થિત આર્મીના સ્પોર્ટ્સ સંસ્થાન દ્વારા યોજાનારી ટ્રાયલ્સ પર પડયું.
સુરેશે પૂણે તો જોયું નહતુ. વળી, ટ્રાયલ્સ એક સપ્તાહ ચાલવાની હતી આ કારણે ત્યાં રોકાણ પણ કરવું પડે તેમ હતુ. સુરેશે આ સમયે એક સપ્તાહ દુકાન બંધ કરીને પુત્રની સાથે ટ્રાયલ્સમાં જવાનું નક્કી કર્યું. આ માટે તેને નાનકડી લોન પણ લેવી પડી. પૂણેમાં આર્મી સ્પોર્ટ્સ સંસ્થાનની પસંદગી ટ્રાયલ્સમાં ભારતભરમાંથી ૧૫૦૦ યુવા બોક્સરો આવ્યા હતા અને માત્ર છ જ સ્થાન માટે સ્પર્ધા હતી. વિશ્વનાથની ઉંચાઈ ઓછી હતી, જેના કારણે તેને શરુઆતમાં જ બહાર કરી દેવામાં આવે તેવો ભય હતો, પણ ત્યાંના કોચીસે બધાને
પુરતો ન્યાય આપ્યો અને વિશ્વજીતે બોક્સિંગ રિંગમાં ખળભળાટ મચાવતા તેના કરતાં મજબુત બાંધાના અને ઊંચાઈ ધરાવતા હરિફોને પણ પછાડયા અને આખરે તેની પસંદગી થઈ ગઈ.
વિશ્વજીતની જિંદગીનો આ એક મોટો વળાંક હતો. હવે તેને ભારતના ટોચના કોચિંસનું માર્ગદર્શન મળવા માંડયું. તેની સાથે સાથે તેના પરનું આર્થિક ભારણ પણ ઓછું થયું. તેને આર્મીના કડક અનુશાસનનું પાલન કરવું પડતું, પણ સ્વપ્નને પામવા માટે મક્કમ ઈરાદો ધરાવતા વ્યક્તિ માટે ગમે તેટલી કપરી પરિસ્થિતિ પણ આસાન બની જતી હોય છે.
આર્મી સ્પોર્ટસ્ સંસ્થાનમાં વૈજ્ઞાનિક ઢબની તાલીમ અને યોગ્ય પોષણયુક્ત આહારના કારણે વિશ્વજીતનંર એક મજબુત બોક્સર તરીકે ઘડતર થયું અને તેણે રાષ્ટ્રીય સ્પર્ધામાં શાનદાર દેખાવ કરતાં ભારતની જુનિયર ટીમ તરફથી એશિયન અને વર્લ્ડ ચેમ્પિયશિપમાં પણ ચંદ્રકો જીતીને નવો ઈતિહાસ રચી દીધો. હવે એશિયન ચેમ્પિયનશિપમાં વિશ્વના ટોચના બોક્સરો સામે સફળતા મેળવી ચૂકેલા વિશ્વજીતની નજર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સાથે સાથે આગામી ઓલિમ્પિક પર પણ મંડાયેલી છે.


