- આજકાલ-પ્રીતિ શાહ
- સતીશકુમાર હસતાં હસતાં કહે છે કે તે ગોરિલા છે બજારમાં જ્યાં વ્યવસાયની તક દેખાય ત્યાં છાપો મારે છે
ત મિલનાડુના ઈરોડ જિલ્લામાં પેરુંદુરઈ નામના શહેરમાં સતીશકુમારનો પરિવાર રહેતો હતો. તેના પિતા અને કાકા દૂધનો વ્યવસાય કરતા હતા. પશુપાલકો પાસેથી દૂધ ખરીદતા હતા અને તેને ઠંડુ કરીને આશરે ત્રણ હજાર લીટર દૂધ કેનમાં ભરીને બઁગલુરુ વેચતા હતા. બઁગલુરુ પહોંચતા સુધીમાં દૂધ ક્યારેક બગડી જતું. આ વ્યવસાયમાં નુકસાન થવાથી તેના કાકાએ ૧૯૯૦માં આ વ્યવસાય છોડી દીધો અને એ પછી એના પિતાએ પણ ૧૯૯૨માં વ્યવસાય બંધ કરી દીધો. આ સમયે સતીશની ઉંમર સોળ વર્ષની હતી. તેણે પોતાનો અભ્યાસ છોડીને દૂધનો વ્યવસાય સંભાળ્યો. તેણે વિચાર કર્યો કે આ વ્યવસાયમાં નુકસાન થયું તેનું કારણ શું? તેણે જોયું કે દૂધ રાખવાનું યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, તેથી દૂધ બગડી જતું હતું.
સતીશકુમારે બઁગલુરુ જઈને વેપારીઓ પાસેથી વધુ જાણકારી મેળવી. તેણે જોયું કે વેપારીઓ દૂધ ખરીદીને પનીર બનાવે છે અને પનીર વેચે છે. જો દૂધ ખરીદીને દૂધ વેચે તો તેમાં ખાસ નફો ન મળે, પણ દૂધમાંથી પનીર, ઘી જેવી વસ્તુઓ બનાવીને વેચવાથી બે-ત્રણ ગણો નફો મળે છે. તેમણે એ પણ વિચાર્યું કે દૂધની સેલ્ફ લાઈફ બહુ ટૂંકી હોય છે. જ્યારે પનીરમાં એવું બનતું નથી. સતીશકુમારે પનીર બનાવીને વેચવાનું નક્કી કર્યું, પરંતુ એણે કોઈ દિવસ પનીર બનાવ્યું નહોતું. તે સમયે તો ગૂગલ કે ઇન્ટરનેટ નહોતું કે તેમાં જોઈને માર્ગદર્શન મેળવી શકાય, તેથી તેમણે પનીર બનાવવા માટે પ્રયોગો શરૂ કર્યા. તેમણે દૂધને ઉકાળીને તેમાં વિનેગાર નાખ્યો તેથી દૂધ ફાટી ગયું અને પનીર નીકળ્યું, પરંતુ તે પનીરનો સ્વાદ અને દેખાવ તેમને પસંદ ન પડયાં.
સ્વાદ અને ટેક્સ્ચર પસંદ ન પડયા ત્યાં સુધી તેમણે પનીર બનાવવાની પ્રક્રિયામાં પ્રયોગો કર્યા. ૧૯૯૩માં તેઓ દસ કિલો પનીર બનાવીને બઁગલુરુ ગયા અને ત્યારબાદ થોડા જ સમયમાં તેઓ પચાસથી એકસો કિલો પનીર હોટલને વેચવા લાગ્યા. ૧૯૯૫ સુધીમાં તો એમણે દૂધ વેચવાનું બંધ કરીને પનીર પર જ ધ્યાન આપવા માંડયું. આ ગાળામાં ઉદારીકરણના માહોલને કારણે વૈશ્વિક બ્રાંડ ભારતમાં આવવા લાગી. તેમાં ન્યૂટ્રીશન અને ગુણવત્તા પર ભાર મૂકાતો તેથી લોકોમાં પણ જાગૃતિ આવી અને લોકો પ્રોટીન ફૂડ ખરીદવા લાગ્યા. ૧૯૯૮માં તેમણે પોતાની કંપનીનું નામ આપ્યું મિલ્કી મિસ્ટ. તે જ વર્ષે તેમણે પાંચ લાખ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું અને દસ લાખ રૂપિયાની લોન લીધી અને પનીર બનાવવાનું સેમિ ઓટોમેટેડ મશીન ખરીદ્યું.
તે સમયે આ ક્ષેત્ર સંગઠિત નહોતું. દરેક ખેડૂત પાસે બે-ત્રણ ગાય રહેતી. આવા હજારો ખેડૂતો હતા તેથી તેમને એકત્રિત કરીને ટૅક્નૉલૉજી અંગે જાગૃત કરવાનુું પણ મુશ્કેલ બને. બીજી એક સમસ્યા એ હતી કે તેમની સાથે એવી કોઈ સમજૂતી નહોતી, જેથી અન્ય જગ્યાએ ઊંચી કિંમત મળે તો ખેડૂતો તેમને દૂધ વેચી દેતા. આ સમસ્યાઓના નિવારણ માટે સૌથી પહેલાં તો તેમણે ખેડૂતોને એકઠા કરીને ફાર્મ અવેરનેસ પ્રોગ્રામ કર્યો. તેમાં તેમણે સમજાવ્યું કે પશુઓને કેવો ખોરાક ખવડાવવો જોઈએ અને ટૅક્નૉલૉજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. પશુઓની સંભાળ માટે મેડિકલ ટીમ ઊભી કરી, જે ઓછી કિંમતે તેમની સંભાળ લે.
તેમના પ્રયત્નોથી દૂધ તો મળવા લાગ્યું, પરંતુ હવેનું કામ તેના વેચાણનું હતું. તેમણે ફાઈવ સ્ટાર હૉટલનો સંપર્ક સાધ્યો, કારણ કે તેઓ પનીરની ગુણવત્તા અંગે કડક વલણ અપનાવતા હોય છે. લાંબા ગાળાનો વિચાર કરીને તેમણે છૂટક વેચાણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. જે લોકો પનીર વેચતા હતા, તે સ્થાનિક દુકાનોમાં રેફ્રીજરેટર નહોતા, તેથી પનીર બગડી જતું હતું. તેથી સતીશકુમારે સ્થાનિક દુકાનો માટે વીસ હજાર ચીલર ખરીદ્યા અને દુકાનોમાં ગોઠવ્યા. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ટ્રકમાં ચીલર ટૅક્નૉલૉજી હતી, પરંતુ લાંબા અંતરે જતા તેઓ ચીલર બંધ કરી દેતા હતા. આનો કોઈ ઉપાય ન જડવાથી તેમણે યોગ્ય કુલીંગવાળા પોતાના ટ્રક ખરીદ્યા અને તેમાં ડેરીનાં ઉત્પાદનો તેઓ મોકલવા લાગ્યા. ચેન્નાઈ, બઁગલુરુ અને કોઈમ્બતૂરમાં તેમનાં ઉત્પાદનો વેચાવા લાગ્યા. ૨૦૦૮માં તેમની પાસે શ્રેષ્ઠ કોલ્ડ સ્ટોરેજ લોજિસ્ટિક સિસ્ટમ હતી. ૨૦૧૦માં ટેલિવિઝન પર પ્રથમવાર મિલ્કી મિસ્ટની કમર્શિયલ જાહેરખબર પ્રસારિત થઈ. ૨૦૧૫માં કંપનીનું ટર્નઓવર ૧૨૦ કરોડ હતું, જે આજે ત્રેવીસ સો કરોડ છે. આજે તેઓ ત્રણસોથી વધારે ડેરી અને અન્ય પ્રોડક્ટ બનાવે છે. દરરોજ સાઠ મેટ્રિક ટન પનીરનું ઉત્પાદન કરે છે અને સાઠ હજારથી વધુ ખેડૂતો તેમની સાથે કામ કરે છે. આઇસક્રીમ, ડાર્ક ચોકલેટ, શીખંડ, મિલ્ક શેક, દહીં જેવી ડેરી પ્રોડક્ટ ઉપરાંત રેડી ટુ કૂક પિત્ઝા અને ડિઝર્ટ, ઘઉંની રોટલી, ઈડિયાપ્પમ પાથિરી પોડી, વર્મિસેલી પાયસમ મિક્ષ જેવાં અનેક ઉત્પાદનોનું વેચાણ કરે છે. તેમના બધા પ્લાન્ટ ઓટોમેટેડ છે અને રોબોટ પેકિંગ કરે છે, ચોવીસ કલાક યુનિટ ચલાવવા માગે છે જે કર્મચારીઓથી શક્ય ન બને. સ્કૂલનો ડ્રોપ આઉટ વિદ્યાર્થી તેના પુરુષાર્થ, હિંમત અને કોઠાસૂઝથી કરોડોનો વ્યવસાય કરે છે. તેઓ હસતાં હસતાં કહે છે કે તે ગોરિલા છે બજારમાં જ્યાં વ્યવસાયની તક દેખાય ત્યાં છાપો મારે છે.
ગ્રેસીની પુરાણી ગ્રેસ
ગ્રેસી ઈલિઝાબેથને આનંદ એ વાતનો છે કે એમણે કેટલાક મિસ્ત્રી અને પોલીશ કરનારને આ કળા શીખવી
અ ત્યારના આધુનિક સમયમાં અદ્યતન ફ્લેટ, બંગલા કે ઑફિસોમાં છેલ્લી ઢબનું ફર્નિચર જોવા મળે છે. તેમાં કાચ, સ્ટીલ, લાકડું, પથ્થર - આ બધાનો આધુનિક રીતે ઉપયોગ કરવામાં આવેલો હોય છે. આવા ચમકદમકવાળા ફર્નિચરની વચ્ચે જૂના જમાનામાં લાકડાનું ફર્નિચર બનતું હતું તેવા ફનચરને પસંદ કરનારો પણ એક વર્ગ છે. બઁગલુરુમાં રહેતાં ગ્રેસી ઈલિઝાબેથ જૂના લાકડાના ફર્નિચરમાંથી સરસ ફર્નિચર બનાવે છે. ગ્રેસી ડિઝાઈન કન્સલ્ટન્ટ છે. તેમના વ્યવસાયમાં તેઓ બે બાબતોને મહત્ત્વનું ગણે છે - ટકાઉપણું અને જૂનું મટીરીયલ. ગ્રેસી દરેક સંસાધનનો મહત્તમ ઉપયોગ થાય તેવું વિચારે છે. તેઓ કહે છે કે તેઓ જ્યારે નાના હતા, ત્યારે ઘરમાં નવી વસ્તુ જલદી આવતી નહીં. તેમનાથી મોટા બે ભાઈઓ હતા તેમની સ્કૂલ બેગ હોય કે સાઇકલ તે જ તેમણે વાપરી છે. નાનપણથી જ એવા વાતાવરણમાં ઉછર્યા કે પાણી હોય, ભોજન હોય કે કપડાં હોય કે નાનામાં નાની વસ્તુ હોય, તેના પ્રત્યે હંમેશાં જાગૃતિ રાખવામાં આવતી. તેથી રીસાઇકલિંગનો વિચાર જીવનનો ભાગ બની ગયો છે.
૧૯૯૮માં પુડુચેરી ફરવા ગયા ત્યારે ઈસ્ટ કોસ્ટ રોડ ઉપર જૂનું ફર્નિચર વેચતી ઘણી દુકાનો જોવા મળી. ઢગલાબંધ ફર્નિચર ત્યાં પડયું હતું. કેટલીક વસ્તુઓ તેમને જોતા વેંત જ ગમી ગઈ અને તે તેમણે ખરીદી. ત્યાર પછી તો તેઓ પુડુચેરી અને કેરળના પ્રવાસે ગયા અને જૂના ફર્નિચરમાંથી ડિઝાઈન બનાવીને તેનો વ્યવસાય કરવાનું વિચાર્યું. ઘણા મિત્રો તેમના ઘરે આવતા ત્યારે તેમના ફર્નિચર વિશે પૂછપરછ કરતાં. આને કારણે તેમણે મિત્રો માટે પણ આવું ફર્નિચર ખરીદવાનું શરૂ કર્યું. કેટલાક મિત્રોએ તેમના ઘરનું ઈન્ટીરીયર કરવા વિનંતી કરી. ગ્રેસીએ પતિના મિત્રના એપાર્ટમેન્ટમાં સૌપ્રથમ પ્રોજેક્ટ શરૂ કર્યો. તેના માટે તે મિસ્ત્રીને લઈને પુડુચેરી ગઈ. ત્યાં જઈને મિસ્ત્રી જે રીતે લાકડા કાપવા માંડયા તે જોઈને ગ્રેસીના મનમાં ગભરાટ વ્યાપી ગયો. તેને થયું કે તેને શું જોઈએ છે તે આ લોકો સમજી શકશે ખરા? તેને સતત ચિંતા રહેતી. ગ્રેસીને થતું કે તે આ એપાર્ટમેન્ટનું કામ બરાબર કરી શકશે ? તેમને નહીં ગમે તો? પરંતુ ગ્રેસી ઈલિઝાબેથના આશ્ચર્ય વચ્ચે આ કામ કર્યા પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.
છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ વર્ષના માત્ર બે પ્રોજેક્ટ જ લે છે. ગ્રેસી ઈલિઝાબેથની ખ્યાતિ એટલી વધી ગઈ કે બઁગલુરુ, મૈસૂર, ધારવાડ કે બેલગાવીમાં કોઈ પણ જગ્યાએ જૂના બિલ્ડીંગ તોડવાના હોય તો ગ્રેસી ઈલિઝાબેથને જાણ કરે છે. આ બિલ્ડિંગોમાંથી લાકડાના બીમ, પિલર, ટેબલ, લાકડાના બૉક્સ, કબાટ જેવી વસ્તુઓ ગ્રેસી ખરીદે છે. આ બધું ફર્નિચર મોટેભાગે બર્માટીક, મેંગોવૂડ, જેકફ્રૂટ વૂડ, મટ્ટી વૂડ અને સારી ગુણવત્તાવાળા રોઝવૂડમાંથી બનેલું હોય છે. જો તેની સંભાળ લેવામાં આવે તો વર્ષો સુધી તેને કંઈ થતું નથી. આ લાકડામાંથી ફર્નિચર બનાવવું પડે છે. તેઓ જૂના બિલ્ડિંગના ફર્નિચરને ખરીદે છે ત્યારે સૌથી પહેલાં તેમાં નાખેલા ખીલા, સ્કૂ અને મિજાગરાને કાઢી લે છે અને પછી તેના પરના કલર કે પોલીશને પણ કાઢી નાખે છે. તે પછી તેને એકસરખું સપાટ લાકડા જેવું કરી દે છે.
ગ્રેસી મોટેભાગે મૅટ ફિનિશ પોલીશ પસંદ કરે છે, જેથી લાકડાનું પોતાનું કુદરતી ટેક્સ્ચર દેખાય. પોલીશ કર્યા પછી કોમ્પ્રેસર પમ્પથી તેના પર મેલેમાઇન પોલીશ કે પાતળી ફિલ્મ લગાડવામાં આવે છે, જેથી લાકડું કોઈપણ પ્રકારના હવામાનમાં સુરક્ષિત રહે. એક બહુ મોટું ન હોય તેવા ઘરનું ઈન્ટીરીયર કરતાં બેથી ત્રણ મહિના થાય છે, પરંતુ જો ચોમાસું હોય તો વધારે સમય લાગે છે. હવે જૂનું લાકડું બહુ ઝડપથી મળતું નથી, તેથી તેની કિંમત પણ વધુ હોય છે, તેથી ગ્રેસી તેમના ગ્રાહકને આ પ્રકારનું કામ શરૂ કરતાં પહેલાં બજારમાં ફરીને સર્વે કરવાનું કહે છે. કારણ કે રસોડામાં બ્રાન્ડેડ મોડયુલર કીચન અને જૂના લાકડામાંથી બનતું કીચન - આ બેની કિંમતમાં હવે ખાસ કોઈ ફેર રહ્યો નથી.
ગ્રેસી ઈલિઝાબેથ તેના કામ અને ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ કરતા નથી. જો કોઈ ગ્રાહકને ટૂંકાગાળામાં કામ કરાવવું હોય તો તે ના પાડી દે છે, તેનું કારણ એ છે કે જેવું લાકડું જોઈએ તેવું બજારમાં તે સમયે ઉપલબ્ધ હોય તેવું બનતું નથી. તેમણે આ કામ શરૂ કર્યું ત્યારે તેમને આ કામનો કોઈ અનુભવ નહોતો. એ સમયે ઑનલાઇન વીડિયો પણ ઉપલબ્ધ નહોતા. પરંતુ કામ કરતા કરતા ઘણું શીખ્યા. આમ પણ તેઓ પોતાની જાતને ડીઆઈવાય અર્થાત્ ડુ ઈટ યોરસેલ્ફની શ્રેણીમાં મૂકે છે. જોકે મિસ્ત્રી અને પોલીશ કરનારા લોકોએ એમને ઘણી મદદ કરી છે તેવું સ્વીકારે છે. તેમણે જેમનું કામ કર્યું છે તે લોકો આજે પણ તેમને યાદ કરે છે. પર્યાવરણવિદ્ બિટ્ટુ સહગલને પણ જૂનું લાકડું અપસાયકલ અને રીસાયકલ થાય છે તેનો આનંદ છે. તો તેમના અન્ય એક ગ્રાહક કહે છે કે જૂનું લાકડું એ કાંજીવરમ સિલ્કની સાડી જેવું છે, જેની ફેશન હંમેશાં રહે છે. ગ્રેસી ઈલિઝાબેથને આનંદ એ વાતનો છે કે એમણે કેટલાક મિસ્ત્રી અને પોલીશ કરનારને આ કળા શીખવી. સિન્થેટીક શાલને બદલે કાશ્મીરની પશ્મીના શાલ ખરીદવાનો જે આનંદ છે તેવો આનંદ ગ્રેસીને તેના ગ્રાહકોને ગુણવત્તાવાળું કામ આપવાથી થાય છે.


