Get The App

જીવન એ જ્ઞાન નથી અનુભવ છે .

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
જીવન એ જ્ઞાન નથી અનુભવ છે                             . 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- મનને બધું સમજવું છે અને હૃદયને બધું પામવું છે- જીવવું છે પણ આ બન્ને વચ્ચે ક્યારેય સંવાદ નથી થતો.          

એ ક જ જ્યોતથી અસંખ્ય જ્યોત પ્રગટાવી શકાય છે. તેનાથી નથી મૂળ જ્યોતનો પ્રકાશ ઘટતો કે નથી તેની આયુષ્ય ઘટતી. આનંદનું પણ તેમ જ છે.

- તથાગત

અસ્તિત્વના પ્રારંભ વિશે વિશ્વની દરેક પ્રજામાં વિવિધ કથાઓ છે. યહુદીઓમાં આવી જ એક કથા છે. જીવનની ઉત્પત્તિ પૂર્વે પરમેશ્વર પાસે એક વિશાળ પાત્ર હતું જેમાં બેસુમાર પ્રકાશ હતો. એક વખત તે પાત્ર તૂટી પડયું અને તેમાંનો બધો પ્રકાશ તણખાં કે તિખારા સ્વરૂપે બ્રહ્માંડભરમાં વિખેરાઈ ગયો. અને આ જે તો પૃથ્વી પરનું બધું જીવન-ચૈતન્ય એટલે તે પ્રકાશમાંથી પ્રગટેલ તણખાં. આપણે સૌ પણ તે ઉજાસના જ અંશો છીએ અહીંનો જીવ માત્ર તે તણખાંનો સગોત્રી છે.

આપણે સૌએ-દરેકે એકમેકના જીવનમાં, ઉજાસમાં, ઉલ્લાસમાં સાથે ચાલવાનું છે અને સૌને   ચાલવા દેવાના છે. આપણી જીવનવિધિ કે સૂત્ર સરળ છે; જ્યારે પણ મારગમાં કોઈ મળે ત્યારે આપણે તેને આમ કહેવાનું છે  આવ, મારા ફાનસના ઉજાસમાં તું ચાલ, તારી મૈત્રીના ઉજાસમાં મને ચાલવા દે. ચાલ,  આપણી વાર્તા એકમેકને કહીએ  અને સાંભળીએ કારણકે મારી વાર્તામાં તું એક પાત્ર  છે, તારી વાર્તામાં હું પણ એક પાત્ર છું... ચાલ, આપણે એકમેકના સ્વપ્નો અને સ્મિત, સામાન અને સ્મૃતિ, વિચાર અને વેદના વહેંચીએ...

આપણે માત્ર માણસોની  જ નહીં પણ દરેકના જીવનની કથાનો એકાદ નાનકડો હિસ્સો છીએ. આપણે નદી તટે બેસીને તરતી માછલીને પણ કહેવાનું છે કે આવ, તારું કાવ્ય સંભળાવ, વનની ખિસકોલીઓને પણ પૂછવાનું છે કે તારું ચિત્ર ક્યાં છે?

કમનસીબે, આપણે માનવીય સંવેદનશીલતાને નબળાઈ ગણીએ છીએ. આપણો પ્રેમ તૂટે કે મા છૂટી જાય તો પણ રડતા નથી. આપણે સંવેદન કે વેદનને બાયપાસ કરીએ છીએ અને  બધિર બની જઈએ છીએ. આપણે જીવનને મન-બુદ્ધિ-તર્ક અહંના શિખરથી જોઈએ છીએ અને વિચારો કે તત્વજ્ઞાનના ચશ્માથી જોઈએ છીએ. મનને બધું સમજવું છે અને હૃદયને બધું પામવું છે-જીવવું છે પણ આ બન્ને વચ્ચે ક્યારેય સંવાદ નથી થતો. મન-બુદ્ધિને બચવું અને બચાવવું છે, સંતાવુ અને સાંચવવું છે. આખરે,  જીવન કોઈ જ્ઞાન નથી પણ અનુભવ છે. આપણે જીવનના ભાગીદાર છીએ, પત્રકાર નથી. આપણે જીવનતો શું ઋતુઓથી પણ બચીએ છીએ; વરસાદમાં રેઈનકોટ પહેરી લઈએ છીએ. જે છોડ ઋતુઓ  વેઠતો નથી તે પણ નબળો રહી જાય છે. પતંગિયું બનવું હોય તો કોશેટોની પીડા અને અંધકાર અનિવાર્ય છે. પૂનમ સુધીની જાતરાનો આરંભ અમાસથી તો  થાય છે. આપણું માનવીય સત્ય જીવનના અંતે મળતું નથી પણ પગલે-પગલે પામવાનું છે. એકાદ શબ્દ-વિચારને આવરણ બનાવીને જીવનને નિવારી કે અવગણી શકાય નહીં. અહીં બધું પામવાનો એક જ માર્ગ છે; વહેંચવું અને વહેંચાઈ જવું. હેલન કેલર માનવીય બનીને જીવવાની એક અનન્ય શૈલી શીખવે છે, 'ઉજાસમાં એકલા ચાલવા કરતાં અંધકારમાં મિત્રોનો હાથ પકડીને ચાલવું  બેહતર છે.'