- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- માનવી આજમાં જીવતો નથી, ગઈ કાલ પર જીવે છે. વળી હકીકત એ છે કે ગઈકાલમાં જીવી શકાતું નથી. જીવવું તો આજે અને અત્યારે પડે છે
- માનવીએ ઊભા કરેલ દુ:ખનું એક મોટું કારણ એના મન પરનો ભૂતકાળનો બોજ છે. ભૂતકાળથી એ સતત એટલો બધો ઘેરાયેલો રહે છે કે વર્તમાનનો વિચાર કરી શકતો નથી
ખ રેખર આપણે જીવનમાં જેને દુ:ખ કહીએ છીએ એને એના સાચા સ્વરૂપને ઓળખીએ છીએ ખરા ? ક્યારેક આ દુ:ખ આપણી કામનાઓમાંથી આવ્યું હોય, ક્યારેક એનું કારણ ભૂતકાળનો બોજ લઈને આપણે ફરતા હોઈએ તે હોય, ક્યારેક સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ હોય તો ક્યારેક કોઈ દુર્ગુણ ઘેરાઈ વળ્યો હોય અને એને કારણે વ્યક્તિ પારાવાર દુ:ખી થતો હોય છે.
માનવીએ ઊભા કરેલ દુ:ખનું એક મોટું કારણ એના મન પરનો ભૂતકાળનો બોજ છે. ભૂતકાળથી એ સતત એટલો બધો ઘેરાયેલો રહે છે કે વર્તમાનનો વિચાર કરી શકતો નથી. માનવી આજમાં જીવતો નથી, ગઈ કાલ પર જીવે છે. વળી હકીકત એ છે કે ગઈકાલમાં જીવી શકાતું નથી. જીવવું તો આજે અને અત્યારે પડે છે. ભૂતકાળના બોજની માફક ભવિષ્યની ફિકર એને જકડે છે અને ભવિષ્યનો સંદેહ એને પકડે છે.
એ જીવનમાં ય ભય પામે છે અને મરવામાં ય. એને આજિવિકા ગુમાવવાનો ભય છે. સમાજમાં ચાલતી ચોરી, લૂંટફાટ, હત્યામાં ફસાવાનો ભય છે. એને કુટુંબનો ભય છે. લોકમતનો ભય છે. સતત વસતો ભય એને દુ:ખી બનાવે છે અને વખત જતા એ ભય વજ્રલેખ બને છે. આપણે વર્તમાનને ઓળખવાનો છે. ભૂતકાળનો બોજ ઊતારીને અને ભવિષ્યની ફિકર અળગી કરીને વર્તમાન પર ઊભા રહેવાની જરૂ૨ છે. આમ થશે તો જે હકીકત વિના કારણે દુ:ખમાં પલટાઈ છે, જે ભ્રામક માન્યતાઓએ આપણને જકડી લીધા છે, જે ચિંતાઓએ આપણા જીવનના રસકસ હણી લીધા છે, તેને દૂર કરી શકીશું. તેનાથી દૂર જઈશું. પ્રસિદ્ધ ચિંતક જે. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં કહીએ તો 'ચાલો, આપણે વર્તમાનને મળીએ.'
આપણે મોટે ભાગે જીવનમાં કામનાઓથી દુ:ખ પામ્યા છીએ. આ કામના સદાય વણપૂરી રહે છે. અપેક્ષાઓ જ સઘળાં દુ:ખોની જનની છે. આપણી માગણી સાથે જ અતૃપ્તિની લાગણી જોડાયેલી છે. માત્ર ગરીબ દુ:ખી છે એવું નથી. અમીર પણ દુ:ખી છે. ગરીબ એ માટે સંતપ્ત છે કે એની આશા પૂરી નથી થઈ અને અમીર એ માટે દુ:ખી છે કે એની આશા તો પૂરી થઈ ગઈ છે, પણ વધુ પ્રાપ્તિની કામના વણછીપી છે.
અમીરનું દુ:ખ ગરીબથી વધુ ઊંડુ અને કારમું હોય છે. અમીર ગરીબ કરતાં વધુ દયાને પાત્ર છે. ગરીબ પાસે ઓછામાં ઓછી આશા તો છે જ, જ્યારે અમીરની તો સઘળી આશા મરી ચૂકી છે. ગરીબ વિચારે છે કે આજ નહીં તો કાલે પણ એક મકાન બનાવી લઈશું. જેથી સુખી થઈશું. આ આશાથી જ એ કામ કરે છે. આશાઓ એને ખેંચતી, જીવાડતી રહે છે.
આખું જગત આશાના તાંતણે બંધાયેલું છે, પરંતુ અમીર મહેલ બંધાવે છે પછી એને થાય છે કે હવે શું ? મહેલ બનાવતી વખતે જે આશાઓની ઇમારત બાંધી હતી તે તો કોઈ પૂરી થયેલી દેખાતી નથી.
આવી કામનાઓ સદાય આપણાં જીવનવૃક્ષના મૂળિયાં કાપતી રહે છે. સ્વામી રામતીર્થને જાપાનના પ્રવાસ દરમિયાન આશ્ચર્યજનક વૃક્ષો જોવા મળ્યા. આ વૃક્ષો ચીડ અને દેવદારના હતા, જે સામાન્ય રીતે જમીનથી ખૂબ ઊંચા હોય. જ્યારે અહીં તો એ વૃક્ષો જમીનથી માત્ર એક જ વેંત ઊંચા હતા. વળી નવાઈની વાત એ હતી કે આ વૃક્ષોને ઊગ્યે ૪૦૦- ૫૦૦ વર્ષ થયા હતા, છતાંય સાવ નાના રહ્યા હતા. સામાન્ય રીતે દેવદારનાં વૃક્ષ ઘણાં ઊંચા હોય છે જ્યારે અહીં તો આટલા બધા વર્ષો થયા હોવા છતાં જમીનથી એક વેંત જ ઊંચા હતા. સ્વામી રામતીર્થે આના રહસ્યની શોધ કરી. આ વૃક્ષના મુલાયમ પાંદડા કે કૂમળી કૂંપણોને કોઈ કશું કરતું નહોતું. માત્ર એના મૂળને સતત કાપ્યા કરતા હતા. વૃક્ષના મૂળ નીચે ન જાય એટલે વૃક્ષ ઉપર વધે નહીં. ભ્રમણાઓ અને કામનાઓ માનવીના જીવનને એવી રીતે કાપે છે કે એનો બાહ્ય વિકાસ થતો નથી.
એવી જ રીતે દુર્ગુણને વિશે એક વાત જાણી લેવી જોઈએ કે શુભ કરતા અશુભ વધુ આકર્ષક હોય છે. શુભને માટે માનવી પાસે દ્રઢ મનોબળ જોઈએ, સામનો કરવાની વૃત્તિ હોવી જોઈએ, જ્યારે અશુભને તો આમંત્રણ આપવાની જરૂર હોતી નથી એ તો સામે ચાલીને આવે છે. ગુણો કેળવવા પડે, દુર્ગુણોને માટે કોઈ કેળવણીની જરૂર હોતી નથી. વળી શુભ કરતાં અશુભ અર્થાત્ ગુણ કરતા દુર્ગુણ વધુ આકર્ષક ચહેરો ધરાવતા હોય છે. માનવી એના તરફ આસાનીથી દોડી જતો હોય છે અને પછી એ લલચાવનારા દુર્ગુણમાં કેદ થઈ જતો હોય છે.
આ સંદર્ભમાં એક મજાની કથા મળે છે. આ એ જમાનાની કથા છે કે જ્યારે અમાનુષી એવી ગુલામીની પ્રથા પ્રચલિત હતી. માણસને જાહે૨માં ગુલામ તરીકે ખરીદવા અને વેચવા માટે મોટું બજાર ભરાતું હતું. આ ગુલામો ૫૨ જાગીરદારો અમાનુષી ત્રાસ વર્તાવતા હતા. એમની પાસે કાળી મજૂરી કરાવતા હોવા છતાં પેટપૂરતું ખાવા ન આપે અને સહેજે આરામ પણ કરવા દે નહીં. વળી કોઈ ગુલામ થાકે કે લથડિયાં ખાય, તો એના પર ચાબુકના કોરડા વીંઝે. એક જાગીરદારે પોતાના ખેતરમાં કામ કરતા ગુલામો પર દેખરેખ રાખવા માટે એક વ્યક્તિની નિમણૂક કરી. એ વ્યક્તિ અત્યંત સજ્જન અને દયાળુ હોવાથી દુ:ખી ગુલામો સાથે સ્નેહભર્યો વર્તાવ કરતી હતી અને એમને સમયસર ભોજન આપતી હતી અને પૂરતો આરામ આપતી હતી.
એક દિવસ જાગીરદારે દેખરેખ રાખનારી સજ્જન વ્યક્તિને કહ્યું, 'જાવ, ખેતરમાં જઈને ઘઉંની વાવણી કરી આવો.'
એ ખેતરમાં જઈને ઘઉંની વાવણી કરીને પાછો આવ્યો, ત્યારે જાગીરદારે એને પૂછયું, 'ઘઉં તો બરાબર વાવ્યા છે ને ?'
સજ્જન વ્યક્તિએ કહ્યું, 'ખૂબ મહેનતથી વાવણી કરી છે. ચોક્કસ જવનો સરસ પાક થશે.'
ઉત્તર સાંભળી આશ્ચર્યમાં પડેલા જાગીરદારે ગુસ્સામાં પૂછયું, 'શું બકવાસ કરે છે. તું આટલો બધો બેવકૂફ છે એનો તો મને ખ્યાલ જ નહોતો. મેં તને ઘઉં વાવવા મોકલ્યો હતો, જો તેં ઘઉં વાવ્યા હોય, તો જવ ક્યાંથી ઊગે?'
આ સાંભળી એ વ્યક્તિએ કહ્યું, 'આપ સાચું જ કહો છો. જો મેં ઘઉં વાવ્યા હોય, તો જવ ક્યાંથી ઊગે. માણસ જેવું વાવે છે, તેવું લણે છે. તમે ગુલામો સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરો છો, પછી તમારા જીવનમાં કઈ રીતે સુખસમૃદ્ધિ આવે ? બીજાને દુ:ખ આપીને કોઈ સુખી કે સંતોષી બન્યું છે ખરું ?' સજ્જન માણસના શબ્દોની જાગીરદાર પર અસર થઈ અને એણે ગુલામો સાથે સારો વર્તાવ કરવા માંડયો.
'જેવું વાવે, તેવું લણે' એ ઉક્તિ આપણે જાણીએ છીએ, પરંતુ માનવી એ જાણતો હોવા છતાં શુભને બદલે અશુભ તરફ વળી જતો હોય છે. આપણા ગ્રંથોએ તો કહ્યું છે કે, 'દુર્ગુણી અસ્પૃશ્ય છે.' એનો અર્થ એ કે દુર્ગુણ ધરાવનારી વ્યક્તિઓથી હંમેશાં દૂર રહેવું. એનું કારણ એ છે કે વ્યક્તિ એક દુર્ગુણમાં સપડાય પછી એમાં કેદ થઈને વધુને વધુ દુર્ગુણોને નિમંત્રણ આપતો હોય છે. વળી એના મિત્રો અને સાથીઓ પણ એનો ભોગ બને છે.
જેમકે કોઈને દારુનું વ્યસન હોય, તો એ દારુ માટે પૈસા મેળવવા ચોરી કરે, એના ઘરમાં કલહ-કંકાસ થાય, એની પત્ની અને સંતાનોને મારઝૂડ કરે, દારુને કારણે એનું શરીર રોગિષ્ટ થતા કામ ન કરી શકે, દારુ પીને લથડિયાં ખાવા માંડે, ભાન ભૂલી જાય. આ રીતે એક દુર્ગુણ બીજા અનેક દુર્ગુણોને આકર્ષે છે. દુર્ગુણ લોહચુંબક જેવો છે, જે બીજા દુર્ગુણોને તમારા ત૨ફ આકર્ષે છે.
ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ સમાજમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે આંદોલન કરતા હતા. એક વાર એક મિત્રએ એમને ઊંચી જાતના દારુનો જામ ભરીને આપ્યો તો ડાયોજિનિસે એને બાજુની ગંદા પાણીની ડોલમાં ઠાલવી દીધો. મિત્ર ગુસ્સે થયો, ત્યારે ડાયોજિનિસે કહ્યું કે, 'મેં તો તારો દારુ ઢોળી દીધો, પરંતુ તું તો તારા દારુથી દારુ અને શરીર બંનેને બગાડે છે અને આમ દારુ ઉપરાંત શરીરનો નાશ કરનાર તો મહામૂર્ખ કહેવાય.'
આમ દુર્ગુણોથી માનવી એના જીવનમાં દુ:ખી બનાવે છે. હવે એ જ રીતે માનવીના જીવનમાં દુ:ખ લાવનારી બાબતોનું સાચું પૃથક્કરણ કરીશું.


